મોદીને પોતાનું માર્કેટિંગ કરતાં આવડે છે? તમારે પણ એ જ કરવું છે?
ફિલિપ કોટલર જગવિખ્યાત માર્કેટિંગ ગુરુ છે અને આજકાલ ઈન્ડિયામાં છે. 85 વર્ષના છે. 50 વર્ષથી માર્કેટીંગ વિશે લખે છે, માર્કેટિંગ વિશે ભણાવે છે અને માર્કેટિંગ કરતાં શીખવાડે છે. આ વિષય પર 55થી વધુ પુસ્તકો એમના નામે બોલે છે.
ગયા અઠવાડિયે બેન્ગલોરની એક ઈવેન્ટમાં એમણે નરેન્દ્ર મોદીના 'માર્કેટિંગ' વિશે વાત કરી.
કેટલાક રાજકીય વિશ્લેષકોએ એવી છાપ ઊભી કરી છે કે નરેન્દ્ર મોદીને પોતાનું માર્કેટિંગ કરતાં બહુ સારી રીતે આવડે છે. સીએમ તરીકે એમણે એ જ કર્યું, 2014ની લોકસભાની ચૂંટણી વખતે પણ એમણે એ જ કર્યું અને પીએમ બન્યા પછી પણ તેઓ એ જ કરી રહ્યા છે.
આ સંદર્ભમાં ફિલિપ કોટલરે બેન્ગલોરમાં કહ્યું કે : 'મોદીએ જે કામ કર્યું છે, એ જે રીતે કામ કરી રહ્યા છે તે વર્ક એથિક અને એ જે નીતિ-નિયમોને વળગી રહ્યા છે તેને કારણે તેઓ ઉપર આવ્યા છે પણ લોકો ખોટી રીતે માને છે કે એમણે પોતાનું માર્કેટિંગ કરીને લોકપ્રિયતા હાંસિલ કરી છે.'
મોદી જ નહીં કોઈપણ ચિક્કાર લોકપ્રિય વ્યક્તિ પર વાંકદેખાઓ દ્વારા આવો જ આરોપ મૂકવામાં આવતો હોય છે કે એ તો પોતાની જાતનું માર્કેટિંગ કરવામાં એક્સપર્ટ છે, એને તો નેટવર્કિંગ કરતાં બહુ સારું આવડે છે.
માર્કેટિંગ કે નેટવર્કિંગ વગેરે દ્વારા તમને કામચલાઉ લાભ મળી શકે, કોઈ નાના-મોટા ફાયદાઓ થઈ શકે, લાંબા ગાળે જેનું કોઈ જ મહત્ત્વ હોતું નથી એવાં પારિતોષિકો કે સન્માનો મળી શકે, લોકોને મન જે ગ્લેમરસ હોય એવું કામ કે એવા હોદ્દા-પદ પર મળી શકે, છાપાં-ટીવી પર પબ્લિસિટી પણ મળી શકે - પણ આ બધુ જ ટેમ્પરરી હોવાનું. અને જો ક્યાંક કશુંક કાયમી હોય તો તે નગણ્ય હોવાનું.
અલ્ટીમેટલી તો માણસની ઔકાત પ્રમાણે જ એને માન-સન્માન કે હોદ્દો કે પૈસા કે એવું બધું મળતું હોય છે. અને આ ઔકાત કંઈ પોતાની જાતનું માર્કેટિંગ કરવાથી નથી આવી જતી. હાર્ડ વર્ક, ચોક્કસ નીતિમત્તાનું ચુસ્ત પાલન, નિષ્ઠા અને દૂરંદેશી હોય તો તમે તમારા ક્ષેત્રમાં મજબૂત, અચળ સ્થાન ધરાવી શકો. પછી આ ગુણો જ તમારાં માર્કેટિંગ ટુલ્સ બની જાય, તમારે જાતે તમારું માર્કેટિંગ કરવાની કોઈ જરૂર જ ન રહે. તમારું કામ જોઈને બીજાઓ તમારાં વખાણ કરતા થઈ જાય અને આ વર્ડ ઑફ માઉથ જ તમારા વતી તમારી સેલ્સમેનશિપ કરે, તમારે પોતાને આગળ લઈ જવા માટે તમારી જાતને ધક્કા ન મારવા પડે.
ટુ મિનિટ્સ નૂડલના આ જમાનામાં બધાને બધું જ ઝટપટ જોઈએ છે. ઉતાવળે આંબા ન પાકે એવી ટાઈમ ટેસ્ટેડ કહેવતમાં કોઈને શ્રદ્ધા નથી રહી. ધીરજનાં ફળ મીઠામાં કોઈ માનતું જ નથી. સૌ કોઈને કેમિકલ નાખીને પોતપોતાની કેરીઓ ગ્રીનમાંથી પીળી-સોનેરી દેખાવની કરી નાખવી છે, અંદરથી ભલે એ ખાટીઝાડ નીકળે.
રોજ તમે છાપાં-ટીવીમાં તદ્દન મુફલિસ લોકોને પબ્લિસિટી મળેલી જોઈને વિચારતા હશો કે આવા લોકોએ ક્યાં કંઈ નક્કર કામ કરીને પબ્લિસિટી મેળવી છે, તો હું પણ મફતમાં ફેમસ થઈ શકું છું. તમારા ઘરમાં એક વરસ જૂનાં છાપાં તો નહીં હોય પણ કપડાંના કબાટમાં કે રસોડામાં બરણીઓ નીચે પાથરેલાં જૂના છાપાં મળી આવે તો જરા ધ્યાનથી વાંચજો.
એમાં જે લોકોના ફોટા છપાયા છે, વખાણ છપાયાં છે એ બધાં અત્યારે ક્યાં છે? 99 ટકા લોકો ફેંકાઈ ગયા છે. રાજકારણ, ફિલ્મ, સાહિત્ય - દરેક ક્ષેત્રમાં ટેમ્પરરી ચિક્કાર ફેમ મેળવી લેનારા લોકોની નામનાની એક્સપાયરી ડેટ બહુ બહુ તો વરસ કે બે-પાંચ વરસની હોવાની. જેઓ નક્કર કામ કરતા હોય છે એમના જ પાયા ઊંડા નંખાતા હોય છે અને એ જ લોકોનું કામ પેઢી દર પેઢીના ભાવકો સુધી પહોંચતું હોય છે.
નરેન્દ્ર મોદી જો પોતાનું માર્કેટિંગ કરીને ઉપર આવ્યા હોત તો તો એમનું અનુકરણ કરીને આજે બીજા એક હજાર જણ એમની કૉમ્પીટિશનમાં હોત. પણ એમનું અનુકરણ કરવા માટે તમારે રોજના ઓગણીસ કલાક કામ કરવું પડે, એક રૂપિયાની લાલચ રાખ્યા વિના અને અબજોપતિઓની શેહશરમમાં આવ્યા વિના કડક નિર્ણયો લેવા પડે, દિવસ-રાત તમારું માથું ખાઈ જતા કેજરીવાલ જેવા જોકરોથી પરેશાન થવાને બદલે તમારી ગરિમા સાચવીને અને તમારી સ્વસ્થતા સાચવીને આગળ વધતાં રહેવું પડે અને જિંદગીની દરેક સેકન્ડનું મૂલ્ય જાણીને એનો નિષ્ઠાપૂર્વક ઉપયોગ કરતાં રહેવું પડે. આ બધી બાબતોમાં તમે મોદીનું અનુકરણ કરો તો જરૂર મોદી બની શકો. એક મહિના માટે પણ ટ્રાય તો કરી જુઓ.
જેઓ તમારા જેવા બની નથી શકતા અને તમારી સફળતાથી ઈર્ષ્યા કરતા રહે છે તેઓ બીજાના મોઢે એ જ કહેતા રહેવાના : એને પોતાની જાતનું માર્કેટિંગ કરતાં બહુ સારું આવડે છે!
લાઈફ લાઈન
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું.
હું તેજ ઉછીનું લઉ નહીં
હું જાતે બળતું ફાનસ છું
ઝળાંહળાંનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
હું પોતે જ મારો વંશજ છું,
હું પોતે મારો વારસ છું.
- નરેન્દ્ર મોદી
(આ કવિતા એમણે સી.એમ. બનતાં પહેલાં લખી હતી.)
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર