ઝેરોક્સ, કોડાક અને ટાઈમ્સ : કભી ખુશી, કભી ગમ

11 Jul, 2016
12:00 AM

સૌરભ શાહ

PC:

ટેન બેસ્ટ બિઝનેસ બુક્સ વિશેની સિરીઝમાં છેલ્લે એક એવા પુસ્તકની વાત કરવાની છે જેના માટે બિલ ગેટ્સે કહ્યું છે : 'ધ બેસ્ટ બિઝનેસ બુક આય હૅવ એવર રૅડ.'

'બિઝનેસ ઍડવેન્ચર્સ' નામના આ પુસ્તકના રાઈટર જ્હૉન બ્રુક્સ 1993માં ગુજરી ગયા. 73 વર્ષની ઉંમરે. અમેરિકાના 'ન્યુ યૉર્કર' મેગેઝિનના ફાઈનાન્શ્યલ જર્નલિસ્ટ તરીકે એમણે ખૂબ લખ્યું. આ પુસ્તકમાં વૉલ સ્ટ્રીટ પર ગાજેલી બાર કંપનીઓ/ઘટનાઓ/વ્યક્તિઓ વિશેનાં કુલ બાર ચેપ્ટર્સ છે.

સોલિડ ફાઉન્ડેશનવાળો સ્ટ્રોન્ગ બિઝનેસ કેવી રીતે કરવો અને બિઝનેસમાં નીતિમત્તા કેવી રીતે જાળવવી એની કોઈ ડાયરેક્ટ ટિપ્સ લેખકે આ પુસ્તકમાં નથી આપી છતાં આ બાર સ્ટોરીઝ વાંચીને તમને ઈન્ડાયરેક્ટલી આ અને આવી બીજી ઘણી બાબતોની પ્રેરણા મળતી રહે છે. ઈન રિયલ સેન્સ આ એક થૉટ પ્રોવોકિંગ પુસ્તક છે. બિલ ગેટ્સ ઉપરાંત વૉરન બફેટે પણ આ પુસ્તકને વખાણ્યું છે એટલું તમારી જાણ ખાતર. બિલ ગેટ્સ આ પુસ્તક વિશે લખતાં જણાવે છે કે, 'કોઈ પણ બિઝનેસ કરવામાં હ્યુમન ફેક્ટર ઘણું અગત્યનું હોય છે. તમારી પાસે પરફેક્ટ પ્રોડક્ટ હોય, પ્રોડકશન પ્લાન હોય, માર્કેટિંગ પિચ હોય એ પછી પણ તમને આ પ્લાન્સને અમલમાં મૂકવા માટે અને આખા પ્રોજેક્ટને લીડ કરવા માટે યોગ્ય માણસોની જરૂર પડવાની જ છે.'

પુસ્તકનું પાંચમું પ્રકરણ ઝેરોક્સ કંપની વિશે છે. ફોટો કોપીંગના ક્ષેત્રે લૅન્ડમાર્ક બની ગયેલી ક્રાંતિકારી કંપની ઝેરોક્સનું નામ આ ફિલ્ડમાં એટલું જાણીતું બની ગયું કે લોકોની જીભે 'આ કાગળની ફોટોકૉપી કરાવી લાવો'ની જગ્યાએ 'આની ઝેરોક્સ કરી નાખો' એવું જ બોલાતું થઈ ગયું. પછી તો જેમ 'અમુલની કૅડબરિ' બજારમાં વેચાતી થઈ એ રીતે 'કેનન વગેરે કંપનીનાં ઝેરોક્સ મશીનો' બજારમાં આવતાં થયાં. થોડાં વર્ષો પહેલાં ઝેરોક્સ કંપનીએ ભારત સહિત આખા વિશ્વમાં કરોડો રૂપિયાનો કેમ્પેઈન કરીને લોકજાગૃતિ કરવી પડી કે ભૈ, ઝેરોક્સ અમારી રજિસ્ટર્ડ કંપનીનું નામ છે. એનો દુરૂપયોગ ન કરો. દુકાનોની બહાર 'અહીં ઝેરોક્સ થાય છે' એવાં પાટિયાં લગાડીને તમે અમારા કૉપીરાઈટ અને ટ્રેડમાર્કનો દુરૂપયોગ કરો છો. તમારી દુકાન 'ઝેરોક્સ સેન્ટર' નથી, 'ફોટો કૉપી સેન્ટર' છે... આ કેમ્પેન પછી ઘણો મોટો ફરક પડ્યો. ઝેરોક્સ નામની કંપની છે એવી જાણ આમ જનતાને થઈ. જો કે, આમ છતાં આજની તારીખે (મારા સહિતના) ઘણા લોકોને કોઈ ડૉક્યુમેન્ટની ફોટો કૉપી કરાવવી હોય તો 'એની ઝેરોક્સ કરાવી લાવો' એવા જ શબ્દો એમના હોઠ પર આવી જાય છે.

જ્હૉન બ્રુક્સે ઝેરોક્સની સકસેસ સ્ટોરી બહુ રસપ્રદ રીતે આલેખી છે. એક વાત ધ્યાન રાખવાની કે કોઈપણ કંપનીની સફળતા નિષ્ફળતા માર્કેટના સંજોગો અને તે સમયની ગ્રાહકોની જરૂરિયાતો ઉપરાંત કંપનીના સંચાલકોની અેડપ્ટેબિલિટી પર રહેલી હોય છે. દાખલા તરીકે કોડાક કંપનીની એક જમાનામાં જગતભરમાં બોલબાલા હતી. હૉલિવુડ કે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફિલ્મો શૂટિંગ માટે કોડાકની ફિલ્મ વાપરતી. કરોડો લોકો પોતાના ફેમિલી ફોટોગ્રાફ્સ માટે કોડાકના રોલ્સ ખરીદતા. કોડાકના કેમેરા બીગિનર્સ માટે આદર્શ ગણાતા. બ્લેક એન્ડ વ્હાઈટમાંથી કલર ફિલ્મો આવી કે કલર ફોટા આવવા માંડ્યા ત્યાં સુધીનું ટ્રાન્ઝિશન કોડાકે સાચવી લીધું. ફ્યુજી વગેરે જપાનીઝ બ્રાન્ડસ કૉમ્પીટિશન કરવા માટે બજારમાં આવી તેનો પણ કોડાકે સક્સેસફુલી સામનો કર્યો. પણ 2000ની આસપાસના ગાળામાં, લગભગ બે દાયકા પહેલાં, ડિજિટલ કેમેરા આવ્યા ને કોડાકની પડતી શરૂ થઈ. એક જમાનો હતો જ્યારે કોડાકની અમેરિકાની ફેક્ટરીમાં જે કેમિકલ વેસ્ટેજ નીકળતો તે ખરીદીને આપણા ગુજરાતીભાઈ (કચ્છ-વાગડના) એમાંથી કિંમતી ધાતુ પ્રોસેસ કરીને કાઢતા જેમાં લાખો ડૉલરની કમાણી થતી ને અમેરિકામાં મોટા બંગલા-મોંઘી ગાડી વસાવતા. જે કંપનીના 'કચરા'માંથી એક ગુજરાતી કમાણી કરી શકતો તે કંપનીની પ્રોડક્ટસ ડિજિટલ કેમેરાના યુગમાં આઉટડેટેડ થવા માંડી. હૉલિવુડમાં (લોસ એન્જલસમાં) ઓસ્કાર અવોર્ડ સમારંભ જ્યાં થાય છે તે ભવ્ય થિયેટર નવું બન્યું ત્યારે વર્ષે લાખો ડૉલરની સ્પોન્સરશિપ આપીને કોડાક કંપનીએ એને પોતાનું નામ આપ્યું. પણ પછી એવા ઉડાઉ ખર્ચાઓ કરવાની ત્રેવડ રહી નહીં, કંપનીનું પોતાનું જ અસ્તિત્વ જોખમમાં હોય ત્યારે આવા ખર્ચા ક્યાંથી થાય. હવે એ થિયેટર કોડાકને બદલે ડોલ્બી (સાઉન્ડવાળા) થિયેટરના નામે ઓળખાય છે. જાન્યુઆરી 2012માં કોડાકે અમેરિકામાં બૅન્કરપ્સી પ્રોટેકશન માટે કોર્ટમાં ધા નાખવી પડી હતી. 2013માં કોડાકે જે પેટન્ટસના જોરે દાયકાઓ સુધી હજારો કરોડ ડૉલર્સનો ધંધો કર્યો હતો તે બધી પેટન્ટસ એપલ, ગૂગલ, ફેસબુક, એમેઝોન, માઈક્રોસોફ્ટ, સેમસંગ વગેરેને વેચવા માંડી અને 52 કરોડ ડૉલર્સ જેટલી રકમ ઊભી કરી અને દેવાળિયાની સ્થિતિમાંથી બહાર આવી. (પેટન્ટસ વેચી દેવા ઉપરાંત બીજા ઘણા ધંધા વેચી દેવા પડ્યા હતા. બૅન્કરપ્સી ટાળવા માટે). આજની તારીખે કંપનીનો ધંધો ઘણો મોટો છે - ડિજિટલ પ્રિન્ટિંગ મશીન વગેરેનો - પણ એ દબદબો હવે રહ્યો નથી. સાડા છ હજારનો સ્ટાફ હોવા છતાં કંપનીના વ્યાજ-ટેક્સ ચૂકવ્યા પહેલાંનો વાર્ષિક નફો માત્ર વીસ લાખ ડૉલર્સ છે.

કોડાક કરતાં ઊંધું ભારતના સૌથી મોટા મીડિયા હાઉસ 'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'ની બાબતમાં બન્યું. (અહીં આપણે એની જર્નલિસ્ટિક નીતિઓ વિશે વાત નથી કરતા, માત્ર બિઝનેસ વિશે વાત કરીએ છીએ.) 1977થી 1980ના ગાળામાં, કટોકટી પૂરી થઈ અને મોરારજી દેસાઈની જનતા સરકાર આવી એ ગાળા દરમિયાન, ભારતમાં મીડિયાના ધંધામાં સખત તેજી આવી. ઈન્ડિયા ટુડેથી લઈને કલકત્તાના આનંદ બઝાર ગ્રુપ સુધીના સૌ કોઈને એમાં જબરજસ્ત ફાયદો થયો. ઈન્ડિયન એક્સપ્રેસ પણ ઉંચકાયું. પણ 1980નો દાયકો ટાઈમ્સ ઑફ ઈન્ડિયા માટે પર્ટિક્યુલરલી ઘણો ખરાબ ગાળો રહ્યો. 1977ની આસપાસ મુંબઈમાં એમની પ્રેસમાં હડતાળ પડી ત્યારે એમના જ સંપાદક બિઝી બી (બહેરામ કૉન્ટ્રાક્ટર)ને લઈને રાઈવલ ઈવનિંગ્સ 'મિડ-ડે' શરૂ થયું ને એ એવું જામ્યું કે ટાઈમ્સે 'ઈવનિંગ ન્યૂઝ' બંધ કરી દેવું પડ્યું. ઊંચા દામે પ્રીતિશ નાન્દી જેવા હાઈપ્રોફાઈલ માણસને લાવીને પ્રતિષ્ઠિત 'ઇલસ્ટ્રેટેડ વીકલી'ને ઊંચકવાના ઘણા ધમપછાડા કર્યા પણ છેવટે 'ઈન્ડિયા ટુડે' (જે તો પખવાડિક હતું તે છતાં એની) સામે ટકી ન શક્યું ને બંધ કરી દેવું પડ્યું. ખોટ ઓછી કરવા ટાઈમ્સે 'ફિલ્મફેર' અને 'ફેમિના' સિવાયનાં તમામ મેગેઝિનો ('ધર્મયુગ', 'સારિકા', 'પરાગ' વગેરે તેમ જ ઈન્દ્રજાલ કૉમિક્સ જેમાં ફેન્ટમ, મેન્ડ્રેક, ફ્લેશ ગાર્ડનની ચિત્રવાર્તાઓ છપાતી અને અનેક ભારતીય ભાષાઓમાં તેનું પ્રકાશન થતું આ બધું જ) ઓવર અ પિરિયડ ઑફ વન ડિકેડ બંધ કરીને માત્ર ન્યૂઝ પેપરના, દૈનિક પ્રગટ કરવાના બિઝનેસ પર કોન્સન્ટ્રેટ કર્યું. એક વખત દૈનિકની દુનિયામાં ફરી એક વાર મજબૂત થઈ ગયા પછી (દિલ્હીમાં 'હિન્દુસ્તાન ટાઈમ્સ' અજેય ગણાતું. એને ય પછાડ્યું) ટાઈમ્સે મીડિયાનાં નવાં સ્વરૂપો પર નજર દોડાવી. ન્યૂઝ ચેનલોની દુનિયામાં સ્ટાર અને એનડીટીવી તથા ઝી વગેરેએ પગપેસારો કરીને પોતપોતાની વ્યુરશિપ એવી મજબૂત કરી દીધી હતી કે નવા આવનાર માટે કોઈ જગ્યા જ નથી એવું લાગતું એવા વાતાવરણમાં 'ટાઈમ્સ નાઉ' શરૂ થઈ ત્યારે એ ચેનલ હાસ્યાસ્પદ લાગતી, આજે એ નંબર વન છે. (આપણે એની કન્ટેન્ટની વાત નથી કરતા. કે અર્ણબ ગોસ્વામીની પ્રાઈમ ટાઈમની મચ્છી માર્કેટની પણ વાત નથી કરતા. વાત સમયસરના બિઝનેસ ડાયવર્સિફેશન તથા એક્સપાન્શનની છે.) 'ટાઈમ્સ નાઉ ઉપરાંત બીજી અડધો ડઝન કરતાં વધુ એન્ટરટેન્મેન્ટ ચેનલો શરૂ થઈ. આ ગાળા પહેલાં મ્યુઝિકના ધંધામાં 'ટાઈમ્સે' પ્રવેશ કર્યો અને એનું રિટેલિંગ પણ કરી જોયું - 'પ્લેનેટ એમ' દ્વારા. પણ ધૂમધામપૂર્વક શરૂ કરેલો આ ધંધો મ્યુઝિકમાં ડિજિટલ તથા પાયરસીને કારણે એક દાયકામાં બેસી ગયો. ટાઈમ્સે ફટાફટ 'પ્લેનેટ એમ'ના સ્ટોર્સ આટોપવા માંડ્યા. (છેલ્લે છેલ્લે અમારા પવઈમા વર્ષોથી ચાલતો 'પ્લેનેટ-એમ'નો હીરાનંદાનીમાં મોકાની જગ્યાએ આવેલો સ્ટોર જૂનમાં બંધ પડ્યો જેનું માસિક ભાડું જ રૂપિયા 14 લાખ હતું.) જે ડિજિટલ ક્રાન્તિએ ટાઈમ્સનો મ્યુઝિકનો ધંધો બંધ કરાવ્યો તે જ ડિજિટલ ક્ષેત્રમાં ટાઈમ્સે પોતાની વેબસાઈટ તથા 'ગાના' જેવી બીજી અનેક એપ્સ દ્વારા જબરજસ્ત ધંધો વધાર્યો. સાથોસાથ જર્નલિસ્ટિક એથિક્સને તડકે મૂકીને પેઈડ ન્યૂઝની બોલબાલા કરી.

'ટાઈમ્સ'ના એક જમાનાના ટૉચના મેનેજરે 'આઉટલૂક'ને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'બૉમ્બે ટાઈમ્સ' (એટલે કે 'અમદાવાદ ટાઈમ્સ', 'સૂરત ટાઈમ્સ' વગેરે) પૂર્તિની બધી જ વાચનસામગ્રી (તેમજ 'દેખનસામગ્રી') છાપવાના ટાઈમ્સ પૈસા લે છે. આટલું ઓછું હોય એમ અસંખ્ય સ્ટાર્ટઅપ્સમાં પોતાનો શેર રાખીને ટાઈમ્સ એને કમર્શ્યલી હેલ્પફુલ થાય છે (અર્થાત ન્યુઝ પેજીસમાં એને પ્રમોટ કરતી ન્યુઝ આયટમો છપાય છે.) ટૂંકમાં ટાઈમ્સે પોતાનું અસ્તિત્વ ટકાવવા અને બિઝનેસ વધારવા જે કંઈ કર્યું તે કરવામાં કોડાક નિષ્ફળ ગયું. આજે તમે જુઓ છો કે એક ભારતીય મીડિયા કંપની ક્યાં છે, અને પેલી અમેરિકન કંપની ક્યાં છે.

ઝેરોક્સ વિશેની જ્હૉન બ્રુક્સે લખેલી વાત જાણતાં પહેલાં આટલું બેકગ્રાઉન્ડર જરૂરી હતું. આવતા સોમવારે વાત.

લાઈફ લાઈન

બિઝનેસમાં તમારી કોઠાસૂઝ શું કહે છે તે સાંભળીને આગળ વધો અને પછી જે પરિણામ આવે એના માટે તૈયાર રહો.

- રિચર્ડ બ્રેન્સન

('વર્જિન' બ્રાન્ડનો કરોડપતિ માલિક)

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.