આજે પણ કરવું, કાલે પણ અને પરમ દિવસે પણ
ધીરજ વિના સાતત્ય શક્ય નથી. સાતત્ય વિશે વાંચતાં પહેલાં છેલ્લા બે અઠવાડિયા દરમિયાન ધીરજ વિશે લખેલા લેખો વાંચી લેવા.
કામમાં જો સાતત્ય ના હોય તો ધીરજ રાખવાનો કોઈ મતલબ નથી. સાતત્ય કામનું છે, પરિણામનું નહીં. પરિણામના સાતત્ય માટે આશા રાખવાની હોય, જીદ નહીં. અહીં એક ક્લાસિક દાખલો સૂર્યનો લઈએ. રોજ સવારે એ નિયમિત ઊગે છે, નિયમિત આથમે છે. રોજ થોડું આઘુંપાછું થાય છે પણ તે નિશ્ચિત ગણતરીથી વહેલુંમોડું થાય છે, પ્લાનિંગ મુજબ. અને રોજરોજ શું સૂરજ એકસરખો પ્રકાશે છે? ના. એના ઉદયની નિયમિતતા પછી પ્રકાશ આપવાનું એની કામગીરીનું પરિણામ આખું વરસ એકસરખું નથી હોતું. કેટલાક મહિનાઓ દરમિયાન વારંવાર વાદળાંથી ઢંકાઈ જતો હોય છે તો ક્યારેક એનું ગ્રહણ પણ થઈ જતું હોય છે. કોઈ વખત પોતાની ફુલ કેપેસિટી કરતાં અડધો કે પા ભાગનો પ્રકાશ આપીને આથમી જાય તો કોઈ વખત ઉદયથી અસ્ત સુધી પ્રખર તેજથી ચમક્યા કરે.
જે સફળ લોકોનાં નામ તમારી જીભે ચડે છે એ બધાએ સાતત્યની કદર કરી છે. સતત પોતાનું કામ કરતા રહ્યા છે. એક પણ વર્ષ કે એક પણ મહિનો તો શું એક પણ દિવસ, કલાક કે મિનિટ વેડફ્યા વિના સતત એમણે કામ કર્યું છે. આ સાતત્યના પરિણામે ક્યારેક એમણે સેન્ચ્યુરી ફટકારી છે, ક્યારેક ગોલ્ડન જ્યુબિલી હિટ્સ (હવેના જમાનામાં હન્ડ્રેડ કરોર ક્લબવાળી) ફિલ્મ આપી છે તો ક્યારેક જંગી પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. દર વખતે નહીં. ઘણી વખત તેઓ 99 પર કે ક્યારેક ઝીરો પર આઉટ થયા છે. ઘણી વખત ફિલ્મ સુપરફ્લોપ ગઈ છે અને એમના કેટલાય ધંધા નિષ્ફળ પણ ગયા છે. આમ છતાં આમાંના કોઈએ કામ કરવાનું છોડી દીધું નથી. પરિણામના સાતત્યની જીદ હોત તો ચાર વાર ઝીરોમાં આઉટ થઈને કે બે ફિલ્મો ફ્લૉપ જાય એટલે એ લોકોએ કામકાજ છોડી દીધું હોત. પણ એમને ખબર છે કે કામ સતત થતું રહેશે તો જ ક્યારેક ક્યારેક સફળતા આવશે. સફળતાનું પરિણામ ગેરન્ટીડ હોય તો જ હું કામ કરીશ, નહીં તો ઘરે બેઠો રહીશ એવી મેન્ટાલિટી નથી હોતી એમની.
કામનું સાતત્ય નથી હોતું ત્યારે જીવવાની જ રિધમ તૂટી જતી હોય છે. તદ્દન નાના પાયે તમે મન્ડે બ્લ્યુઝનો સામનો કર્યો હશે. શનિ-રવિની કે એકલા રવિવારની પણ રજા હોય તોય સોમવારે કામ પર જવાનો કંટાળો આવતો હોય છે. જો એક (કે બે) જ દિવસ નિષ્ક્રિય રહેવાથી કામ ફરી શરૂ કરવાની આળસ આવે તો વિચાર કરો કે અઠવાડિયું, મહિનો કે વરસ સુધી કામ નહીં કરીએ તો ફરીથી શરૂ કરવામાં કેટલી મહેનત પડવાની છે.
હું પોતે બહુ પછડાટ ખાઈને સાતત્યનું મહત્ત્વ સમજ્યો છું. આજથી બરાબર ત્રીસ વર્ષ પહેલાં, 1985ના નવેમ્બરમાં મેં સુરતના પ્રતિષ્ઠિત દૈનિક ‘ગુજરાત મિત્ર’માં નોકરી શરૂ કરી ત્યારે મારી એક જવાબદારી દૈનિક કૉલમ લખવાની પણ હતી. સાપ્તાહિક કૉલમો હું અગાઉ પણ લખતો, પણ ડેઈલી કૉલમનું કામ મારા માટે નવું હતું. એ પછી વિવિધ તબક્કે ‘સમકાલીન’, ‘સમાંતર’, ‘મુંબઈ સમાચાર’, ‘મિડ-ડે’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’ અને ફરી ‘મુંબઈ સમાચાર’ માટે રોજની કૉલમ લખી. શરૂઆતનાં વર્ષોમાં શું થતું કે આજે લખવાનો મૂડ નથી/ કોઈ વિષય સૂઝતો નથી / બહુ મોડું થઈ ગયું છે / બહારગામથી મિત્રો આવ્યા છે... એવા અનેક બહાનાં (જે મને તે વખતે જેન્યુઈન કારણો લાગતાં, પણ હવે સમજાય છે કે બધાં કામ ન કરવાનાં બહાનાં હોય છે) હેઠળ હું એક દિવસ માટે કૉલમ નહીં લખતો, એવું વિચારીને કે આજનો દિવસ રજા, કાલે તો લખવાનું જ છે ને.
મોટેભાગે બનતું એવું કે બીજે દિવસે પણ એ જ કે બીજાં કોઈ નવાં બહાનાં મળી જાય અને ના લખું. ક્યારેક સળંગ દિવસો સુધી ના લખાય. પછી સમજાતું ગયું કે આ વિષચક્રમાં ફસાવા જેવું નથી. હવે મને એવો અનુભવ થાય છે કે આજે હું લખું તો આવતી કાલે મને વધારે જોર આવે છે લખવાનું. આજે ધારો કે બે લેખ લખું તો કાલે થાય કે હવે ત્રણ લેખ લખું. જેમ નિષ્ક્રિયતા પોતે નિષ્ક્રિયતાને આકર્ષે છે એમ મને લાગે છે કે કામ પોતે કામને આકર્ષે છે. સાતત્યનો મહિમા હું આ રીતે શીખ્યો.
પરિણામમાં પણ સાતત્ય હોય તો કોને ના ગમે? જો હું અભિનેતા/દિગ્દર્શક હોત તો મારી બધી જ ફિલ્મ હિટ હોય એવું મને ગમતું હોત. લખવામાં પણ એવું જ છે. આજે છપાયેલો લેખ બહુ વખણાય તો મનમાં ડર લાગે. આવતી કાલનો લેખ વાચકોને આટલો સારો નહીં લાગ્યા તો? આજનો વિષય, લેખના વિચારો કે લેખની માહિતી લોકોને ન ગમ્યાં (કહો કે લેખ ફ્લૉપ ગયો) તો મનમાં બીજા પ્રકારનો ડર પેસી જાય : બસ, હવે પરવારી ગયા? કલમનો જાદૂ ઓસરી ગયો!
કામના સાતત્ય માટે આવા બંને પ્રકારના ડરનો સામનો કરવો છે, એમને જીતવા પડે. એક ફિલ્મ ફ્લૉપ થવાથી કે એક લેખ તમારા સ્ટાન્ડર્ડનો ન લખવાથી કંઈ તમારી કરિયર પૂરી નથી થઈ જતી. બીજી ફિલ્મમાં, બીજા દિવસે તમારે વધારે મહેનત કરવાની, કામ પર વધારે ધ્યાન આપવાનું - આ પાઠ ભણાવવા માટે જ નિષ્ફળતાઓ આવતી રહેતી હોય છે.
લાઈફ લાઈન
સમાજમાં સાત પ્રકારનાં પાપ હોય છે :
1. કામ કર્યા વિના મળતી દૌલત
2. ખોટું કામ કરીને મળતી મઝા
3. ચારિત્ર્ય વિનાનું જ્ઞાન
4. નીતિમત્તા વિનાનો વેપાર
5. માણસાઈ વગરનું વિજ્ઞાન
6. ત્યાગ વગરની પ્રાર્થના અને
7. સિદ્ધાંતો વિનાનું રાજકારણ
- ફ્રેડરિક લેવિસ ડોનાલ્ડસન (લંડનના વેસ્ટમિન્સ્ટર એબી ચર્ચમાં 20 માર્ચ 1925ના રોજ આપેલા ધર્મોપદેશમાં આ વાત પાદરીએ કહી હતી.)
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર