આળસમાં લેવાતા નિર્ણયો, ઉતાવળે લેવાતા નિર્ણયો

03 Apr, 2017
12:00 AM

સૌરભ શાહ

PC: squarespace.com

લાઈફ એટલે શું એવું કોઈ પૂછે તો આજનો મારો જવાબ છે નિર્ણય લેવાની કળા. આર્ટ ઑફ ડિસિઝન મેકિંગ.

તમે ક્યાંક જવા નીકળ્યા હો અને સડનલી ટેક્સી ડ્રાયવરને કહી દો કે નહીં, નહીં, લેફ્ટ લે લો અને ડ્રાયવરે ઑલરેડી રાઈટનું સિગ્નલ ચાલુ કરીને સ્ટિયરિંગ અલમોસ્ટ એ દિશામાં વાળી દીધું હોય. એક્સિડેન્ટથી બચી જાઓ તો નસીબ સારાં છે તમારાં. પણ ક્યારેક આવું રિસ્ક લેવાને બદલે જે રસ્તે વળવાનું નક્કી કર્યું હોય તે ખોટો રસ્તો હોય તો પણ વળી જવું અને આગળ જ્યાંથી યુ ટર્ન મળે ત્યાંથી પાછા વળીને થોડા આગળ વધી નવા નક્કી કરેલા રસ્તે વળી જવું.

આપણે આળસમાં કે પછી ઉતાવળમાં શું કરીએ છીએ? ઉતાવળમાં હોઈએ તો છેક છેલ્લી ઘડીએ, અકસ્માત થવાનું જોખમ લઈને દિશા બદલી નાખીએ છીએ. અને આળસમાં હોઈએ તો જે રસ્તે નથી જવું તે રસ્તે વળી ગયા પછી પાછા સાચા રસ્તે જવાનું ટાળીએ છીએ.

નિર્ણય લેવાનો હોય, કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાનો હોય, ત્યારે કોઈ શું કહેશે તે વિચારવાનું નહીં. તમે શું કરવા માગો છો અને શા માટે એ જ કરવા માગો છો એટલી ક્લેરિટી તમારા મનમાં થઈ ગઈ હોય તો બસ છે.

ઉપરના પેરામાં પ્રથમ વાક્યમાં પૂર્ણવિરામ પછી બીજું વાક્ય ઉમેરવાની જરૂર શું કામ પડી તે સમજાવું. કૉલેજમાંથી કે ઑફિસમાંથી તમે પાંચ-સાત મિત્રો ક્યાંક ખાવા માટે ગયા છો. બધાની ચૉઈસ છે કે સાઉથ ઈન્ડિયન ખાવું છે. તમે પણ જોડાઓ છો. ત્યાં જઈને જુઓ છો કે બધાએ પોતપોતાના માટે ઈડલી-સંભારનો ઑર્ડર આપ્યો છે - પણ તમે મેનુમાં જુઓ છો કે એમાં તો ચાઈનીઝ સેકશન પણ છે અને તમે મંચુરિયન મગાવવાનો નિર્ણય કરો છો. આ તબક્કે મારી તમને વણમાગી સલાહ એ છે કે તમે શું કામ ચાઈનીઝ જ મગાવો છો અને શા માટે સાઉથ ઈન્ડિયન ખાવા નથી માગતા એ વિશે તમારામાં ક્લેરિટી ન હોય તો પ્લીઝ, ગો વિથ ધ ફ્લો. ઈડલી જ મગાવીને ખાઈ લો. સિવાય કે પછી તમને આયુર્વેદની દવાને કારણે આથાવાળું ખાવાની મનાઈ હોય. ઈવન ઈન ધેટ કેસ તમારે માટે મંચુરિયન પણ કંઈ હેલ્ધી વિકલ્પ નથી.

આવી બધી બાબતોમાં તમારે તમારા નિર્ણયને વળગી રહેવાની જીદ ન કરવાની હોય. આવી બાબતોમાં તમે બધા કરે છે એવું જ કરશો તો કંઈ તમારી આઈડેન્ટિટી ભૂંસાઈ નથી જવાની. આવી બધી બાબતોમાં તમારે જરૂર વિચારવાનું કે હું એકલો મંચુરિયન મગાવીશ તો બાકીના છ ઈડલીવાળા દોસ્તારો-બહેનપણીઓ શું કહેશે. આવી બધી ઝીણીઝીણી વાતોને ડિસિઝન મેકિંગ ના ગણવાની હોય.

પણ હા. તમારે ભવિષ્યમાં શું કરવું છે તેનો નિર્ણય તમારે જ લેવાનો હોય. તમારે કોની સાથે લગ્ન કરવું અને કોની સાથે તોડી નાખવું તેનો નિર્ણય પણ તમારે જ કરવાનો હોય, તમારે કઈ જૉબ લેવી, ક્યારે છૂટા થઈ જવું, પગારમાંથી શું ખર્ચ કરવો, ક્યાં ખર્ચ કરવો આ બધા જ નિર્ણયો તમારે પોતે લેવાના હોય.

લોકો, આસપાસના મિત્રો વગેરે, તમને કહ્યા કરતા હોય છે કે સમજી વિચારીને નિર્ણય લેવો. કયો માણસ કહેશે કે, ના હું તો સમજ્યા-વિચાર્યા વગર જ નિર્ણય લેવામાં માનું છું.

આવેશમાં, ઉતાવળમાં કે ત્વરિત નિર્ણય લેવામાં આવે છે ત્યારે પણ તે સમજી-વિચારીને જ લેવામાં આવતો હોય છે. બહુ બધા લોકોને પૂછીને લીધેલો નિર્ણય કે દિવસો કે મહિનાઓ સુધી વિચાર કર્યા પછી લીધેલો નિર્ણય મેચ્યોર્ડ જ હોય કે સાચો જ પુરવાર થાય એ જરૂરી નથી.

બહુ બધા લોકોને પૂછપૂછ કરીને નિર્ણય લેવા પાછળનાં ત્રણ કારણો હોવાનાં : કાં તો તમે એ લોકોને તમારા આગામી સ્ટેપ વિશે અગોતરી જાણકારી આપી દેવા માગો છો. જુઓ હું, હું આવું કરવાનો છું. કાં પછી તમે પ્રચ્છન્નપણે એમનો સાથ મેળવવા માગો છો - મારે આ કરવું છે એટલે તમારી જરૂર પડવાની, તે વખતે ના નહીં પાડતા. અને છેવટે આ ત્રીજું કારણ : તમે એ નિર્ણય ખોટો પડે ત્યારે જવાબદારીમાંથી છટકી જવા માગો છો - મેં તો તમને પૂછીને આવું કર્યું, તો પણ હું એમાં ઊંધે માથે પડ્યો. આવું કહીને તમે માત્ર જવાબદારીમાંથી છટકી જતા નથી, જેને પૂછ્યું તેના પર તમારી ભૂલ ઓઢાડવા માગો છો.

લાંબું વિચારવું એટલે કેટલું લાંબું વિચારવું? એક કલાક, એક દિવસ, એક સપ્તાહ, એક મહિનો, એક વર્ષ. ક્યારેક એક વર્ષ સુધી વિચારવિચાર કર્યા બાદ લીધેલો નિર્ણય પણ ખોટો પડતો હોય છે.

નિર્ણય લેવામાં સમય વધારે લેવાથી નિર્ણય સાચો જ પડશે એની કોઈ ગેરન્ટી હોતી નથી. ઝડપથી લેવાયેલો નિર્ણય ઉતાવળે કે કાચી સમજથી લેવાયો છે અને એ ખોટો જ પડશે એવું પણ કોઈ કહી ના શકે. કોઈ મોટી બાબતે તાબડતોબ નિર્ણય લઈ લઈએ છીએ ત્યારે બીજા કોઈને કદાચ એમ લાગે કે તમે ઉતાવળ કરી નાખી. કદાચ તમને પણ એવું લાગે. પણ ચાન્સીસ આર ધેર કે એ નિર્ણય લેવા માટે જરૂરી એવી તમામ માહિતી તમારા સબકૉન્શ્યસ મગજમાં પહેલેથી જ ધીમે ધીમે કરીને સંઘરાઈ ગઈ હોય અને નિર્ણયની ઘડી વખતે કૉમ્પ્યુટરની ઝડપે એ માહિતી તરત પ્રોસેસ થઈ ગઈ અને તમને જવાબ મળી ગયો કે આ વિશે શું કરવું છે. આપણે આને કોઠાસૂઝ પણ કહી શકીએ. જાણી રાખવાનું એટલું જ કે કોઠાસૂઝ કે ઈન્ટ્યુઇશન કોઈ ચમત્કાર કે દૈવીશક્તિ નથી. પણ ભૂતકાળમાં થયેલા અનુભવો, નિરીક્ષણો, વિચારોના સમૂહનો તમારા સબકૉન્શ્યસમાં સંઘરાઈ ગયેલો ખજાનો છે.

નિર્ણયો ક્યારે લેવા, ક્યારે ન લેવા એટલે કે ક્યારે અનિર્ણિત દશામાં રહેવું એ સમજવાની એક સીધી સરળ ચાવી મને જે જડી છે તે એ છે કે કોઈ વાતે જો મન ના પાડતું હોય તો નિર્ણય નહીં લેવાનો. અને જો લેવો જ પડે એમ હોય તો ના પાડી દેવાની. અનિર્ણિત દશામાં રહેવાનો નિર્ણય પણ એક પ્રકારે નિર્ણય જ છે. તમે અમુક બાબતે નિર્ધારિત સમયમાં કશું નક્કી નથી કરવા માગતા. તમારે તેલ જોવું છે, તેલની ધાર જોવી છે અને એવું કરવામાં જો કોઈ કહેતું હોય કે તક હાથમાંથી નીકળી જશે તો ભલે, એવું કાલ્પનિક નુકસાન સહન કરવાની તમારી તૈયારી છે. તો પછી બીજા કોઈએ શું કામ તમારા પર દબાણ કરવું જોઈએ. પણ તમને ખબર છે કે કોઈ જ્યારે તમને નિર્ણય લેવા માટે ફોર્સ કરે છે ત્યારે એમાં તમારો નહીં, પોતાનો ફાયદો એ વ્યક્તિ જોતી હોય છે. તમારો નિર્ણય મુલતવી રહે તો એમાં એને પોતાનું નુકસાન દેખાતું હોય છે. આવી પરિસ્થિતિમાં સરેન્ડર થઈ જવાને બદલે તમારે અત્યારે નિર્ણય નહીં લેવાના તમારા નિર્ણયને વળગી રહેવાનું હોય.

આજનો આ લેખ વાસ્તવમાં વીસ-બાવીસ વર્ષ પહેલાં લખાયેલા મારા લેખની પ્રીક્વલ જેવો લેખ છે. મૂળ લેખ તમને મારા બ્લૉગ પર મળશે. શીર્ષક છે - નિર્ણયો પછીના અફસોસ. શક્ય હશે તો અહીં એ લેખની લિન્ક મૂકવાની કોશિશ કરું છું. આજનો લેખ વાંચ્યા પછી એના પર પણ નજર ફેરવી જશો. આજના લેખના અનુસંધાન જેવો એ લેખ છે જે મારો ફેવરિટ છે.

નિર્ણયો લેવા કે ન લેવા એ તમારી પોતાની મરજી પર આધાર રાખે છે. નિર્ણયો ક્યારે લેવા ને ક્યારે નહીં લેવા એ પણ તમારી મરજી પર આધાર રાખે છે. લેવાયેલા નિર્ણયો સાચા પડે કે ખોટા પડે એ સંજોગોમાં તમારે પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી એની દિશા તમને નિર્ણયો પછીના અફસોસ લેખમાંથી મળશે. જિંદગી એટલે તમારા નાના-મોટા નિર્ણયોનાં પરિણામોનો સરવાળો. આટલું જો યાદ રાખશો તો આ બંને લેખ તમને બે વાર વાંચવાનું મન થશે.

http://saurabh-shah.com/?s=નિર્ણયો++પછીના+&submit=Search

લાઈફ લાઈન

જિંદગીમાં ક્યારેક સૌથી કપરો નિર્ણય જ સાચો નિર્ણય હોય છે.

- અજ્ઞાત

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.