સેલ્ફ કૉન્ફિડન્ટ બનતાં પહેલાં ઉદાર બનવું પડે
આપણે વાત કરી રહ્યા હતા સેલ્ફ કૉન્ફિડન્સ કેળવતાં પહેલાં શું કરવું જોઈએ એની. ટેઈક ઑફ કરતાં પહેલાંના રનવેની. અને આ રનવે તૈયાર કરવાના 4 મુદ્દા જોયા : 1. વહેલું ઊઠવું, 2. એકાગ્રતાથી કામ કરવા, ડિસ્ટર્બ કરે એવા લોકોથી અને એવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું, 3. સુઘડતાથી રહેવું અને 4. તમારા મૂડ સ્વિંગ્સને કાબૂમાં રાખવા.
હવે પાંચમી વાત.
5. આપણે બધી વાતમાં ‘આમાં મારા કેટલા ટકા’ અને ‘મને આમાં શું મળવાનું’ એવી વૃત્તિ રાખતા થઈ ગયા છીએ. કોઈપણ પ્રવૃત્તિમાં છેવટે આમાં મારો શું ફાયદો થવાનો એવી જ ગણતરી હોય છે. નજીકનો કે દૂરનો કોઈ ફાયદો દેખાતો ન હોય ત્યારે આપણે એ પ્રવૃત્તિ કરવાનું ટાળીએ છીએ.
દર વખતે પોતાના ફાયદાને જ કેન્દ્રમાં રાખનારી વ્યક્તિ સેલ્ફ કૉન્ફિડન્ટ ન બની શકે એવું ક્યારેય આપણે વિચાર્યું જ નથી હોતું. માત્ર બીજાના ફાયદાની કે માત્ર બીજાને થતા લાભની વાત આપણા કેન્દ્રમાં તો શું પરિઘ પર પણ નથી હોતી. સ્વાર્થી લોકો સંકુચિત વ્યક્તિત્વ ધરાવતા બની જતા હોય છે. આપણા વ્યક્તિત્વની વિશાળતા માટે સ્વભાવે ઉદાર બનવું જરૂરી છે. ઉદારતાના લાંબા ગાળાના અનેક ફાયદા છે જેમાંનો એક મહત્ત્વનો લાભ છે સેલ્ફ કૉન્ફિડન્સ. તમે જ્યારે બીજાઓને હેલ્પફુલ થાઓ છો, તમારા કોઈ સ્વાર્થ વિના મદદરૂપ થાઓ છો ત્યારે અદૃશ્યપણે, અભાનપણે તમારામાં એવી લાગણીનું વાદળું બંધાય છે કે જિંદગીમાં બીજાઓ પણ તમને હેલ્પફુલ થશે. જરૂરી નથી કે આ બીજાઓ એ જ લોકો હોય જેમને તમે મદદરૂપ બની ચૂક્યા હો. અત્યારે તમારા સંપર્કમાં પણ ના હોય એવા લોકો પણ તમારી પડખે આવીને ઊભા રહેશે એવી લાગણી તમારા સબકૉન્શ્યસમાં સર્જાય છે. આને લીધે તમે ભવિષ્યમાં કોઈ ભગીરથ કાર્ય હાથમાં લેતા હો ત્યારે તમને ઉચાટ નથી રહેતો કે આ કામ કેવી રીતે પાર પાડી શકીશ. તમને અંદરથી ખાતરી હોય છે કે તમે જેની મદદ માગશો એ બધા તમને સહાયરૂપ થશે, એટલું જ નહીં, અજાણ્યાઓ પણ તમારા કામમાં જોડાઈને તમારો સાથ આપશે. લોકોને સાથે લઈને ચાલવું તે આનું નામ.
જે માણસનું વ્યક્તિત્વ ઉદાર છે, જે છુટ્ટે હાથે પોતાનો પ્રેમ, પોતાની સત્તા, પોતાનો સમય, પોતાની ટેલન્ટ, પોતાની વગ, પોતાના પૈસા, પોતાનું બધું જ બીજાઓ માટે વાપરતો રહે છે – કોઈ ગણતરી વિના વાપરતો રહે છે – એના પર જરૂરતના સમયે બીજાઓ સહાયની વર્ષા વરસાવવાના જ છે. બીજાઓ પણ તમને મદદ કરશે એવી લાગણીનું વાદળું ત્યારે જ વરસે જ્યારે તમે ઉદાર હો અને આ લાગણી તમારામાં આત્મવિશ્વાસ પ્રગટાવતી હોય છે. માટે અત્યારે તમને આ વાત પ્રીચિંગ જેવી કે ઉપદેશાત્મક લાગતી હોય તો ભલે લાગે – એક વાત ગાંઠે બાંધી લેજો કે સ્વાર્થી અને આત્મકેન્દ્રી માણસો ક્યારેય સેલ્ફ કૉન્ફિડન્ટ નથી હોતા. ઉદારતા જેમના વ્યક્તિત્વનો અનિવાર્ય હિસ્સો બની જાય છે એવા લોકો જ સેલ્ફ કૉન્ફિડન્ટ હોવાના.
6. સેલ્ફ કૉન્ફિડન્ટ બનવા તરફ તમને લઈ જનારી છઠ્ઠી વાત એ કે તમારી જિંદગીમાં કોઈક પરપઝ હોવો જોઈએ, કોઈક ગોલ હોવો જોઈએ અને એ હેતુને સિદ્ધ કરવાનો કાચો તો કાચો, પણ નકશો હોવો જોઈએ તમારી પાસે. કોઈ પણ ગોલ હોય તમારો, કોઈ તમને પૂછે કે તમારી જિંદગીનો પરપઝ શું છે? તો ફટ દઈને તમે કહી શકો કે : સારું લખવાનો. ફાઈન. એ ગોલને સિદ્ધ કરવા તમે શું શું કરવા ધારો છો? તમે કહી શકો કે આ એક બે કે ત્રણ વાત. ધારો કે તમારી જિંદગીનો અલ્ટિમેટ ગોલ વધુ પૈસા કમાવાનો હોય, અથવા પ્રસિદ્ધિ મેળવવાનો હોય તો પણ કંઈ ખોટું નથી. પણ તો પછી તમે નક્કી કરો કે વધુ પૈસા કમાવા માટે તમે શું કરવા માગો છો? તમારી પાસે એવી કઈ આવડત છે જેના દ્વારા તમે વધુને વધુ પૈસા કમાઈ શકો એમ છો? તમારે ફેક્ટરી નાખવી છે? મકાનો બાંધવા છે? શેર બજારમાં રમવું છે? બેન્કમાં ધાડ પાડવી છે? તમે નક્કી કરો કે તમારે કઈ રીતે મેક્સિમમ પૈસા કમાવા છે. એમને એમ તમે વિચાર્યા કરશો કે મારે ખૂબ પૈસા કમાવવા છે તો કંઈ ઝાડ ખંખેરવાથી તમને પૈસા મળી જવાના નથી. તમારે ચોક્કસ દિશા નક્કી કરીને મહેનત કરવી પડશે તમારા ગોલ સુધી, પછી એ કોઈપણ પ્રકારનો ગોલ હોય, પહોંચવા માટે.
ઈવન જે હેતુને તમે ભૌતિક સ્વરૂપ ન આપી શકો, જેને ક્વૉન્ટિફાય ન કરી શકો એ હેતુને પાર પાડવા પણ તમારી પાસે કાચો નકશો હોય તે જરૂરી છે, તમે એમ કહો કે અલ્ટિમેટલી મારે શાંતિથી જીવવું છે અથવા તો મારે જિંદગીમાં આનંદથી રહેવું છે અથવા મારે મારી લાઈફ સ્ટાઈલ એકદમ ટૉપની હોય એવી જિંદગી જોઈએ છે તો પણ તમારી પાસે એ ગોલ સુધી પહોંચવા માટે કાચો નકશો તો જોઈશે જ. જેમની પાસે ગોલ નથી હોતો અને ગોલ હોય તો કાચો નકશો નથી હોતો તેઓ જીવનમાં સતત મૂંઝાયેલા, ડરેલા અને ચીડચીડા રહેતા હોય છે. કારણ કે તેઓ બીજાને જોઈ શકે છે કે કેવી સડસડાટ રીતે આગળ વધે છે જ્યારે પોતે જ્યાં છે ત્યાં જ ચકરભમર ફરતા રહે છે. એમની જિંદગી કોઈ સ્થિર લક્ષ્ય તરફ આગળ વધતી નથી. આજે આ તો કાલે બીજું કરવાની તમન્નાઓના વમળમાં તેઓ પોતાની જાતને ડૂબાડી દે છે. આવી વ્યક્તિઓ માત્ર આત્મવિશ્વાસનું મહોરું પહેરીને ફરતી હોય છે પણ એક નાનકડો અકસ્માત, સાવ ક્ષુલ્લક વાત જીવનમાં સર્જાય ને એમનો આ માસ્ક હટી જાય. આવું વારંવાર બનતું રહેતું હોય છે. માટે જ જીવનનો એક ગોલ નક્કી ન કર્યો હોય, ત્યાં સુધી પહોંચવાનો કાચો નકશો તૈયાર ન કર્યો હોય ત્યાં સુધી સેલ્ફ કોન્ફિડન્ટ બનવાનાં ખ્વાબ છોડી દેવાં જોઈએ.
7. સાતમી અને છેલ્લી વાત સમજી લઈએ તો રનવે બનાવવાની પ્રોસેસ પૂરી. પછી આ રનવે પર દોડીને ટેઈક ઑફ લઈશું ત્યારે સેલ્ફ કૉન્ફિડન્સના આકાશમાં ઉડ્ડયન કરતાં થઈ જઈશું.
રનવે તૈયાર કરવાનો આ સાતમો અને છેલ્લો મુદ્દો આત્મવિશ્વાસ કેળવવાની તાલિમ લેતાં પહેલાં ખૂબ જરૂરી છે : જીવનમાં નાની-મોટી નિષ્ફળતાઓ સાથે ડીલ કરતાં શીખવું. રોજ પચાસ વાતો એવી બનતી રહેતી હોવાની જે તમારા ધાર્યા મુજબની કે તમારી મરજી મુજબની નહીં હોય. અમુક તો તમારું સીધું નુકસાન કરનારી પણ હશે. આ જગતને તમે કન્ટ્રોલ કરતા નથી. ભગવાને તમને એવી કોઈ સત્તા એવો કોઈ પરવાનો આપ્યાં નથી. તમારાં પોતાના વિશ્વમાં બનતી ઘટનાઓને પણ તમે સો ટકા કન્ટ્રોલ કરી શકવાના નથી. તમારી લાઈફ બીજા અનેક લોકો પર ડિપેન્ડન્ટ છે. તમે તમારા પૈસા વાપરીને, તમારી વગ વાપરીને પણ બીજાઓ પાસે દર વખતે તમારું ધાર્યું કરાવી શકવાના નથી. તમે જ નહીં, મૂકેશ અંબાણી કે નરેન્દ્ર મોદી પણ દર વખતે બીજાઓ પાસે પોતાનું ધાર્યું કરાવી શકતા નથી, આટલા પૈસાદાર – વગદાર હોવા છતાં. એમની સામે આપણે તે વળી કઈ વાડીના મૂળા. આપણા આગ્રહ મુજબનું કે આપણી જીદ મુજબનું કે આપણી કલ્પના મુજબનું કંઈ થાય ત્યારે એમાં ઈરિટેટ થવાની કોઈ જરૂર નથી. એ કંઈ તમારી નિષ્ફળતા નથી અને જ્યાં ખરેખર નિષ્ફળતા લાગતી હોય એવા કિસ્સાઓમાં પણ હતાશ થવાની કે ધૂંધવાઈ જવાની જરૂર નથી. તડકી-છાંયડી, ઉતાર-ચડાવ, જમીન-આસમાન જેવાં શબ્દયુગ્મો પરાપૂર્વથી માણસની જિંદગી સાથે જોડાયેલાં છે. જે વ્યક્તિએ સેલ્ફ કૉન્ફિડન્સ કેળવવો હોય એણે આ બધાથી પર થવાની આવડત કેળવવી જ પડે. યુદ્ધમાં દુશ્મનનો હાથ ઉપર હોય તેવી ઘડીઓમાં પીછેહઠ કરીએ ત્યારે તે હાર નથી, નિષ્ફળતા નથી, સંજોગોનો તકાદો છે. જીદ રાખીને જો એ વખતે બહાદુર બનવાના ફડાકા મારીને સામનો કરવા જઈશું તો ખુવાર થઈ જઈશું આવી સાદી સમજ જેમનામાં હોય તેઓ જ આ તથાકથિત નિષ્ફળતા સમયે ઝૂકી જઈને ભવિષ્યની જીત માટે કમર કસી શકે.
આય થિન્ક રન-વે તૈયાર થઈ ગયો છે. આવતા અઠવાડિયાથી ટેક ઑફ.
લાઈફ લાઈન
કોઈ મને ના પાડે છે એનો મતલબ એ નથી કે હું એ નહીં કરી શકું. એનો અર્થ માત્ર એટલો જ કે હું એની સાથે એ કામ નહીં કરી શકું.
કરેન ઈ. ક્વિનોન્સ મિલર, અમેરિકન પત્રકાર-નવલકથાકાર. 1958માં જન્મેલી આ આફ્રિકન મૂળની લેડીએ અનેક પ્રકાશકો દ્વારા રિજેક્ટ થયેલી પોતાની નૉવેલ ‘સૅટિન ડૉલ’ જાતે પબ્લિશ કરી. એ પછી એ નવલકથાના હક્ક લિલામમાં વર્લ્ડની ટૉચની પ્રકાશન-સંસ્થા સાયમન એન્ડ શુસ્ટરે ખરીદ્યા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર