વિલ પાવર અને સેલ્ફ કૉન્ફિડન્સ : બે ગેરસમજો
જીવનની અનેક સાદીસીધી સમજોને ગૂંચવી નાખવામાં આવી છે. ધર્મ, આત્મા, મોક્ષ, ઈશ્વર ઈત્યાદિ કન્સેપ્ટ્સ એટલી સહેલી અને સરળ છે કે તદ્દન સામાન્ય માણસ પણ સમજીને જીવનમાં ઉતારી શકે. પણ આ બધી કન્સેપ્ટ્સનું વિશ્લેષણ કરનારા પંડિતો, ચિંતકો, ચતુરોએ પોતાની વાણીની કે પોતાના લેખિત શબ્દોની જલેબીઓ પાડી પાડીને આ વિચારો એવા ગૂંચવી નાખ્યા કે આપણે કોઈને સારી ભાષામાં આ કન્સેપ્ટ્સ સમજાવીએ તો ભારેખમ, ન સમજાય એવી ભાષામાં સાંભળવા, વાંચવા માટે ટેવાઈ ગયેલા લોકો ઉલટાના તમને અભણ અને ગમાર ગણશે. આમ છતાં મેં તો આ કૉલમમાં તેમ જ અગાઉ પણ આ બધી કન્સેપ્ટ્સને ઘેરી વળેલી મિથ્સને તોડીને એની ઓરિજિનલ સાદગીને વાચકો સુધી મૂકવાનો પ્રયાસ કર્યો જ છે.
આજે બીજી બે કન્સેપ્ટ્સ એવી છે જેને મોટિવેશનલ સ્પીકર્સ કે પ્રેરણાત્મક લખાણોની પરબડીઓ ચલાવનારાઓએ એવી ગૂંચવી મારી છે કે કાચાપોચો તો એ રસ્તે ચાલવાની હિંમત જ ના કરે અને આ નવા બાબાગુરુઓની જમાતથી ઈમ્પ્રેસ થઈને એમનાં નામનાં મંજીરાં વગાડવા માંડે. એક વાત તમને કહી દઉં. ટ્રેડ સીક્રેટ છે. કોઈ પણ કન્સેપ્ટને તમે જેટલી વધારે ગૂંચવશો એટલી તમારી દુકાને ગિર્દી વધારે રહેવાની. એલોપથિક ઉપચાર કરનારા ડૉક્ટર-કન્સલ્ટન્ટોને ત્યાં તમે ભીડ જોઈ હશે. કુદરતી ઉપચાર કરનારા નેચરોપથીની અપોઈન્ટમેન્ટ લેવા માટે ફોન કરશો તો એ સામેથી પૂછશે : તમને ક્યારે ટાઈમ છે?
પણ શરીર માટે કયો ઉપચાર વધુ સારો તેની તમને ખબર છે.
એવું જ મન માટે છે. ગૂંચવણોની જલેબીઓ ખાવામાં તમને વધારે રસ હોય તો લેટ મી ટેલ યુ ફ્રેન્કલી, મારાં લખાણો તમારા જેવા વાચકો માટે નથી. એ બધી દુકાનોની બજારમાં મેં હાટડી નથી માંડી.
વિલ પાવર કેળવવો બહુ અઘરી ચીજ છે અને એ તો જેનામાં હોય તેનામાં હોય. રાઈટ? રોન્ગ. તમે વર્ષોથી સાંભળતા આવ્યા છો કે વિલ પાવર કંઈ બધામાં ન હોય અને વિલ પાવર મેળવવા માટે કે કેળવવા માટે ભારે મશક્કત કરવી પડે.
બે જ નાનકડી વાત તમારી સાથે શેર કરું. થોડા વખત પહેલાં મારે રાતોરાત એક કામ પૂરું કરવું જ પડે એમ હતું અને જો પૂરું ન થાય તો દુનિયા ઊંધીની ચત્તી થઈ જાય એમ હતું. પણ એ દિવસે, મારા રેગ્યુલર કામોમાંથી મને ફુરસદ મળે એમ નહોતું. સવારથી આખો દિવસ દરમ્યાન મેં તે દિવસના મારા કમિટમેન્ટના ત્રણ લેખો પૂરા કર્યા. સાંજની છ વાગ્યાની ડેડલાઈન જાળવીને અડધો કલાક આરામ કર્યા પછી હું પાછો સ્ટડીરૂમમાં ગયો. પેલું અરજન્ટ કામ શરૂ કર્યું. સાંડા સાડા છથી બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી નૉનસ્ટૉપ લખતો રહ્યો. કુલ 225 પાનાં લખ્યાં. વચ્ચે રાતનું લાઈટ ભોજન, મોડી રાતે દૂધ અને સવાર પછી બ્લેક ટી લેવા જેટલો સમય બાદ કરો તો અલમોસ્ટ પંદર કલાક સુધી એક જ ચેર પર, એક જ પોઝિસનમાં બેસીને કામ પૂરું કર્યું. એક મિનિટ પણ ઊંઘ નથી લીધી. છાપાંની લાઈનમાં નોકરી કરતી વખતે આવી ઘણી રાતોના ઉજાગરા કર્યા છે પણ તે વખતે તો ઉંમર પણ ઘણી નાની, વળી સામે બીજા ક્લીગ્સ હોય અને લેખનનું ઓછું-સંપાદનનું કામ વધુ હોય. મારા માટે પર્સનલી આ અનુભવ અચંબાજનક હતો.
તમે કહેશો કે શું વિલપાવર છે તમારો! હું કહીશ કે મારો વિલ પાવર છે જ નહીં. કારણ કે એવા કેટલાય દિવસો હું તમને ગણાવું કે મેં એ દિવસે ભરપૂર આળસ કરીને, જે લેખો લખવાના હોય તે લખવાને બદલે આરામ કર્યો હોય, નરી બેદરકારી દેખાડી હોય, એવા દિવસોમાં આ વિલ પાવર ક્યાં જતો રહે છે? જો ખરેખર તમારામાં વિલ પાવર હોય તો તમે ધારો ત્યારે, ધારો એટલું કામ કરી શકો. પણ એવું નથી થતું. શું કારણ એનું? તપાસીએ.
એ પહેલાં બીજી એક નાનકડી વાત કહી દઉં. દોઢેક વર્ષ પહેલાં મેં સિગરેટ છોડી. દાયકાઓ સુધી ખૂબ પીધી. સો દિવસ પૂરા થયા ત્યારે એક લખીને જાહેર કર્યું કે, સિગારેટ છોડવી અઘરી નથી. તે વખતે પણ લોકો કહેતા કે ગજબનો વિલ પાવર કહેવાય તમારો. ને હું કહેતો કે મારામાં એવો કોઈ વિલ પાવર છે જ નહીં. એવા કેટલાય દિવસો જતા હોય છે જ્યારે હું અકરાંતિયાની જેમ અપૌષ્ટિક ખોરાક પર તૂટી પડતો હોઉં છું. ખબર હોવા છતાં કે તબિયત માટે એ હાનિકારક છે. તે વખતે મારો વિલ પાવર ક્યાં જતો રહેતો હોય છે? જો મારામાં વિલ પાવર જેવું કંઈક હોય તો જેમ સિગરેટ છોડી એમ મારે તીખું-તળેલું-શ્યુગરી ફૂડ પણ ન ખાવું જોઈએ. જેમ સિગરેટ છોડવાની પ્રેરણા મને કોઈ ડૉક્ટરે કે કોઈ પ્રિયજને નહોતી આપી, મેં મારી મેળે જ છોડી, છોડવી પડે એવું હતું એવી પણ કોઈ પરિસ્થિતિ નહોતી, છતાં છોડી. તો ફૂડની બાબતમાં હું કેમ એવું નથી કરી શક્યો?
તો આ બે દાખલા. એક કામકાજને લગતો, બીજો સિગારેટ-ખોરાકને લગતો. આ બેઉ કિસ્સામાં એપરન્ટલી તમને વિલ પાવરની મહત્તા જણાય પણ એની સામે મૂકેલી મારી દલીલો વાંચીને તમને ખબર પડી ગઈ હોવી જોઈએ કે વિલ પાવર વિશે જે બઢાવી ચઢાવીને વાતો થાય છે તે નકામી છે.
વાત એકદમ સિમ્પલ છે. એક, તમને જો કોઈ કામ કરવાનું ગમતું હશે તો તમે એ કરવાના જ છો. કોઈપણ ભોગે કરવાના છો અને તમને જો કોઈ કામ કરવાનું નહીં ગમતું હોય તો બીજા લોકો તમને ગમે એટલાં ડફણાં મારશે, તમે નહીં જ કરો.
બે. કોઈ કામ કરવું તમારા માટે અનિવાર્ય છે એવું રિયલાઈઝ થશે ત્યારે જ તમે એ કામ કરશો અને એ જ કામ કરશો. બીજા કામ નહીં કરો.
ત્રણ, કોઈ તમારા પર દબાણ લાવે ત્યારે, કે તમારી નામરજી હોવા છતાં કોઈ તમારી પાસે અમુક કામ કરાવશે તો તમે અચૂક એમાં વેઠ ઉતારવાના અને પછી કેમ આ કામ ઠીકથી નથી થયું એવું પૂછવામાં આવશે ત્યારે તમે લાખ બહાનાં કાઢીને તમારી જવાબદારીમાંથી છટકી જવાના.
ચોથું. તમારામાં વિલ પાવર છે કે નહીં તે માપવાનું યંત્ર હજુ સુધી શોધાયું નથી અને શોધાવાનું પણ નથી. વિલ પાવર કોઈ કેળવવાની કે મેળવવાની ચીજ નથી. આ ઘડીએ મેં નક્કી કર્યું કે મારે આ લેખ અધૂરો મૂકીને મારા મૉર્નિંગ વૉક માટે જવું છે તો તમે આમાં મને વિલ પાવરવાળો કહેશો કે વિલ પાવર વગરનો ગણશો? લેખ પૂરો કરીને ડેડલાઈન પાળવી જ એટલે વિલપાવર નથી. પણ વૉક પર જવાનો નિયમ તોડવો નથી એવો વિલ પાવર છે. મતલબ કે તમારી પ્રાયોરિટી કઈ એ મુજબનું તમે વર્તન કરતા હો છો, તમારા તથાકથિત વિલ પાવર સાથે આને કોઈ લેવાદેવા નથી. (બાય ધ વે, આ લેખ ભરબપોરે લખાયો છે. વૉકનું ઉદાહરણ માત્ર કલ્પનાની નીપજ છે!)
પાંચમી વાત. ચાર દિવસ બદામ ખાઈ લેવાથી અક્કલ વધી જતી નથી, સ્મૃતિશક્તિ વધી જતી નથી. અઠવાડિયું દંડ પીલી નાખવાથી શરીર સ્નાયુબદ્ધ બની જતું નથી. વિલ પાવર કોઈ જડીબુટ્ટી નથી કે એક પ્રવચન સાંભળીને કે ચિંતનનું ચૂરણ ચાટીને તમારામાં આવી જાય. તમે તમારી જાતની આગળ કબૂલ કરો કે તમારી પ્રાયૉરિટી કઈ છે જીવનમાં, ત્યારે જ વિલ પાવર ભણીની તમારી જાત્રા શરૂ થાય. એ યાત્રા દરમ્યાન અનેક સ્ટેશનો આવતાં હોય છે, જ્યાં ઉતરી જવાનું તમને મન થશે. તમારે યાદ રાખવું પડશે કે તમે કયા સ્ટેશને જવાની ટિકિટ કઢાવી હતી. વચ્ચેનું કોઈ સ્ટેશન તમારા ડેસ્ટિનેશનના સ્ટેશન કરતાં વધારે ભવ્ય દેખાય તો ઊતરી પડવાની જરૂર નથી. અધૂરી યાત્રા તમને ક્યાંય નહીં લઈ જાય.
પણ આ વાત અહીં અધૂરી રાખવી પડશે. વધુ આવતા સોમવારે.
લાઈફ લાઈન
શાસ્ત્રોથી સ્વાતંત્ર્ય ન મળતું હોય તો વિલ પાવરથી મેળવવું જોઈએ.
એડોલ્ફ હિટલર
(લેખકની નોંધ : હકીકતમાં તો આ શબ્દો ગાંધીજીએ ઉચ્ચારવા જોઈએ!)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર