લગ્નની જેમ બિઝનેસમાં પણ માત્ર પોતાનો ફાયદો નહીં જોવાનો

11 Apr, 2016
12:00 AM

mamta ashok

PC:

આ જમાનો એવો છે કે માણસે કે એની કંપની, એની સંસ્થા, એના કારોબારે ઝડપથી વિકસવું હશે, તેજીથી આગળ વધવું હશે તો બીજાઓનો સાથ-સહકાર લીધા વિના એ શક્ય નથી બનવાનું. અત્યારના યુગમાં તમે એકલપેટા ન રહી શકો. એકવીસમી સદીમાં તમે તમારો ચોકો જમાવીને દુનિયાને ઈગ્નોર ન કરી શકો. આધુનિક સમય જંગલના એકાંતમાં ઋષિમુનિની જેમ કુટિર બાંધીને સાધના કરવાનો નથી. તમારે નગર વચ્ચે રહીને, બધાને સાથે રાખીને તમારું એકાંત શોધી લેવાનું અને સાધના કરવાની. લોકોથી વિખૂટા પડીને કંઈ નહીં થઈ શકે.

આ વાત કહેવા માટે ગાય કાવાસાકીએ એની બેસ્ટ સેલર બિઝનેસ બુક 'ધ આર્ટ ઑફ ધ સ્ટાર્ટ'માં પ્રોલિફરેશન નામના વિભાગમાં ચેપ્ટર 8,9 અને 10 આપ્યાં છે. ત્રણ મુખ્ય વાત આ ત્રણ પ્રકરણોમાં ભારપૂર્વક કહેવાઈ છે.

1. પાર્ટનરશિપ કરો. અર્થાત તમારી સફળતામાં બીજાઓને ભાગીદાર બનાવો. એમના થકી તમે મોટા બનો અને તમારા થકી એમને મોટા થવા દો. તમે તમારી રીતે અને એ એમની રીતે છો કામ કરતા પણ જ્યાં જ્યાં સગવડ હોય અને જરૂરી હોય ત્યાં સહિયારું કામ કરો. કૉલોબરેશન, જોઈન્ટ વેન્ચર કે પાર્ટનરશિપ કરતી વખતે તમારો ગોલ સ્પષ્ટ હોવો જોઈએ :

* અત્યારે છે એના કરતાં વધારે ટર્નઓવર

* કોસ્ટ નીચી આવે.

* નવી પ્રોડક્ટ્સ/સર્વિસીઝ

* નવા ગ્રાહકો

* નવા વિસ્તારોમાં માર્કેટિંગ થાય

* અત્યારના સ્ટાફને આ જોડાણથી નવું શીખવાનું મળે

બીજા લોકો સાથે હાથ મેળવતી વખતે તમારા સી.ઈ.ઓ.ને આ નવી જવાબદારીના ઈન્ચાર્જ નહીં બનાવવાના. કોઈ બીજી એક સિનિયર વ્યક્તિને કે એક કરતાં વધુ વ્યક્તિઓના ગ્રુપને એ જવાબદારી સોંપવાની. સી.ઈ.ઓ.નું ફોકસ અત્યારની એની જવાબદારી હોય તે જ સારું છે. સાથે-સાથે કંપનીના મિડલ લેવલ અને બૉટમ લેવલના લોકોને પણ નવી કંપની સાથે હળીમળીને કામ કરવા માટે કેવી મેન્ટાલિટીની જરૂર પડવાની છે તે માટે ટ્રેઈન કરવાના.

એક વાત સતત યાદ રાખવાની : લગ્નની જેમ ધંધામાં પણ બીજી કંપનીઓ સાથે હાથ મિલાવતી વખતે માત્ર તમારી જ કંપનીનો ફાયદો ન જોવાય. તમારા થકી એને પણ એટલો જ ફાયદો થતો હોય તો જ ગાડું ચાલવાનું છે, લગ્નની જેમ જ.

2. પ્રોલિફરેશનનો બીજો મુદ્દો છે - બ્રાન્ડિંગ. એમ કહેવાય છે કે ધંધાની શરૂઆતથી જ તમે તમારી બ્રાન્ડને પ્રમોટ કરશો તો વખત જતાં તમારી બ્રાન્ડ મોટી ને જાણીતી થઈ જશે એવું નથી. આજની કોઈ પણ મોટી બ્રાન્ડ એ રીતે સ્થપાઈ નથી. બિગ બ્રાન્ડ બનાવવા માટે તમારી પ્રોડક્ટ ગ્રેટ જોઈએ અને એ ગ્રેટ પ્રોડક્ટને સપોર્ટ કરી શકે કે સસ્ટેન કરી શકે એવું ઓર્ગેનાઈઝેશન તમારે બિલ્ડ કરવું પડે. ઘણા લોકો આ પાયાની વાતને ધ્યાનમાં રાખ્યા વિના બ્રાન્ડિંગ પાછળ, એના જાહેરખબરના બજેટ પાછળ પ્રારંભે જ એટલો ખર્ચો કરી મૂકે છે કે પ્રોડક્ટ જો એ કક્ષાની ન હોય તો બ્રાન્ડ તૂટવા માંડે છે. ધારો કે પ્રોડક્ટ પણ તમે એટલી જ સારી બનાવી પણ જો એ પ્રોડક્ટ માટે ફાઈનાન્સ, માર્કેટિંગ તથા બીજા ક્ષેત્રોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તમારી પાસે ન હોય તો ઓર્ગેનાઈઝેશનલ સપોર્ટ વિના, તમારી પ્રોડક્ટ વખણાયેલી હોવા છતાં ટૂંકા સમયમાં દમ તોડી નાખશે. સારી બ્રાન્ડ કેવી રીતે ઊભી કરવી તેની ટિપ્સ ગાય કાવાસાકીએ આ 9મા ચેપ્ટરમાં આપી જ છે.

જોકે, બ્રાન્ડિંગ એક આખો સ્પેશ્યલાઈઝ્ડ વિષય છે જેના વિશે સંખ્યાબંધ સ્વતંત્ર પુસ્તકો ઉપલબ્ધ છે - શોધી લેજો. માત્ર એટલું યાદ રાખજો કે તમારી બ્રાન્ડ ઊભી કરવાના પ્રયત્નોમાં તમારે બીજી બ્રાન્ડને ઉતારી પાડવી નહીં. હમણાં ટીવી પર સેમસંગના ટીવીની નામ દઈને ટીકા કરતી લોઈડ ટીવીની એડ જોવા મળે છે. મને પર્સનલી આ બેઉ બ્રાન્ડ સાથે કોઈ લેવાદેવા નથી અને ભવિષ્યમાં પણ આ બેમાંનું કોઈ ટીવી વસાવવાનો મારો પ્લાન નથી. પણ લૉઈડ ટીવીની આ એડ જોઈને મને લૉઈડ માટે ગુસ્સો આવ્યો અને સેમસંગ માટે સહાનુભૂતિ જાગી. ભવિષ્યમાં જો મારે આ બે જ બ્રાન્ડમાંથી પસંદગી કરવાની ફરજ પડે તો હું સેમસંગ તરફ વધારે ઢળું. લૉઈડે પોતાના પૈસે રાઈવલ સેમસંગનું માર્કેટ વધારી આપ્યું એવું લાગે છે. કારણકે ટીવીની દુનિયામાં સેમસંગ જૂની બ્રાન્ડ છે, લૉઈડ ટીવીનું તો નામ પણ પહેલવહેલીવાર સાંભળ્યું. વળી ઈન્ડીપેન્ડન્ટ બ્રાન્ડ તરીકે પણ સેમસંગ ઘણી મોટી બ્રાન્ડ કહેવાય. તો પછી ગ્રાહક શું કામ દસ હજાર રૂપિયા બચાવવા માટે ટીવી જેવી બાબતમાં સેમસંગને છોડીને લૉઈડને પસંદ કરે.

3. ત્રીજો મુદ્દો પ્રોલિફરેશનને લગતો એ કે તમારા સપ્લાય કે વેચાણ માટે કોઈ એક જ ડીલર કે વેન્ડર પર આધાર નહીં રાખવાનો. ખૂબ બધાં બી વેર્યાં કરવાનાં અને પછી જોવાનું કે આમાંથી કયા બીનાં મૂળિયાં ફૂટે છે અને એના કયા છોડમાંથી વૃક્ષ ઊગે છે. જે બી ફળ આપે તે જ માર્કેટમાં આગળ વધવાનું. જે બીનું કોઈ રિઝલ્ટ ન આવે તે માર્કેટ પર ધ્યાન આપવાની જરૂર નથી.

તમે ધાર્યું હોય કે તમારી પ્રોડક્ટ અમુક માર્કેટમાં વધારે ચાલશે પણ અનુભવે સમજાય કે તમારા ટાર્ગેટેડ એરિયા કરતાં બીજા વિસ્તારોમાં એની ડિમાન્ડ વધારે છે તો તમારે તમારું ફોકસ એ તરફ લઈ જવાનું. તમે ધાર્યું હોય કે તમારી નાની-મોટી સો પ્રોડક્ટ્સમાંથી આ દસ પ્રોડક્ટસની ડિમાન્ડ સૌથી વધારે રહેશે પણ વખત જતાં ખ્યાલ આવે કે એ દસ નહીં પણ બીજી જ દસ પ્રોડક્ટની ડિમાન્ડ વધારે છે, તો તમારે તમારા પ્લાનિંગને બદલવું પડે, પેલી દસ પ્રોડક્ટ્સ માટેનું મમત્વ છોડીને આ દસ પ્રોડક્ટ્સ પર વધારે કોન્સન્ટ્રેટ કરવું પડે.

'ધ આર્ટ ઑફ ધ સ્ટાર્ટ'નું છેલ્લું ચેપ્ટર જરા ફિલોસોફિકલ છે પણ બિઝનેસ કરનારા સૌ કોઈ માટે એકદમ રિલેવન્ટ છે. આ અગિયારમા પ્રકરણમાં ગાય કાવાસાકી બે વાત કહે છે :

1. કોઈપણ વ્યક્તિ કે ઓર્ગેનાઈઝેશન જે કામ કરે છે, તે આ સમાજમાં, આ દુનિયામાં રહીને કરે છે. તમારું કામ માત્ર તમને કે તમારી કંપનીને જ ફાયદો કરાવી આપતું હશે તો એ કામ નૈતિક નથી, અનૈતિક છે. તમારા કામથી સોસાયટીને, આ દુનિયાને પણ ફાયદો થવો જોઈએ.

2. તમારે જો ખરેખર મોટું કામ કરવું હશે તો તમારી સાથે કામ કરનારાઓ, તમારા એમ્પ્લોઈઝને પણ તમારે નૈતિકતાના ઊંચામાં ઊંચા ધોરણે રાખતાં શીખવવું પડશે.

આ કેવી રીતે થઈ શકે?

ત્રણ રીતે :

1. બને એટલા વધારે લોકોને મદદરૂપ થઈએ, તમારો દેખીતો સ્વાર્થ હોય કે ન હોય, કોઈને મદદરૂપ થવામાં તમે ઘસાઈ જવાના નથી. અને ક્યારેક ઘસાવું પણ પડે તો ઘસાઈને વધુ ઉજળા થશો એવું માનવાનું.

2. જે સાચું હોય તે જ કરવાનું. કોઈએ તમને પેમેન્ટ કરતી વખતે ભૂલથી વધારે પૈસા આપી દીધા, પાછા આપો. કોઈએ તમને માલ સપ્લાય કરતી વખતે મોંઘી કિંમતનો માલ ભૂલથી મોકલી આપ્યો. તરત એનું ધ્યાન દોરો. કોઈને છેતરવાની વૃત્તિ તો ન જ રાખીએ, કોઈની ભૂલનો લાભ લઈ લેવાની દાનત પણ ન રાખીએ.

3. જે કંઈ મળે છે તેમાંથી એક અંશ સોસાયટીને પાછો આપો. સોસાયટી એટલે માત્ર સમાજ જ નહીં. તમારી સાથે કામ કરતા લોકો, બહાર રહીને તમારા માટે ફાયદો કરાવી આપતા લોકો, તમારા શુભેચ્છકો, તમારા મિત્રો, તમારા કુટુંબીજનો, જ્ઞાતિજનો, સગાંવહાલાં, તમારા એમ્પ્લોઈઝનાં કુટુંબીજનો, તમારી કામ કરવાની જગ્યાને વધારે સુંદર, વધુ સગવડવાળી બનાવો. તમારા ગ્રાહકોને સરપ્રાઈઝરૂપે કસ્ટમર ડિલાઈટના નામે ક્યારેક ભેટ આપતા રહો.

પતંજલિની પ્રોડક્ટ્સની આજકાલ બોલબાલા છે. બોલબાલા નહોતી તે જમાનાથી હું બાબા રામદેવની આ કંપનીની ટૂથપેસ્ટ વાપરું છું. પછી અરીઠાનું શેમ્પુ વાપરવાનું શરૂ કર્યું અને થોડા વર્ષ પહેલાં મધ પણ અને હવે ગાયનું ઘી. પતંજલિની આ ચારેય પ્રોડક્ટ્સ મારા ઘરમાં તમે ગમે ત્યારે આવો, હોવાની જ. એટલું જ નહીં એનાં એક કરતાં વધારે નંગ હોવાનાં જેથી જેમને આ વસ્તુઓનો પરિચય નથી એમને હું સેમ્પલરૂપે ભેટ આપી શકું. હવે તો પતંજલિની પ્રોડક્ટસની ખાસ્સી મોટી રેન્જ બજારમાં મળતી થઈ ગઈ છે. શરૂનાં વર્ષોમાં તમારે શોધવા જવું પડતું, હવે પ્રેક્ટિકલી દરેક શહેર-નગર-ગામમાં તમને પતંજલિની પ્રોડક્ટ્સ વેચાતી જોવા મળે અને વેબસાઈટ પરથી ઑનલાઈન ખરીદી પણ આસાનીથી થઈ શકે. ગાય કાવાસાકીની 'ધ આર્ટ ઑફ ધ સ્ટાર્ટ' વિશેની લેખશ્રેણીનો આ છેલ્લો હપતો લખવા બેઠો તે પહેલાં, સવારના પહોરમાં પતંજલિની અંગ્રેજી છાપાઓમાં છપાયેલી મોટી એડમાં વાંચ્યું કે, હવેથી ટૂથપેસ્ટ પર થનારો બધો જ પ્રોફિટ પતંજલિ દેશના વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય માટે દાનમાં આપી દેશે. પતંજલિની તમામ પ્રોડક્ટ્સમાં આ ટૂથપેસ્ટ (જેનું બ્રાન્ડ નેમ છે 'દન્તકાન્તિ') સૌથી જૂની, સૌથીપૉપ્યુલર અને કંપનીમાં સૌથી મોટું ટર્નઓવર ધરાવતી પ્રોડક્ટ છે.

જે સમાજ પાસેથી આપણને મળતું હોય એ સમાજને થોડું તો થોડું, પાછું આપવું જ જોઈએ. એવી ઈશોપનિષદની તેન ત્યક્તેન ભૂંજિથા : વાળી ફિલસૂફી ઈન્ટરનેશનલ બિઝનેસ થિન્કિંગમાં પણ પ્રસ્તુત છે, એ આનંદની વાત છે.

લાઈફ લાઈન

સમય જ્યારે નાચ નચાવે છે ત્યારે દરેક સંબંધી કોરીઓગ્રાફર બની જાય છે!

- વૉટ્સએપ પર વાંચેલું.

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.