એક વખત જોયેલાં સપનાંને પાછાં બોલાવવાનાં છે
જિંદગી ક્યારેય કોઈની સાથે અન્યાય કરતી નથી. આપણે પોતે જ જાત સાથે અન્યાય કરતા હોઈએ છીએ. આપણી કક્ષા હોય તેના કરતાં એને ઊતરતી માનીએ છીએ અને થોડાક પ્રયત્નો પછી ધાર્યું પરિણામ ન મળે ત્યારે બેસી પડીએ છીએ.
આપણામાં રહેલી પ્રચંડ રિઝર્વ એનર્જીનો આપણને કોઈ અંદાજ જ નથી. ઝઝૂમવું, નિચોવાઈ જવું, છેલ્લું ટીપું નિતારી નાખવું, અંતિમ શ્વાસ ખેંચ્યો હોય એ રીતે પ્રયાસ કરવો એટલે શું એની ખબર નથી. ખૂબ થાકી ગયા હોઈએ, એક ડગલું પણ આગળ નહીં ચલાય એવી ખાતરી થઈ ગઈ હોય અને તમામ શક્તિઓ નીચોવાઈ ગઈ હોય ત્યારે જ ખરી યાત્રા શરૂ થતી હોય છે. અત્યાર સુધી જે થયું એ તો આલાપ હતો.
પડકારો ઝીલવાને બદલે સીધી ગતિએ ચાલ્યા જવામાં કેટલાકને વધારે રસ હોય છે. તેઓ પોતાની કક્ષાને બીજાઓ કરતાં ઘણી ચઢિયાતી માને છે. આવા ભ્રમમાં રાચવાનું એમને ગમતું હોય છે. જીવનભર આવી જ ભ્રમણામાં તેઓ જીવ્યા હોય છે. પણ કસોટીનો વખત આવે, શ્રેષ્ઠતા પુરવાર કરવાનો સમય આવે ત્યારે તેઓ પાછા હટી જતા હોય છે. એમને ડર હોય છે, અને અંદરખાનેથી ખાતરી હોય છે, કે પરીક્ષા થશે ત્યારે પોતે સો ટચનું કથીર પુરવાર થઈ જશે. એટલે જ પોતે પરીક્ષાથી પર છે એવો તેઓ પ્રચાર કરતા હોય છે. આપત્તિ સમયે આવી વ્યક્તિઓની હાલત સૌથી કફોડી થતી હોય છે. આપત્તિ વખતે પણ તેઓ એવી ભ્રમણામાં જીવતા રહે છે કે આવી પરિસ્થિતિઓ તો બીજાના માટે હોય, મારા માટે નહીં. શાહમૃગની જેમ રેતીમાં માથું ખોસીને તેઓ આપત્તિ સર્જાઈ જ નથી એવું માની લે છે. કોઈપણ વ્યક્તિ પોતાને અંડર એસ્ટિમેટ કરે ત્યારે અને પોતાને ઓવર એસ્ટિમેટ કરે ત્યારે પણ પોતાનું જ અહિત કરતી હોય છે.
આપત્તિ સર્જાય છે ત્યારે માણસને પોતાનો જ વાંક કાઢ્યા કરવાની એક લાગણી થાય છે. પછી એ પોતાની જ દયા ખાય છે. સેલ્ફ પિટી. છેવટે એનામાં ગિલ્ટ ફીલિંગ ઊભી થાય છે. કેટલીય પરિસ્થિતિઓ એવી હોય છે જેનું ઉદ્દભવસ્થાન માણસનું પોતાનું કામ કે એના પોતાના કોઈ વિચારો નથી હોતાં. જે પરિસ્થિતિ માટે માણસ પોતે દોષિત હોય એવી પરિસ્થિતિમાં પણ પોતાની ગુનાહિત મનોદશાને પંપાળ્યા કરવાથી કશું વળતું નથી.
સ્વપીડનમાંથી બહાર આવીને, સંજોગોએ સર્જેલા નુકસાનને સરભર કરવાનું છે. એક વખત જોયેલાં સપનાંને પાછાં બોલાવવાનાં છે. ક્યારેક શોધેલી દિશાઓ તરફ ફરી એક વાર પાછા વળવાનું છે. ફાટી ગયેલા નકશાને સાંધીને મૂળ માર્ગ શોધી લેવાનો છે.
અગાઉ થઈ ગયેલા પાપને કારણે આપત્તિઓ આવે છે એવું માનીને માથે હાથ દઈને, નસીબને કોસ્યા કરીને બેસી ન રહેવાય. આક્રમણ સામે હાથ જોડીને બેસી રહો ત્યારે સંજોગો વધારે બગડતા જાય છે. કળણમાં અમુક હદ સુધી ખૂંપી ગયા પછી બહાર નીકળવું અશક્યવત બની જાય છે. નિષ્ક્રિયતા કે આરામ આવા સંજોગોમાં ભારે પડે છે. દરેક પ્રકારની આપત્તિ વખતે એક વાત ગાંઠ વાળીને યાદ રાખવી કે નિષ્ક્રિય બની જવું નહીં. સંજોગોને કારણે રોજિંદી પ્રવૃત્તિથી થોડા વખત માટે સહેજ દૂર જતા રહેવાની ફરજ પડે તો બીજી કોઈ પ્રવૃત્તિ હાથમાં લઈ લેવી પણ પ્રવૃત્તિ વિના બેસી રહેવું નહીં.
આપત્તિ વખતે આરામ કરી લેવાની, રિલેક્સ થવાની તીવ્ર ઈચ્છા થઈ આવે ત્યારે મનોબળ મક્કમ હોય તો જ એક તદ્દન નાનું વેકેશન લેવું. મિનિ-વેકેશન લંબાવવાની લાલચ થશે એવી સહેજ પણ દહેશત હોય તો એક પણ દિવસ માટે આરામ લીધા વિના પ્રવૃત્તિશીલ રહેવું. આરામની લાલચ ક્યારે આળસમાં પલટાઈ જશે તે કંઈ કહેવાય નહીં. પોતાના કોચલામાં સંકોચાઈને બેસી રહી સદંતર પ્રવૃત્તિહીન થઈ જવાય છે. કામ કરવાનું છોડી દીધા પછી માણસ ધીમે ધીમે આત્મગૌરવ ગુમાવતો થઈ જાય છે. આને પરિણામે એનું વ્યક્તિત્વ ક્રમશઃ ખવાતું જાય છે. છેવટે એ પોતાની આગવી ઓળખ ગુમાવી બેસે છે.
આપત્તિ આવે છે ત્યારે પ્રારંભે આશ્વાસનની, સાંત્વનની અને ત્યારબાદ પ્રોત્સાહનની, ઉલ્લાસની જરૂર હોય છે. પણ સૌથી પહેલાં તો આપત્તિભરી પરિસ્થિતિને સમજવાની જરૂર હોય છે. શું બની ગયું છે, હજુ પણ શું શું બની શકે એમ છે, કેટલું નુકસાન થઈ શકે એમ છે અને એમાંનું કેટલું નુકસાન અટકાવી શકાય એમ છે - આ તમામ સવાલોના જવાબ તમારે પોતે મેળવવાના હોય છે.
આ જવાબો તમે ત્યારે મેળવી શકો છો જ્યારે તમે સ્વીકારી લો કે અત્યારે સર્જાયેલી સ્થિતિ ખરેખર આપત્તિભરી છે અને એને કારણે થનારી વેદના તમારે ભોગવવાની જ છે. તાત્કાલિક છુટકારો આ વેદના કે પીડામાંથી જ નહીં, આપત્તિમાંથી પણ મેળવવાનો નથી. પરિસ્થિતિને સર્જાવા દેવી જોઈએ જેથી ચોખ્ખું ચિત્ર ઊભું થાય.
એક વાત મનમાં સ્પષ્ટ હોવી જોઈએ કે આંખ સામે દેખાઈ રહેલાં સંજોગોને નકારવાથી તમે ખોટા ધમપછાડા કરી રહ્યા છો એવું લાગશે - તમને પોતાને જ. જે બની રહ્યું છે અને જે બની જવાનું છે તેને બનવા દો. સ્વસ્થ ચિત્તે જોયા કરો. પછી છાતીમાં શ્વાસ ભરીને ઊભા થાઓ અને સંજોગોને બુલંદ અવાજે પડકાર આપીને કહો : ચાલ, આવી જા.
પૂરતો વિચાર કરીને, આસપાસનાં તમામ પરિબળોને જાણીને-ચકાસીને ઉઠાવેલાં કદમ પછી આપત્તિભર્યા સંજોગોએ પીછેહઠ કરવી જ પડે છે. પર્વતની કેડી પરથી એક વિશાળ શિલા ગબડતી આવતી દેખાય ત્યારે એને રોકવાની કોશિશ કરવી મૂર્ખામી છે. એ નીચે પડે, સ્થિર થાય, આગળ જવાનો તમારો માર્ગ રૂંધે ત્યારે એને કેવી રીતે ખસેડવી એ વિશે તમે વિચારી શકો. શિલાઓ ન ગબડે એ ઉત્તમ છે, પણ શિલાઓ ગબડતી જ હોય છે એ વાસ્તવિકતા છે. તમામ પ્રકારની અગમચેતીઓ પછી પણ ક્યારેક ને ક્યારેક કેટલાક પથ્થરો તો ગબડવાના જ, તમારા માર્ગ વચ્ચે પડવાના જ.
ભવિષ્યમાં કોઈ આપત્તિ આવતી દેખાય ત્યારે હનુમાન ચાલીસાનું રટણ કરતાં પહેલાં આ લેખનું સ્મરણ કરી લેવાનું!
લાઈફ લાઈન
એક વીંછીને મારવા આખા જંગલ પર બોમ્બવર્ષા કરવી જરૂરી નથી.
- પાઉલો કોએલો (‘એડલ્ટરી’માં)
www.facebook/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર