બેસ્ટ ટેન બિઝનેસ બુક્સ
નવો ધંધો કે નવું કામકાજ શરૂ કરવા અત્યાર સુધી તમારે કુટુંબ-મિત્રો કે ઓળખીતા-પાળખીતાઓના રિસોર્સીસ પર આધાર રાખવો પડતો. બેન્ક કે સરકાર તરફથી જે મદદ મળતી તે બહુ પાંખી રહેતી, મોડી મળતી અને એ મેળવવાની પ્રોસિજર ઘણી કોમ્પ્લિકેટેડ રહેતી. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી જે અનેક કદમ ઉઠાવ્યાં છે, દેશની આર્થિક પ્રગતિ માટેનાં, એમાંનું એક છે એમણે ગયા મહિને જાહેર કરેલી સ્ટાર્ટ અપ પોલિસી. સ્ટાર્ટ અપ એટલે બેઝિકલી નવો ધંધો, નવું કામકાજ. જોકે, અંબાણી નવો ધંધો શરૂ કરે એને સ્ટાર્ટ અપ ન કહેવાય, આપણા જેવા નૉર્મલ, સીધાસાદા, નાના પણ એમ્બિશ્યસ માણસો જે નવો ધંધો શરૂ કરે એને સ્ટાર્ટ અપ કહેવાય. પાનનો ગલ્લો કે મોચીની ફૂટપાથ પરની દુકાન કોઈ શરૂ કરે તો તેને સ્ટાર્ટ અપ ન કહેવાય, અનલેસ એની પાસે બાટા જેવી કંપની સ્થાપવાના પ્લાન કે ડ્રીમ્સ હોય.
મોદીના સ્ટાર્ટ અપ ઈન્ડિયા એક્શન પ્લાન વિશે તમે ગૂગલ સર્ચ કરીને વિગતે જાણી લઈ શકો છો, જો તમને એમાં રસ હોય ને ઊંડા ઉતરવું હોય તો. એપ્રિલ મહિનાથી શરૂ થનારી આ યોજના નાનેથી શરૂ કરનારા, બિગ ડ્રીમ્સ જોનારા, પૈસા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કમી મહેસૂસ કરનારા પણ કડી મહેનત કરીને પથ્થરને લાત મારીને પાણી કાઢનારા, ઉત્સાહી-ધગશવાળા-યુવાન દિલના લોકોના ભવિષ્ય માટે છે. સરકારે આના માટે આગામી 4 વર્ષ દરમ્યાન રૂ. 10,000 કરોડ ફાળવ્યા છે. આ યોજનાનો સૌથી સારો પાર્ટ એ છે કે ત્રણ વરસ સુધી તમને આ નવા ધંધામાંથી થતી આવક પર ઈન્કમટેક્સ ભરવામાંથી મુક્તિ મળશે. એટલું જ નહીં જાતજાતની લાંબી સરકારી પ્રોસિજર્સથી તમને વેગળા રાખવામાં આવશે.
હવે સવાલ એ આવીને ઊભો રહે છે કે સરકાર તો તમને મદદ કરશે, પણ તમે પોતે કેવી રીતે તમારી મદદ કરી શકો એમ છો? તમારી આસપાસના અનુભવી મિત્રો/વડીલો તો તમને ગાઈડ કરશે જ. તમારા પોતાની કોઠાસૂઝ પણ હોવાથી જે તમને કહ્યા કરશે કે આ કરવું, આ ન કરવું. એક વાત છે, બિઝનેસ કરવાની કોઈ સ્ટાન્ડર્ડ ફૉર્મ્યુલા નથી હોતી. અને સફળ બિઝનેસ માત્ર સારા નસીબ હોવાને લીધે જ નથી ચાલતો એ પણ એટલું જ સાચું છે. સફળતાની કોઈ ફૉર્મ્યુલા નથી હોતી. હોત તો આજે એવી ફૉર્મ્યુલાથી સૌ કોઈ સક્સેસફુલી બિઝનેસ ચલાવતા હોત. નિષ્ફળતાની પણ કોઈ ફૉર્મ્યુલા નથી હોતી. હોત તો લોકો પહેલેથી જ સાવચેતી લઈને નિષ્ફળતામાંથી બચી જતા હોત.
નિષ્ફળતાના ડરથી નવો ધંધો કે નવું કામકાજ શરૂ ન કરવું એવું નથી. પ્લસ, નવા ધંધામાં હંમેશાં સફળતા જ મળશે, કોઈ વિઘ્નો વિના રાતોરાત ગાડી-બંગલાવાળા થઈ જઈશું એવું પણ માની ન લેવાય.
બિઝનેસ મેનેજમેન્ટ શીખવતી સ્કૂલ્સ તમને ગાઈડ કરી શકે પણ સક્સેસની ખાતરી ન આપી શકે. બિઝનેસ બુક્સ અગણિત છે પણ એમાંની એકપણ બુક તમને શ્યોર ફાયર ફૉર્મ્યુલા ન આપી શકે. બિઝનેસ બુક્સનો સૌથી મોટો પ્રૉબ્લેમ એ છે કે એની સંખ્યા એટલી મોટી છે કે તમે બધી વાંચવા બેસો તો જિંદગી આખી વાંચ્યા જ કરો, નવો ધંધો બાજુએ જ રહી જાય. માત્ર જાણીતી કે બેસ્ટસેલર બનેલી બિઝનેસ બુક્સમાંની બધી કંઈ ઉપયોગી નથી હોતી. કેટલીક તો સાવ નક્કામી હોય છે. માત્ર જાહેરાતો અને હાઈપ ઊભો કરીને કેટલીય બિઝનેસ બુક્સ બેસ્ટસેલર બની જતી હોય છે. મેં પોતે એવી ઘણી બુક્સ વાંચી છે અને ફસાઈ ગયો છું એવા હાઈપમાં. નાણાં-શક્તિ-સમયનો વ્યય થાય.
બિઝનેસ બુક્સની લાર્જલી આટલી કેટેગરીઝ પાડી શકો.
1. તમારી પોતાની પર્સનાલિટી ખિલવી શકે એવી. ડેલ કાર્નેગીની "હાઉ ટુ વિન ફ્રેન્ડઝ એન્ડ ઈન્ફલ્યુઅન્સ પીપલ" તેમ જ સ્ટીવન કોવીની "ધ સેવન હેબિટ્સ ઑફ હાઈલી ઈફેક્ટિવ પીપલ"નો સમાવેશ આ કેટેગરીમાં થઈ શકે. ફ્રેન્કલી, મને આ બેમાંની એકેય બુક બહુ ગમી નથી.
2. લીડરશિપ. તમારામાં નેતૃત્વના ગુણો ખીલે એ માટે ગાઈડન્સ આપતી બિઝનેસ બુક્સ ઢગલાબંધ મળતી હોય છે.
3. સ્ટ્રેટેજિ. કોઈપણ ધંધાની આંટીઘૂંટી સમજીને એમાં ટકી રહેવા તેમ જ આગળ વધવા શું કરવું એ વિશેની માહિતી આપતી બિઝનેસ બુક્સ.
4. સેલ્સ અને માર્કેટિંગ. ભલે તમે પોતે આ ક્ષેત્રના નિષ્ણાત ન હો પણ ધંધામાં સેલ્સ એન્ડ માર્કેટિંગ કરનારાઓને તો સાથે રાખવા પડે એટલું જ નહીં, એમની સાથે રોજનો પનારો પાડવો પડે. આ વિષયની બુક્સ તમને આ ક્ષેત્રની થોડીક બારીઓ ઉઘાડી આપે.
5. ફાયનાન્સ. ચાર્ટર્ડ અકાઉન્ટ અને કોસ્ટ અકાઉન્ટની મદદ તો અનિવાર્ય હોવાની, કોઈ પણ ધંધામાં. પણ તમે પોતે અકાઉન્ટિંગમાં ઝીરો હો તે ન ચાલે. અલ્ટિમેટલી જેના માટે તમે ધંધા શરૂ કરી રહ્યા છો કે કર્યો છે તે પૈસાની આવનજાવન વિશે સ્પષ્ટ જાણકારી હોવી જરૂરી છે.
6. મેનેજમેન્ટ. ધંધાનું સૌથી અગત્યનું પાસું. તમારી પ્રોડક્ટ કે સર્વિસ તમારા ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ હશે પણ જો મેનેજમેન્ટમાં ધબડકો વાળશો તો પાટિયાં પાડી દેવાનો વખત આવશે. મેનેજમેન્ટના નિષ્ણાતો તમારી સાથે રાખ્યા હોય તો પણ તમારે મેનેજમેન્ટનું જ્ઞાન લેવું જ પડે.
7. બાયોગ્રાફીઝ. ટૉપના બિઝનેસમેનોના જીવનની ગાથાઓ ઈન્સપાયરિંગ હોય છે. એમણે કેવી સ્ટ્રગલ કરી, મુશ્કેલીઓમાંથી કેવી રીતે માર્ગ કાઢ્યો, નવા વિચારો ક્યાંથી મેળવ્યા, એને કેવી રીતે અમલમાં મૂક્યા. આ બધું જ તમને ગાઈડ કરી શકે. ખાલી એક વાત ધ્યાનમાં રાખવાની કે જેમ ખેતીમાં દરેક જગ્યાનાં હવા-પાણી-માટી જુદાં હોય એમ વ્યક્તિની બાબતમાં પણ હોવાનું. એવી ઘણી બધી બાબતો હોય જે ધીરુભાઈ કે સ્ટીવ જોબ્સને લાગુ પડે પણ સેમ સર્કમસ્ટન્સીસ હોવા છતાં તમને લાગુ ન પડે એવું બને.
8. કેસ સ્ટડીઝ. મોટી મોટી કંપનીઓએ કેવી રીતે શરૂઆત કરી અને ક્યાંથી ક્યાં સુધી એમની મજલ પહોંચી એની વિગતો જાણીએ તો ખ્યાલ આવે કે કોઈપણ મોટી સફળતા નાની-નાની ચિક્કાર નિષ્ફળતાઓને સહન કર્યા પછી જ પ્રાપ્ત થતી હોય છે.
આ ઉપરાંત પણ બીજી ઘણી કેટેગરીઝની બિઝનેસ બુક્સ હોવાની. મારી પાસે બિઝનેસ બુક્સનો ઘણો મોટો ખજાનો છે. એમાંની અનેક, મિત્રોને કામ લાગે એમ હોય ત્યારે ભેટ આપી દીધી છે, નવી-નવી વસાવી છે. હું વિચારું છું કે મને જે રેકમેન્ડ કરવા જેવી લાગે છે કે એવી 10 બિઝનેસ બુક્સ વિશે એક સિરીઝ કરું. જરૂરી નથી કે એ બધી જ બુક્સનાં નામ તમે સાંભળ્યા હોય. શક્ય છે કે તમને જે બિઝનેસ બુક ખૂબ ગમી હોય અને ખૂબ કામ લાગી હોય એનો આમાં સમાવેશ ન કર્યો હોય. આ મારી પર્સનલ ચૉઈસ છે. તમારી પર્સનલ ચૉઈસ જુદી હોઈ શકે. તો નેકસ્ટ વીકથી શરૂ કરીએ ટેન બેસ્ટ બિઝનેસ બુક્સ વિશેની સિરીઝ. આશા રાખું છું કે એમાં આપેલી ટિપ્સ તમને કામ લાગે અને આ એપ્રિલથી નવી સ્ટાર્ટ અપ પૉલિસી અમલમાં આવે ત્યારે તમે પણ એનો લાભ લો અને ભવિષ્યમાં તમારી સફળતાની ગાથા વિશે પુસ્તક લખાય ત્યારે તમે એમાં Khabarchhe.comનો પણ ઉલ્લેખ કરો.
લાઈફ લાઈન:
તમારું મન તમને કહેતું હોય કે "તમે ચિત્ર દોરી શકવાના નથી" ત્યારે તો તમારે ખાસ પેઈન્ટિંગ કરવું જ જોઈએ, અને તમારો એ અવાજ ચૂપ થઈ જશે.
- વિન્સેન્ટ - વાન ગોઘ
(ડચ ચિત્રકાર : 1853-1890. જેમના જીવન પરથી અરવિન્ગ સ્ટોને લખેલી નવલકથા "લસ્ટ ફૉર લાઈફ"નો સુંદર ગુજરાતી અનુવાદ "સળગતાં સૂરજમુખી" ના નામે વિનોદ મેઘાણી (1935-2009, ઝવેરચંદ મેઘાણીના પુત્ર તથા વરિષ્ઠ સાહિત્યકાર હિમાંશી શેલતના જીવનસાથીએ કર્યો છે.)
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર