સેલ્ફ કૉન્ફિડન્સ કેળવતાં પહેલાં

17 Jul, 2017
08:08 AM

સૌરભ શાહ

PC: Bookboon.com

આપણે સેલ્ફ કૉન્ફિડન્સ આપણામાં કેળવાઈને કેવી રીતે કાયમ માટે સ્થપાઈને રહે એની વાત કરતા હતા. પણ ત્યાં સુધી જતાં પહેલાં કેટલીક પાયાની વાતો કરી લેવી જરૂરી છે. દેખીતી રીતે તમને સેલ્ફ કૉન્ફિડન્સ સાથે આને કોઈ લેવાદેવા નથી એવું લાગે પણ હકીકત એ છે કે જ્યાં સુધી આ રનવે તમે બનાવ્યો નહીં હોય ત્યાં સુધી તમારું પ્લેન ટેકઑફ નહીં કરી શકે.

તમારી લાઈફ જો લઘરવઘર હશે તો આવી રહ્યો તમારામાં સેલ્ફ કૉન્ફિડન્સ. ધૂની કે બહારથી અસ્તવ્યસ્ત દેખાતા ક્રિએટિવ જિનિયસો કપડાં પરથી કે દેખાવ પરથી તમને ભલે લઘરવઘર લાગે પણ એમના જીવનમાં જરા ઊંડે ઊતરીને જોશો તો ખબર પડશે કે વાસ્તવમાં આ એમનો લૂક છે, બાહરી દેખાવ માત્ર છે. હકીકતમાં એમની જિંદગી ઘણી જ ડિસિપ્લિન્ડ હોવાની. માટે અસ્તવ્યસ્ત દેખાતા ક્રિએટિવ જિનિયસોથી પ્રભાવિત થઈને તમારી પોતાની જિંદગી ડૂચા જેવી કરી નાખવાની જરૂર નથી. ઈન ફેક્ટ જો તમારી જિંદગી એવી હોય, એટલે કે ડૂચા જેવી હોય તો એને શિસ્તબદ્ધ બનાવવાનું યુદ્ધના ધોરણે શરૂ કરી દો. કઈ રીતે?

અહીં રનવે તૈયાર કરવા માટેની કેટલીક ટિપ્સ છે. ટેઈક ઑફ લેવાની વાતો એ પછી આવશે.

1. રાત્રે વહેલા જે સૂઈ, વહેલા ઊઠે વીર વગેરે વગેરે તમે નાનપણથી સાંભળતા આવ્યા છો. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠવાના ફાયદાઓ વિશે શાસ્ત્રોમાં લખ્યું છે ને સાચું જ લખ્યું છે. પણ આજની મૉડર્ન લાઈફમાં જો તમે રોજેરોજ સાંજના છ વાગ્યે વાળુ કરીને મોડામાં મોડા નવ વાગ્યે સૂઈ જઈ શકો તો જ સવારના સૂરજ ઊગે એના દોઢ કલાક પહેલાં, બ્રાહ્મમુહૂર્તમાં, જાગી શકો. જેમનાથી આવી નિયમિતતા જળવાતી હોય (અને જેઓ ભરપૂર પ્રવૃત્તિમય જીવન ગાળતા હોય, નિવૃત્તિ પછીની ઉંમરની વાત નથી) એમને આવી શિસ્તબદ્ધતા બદલ અમારા સાષ્ટાંગ દંવડત પ્રણામ પણ જેઓ એવું ન કરી શકતા હોય એમણે એટલું જ તો કરવું જ જોઈએ કે રોજ રાત્રે સૂવાનો અને સવારે ઊઠવાનો સમય નિશ્ચિત હોય. સેલ્ફ કૉન્ફિડન્સ મેળવવા માટે આ એક વાત બહુ જરૂરી છે કે તમને તમારામાં વિશ્વાસ હોવો જોઈએ કે તમે તમારા જીવનની જે સૌથી કિંમતી ચીજ છે તેનો-સમયનો વેડફાટ નથી કરી રહ્યા. સમયનો સદુપયોગ કરવાનું પહેલું પગથિયું છે નિદ્રાના કલાકોને નક્કી કરી નાખવાના.

2. તમે ઘરમાં હો, કામ પર હો કે પછી વેકેશન પર હો – કોઈને કારણે તમારું કૉન્સન્ટ્રેશન વારંવાર તૂટ્યા કરે એવી પરિસ્થિતિને સર્જાતાં રોકવાનો પ્રયાસ કર્યો. એક તો સેલફોન બહુ જ ડિસ્ટર્બિંગ ભૂત છે. એવું ભૂત જે વેતાળ જેમ વિક્રમની પીઠ પરથી નહોતો ઊતરતો એવી રીતે આ સેલફોન ઘડીભર તમારા હાથમાંથી દૂર થતો નથી. એને સાયલન્ટ પર રાખો. તમારો તાત્કાલિક સંપર્ક નહીં થાય તો દુનિયા અટકી જવાની નથી. રિંગ વાગે કે તરત ફોન ઉપાડવાની તમારી ફરજ નથી કારણ કે ફોન કરનારી વ્યક્તિના પગારપત્રક પર તમે નથી. અને ખરેખર જો એવું હોય તો પણ તમને હક છે તમારી પ્રાઈવેટ મોમેન્ટ્સ પર, તમે જે કામ હાથમાં લીધું છે તેને ખલેલ વિના પૂરું કરવાનો તમને હક છે, તમારે ફરજ પણ છે. ઘરમાં હો ત્યારે પત્ની, પાડોશી કે બાળકો ગમે તે સમયે ટપકી પડે અને તમારી સાથે ગપ્પાં લડાવવાનું શરૂ કરી દે ત્યારે તમારું કૉન્સન્ટ્રેશન ખોરવાઈ જતું હોય છે. તમે કશું કામ નથી કરતા એનો મતલબ એ નથી કે કોઈપણ આવીને તમને ખલેલ પહોંચાડે – પછી એ પત્ની, બાળકો કે મા-બાપ પણ કેમ ન હોય. આરામ માટે પણ કૉન્સન્ટ્રેશન જરૂરી હોય છે. આરામ એટલે તળાવના શાંત જળ જેવી મનોસ્થિતિ. એમાં તમારી પરવાનગી વગર શું કામ કોઈ કાંકરી નાખીને વલયો સર્જી જાય. 

કામ પર તો ખરું જ કે કોઈ કરતાં કોઈ તમને ડિસ્ટર્બ ન કરે. જિંદગી જીવવાનો આ તરીકે પહેલાં શીખો, કૉન્સન્ટ્રેશનથી જીવતાં શીખો, પછી સેલ્ફ કૉન્ફિડન્સ કેળવવાની વાત કરો.

3. ઘરમાં હો કે બહાર, કપડાં સુઘડ, સ્વચ્છ અને આકર્ષક લાગે એવાં પહેરો. તમારા વ્યક્તિત્વને ઓપ આપે એવા પહેરો. કામ પર જતી વખતે તો અપ-ટુ-ડેટ રહો જ, ઘરમાં પણ ફાટેલું ગંજી અને ટૂંકો લેંઘો પહેરવાની આદત જો હોય તો છોડી દો. નાનપણમાં હું જોતો કે મારા કાકા (પપ્પાના સગા નાના ભાઈ) સીએનું ભણવા અમારી સાથે રહેતા હતા ત્યારે સૂતી વખતે ઈસ્ત્રીવાળો લેંઘો-ઝભ્ભો પહેરતા અને માથું ઓળીને સૂઈ જતા. (પિસ્તાળીસ-પચાસ વર્ષથી એ ન્યૂયોર્કમાં છે, ત્યાંના વૈભવી લત્તામાં બંગલો છે, મોંઘી ગાડીઓ છે, કામકાજમાંથી હવે નિવૃત્તિ લઈને શ્રીમંત અમેરિકનોને જ પોસાય એવી ક્લબમાં નિયમિત ગોલ્ફ રમવાનો શોખ છે.) વેલ ગ્રુમ્ડ હોવું અને ચોવીસે કલાક વેલ ગ્રુમ્ડ રહેવું (રાત્રે સૂતી વખતે પણ) એ વાત તમારામાં સેલ્ફ કૉન્ફિડન્સ કેળવાય તે પહેલાં જીવનમાં વણાઈ જવી જોઈએ.

4. તમારા મૂડમાં ચડાવ-ઉતરાવ આવ્યા કરવાનો. સ્ત્રીઓને તો મહિનાના અમુક ચોક્કસ દિવસોમાં મૂડ સ્વિંગ્સ આવતા જ હોય છે. પુરૂષોમાં પણ ક્યાંક કોઈક રીતની એવી બાયો રિધમ હોવાની કે અમુક દિવસોમાં તમે વગર કારણે ચીડચીડા થઈ જાઓ અને અમુક દિવસોમાં વગર લેવેદેવે તમને આજકાલ પાંવ ઝમીં પર નહીં પડતે મેરે ગાવાનું મન થયા કરે. રોજ તમે તમારી રીતે તમારા કલ્પનાના થર્મોમીટરથી નક્કી કરી લો કે આજે તમારો મૂડ કેવો છે. જેવો હોય એવો. પણ એનું રિફલેક્શન ઘરમાં કે કામની જગ્યાએ બીજાઓ પર ન પડવું જોઈએ. ત્યાં તમારે તમારા ખરાબ (કે ઈવન સારા) મૂડને કંટ્રોલમાં રાખીને બધાની સાથે વર્તવું જોઈએ. કામની જગ્યાએ તો ખાસ. કેન યુ ઈમેજિન કે આપણા પીએમ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને મળવા જતા હોય ત્યારે ખરાબ મૂડમાં હોય ને ઈઝરાયલના પીએમને મળવા જતા હોય ત્યારે મૂડમાં હોય? સાહેબ માટે ચોવીસે કલાક, ત્રણસોને પાંસઠ દિવસ એકસરખો જ મૂડ રહેવાનો. પર્સનલ મૂડ સ્વિંગ્સ એમની લાઈફમાં પણ આવતા હશે, કારણ કે એમનું શરીર પણ કુદરતની બાયોરિધમને આધીન હોવાનું. પણ એ ચડાવ-ઉતરાવની અસર બીજી વ્યક્તિઓ સુધી ન પહોંચે એવી શિસ્ત એમણે વર્ષોથી કેળવી હશે. ત્યારે જ તો એ અહીં સુધી પહોંચ્યા. આપણે ભલે ત્યાં સુધી નથી પહોંચવું પણ જ્યાં છીએ ત્યાં સારી રીતે રહેવું હોય તો સેલ્ફ કૉન્ફિડન્સનું વિમાન ટેક ઑફ થાય તે પહેલાંના આ રન-વે પર મૂડના ચડાવ-ઉતરાવને કાબૂમાં લઈ લેવો પડે.

હજુ બીજ થોડીક વાતો બાકી છે – રન-વે તૈયાર કરવા વિશેની. આવતા અઠવાડિયે એ વાતો કરીને ટેઈક ઑફ લઈએ.

લાઈફ લાઈન –

બીજા લોકોએ જિંદગીમાં શું કર્યું, કેટલી સફળતા મેળવી એની વાતોથી પ્રભાવિત થઈને સંતોષ ન પામો. તમે તમારી પોતાની જિંદગીની શક્યતાઓ ઉઘાડો.

જલાલુદ્દીન રૂમી (13મી સદીનો સૂફી કવિ).

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.