સપનાંઓ જોવાથી સેલ્ફ કૉન્ફિડન્સ તૂટે?
સેલ્ફ કૉન્ફિડન્સ તૂટવામાં બીજાઓ ઉપરાંત આપણો પોતાનો પણ ઘણો મોટો વાંક હોય છે. આપણે જ્યારે આપણા ગજા બહારનાં, આપણી ઓકાત કરતાં મોટા સપનાં જોતાં થઈ જઈએ છીએ ત્યારે આજે નહીં તો કાલે, સેલ્ફ કૉન્ફિડન્સ અચૂક તૂટવાનો. મોટાં સપનાં જોવાની ના નથી પણ એકસામટાં સપનાં જોઈ નાખવાનાં ન હોય. ધીરુભાઈ અંબાણીએ ગામડામાં રહીને, પછી ભૂલેશ્વરની ચાલીમાં રહીને પછી નાની-નાની જગ્યાઓમાં રહીને મહેલાતોમાં રહેવાનું શરૂ કર્યું હતું. કોઈ પણ સફળ વ્યક્તિ એક પછી એક પગથિયું ચડ્યા પછી જ અલ્ટિમેટ સફળતાને આંબે છે. આપણી ભૂલ શું થાય છે કે આપણે સફળ વ્યક્તિઓની આ અલ્ટિમેટ સફળતા જ જોઈ હોય છે. કેટલી ધીરજપૂર્વક તેઓ વન બાય વન સ્ટેપ આગળ વધ્યા છે તે જોવાની ફુરસદ જ નથી હોતી આપણામાં જેમ દરેક દોડવીર મહિનાઓ-વર્ષોની પ્રૅક્ટિસ કર્યા પછી વધુ ને વધુ ઝડપે દોડતો થાય, જેમ દરેક રમતવીર ક્રમશ: પોતાની સ્ટેમિના વધારતો જાય એમ ઓવર અ પિરિયડ ઑફ સમ યર્સ આપણે સફળ થઈ શકીએ, કોઈ સ્પ્રિન્ટ રનર રાતોરાત ઉસેન બોલ્ટ બનવાનું સપનું જોતો નથી આપણે જોઈએ છીએ. આપણા માટે અનરિયલ ગોલ્સ બનાવીને એને અચીવ કરવાના પ્રયત્નો કરીએ છીએ અને પછી ઊંધે માથે પટકાઈએ છીએ. આ નિષ્ફળતામાંથી બેઠા થવા, બીજાઓ આગળ આપણે હવે કેવાં લાગીશું એવી ભોંઠપમાંથી બહાર આવવા આપણે હજુ વધુ મોટો ગોલ અચીવ કરવાનું સપનું જોતાં થઈ જઈએ છીએ અને ફરી પટકાઈએ છીએ, અગાઉના કરતાં વધુ આકરી પછડાટ હોય છે આ. આવું કવાર બને કે એક કરતાં વધારે વાર, જ્યારે જ્યારે બને છે તે ત્યારે આપણે અંદરથી તૂટી જતાં હોઈએ છીએ, બહારથી બહાદુરીનો દેખાવ ભલે ચાલુ હોય પણ આપણો સેલ્ફ કૉન્ફિડન્સ ચૂર ચૂર થઈ ગયો હોય છે. આ રીતે તૂટી ગયેલો આત્મવિશ્વાસ પાછો મેળવવાનો એકમાત્ર રસ્તો એ છે કે એકસાથે આખો લાડવો મોંમાં મૂકવાની ખ્વાહિશ પડતી મૂકીએ. કદાચ મોં એટલું બધું પહોળું કરશો ને આખો લાડવો મૂકી પણ દેશો તો એકસાથે એટલો લાડવો પચી શકે એ માટે મેં પાચનતંત્રને કેળવ્યું નથી એટલે શરીરને ભારે પડશે. તમે બીમાર પડશો.
તમને તમારું જે ગજું લાગે છે એના કરતાં અડધા ગજાનું જ કામ હાથમાં લો. એમાં ચકચકિત સફળતા મેળવશો એટલે આપોઆપ તમારામાં આત્મવિશ્વાસ આવશે. નેક્સ્ટ સ્ટેપ, ફરી એવું જ કરો. તમારા ગજા કરતાં અડધા ગજાનું જ હોય એવું કામ કરો. પાંચ ફૂટનો કૂદકો મારી શકવાની ક્ષમતા હોય તો બે કે ત્રણ ફૂટનો જ કૂદકો મારો. આત્મવિશ્વાસમાં ઉમેરો થશે. આ રીતે ક્રમશઃ સેલ્ફ કૉન્ફિડન્સમાં ઉમેરો કરતા જશું તો થોડા વખત પછી આપણા ગજા મુજબનું કામ કરતાં થઈ જઈશું. થોડો વખત ગજા મુજબનું કામ કરતાં થઈ જઈશું એટલે આખરે આપણું જે ગજું છે તે ગજું વધારવાનો વખત આવશે. કામ તો એટલું જ રાખવાનું છે, હવે ગજું વધારવાનું છે. નવા માણસો સાથે હાથ મિલાવીને, નવું શીખીને, નવાં ક્ષેત્રોમાં જઈને, કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને, આઉટ ઑફ બૉક્સ થિન્કિંગ કરીને ગજું વધારવાનું છે. આ ગજું વધાર્યા પછી પણ થોડો સમય કામ તો અગાઉના જેટલું જ રાખવાનું, સપનાં પણ અગાઉના જેટલાં જ રાખવાનાં. ગજું વધ્યું એટલે સપનાંઓ તરત વધારી નહીં દેવાના, થોડા વખત વીત્યા પછી વધારવાનાં. હવે તમારું ગજું મોટું થયું છે અને તમારાં સપનાં પણ ગજા મુજબનાં મોટાં થવા માંડ્યા છે.
આ આખીય પ્રક્રિયા થોડાક વખત સુધી યથાતથ ચાલતી રહેવા દો. ગજું વધારો, સપનું નહીં. પછી વધેલા ગજા મુજબનું સપનું જુઓ. હવે ગજું અને સપનું બેઉ વધી ગયાં. ફરી પાછું ગજું વધારો, સપનું નહીં... આ આવર્તનોની જેમ જેમ ટેવ પડતી જશે એમ એમ તમારામાં ગજબનું પરિવર્તન આવતું જશે અને તમે ગજા બહારનાં સપનાં જોઈને એ સપનાંને ભરપૂર આત્મવિશ્વાસ સાથે અમલમાં મૂકતાં થઈ જશો. ગજા બહારનું સપનું જોવા માટે આ આખીય પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે. કોઈ જ્યારે તમને સલાહ આપે કે માણસે પ્રગતિ કરવી હોય તો પોતાના ગજા બહારનાં સપનાં જોતાં થઈ જવું જોઈએ. ત્યારે એણે માની લીધું હોય છે કે તમે આ લાંબી પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યા છો. વર્ષોની આ પ્રોસેસ પૂરી કર્યા વિના જેઓ પોતાની જાત માટે મોટી મોટી આશાઓ રાખતાં થઈ જાય છે, તેઓ અચૂક પટકાય છે અને આત્મવિશ્વાસ ખોઈ બેસે છે.
આપણામાં આત્મવિશ્વાસનો અભાવ હોય એમાં આપણો પોતાનો વાંક કેટલો? આપણો પોતાનો વાંક કેટલો? જિંદગીનાં છેલ્લાં દસ-વીસ વર્ષને રિવાઈન્ડ કરીને એની ઝલક આજે પોતાની જાતને બતાવવાનો પ્રોગ્રામ રાખશો તો સમજાઈ જશે.
લાઈફ લાઈન:
નાનાં નાનાં સપનાંઓ સાકાર થશે તો જ મોટાં સપનાંઓ હકીકતમાં પલટાશે.
- અજ્ઞાત
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર