નિષ્ફળતાનાં રોદણાં રડવાનાં નહીં
નિષ્ફળતાના થર્ડ અને ફાઈનલ સ્ટેજ પર હવે આવી ગયા છીએ. આ એવો તબક્કો છે જ્યાં આવીને તમે નિષ્ફળતાને ટાળી શકવાના નથી. આવી રહેલી નિષ્ફળતાને રોકવાના કે એને ચાતરી જવાના તબક્કાઓ હવે પૂરા થઈ ગયા છે. આ ફાઈનલ તબક્કામાં તમારે મુખ્ય બે વાતો કરવાની છે.
પહેલી એ કે આ તબક્કામાં પ્રવેશ્યા પછી બને એટલું ઓછું નુકસાન થાય તે માટે તમારે એવી માનસિકતા રાખવી પડશે કે નુકસાન પણ સહન કરવાનું જ છે. તમે જો એમ માનસો કે મારે કોઈ નુકસાન કર્યા વિના આ નિષ્ફળતામાંથી વળી જવું છે તો કદાચ તમારે વધારે નુકસાન સહન કરવું પડશે. બધું બચાવવા જતાં બધું જ ખોવું પડે એવું બને. એના કરતાં કેટલુંક ખોવાયું જ છે એમ માનીને એટલી ખોટ સહન કરવાની તાકાત મેળવી લેશો તો બાકીની એનર્જી જે કંઈ બચી શકે છે એને બચાવવા માટે વાપરી શકશો. અને શક્ય એ પણ છે કે આ તબક્કે તમારે સંપૂર્ણપણે ખોટ સહન કરવી પડે. સો ટકા નુકસાન સહન કરવું છે. જો એવું હોય તો એ પણ સ્વીકારી લેવાનું. કારણ કે ફરી બેઠા થવા માટે તમને એનર્જી જોઈશે. ડૂબતા વહાણનું સમારકામ થઈ શકે એટલું કરવાનું. જે ઘડીએ લાગે કે હવે વધુ સમારકામ કરવાનો કોઈ અર્થ નથી ત્યારે વહાણને ડૂબવા દઈને જાતને બચાવી લેવાની. વહાણના સમારકામ પાછળ વધારે શક્તિ ખર્ચવાને બદલે દરિયાઈ તોફાનમાંથી બચીને જેમતેમ કાંઠા સુધી તરી જવા જેટલી શક્તિ બચાવી રાખવાની.
બીજી વાત તમારું વહાણ ડૂબતું હોય ત્યારે તમારી આજુબાજુની તમામ વ્યક્તિઓમાં એવી છાપ ન પડવી જોઈએ કે હવે ફરી તમે ક્યારેય ઊભા થઈ શકવાના નથી. આવું ત્યારે જ બને જ્યારે તમે તમારા પોતાનામાંની શ્રદ્ધાને ટકાવી રાખો કે આ ઘોર નિષ્ફળતા પછી હું ફરી એકવાર બેઠો થવાનો છું. તમે જ જો તમારા કપાળે હાથ દઈને બેઠા રહેશો તો કોઈ તમારી વહારે ધાવાનું નથી. તમારે પોતે આત્મવિશ્વાસ રાખવાનો છે કે આ કંઈ દુનિયાનો અંત નથી. સફળતા નિષ્ફળતા તો પાર્ટ ઓફ ધ ગેઈમ છે. સારા માઠા દિવસોની સાયકલ ચાલતી રહેવાની. સતત સફળ રહેવા માટે પણ સ્ટ્રગલ તો કરવી જ પડવાની છે. તો પછી નિષ્ફળતાનો તબક્કો પૂરો થયા પછી સંઘર્ષ કેમ ન કરવો પડે? નિષ્ફળતાના આ થર્ડ સ્ટેજ પર આવ્યા પછી ચોવીસે કલાક આ કમનસીબીભર્યા ગાળા વિશે વિચારીને ડિપ્રેશનમાં સરી પડવાને બદલે થોડો સમય હવે નવું શું કરવું છે, કેવી રીતે કરવું છે તે વિશે વિચારવામાં ગાળો. અને આ વિચારો તમારી તદ્દન નજીકની વ્યક્તિઓ સાથે શેર પણ કરો. બધાની સાથે નહીં. યુ નેવર નો કે એ બધામાં કોણ કોણ એવું છે જે તમને કાયમ માટે નિષ્ફળતાની ખાઈમાં જ પડી રહેલા જોવા માગે છે.
નિષ્ફળતાના થર્ડ સ્ટેજ પર આ બે વાત યાદ રાખ્યા પછી જે કરવા જેવું કામ છે તે એ કે તમારી નિષ્ફળતાનાં રોદણાં બીજા કોઈનીએ આગળ રડવાનાં નહીં. તેમ જ તમારી આ નિષ્ફળતાને કોઈની આગળ જસ્ટિફાય કરવાની કોશિશ પણ નહીં કરવાની.
ઘણા લોકોને પોતાની માંદગીઓની યાદીઓનો આખો ઈતિહાસ બીજાઓ સમક્ષ રજૂ કરવાની મઝા આવતી હોય છે. સ્વપીડનવૃત્તિનો આ પ્રકાર કહી શકો. પોતાના જ દૂઝતા ઘાને ફરી ફરી ખંજવાળ્યા કરવા જેવી આ વૃત્તિ નિષ્ફળ માણસોમાં પણ તમે જોઈ હશે. તમારે એનાથી દૂર રહેવાનું. તમે કેવી રીતે બાજી હારી ગયા એનું વિશ્લેષણ કે પિષ્ટપેષણ લોકો આગળ કરવાનું નહીં. સામે ચાલીને તમારી જાંઘ ખુલ્લી કરવાની નહીં. કાચબીના પેટ જેવી તમારી વલ્નરેબલ બાબતોને બીજાઓ આગળ ખુલ્લી કરવામાં તમને કોઈ ફાયદો થવાનો નથી. ફાયદો નહીં થાય એટલું જ નહીં, નુકસાન થશે. બીજાઓ તમારી એ વલ્નરેબિલિટીનો ભવિષ્યમાં ફાયદો ઉઠાવશે.
બીજાઓ સમક્ષ નિષ્ફળતાનાં રોદણાં રડવાની આદત પડી જશે તો તમે સતત એ જ વાતાવરણમાં રહેતા થઈ જવાના. લોકો તમારા પ્રત્યે સહાનુભૂતિ દેખાડશે. તમને આ સહાનુભૂતિની હૂંફ ગમવાની. હકીકતમાં અત્યારે તમને સહાનુભૂતિની નહીં નવા શરૂ થનારા કામ માટે લોકોની નક્કર મદદની જરૂર છે. પ્રોત્સાહનના ઠાલા શબ્દોની નહીં, પણ જેને માપી શકો એવી નક્કર મદદની જરૂર છે. એ મદદ તમને ત્યારે જ મળશે જ્યારે તમે સહાનુભૂતિ ઉઘરાવવાનું બંધ કરીને હવે પછી શું કરવા માગો છો તેની પગથિયાંવાર યોજના તમારી પાસે હોય. કયા પગથિયે કોની, કેટલી, કઈ કઈ બાબતે જરૂર પડવાની છે એનું વાસ્તવિક આયોજન તમે કરેલું હોય. આવા આયોજન વિના તમે લોકો પાસે મદદ માગવા જશો અને લોકો તમારા ભવિષ્ય વિશે કન્ફયુઝ હોવાથી મદદ નહીં કરે તો તમે નાસીપાસ થશો. આમાં વાંક તમારો જ ગણાય. નવેસરથી બેઠા થવા માટે તમારે માત્ર ઝોળી ફેલાવીને લોકોની મદદ માગવાની નથી. તમારે તમારા ભવિષ્યની બ્લ્યુ પ્રિન્ટ ટેબલ પર પાથરીને જેની મદદ જોઈએ છે તેને નકશા પરના સ્પોટ પર પિન ભોંકીને કહેવાનું છે કે મને અહીં તમારી જરૂર પડવાની છે.
નિષ્ફળતાના ત્રીજા અને અંતિમ તબક્કા વખતે ધ્યાન રાખવું કે આ બુઝાઈ રહેલા દીવાની ઝાંખીપાંખી જ્યોતમાંથી જ તમારે નવા દીવાની વાટને પ્રગટાવી દેવાની છે. એક દીવો બુઝાય તે પછી બુઝાયેલા દીવાને જોઈને બેસી રહેશો તો અંધારું દૂર નહીં થાય. દીવો શું કામ બુઝાયો તે વિશે પણ લાંબો વિચાર કર્યા કરવાનો નથી.
તમારો જ વાંક હતો, દીવામાં તમારું તેલ ખૂટી પડ્યું હતું કે પછી બીજાનો વાંક હતો, કોઈકે ફૂંક મારીને તમારો દીવો ઓલવી નાખ્યો- વિચાર્યા કરવાથી અંધારું દૂર નહીં થાય. અંધારું બીજો દીવો પ્રગટાવશો તો જ દૂર થશે.
નિષ્ફળતાનો અંત નવી સફળતાના આરંભ છે.
લાઈફલાઈન
ઘણાં તોફાનો, અનેક વાવાઝોડાં જોઈ લીધા. દરેક વખતે હું ઊંઘતો ઝડપાયો છું. એટલે હવે મારે ઝડપથી શીખી લેવું પડશે કે કુદરતને તો હું ખાળી શકું એમ છું નહીં, તો પછી મારે હવે ધીરજ કેળવવી પડશે, કુદરતનો આદર કરતાં શીખવું પડશે.
-પાઉલો કોએલો
(‘લાઈક અ ફ્લોઈંગ રિવર’માં)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર