પોતાના માટે કોડિયું, બીજાના માટેની સર્ચલાઈટ
માણસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોઈ શકે, બિલ્ડર, સાહિત્યકાર, ઉદ્યોગપતિ, શિક્ષક - કોઈપણ હોઈ શકે. પણ એના મર્યા પછી બીજે દિવસે એની મૃત્યુનોંધ છપાય છે ત્યારે જ એની સાચી ઓળખ પ્રગટ થતી હોય છે. જિંદગી આખી પોતાના વ્યવસાયને કારણે ઓળખાતી રહેતી વ્યક્તિ મૃત્યુના ચોવીસ કલાકમાં જ હાલાઈ લોહાણા, વડનગરા નાગર, મોઢ વણિક કે વેજલપુર એકડા વિશા ખડાયતા બની જાય છે. જ્ઞાતિનું બંધન આસાનીથી છૂટતું નથી. જે આધુનિકો જ્ઞાતિ પ્રથામાં નથી માનતા તેઓ દશા લાયન્સ, વિશા રોટરી કે બાર ગામ જાયન્ટ્સ જેવી જ્ઞાતિઓ ઊભી કરીને પણ સમાજમાં, સમાજ સાથે, રહેવાની ઈચ્છા સંતોષે છે તે ગયા સોમવારે જોયું. લાયન્સ જેવી ક્લબો તેમ જ જિમખાના-ક્લબો જ્ઞાતિ સંસ્થાનું એક મૉડર્ન રૂપ છે. દરેકને પોતાની આસપાસ એક સર્કલની જરૂર હોય છે. પોતાનું સર્કલ બીજા સર્કલ સાથે છેદરેખા બનાવીને સ્પર્શે એવી દરેકને અપેક્ષા હોવાની.
આ અઠવાડિયે આ જ વિષયનું બીજું પાસું તપાસીએ - જ્ઞાતિપ્રથાનું પાસું.
જ્ઞાતિપ્રથાનું સૌથી મોટું દૂષણ શોષણ છે એવું સૈકાથી આપણે સાંભળતા આવ્યા છીએ, ક્યારેક અનુભવતા આવ્યા છીએ. પણ એ સમજવાની કોશિશ કરી ખરી કે આવું શોષણ તો જ્ઞાતિપ્રથા ન હોત તો અન્ય રીતે પણ થતું હોત? શોષણ કરવા માટે જ્ઞાતિ અનિવાર્ય નથી હોતી. જ્ઞાતિ હાથવગી હોવાથી શોષકો જ્ઞાતિનો ઉપયોગ કરે છે. જ્ઞાતિ જેવું કંઈ ન હોત તો શોષણ માટે કોઈક બીજું માધ્યમ શોધી કાઢવામાં આવ્યું હોત.
સંકુચિતતા જ્ઞાતિપ્રથા પરનો બીજો આરોપ છે. સંકુચિત બનવા માટે પણ જ્ઞાતિ અનિવાર્ય હોતી નથી. જ્ઞાતિની આડશ વિના પણ માણસ ધારે તે રીતે સંકુચિત બની શકતો હોય છે. સોસાયટીનાં મકાનોમાં પણ અમે ‘એ’ વિંગવાળા અને તમે ‘બી’ વિંગવાળા એટલે સૂક્ષ્મ પ્રાંતવાદ પ્રવેશી જતો હોય છે. જ્ઞાતિ અત્યાર સુધી દહેજ, અનામત, બાળલગ્ન જેવી પ્રથાઓ કે તથાકથિત પરંપરાઓ માટે હાથા તરીકે વપરાતી આવી છે. આધુનિક સમય સાથે મોટા ભાગના સમાજસુધારા જ્ઞાતિપ્રથાએ સ્વીકાર્યા. દહેજ જેવાં દૂષણો બાકી રહી ગયાં. દહેજ, જ્ઞાતિ પ્રથા કરતાં વધુ, માણસના લાલચુ સ્વભાવનું દૂષણ છે. જ્ઞાતિપ્રથા ન હોત તો માણસે દહેજ, વાંકડો કે દાવરી માટેના અવનવા ઉપાયો શોધી કાઢ્યા હોત.
જ્ઞાતિ પર આક્ષેપ મુકાતો હોય છે કે આ કપોળવાળા પોતાની જ જ્ઞાતિના લોકો માટે કામ કરે છે અને આ કચ્છી વિશા ઓશવાળ પોતાની જ્ઞાતિની બહારના લોકોને મદદ નથી કરતા વગેરે. આમાં ખોટું શું છે? રજનીશજીએ સ્વાર્થની કન્સેપ્ટ સમજાવતાં જે વાત કરી હતી તેને જ્ઞાતિપ્રથાના સંદર્ભમાં મૂકી શકાય. ઓશોએ કહ્યું કે આ દુનિયાની રીતરસમો બહુ ગૂંચવાડાભરી છે. એક જણ બીજાને મદદ કરે, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને અને એમ આખી દુનિયા એક બીજાને મદદ કરે તો સૌનું ભલું થાય એ વાત સાચી. પણ આટલી લાંબી સાંકળ સર્જીને એકદમ કૉમ્પલિકેટેડ સિસ્ટમ ઊભી કરવાને બદલે દરેક વ્યક્તિ માત્ર પોતાનું જ ભલું કરવાનું રાખે તો સરળતાથી દુનિયા આખીનું ભલું થઈ જાય. ડિટ્ટો જ્ઞાતિપ્રથાની બાબતે. દરેક જ્ઞાતિમંડળ પોતપોતાના જ્ઞાતિજનોને આરોગ્ય, રહેઠાણ, અભ્યાસ જેવી પાયાની જરૂરિયાતો માટે મદદરૂપ થાય એમાં ખોટું શું છે?
ખોટું માત્ર ત્યારે જ થાય જ્યારે જ્ઞાતિ વ્યક્તિના અંગત જીવનને કન્ટ્રોલ કરવાની ઈચ્છા ધરાવતી થઈ જાય. સંસ્થા મહાન છે, વ્યક્તિ નહીં એ સૂત્રને પગતળે કચડી નાખવું જોઈએ. દરેક વ્યક્તિ પોતાની રીતે આ વિશ્વનું એક સ્વતંત્ર એકમ છે. વ્યક્તિનું અંગત જીવન કંટ્રોલ કરવાની ઈચ્છા જ્ઞાતિઓએ ન રાખવી જોઈએ.
માણસ પોતાને સેટલ થઈ ગયેલો જુએ ત્યારે એનું ધ્યાન તરત જ પોતાની જ્ઞાતિ તરફ વળવું જોઈએ. એક જ્ઞાતિના મુખપત્રમાં અભ્યાસ માટે જેણે લોન લીધી હોય પણ વર્ષોની મુદત પછી પણ ભરપાઈ ન કરી હોય એવી વ્યક્તિની નામાવલિ લાલ પાનાં પર છપાય છે. લોનની રકમના હપતા અમુક હજાર રૂપિયાથી મોટી નથી હોતી. આટલી નાની રકમની વસૂલી માટે સમગ્ર જ્ઞાતિ સમક્ષ આ વ્યક્તિઓનું આ રીતે આડકતરું અપમાન ન કરવું જોઈએ એવું સૂચન થયું. લોનની પરત ન આવેલી રકમ અન્ય દાન દ્વારા સહેલાઈથી ભરપાઈ થઈ જાય એટલી સમૃદ્ધ જ્ઞાતિમાં છે. પણ પછી સૂચન કરનારને સમજાવવામાં આવ્યું કે મામુલી રકમ માટે પણ જેમણે જ્ઞાતિ પાસે લોન લેવી પડી છે એવી આર્થિક સ્થિતિ ધરાવતા લોકો ભણીગણીને મોટા પાંચ આંકડાના પગારો પાડતા થઈ જાય છે ત્યારે જ્ઞાતિનો ઉદ્દેશ રકમ પાછી મેળવવા કરતાં વધારે એમને એમની જવાબદારીનું ભાન કરાવવાનો હોય છે કે જે જ્ઞાતિએ તમને તમારા કપરા કાળમાં જિંદગીમાં ઉપર ચડવા માટેનું એક પગથિયું મૂકી આપ્યું તે જ્ઞાતિને, તમે સમૃદ્ધ થઈ ગયા પછી ભૂલી જાઓ તો કેવી રીતે ચાલે? લોનની રકમના બાકી હપતા જ નહીં, એના કરતાં અનેકગણી રકમ તમારે જ્ઞાતિના ફંડમાં આપવી જોઈએ જેથી ભવિષ્યમાં તમારા જેવા જ બીજા જ્ઞાતિજનોને મદદ મળતી રહે.
મોટા ભાગની જ્ઞાતિઓમાં બે વિરોધાભાસી ફરિયાદો સતત સંભળાતી હોય છે. એક તરફ કહેવત છે કે જ્ઞાતિ સંસ્થાઓની સમિતિઓમાં મોટા મોટા હોદ્દા માત્ર વડીલો-વૃદ્ધો જ પચાવી પાડે છે અને યુવાનોને આગળ આવવા દેતા નથી. સામે પક્ષે કેટલીક જગ્યાએ એવી પણ ફરિયાદ હોય છે કે જ્ઞાતિનું કામ કરવા યુવાન કાર્યકરો આગળ આવતા નથી. શક્ય છે કે આ બંને વાતો સાચી હોય, સમાજ હોય, જ્ઞાતિ હોય કે દેશ. ચારેકોર અંધારું ફેલાયેલું હોય ત્યારે રજનીશજીએ કહેલી વાત તો સાચી જ કે વ્યક્તિએ પોતાના માટે અજવાળું કરવું જોઈએ. કવયિત્રિ મહાદેવી વર્માની વાત પણ એટલી જ સાચી કે એણે સર્ચલાઈટ બનીને બાકીનાં અંધારાં પણ દૂર કરવાં જોઈએ.
લાઈફ લાઈન
આપણા વિચારોની સામ્યતામાંથી નહીં પણ આપસના મતભેદો જ આપણી તાકાત છે.
- સ્ટીફન આર. કોવી
(મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ)
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર