કૉપી અને નકલ નેગૅટિવ શબ્દો ગણાતા : ઝેરોક્સની બેકગ્રાઉન્ડ સ્ટોરી
બિલ ગેટ્સ અને વૉરન બફેટના પ્રિય પુસ્તક 'બિઝનેસ ઍડવેન્ચર્સ'માં લેખક જ્હૉન બ્રુક્સે ઝેરોક્સ કંપની વિશેની જે વાત લખી છે તે આપણે જોઈ રહ્યા છીએ - ટૉપ ટેન બિઝનેસ બુક્સની શ્રેણીના છેલ્લા પુસ્તક વિશેના લેખોમાં.
ઈ.સ. 1887માં અમેરિકાના શિકાગોમાં એ.બી. ડિક નામની કંપની હતી. એના માલિક મિસ્ટર ડિકને પોતાના ગ્રાહકો માટે પ્રાઈસ લિસ્ટની નકલ બનાવવાનો ભારે કંટાળો. મિસ્ટર ડિકે સાયક્લોસ્ટાઈલ મશીનની જેમ સ્ટેન્સિલ પરથી કૉપીઓ બનાવી આપે એવું મિમિયોગ્રાફ મશીન બનાવવાની નાકામિયાબ કોશિશ કરી પણ પછી ખુદ એના શોધક થોમસ અલ્વા એડિસન પાસેથી પેટન્ટ લઈને મશીનો બનાવ્યાં. (સાયક્લોસ્ટાઈલ મશીનો ભારતમાં પણ, ફોટોકૉપિંગ મશીનો આવ્યા તે પહેલાં, ઘણા પ્રચલિત હતા. મીણિયા કાગળ જેવા સ્ટેન્સિલ પર હાથથી લખીને કે ટાઈપ કરીને લખાણ લખવાનું. ટાઈપ કરવું હોય તો ટાઈપરાઈટરમાં રિબીન નાખવાની નહીં, ટાઈપ સીધો સ્ટેન્સિલ પર પછડાય અને એ અક્ષર 'કોતરાઈ' જાય. સ્કૂલની પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો આ જ રીતે સાઈક્લોસ્ટાઈલ થઈને આવતા અને એમાંના હસ્તાક્ષર પરથી ખબર પડી જતી કે કયા સર કે બહેને એ પેપર કાઢ્યું છે!)
એ.બી. ડિક કંપનીનાં મિમિયોગ્રાફનાં મશીનોને બજારમાં બહું સારો પ્રતિસાદ મળ્યો નહીં. ખુદ થોમસ અલ્વા એડિસનને પણ એ મશીનોના માર્કેટિંગનો સવાલ નડ્યો હતો. આ પુસ્તકના લેખક જ્હૉન બ્રુક્સે એ.બી.ડિક કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ સી. મેથ્યુ ડિક જુનિયર (જે મૂળ માલિકના પૌત્ર થયા)ની સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું : 'એ જમાનામાં લોકો ઑફિસ ડૉક્યુમેન્ટસની બહુ બધી કૉપીઓ બનાવવા માગતા નહોતા.' અત્યારે આ કંપની મિમિયોગ્રાફ મશીન્સ સહિત વિવિધ પ્રકારના ઑફિસ કોપીઅર્સ અને ડુપ્લિકેટર્સનું ઉત્પાદન કરે છે. સી. મેથ્યુ ડિક જુનિયરે કહ્યું, 'તે જમાનામાં આવાં મશીનો ચર્ચ અને સ્કૂલ જેવી નૉન-બિઝનેસ સંસ્થાઓ વસાવતી. 1887માં ટાઈપરાઈટરને આવ્યે એક દાયકા થઈ ચૂકેલો પણ એ ય હજુ વ્યાપકપણે વપરાતું થયું નહોતું. કાર્બન પેપરનો વપરાશ પણ ઝાઝો થતો નહીં. કોઈ બિઝનેસમેન કે લૉયરે ડૉક્યુમેન્ટની પાંચ કૉપી જોઈતી હોય તો એ પોતાના ક્લાર્ક પાસે હાથે લખાવી લેતા. લોકો મારા દાદાને કહેતા કે, મારે ક્યાં એટલી બધી કૉપીઝ બનાવવાની છે કે આવું તોસ્તાન વસાવીને ઑફિસમાં બીજા લોકોને મોંઘા કાગળનો બગાડ કરવાનું મન થાય એ માટે ખર્ચો કરું!'
દાદા મિસ્ટર ડિકને જે પ્રૉબ્લેમ નડ્યા તેમાં 'કૉપી' શબ્દનો પણ ઘણો મોટો વાંક હતો. કૉપી અથવા નકલ એટલે બનાવટી હોય કે છેતરપિંડી કરીને બનાવેલી નકલી વસ્તુ હોય એવું લોકો માનતા. (જેમ કે, ચલણી નોટની નકલ કરવી). સદીઓ સુધી કૉપીનો આ નેગેટિવ અર્થ જ સમાજમાં પ્રચલિત રહ્યો. ઑક્સફર્ડ ઈન્ગલિશ ડિકશનરી કહે છે કે સોળમી સદીથી વિક્ટોરિયનકાળ સુધી કૉપી અને કાઉન્ટરફીટ (નકલ અને બનાવટી) શબ્દો એકબીજાના પર્યાય હતા. કોઈપણ ડૉક્યુમેન્ટની કૉપી શંકાસ્પદ જ હોય એવું મનાતું.
વીસમી સદીમાં ઔદ્યોગિકીકરણને લીધે આ ટ્રેન્ડ બદલાયો કારણ કે વેપારીઓને દરેક દસ્તાવેજની એક કરતાં વધુ નકલની તાત્કાલિક જરૂર પડવા લાગી - સરકારી દફતરોમાં સબમિટ કરવા, ક્લાયન્ટને મોકલવા, પોતાની ઑફિસના વિવિધ ખાતાઓમાં રેકર્ડ માટે. ટાઈપરાઈટર અને કાર્બન પેપરનું ચલણ 1890 પછી વધવા માંડ્યું અને 1900 પછી મોટી ઑફિસોમાં મિમિયોગ્રાફ અનિવાર્ય ગણાવા લાગ્યું. 1903ની ડિક એન્ડ કંપનીની એક જાહેરખબરમાં લખાયું : 'એડિસન મિમિયોગ્રાફ વિના તમારી ઑફિસ અધૂરી છે.' એ વખતે બજારમાં લગભગ દોઢ લાખ મશીનો વેચાયાં હતાં અને 1910 સુધીમાં બે લાખ કરતાં વધારે. 1940માં અલમોસ્ટ પાંચ લાખ. ઑફસેટ પ્રેસ બજારમાં આવી ચૂક્યાં હતાં પણ તે ખૂબ બધી નકલો જોઈતી હોય તો જ પરવડે. પણ મિમિયોગ્રાફની એક તકલીફ હતી કે એમાં સ્પેશ્યલ માસ્ટર પેજ બનાવવાની તકલીફ લેવી પડતી. તમારી પાસે ઑલરેડી કોઈ ડૉક્યુમેન્ટ હોય તો તરત એની એકથી વધારે નકલ થઈ શકતી નહીં પણ એ દસ્તાવેજ પરથી ખર્ચો કરીને સમય બગાડીને એક માસ્ટર કૉપી (સ્ટેન્સિલ પેપર પર) બનાવવી પડતી.
માસ્ટર કૉપીની જરૂર જ ન પડે એવી ટેકનોલોજી ડેવલપ કરવાની શરૂઆત 1910માં થઈ ચૂકી હતી જે 'ફોટોસ્ટેટ'ના નામે જાણીતી હતી (અને હજુ પણ એ જ નામે જાણીતી છે. ફોટોસ્ટેટ કૉપીનું શૉર્ટફૉર્મ ફોટો કૉપી છે.) પણ 1950ની સાલ સુધી આ ફોટોસ્ટેટની પ્રક્રિયા ખૂબ ખર્ચાળ અને ધીમી હતી તેમજ ડિફિકલ્ટ પણ હતી એટલે આર્કિટેક્ચરલ કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ અથવા તો લીગલ ડૉક્યુમેન્ટસની નકલો બનાવવા જ ફોટોસ્ટેટ કૉપી નીકળતી.
1950નો દાયકો મિકેનાઈઝ્ડ ઑફિસ કૉપીંગ મશીનોનો દાયકો હતો. એક સાથે અનેક પ્રકારનાં કૉપીંગ મશીનો બહુ ટૂંકા ગાળામાં માર્કેટમાં આવી ગયા. આમાંના કોઈ મશીનમાં માસ્ટર કૉપી બનાવવાની જરૂર રહેતી નહીં, તમારી પાસે જે તૈયાર કાગળ-દસ્તાવેજ હોય તેને મશીનમાં નાખીને તમે એક કૉપીના અમુક સેન્ટ્સના ખર્ચે એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં એક કૉપી મેળવી શકતા. મિનેસોટા માઈનિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપનીએ 1950માં હીટ-સેન્સિટિવ કૉપીંગ પેપર વાપરીને 'થર્મોફેક્સ' મશીન બજારમાં મૂક્યું. 1952માં અમેરિકન ફોટોકૉપી મશીન કંપની 'ડાયલ-અ-મેટિક ઑટોસ્ટેટ' મશીન બજારમાં લઈને આવી જે નૉર્મલ ફોટોગ્રાફીની જ સુધારેલી આવૃત્તિ હતી. 1953માં ઈસ્ટમેન કોડાક કંપની 'વેરિફૅક્સ' લઈને આવી જે ડાઈ ટ્રાન્સફર નામની એક મેથડથી કામ કરતું હતું. આ ઉપરાંત બીજાં ઘણાં મશીનો આવ્યાં.
મિસ્ટર ડિકના મિમિયોગ્રાફને માર્કેટિંગની બાબતમાં જે તકલીફો પડી તે આ મશીનોને નહીં નડી કારણ કે હવે માર્કેટ રેડી થઈ ગયું હતું, મલ્ટીપલ કૉપીઝની જરૂરિયાત ખૂબ વધી ગઈ હતી. પ્લસ ઉત્પાદનની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ હતી. 'માસ પ્રોડકશન' કોઈપણ ઈન્ડસ્ટ્રીનો બઝ-વર્ડ બની ગયો હતો એટલે લોકોના માનસમાં 'માસ-કૉપીંગ' પણ એક લોભામણી કન્સેપ્ટ બની ગઈ હતી.
આ બધાં જ મશીનો મિમિયોગ્રાફ કરતાં લાખ દરજ્જે બહેતર હતાં છતાં ભારે કડાકૂટવાળાં અને ખર્ચાળ હતાં. 'ઑટોસ્ટેટ' અને 'વેરિફેક્સ' મશીનોની તકલીફ એ હતી કે એ ચલાવવામાં અઘરાં હતાં અને એમાંથી જે કૉપી આવતી તે ભીની નીકળતી, એને સૂકવવી પડતી. 'થર્મોફેક્સ'માં કૉપી કાઢતી વખતે જો ભૂલે ચૂકેય થોડીક જ હીટ વધી જાય તો કૉપી એકદમ ડાર્ક નીકળતી. અધૂરામાં પૂરું આ ત્રણેય મશીનોમાં કાગળ મેન્યુફેક્ચરર પાસેથી જ મળતો સ્પેશ્યલી ટ્રીટેડ પેપર વાપરવો પડતો. સાદા કાગળ પર કૉપી નીકળતી નહીં.
માર્કેટને એક એવા ફોટોકૉપીંગ મશીનની જરૂર હતી જે કોઈપણ કાગળ પર, સારી ક્વૉલિટીની અને કાયમી સાચવી શકાય એવી ડ્રાય (ભીની નહીં) કૉપી કાઢી શકે અને ફટાફટ કાઢી શકે, ઓછા ખર્ચે કાઢી શકે.
1950નો દાયકો પૂરો થવામાં જ હતો ત્યારે 1959ની સાલમાં આ બધી જ જરૂરિયાતો સંતોષતા કૉપીંગ મશીનનું બજારમાં આગમન થયું અને માર્કેટમાં ધૂમ મચી ગઈ.
ઝેરોક્સનો ઈતિહાસ અહીંથી શરૂ થાય છે.
લાઈફ લાઈન
જે માણસ ટોળાની પાછળ જાય છે તે ક્યારેય ટોળા કરતાં આગળ વધી શકવાનો નથી. જે એકલો ચાલે છે એ જ ક્યારેક એવી જગ્યાએ પહોંચી શકશે જ્યાં બીજું કોઈ ન ગયું હોય.
- આલ્બર્ટ આઈન્સ્ટાઈન
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર