આન્ટ્રેપ્રેન્યોર, એક્ટરપ્રેન્યોર, રાઈટરપ્રેન્યોર, ક્રિકેટરપ્રેન્યોર, વગેરે પ્રેન્યોર

05 Dec, 2016
12:00 AM

સૌરભ શાહ

PC: welcomeqatar.com

તમારે હૉલિવુડની ફિલ્મોમાં એક્ટિંગ કરવી હોય તો લોસ એન્જલ્સ જઈને સૌથી પહેલાં તો તમને કામ અપાવી શકે એવી એજન્સીનો સંપર્ક કરવો પડે. ત્યાંના ફિલ્મ મેકર્સ જનરલી ડાયરેક્ટ કોઈ એક્ટરનો સંપર્ક નથી કરતા, પહેલાં એમનું કામકાજ સંભાળતા એજન્ટનો સંપર્ક કરતા હોય છે.

નવા નિશાળિયા જેવા એક્ટર્સને આ અનુભવી એજન્ટોની સલાહ હોય છે કે તમને એક્ટિંગનો શોખ હોય કે એક્ટિંગની પેશન હોય કે સરસ એક્ટિંગ આવડતી હોય એટલું જ પૂરતું નથી, એક્ટર બનવા. તમારે 'એક્ટર પ્રેન્યોર' બનવું પડશે.

આન્ટ્રેપ્રેન્યોર શબ્દથી તમે પરિચિત છો. સાહસિક, ઉદ્યોગપતિ માટે વપરાય. આમાંથી સફિક્સ કાઢીને એક્ટરની પાછળ લગાડી દો એટલે એક્ટરપ્રેન્યોર. નવો શબ્દ છે. પણ મધરપ્રેન્યોર અને હોમપ્રેન્યોર જેવા અનેક શબ્દો મૂળ શબ્દમાંથી બનાવ્યા છે જે થોડાઘણા પ્રચલિત છે. પણ આ એક્ટરપ્રેન્યોર શબ્દ સાંભળીને દિમાગ ચકરાવે ચડી ગયું. આ જ રીતે તમે રાઈટરપ્રેન્યોર, પેઈન્ટરપ્રેન્યોર, મ્યુઝિશ્યનપ્રેન્યોર, ક્રિકેટરપ્રેન્યોર વગેરે શબ્દો બનાવી શકો.

એક્ટરપ્રેન્યોર એટલે શું?  અમિતાભ બચ્ચન માટે એક જમાનામાં 'ઈન્ડિયા ટુડે'એ જ્યારે કવર સ્ટોરી કરી, ત્યારે એક સિંહાસન જેવી ખુરશી પર એમને બેસાડીને બેઉ બાજુએ પ્રકાશ મહેરા અને મનમોહન દેસાઈને ઊભા રાખીને તસવીર પાડી હતી જેને પર હેડલાઈન લખી હતી : વન મેન ઈન્ડસ્ટ્રી. આજની તારીખે શાહરૂખ ખાનનું કામકાજ જુઓ તો એ ફુલફ્લેજ્ડ કોઈ ઈન્ડસ્ટ્રી ચલાવતો હોય તે રીતે પોતાનું કામકાજ કરે છે. આ બધા એક્ટરપ્રેન્યોર છે.

પંડિત જસરાજ કે લતા મંગેશકર જેવા ગાયકો સિન્ગરપ્રેન્યોર છે.

પંડિત શિવકુમાર શર્મા કે ઉસ્તાદ ઝાકિર હુસૈન જેવા વાદ્યકારો કે પછી પ્રીતમ જેવા સંગીતકારો મ્યુઝિશ્યનપ્રેન્યોર છે.

ધોની, સચિન તેન્ડુલકર, વિરાટ કોહલી વગેરે ક્રિકેટરપ્રેન્યોર છે અને જેફ્રી આર્ચર, જ્હૉન ગ્રિશમ કે ચેતન ભગત રાઈટરપ્રેન્યોર છે.

તમે જે ક્ષેત્રમાં હો તે ક્ષેત્રમાં રહીને એને લગતું ઉત્તમમાં ઉત્તમ કામ કરો તે પૂરતું નથી, તમને એક્ટરપ્રેન્યોર કે ક્રિકેટપ્રેન્યોર વગેરે બનાવવા માટે. તમારા પ્રોફેશન પાછળ 'પ્રેન્યોર'નું પૂંછડું લાગે તે માટે ઘણી બધી બાબતો ઉમેરવી પડે.

1. હું તો માત્ર નિજાનંદ માટે ગાઉં છું, લખું છું, એક્ટિંગ કરું છું, મ્યુઝિક બનાવું છું, ચિત્ર દોરું છું એવા વહેમમાંથી બહાર આવી જવાનું. 'નિજાનંદ માટે' તો કરો જ છો તમે આ બધું પણ 'માત્ર નિજાનંદ' માટે નથી કરતા. પંડિત જસરાજને શું પોતે સ્ટેજ પરથી ગાતા હશે કે રેકોર્ડિંગમાં ગાતા હશે ત્યારે આનંદ નહીં આવતો હોય? આવતો જ હશે, જેમ તેન્ડુલકરને પિચ પર જઈને ક્રિકેટ રમવામાં આવતો હતો એવો જ. પણ તેઓને ખબર હોય છે અમે માત્ર અમારા અંગત આનંદ ખાતર જ આ પ્રવૃત્તિ નથી કરતા. તેઓ ઑનેસ્ટલી પોતાની જાતને કહેતા હશે કે નિજાનંદ ઉપરાંત બીજા ઘણાં કારણોસર અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ.

2. હું તો માત્ર ગુજરાન ચલાવવા આ પ્રવૃત્તિ કરું છું એવું માનીને તમે તમારા ક્ષેત્રમાં રહીને બેસ્ટમાં બેસ્ટ કામ કરશો તો પણ તમારી પાછળ 'પ્રેન્યોર' વળું પૂછડું નથી લાગવાનું. નિજાનંદ અને આજીવિકાના સાધનવાળાં બે કારણોથી ઉપર જઈને જે પોતાનું સર્વશ્રેષ્ઠ પરફૉર્મન્સ આપે છે તે 'પ્રેન્યોરના સફિક્સને લાયક બને છે.

3. એક્ટરપ્રેન્યોર બનવા (કે પછી અન્ય કોઈપણ ક્ષેત્રના 'પ્રેન્યોર બનવા) તમારે એક અલગ પ્રકારની માનસિકતા કેળવવી પડે. તમારામાં તમારા ક્ષેત્રની સર્વોચ્ચ સૂઝ હોય તે પૂરતું નથી. તમારામાં બિઝનેસ સેન્સ પણ હોવી જોઈએ. અને અહીં બિઝનેસ સેન્સનો મતલબ પૈસા કમાવવાની આવડત પૂરતો મર્યાદિત નથી. તમારામાં રાઈટ ટાઈમે રાઈટ પ્લેસ પર હાજર થઈ જવાની આવડત કેળવવી જોઈએ. આ માટે તમારે કોના કોના સતત સંપર્કમાં રહેવું એની તમને ખબર હોવી જોઈએ. તમારાં ક્ષેત્રમાં ઊભી થઈ રહેલી નવી નવી ઑપોર્ચ્યુનિટીઝ વિશે તમને આગોતરી જાણકારી મળી જાય એવું તમારું નેટવર્કિંગ હોવું જોઈએ, એવા સંપર્કો તમે કેળવેલા હોવા જોઈએ. તમે તમારા ક્ષેત્ર માટે અનિવાર્ય છો અને કોઈપણ માણસ એ પર્ટિક્યુલર ક્ષેત્રનો ઉલ્લેખ કરે ત્યારે અને એ ક્ષેત્રમાં પ્રવૃત્ત હોય એવા નામોની યાદી બનાવે ત્યારે પ્રથમ પાંચ નામમાં તમારું નામ પણ હોવું જોઈએ એવી આભા તમારા નામ સાથે જોડાયેલી હોવી જોઈએ. તમારા ક્ષેત્રને લગતાં માનસન્માન, ઈનામઅકરામ, અવોર્ડ-પારિતોષિકો તમને સામેથી (કે પછી માગીને) મળી જાય એવી વ્યવસ્થા તમારી ગોઠવાયેલી હોવી જોઈએ.

4. તમે પૈસા માટે કામ કરો છો કે પૈસો તમારા માટે ગૌણ છે - આ બેમાંથી કોઈપણ પરિસ્થિતિ હોય, પણ તમે તમારા ક્ષેત્રમાંથી તેમ જ એ ક્ષેત્રની આસપાસના, પેરિફરીના ફિલ્ડ્સમાંથી બીજાઓ કરતાં ખૂબ કમાતા થઈ જાઓ ત્યારે તમારી પાછળ 'પ્રેન્યોર' લાગે. ફિલ્મ દિગ્દર્શક તરીકે કે એક્ટર તરીકે તમારી કમાણી લિમિટેડ હોય તો તમારે એડ ફિલ્મો બનાવીને કે એક્ટર તરીકે સ્ટેજ શૉઝ કરીને, લગ્નોમાં નાચીને પૈસા ઊભા કરી લેવા પડે.

5. કોઈપણ ક્ષેત્રમાં ગળાકાપ સ્પર્ધા હોવાની. આ સ્પર્ધામાં તમને ટકતાં આવડવું જોઈએ. એ માટે તમારે પોલિટિકલી કર્રેક્ટ બનવું પડે. સિંગર અભિજિત પૉલિટિકલી કર્રેક્ટ રહેવાને બદલે પોતાના દિલની વાત નિખાલસપણે જાહેર કરતા રહ્યા અને ફિલ્ડની બહાર ફેંકાઈ ગયા. આ ઉપરાંત તમારે તમારા અહમને કાબૂમાં રાખવો પડે. રાઈટ લોકો સાથે રૉન્ગલી બીહેવ કરશો તો તમારો અહમ સચવાશે પણ પછી ફિલ્ડમાં તમે અપ્રિય થઈ જશો - કુમાર સાનુની જેમ. સફળતામાં નમ્રતા અને નિષ્ફળતા વખતે સમતા રાખતાં આવડવું જોઈએ - અમિતાબ બચ્ચનની જેમ નહીં તો એમના કરતાંય મોટા સુપરસ્ટાર જે હતા એમના જેવી હાલત થાય. તમને ખબર છે કે હું કોની વાત કરી રહ્યો છું - રાજેશ ખન્નાની.

6. કમાયેલા પૈસાને રાઈટલી વાપરતાં અને રાઈટલી ઈન્વેસ્ટ કરતાં આવડવું જોઈએ અને તમારામાં જો એવી આવડત ન હોય તો કોઈ વિશ્વાસુ માણસને તમારો નાણાકીય કારભાર સોંપી દેવો જોઈએ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અમુક લોકો આ રીતે વિશ્વાસે વહાણ હંકારવા જતાં ડૂબ્યા છે. તમે ન ડૂબો એનું ધ્યાન રાખવાનું. દરેક ક્ષેત્રમાં રાજેન્દ્રકુમાર જેવા અનેક દાખલા મળવાના જેમણે યોગ્ય સમયે મૂડીરોકાણો કરીને પોતાની નેકસ્ટ જનરેશનને પણ આર્થિક રીતે સમૃદ્ધ બનાવી હોય. ઉદ્યોગમાં ધીરુભાઈ અંબાણી વગેરેના દાખલાઓ અહીં આપી શકાય. અને દરેક ક્ષેત્રમાં કેટલાક નહીં, ઘણા બધા ફિલ્મ કલાકારો જેવા દાખલા મળી આવે જેઓ જીવનભર ખૂબ કમાયા હોય પણ પાછલી ઉંમર એમની દેવાદાર તરીકે નિર્ધનઅવસ્થામાં વીતી હોય, બેહાલ અને ચીંથરેહાલ દશામાં તેઓ ગુજરી ગયા હોય. ઉદ્યોગમાં યશ બિરલાનો દાખલો લેવાય. એ કંઈ ગરીબ નથી બની ગયા. પણ સરકારે એમના આર્થિક વ્યવહારોના ગરબડ ગોટાળાને લીધે મુંબઈના મલબાર હિલ પરનો માઉન્ટ પ્લેઝન્ટ રોડવાળો આજની તારીખે રૂપિયા 300 કરોડની વેલ્યુ ધરાવતો આયકોનિક બંગલો ટાંચમાં લેવો પડ્યો. આ લેન્ડમાર્ક સમા બિરલા હાઉસમાં સરદાર વલ્લભભાઈ પટેલે છેલ્લા શ્વાસ લીધા હતા.

7. 'પ્રેન્યોર' બનવા તમારી પોતાની પાસે એવી સિસ્ટમો ઊભી કરેલી હોવી જોઈએ જેને કારણે તમારા સમયનો તમે મેક્સિમમ ઉપયોગ કરી શકો. તમારા પર્સનલ આસિસ્ટન્ટ, ઘર-ગાડી ચલાવવા માટેના મદદનીશો તેમ જ તમારા વતી તમારું કે તમારી નજીકનાઓનું કામ કરી આપે એવા સંપર્કો - આ બધું જ જરૂરી છે. અને આ સિસ્ટમોને પાળવાપોષવા તમારી પાસે તમારા અંગત ખર્ચની સંભાળ લઈ શકે એના કરતાં ઘણી બધી આવક જોઈએ.

8. તમે વાતવાતમાં છંછેડાઈ જશો, હું જ સાચો બીજા બધા બેવકૂફ એવી માનસિકતા રાખશો કે પછી હરેક વાતે બીજાઓને ઉતારી પાડશો તો તમારી આસપાસના સાથીઓ વધવાને બદલે ઘટતા જવાના. કોઈને હર્ટ કર્યા વિના તમને તમારો ઓપિનિયન પ્રગટ કરતાં આવડે છે? જો ન ફાવતું હોય તો તમારો અંગત મત જાહેરમાં વ્યક્ત કરવાનું રહેવા દો. લોકો જો તમને એક ખાનામાં મૂકી દેશે, કે તમારા પર લેબલ લગાડી દેશે તો એ પ્રકારના લેબલવાળા જ તમારી પાલખી ઉંચકશે, બીજાઓ તમારા પર પથ્થર ફેંકશે. જો તમારે સર્વપ્રિય થવું હોય તો તમારે દૂધ અને દહીંમાં પગ રાખવો પડે. અને આ વાત હું અહીં કોઈ કટાક્ષમાં નથી લખતો, સિરિયસલી કહું છું. તમે તમારો મત બેધડક વ્યક્ત કરીને પણ સર્વાઈવ થઈ શકો, કે થ્રાઈવ થઈ શકો એવું ત્યારે જ બને જ્યારે તમારામાં નરેન્દ્ર મોદી જેવું ટિમ્બર હોય.

9. 'પ્રેન્યોર' બનવા તમારે શક્ય એટલા વધુ લોકોને મળવું પડે, વિવિધ પ્રકારના લોકો સાથે રોજની ઉઠબેસ કે સંપર્ક રાખવા પડે, એમને હેલ્પફુલ થવું પડે અને એમની હેલ્પ લેવામાં સહેજ પણ શરમસંકોચ હોય તો તેને ત્યજી દેવાં પડે.

10. છેલ્લી વાત. તમે એક્ટરપ્રેન્યોર, ક્રિકેટર-પ્રેન્યોર, રાઈટરપ્રેન્યોર વગેરે ત્યારે જ બની શકો જ્યારે તમે તમારા કામ પર ફુલ્લી ફોકસ્ડ હો. તમારામાં તમારા કામને શ્રેષ્ઠતમ ઊંચાઈએ લઈ જવાની આવડત, ધગશ અને ધીરજ હોય. તમે પર્સનલ લાઈફના ભોગે પણ તમારા ક્ષેત્ર માટે ટ્વેન્ટી ફોર બાય સેવન વિચારતા રહેતા હો. તમારી પાસે બધી જ અનુકૂળતા હોવા છતાં, તમારું જીવન વૈભવી સુખસગવડોથી ભર્યુંભર્યું હોવા છતાં તમે એનાથી અલિપ્ત રહીને, દરેક પ્રકારની ઐય્યાશીની લાલચોથી મુક્ત રહીને, આરામથી જિંદગીમાં સરી પડવાને બદલે ડે ઈન એન્ડ ડે આઉટ ઉપરના તમામ મુદ્દાઓનું ચુસ્તપણે અને ઉત્સાહથી પાલન કરતા હો તો 'પ્રેન્યોર' બની શકો. છેલ્લે રિમેમ્બર ટુ થિંગ્સ : દરેક ક્ષેત્રમાં પોતાને 'પ્રેન્યોર' માનનારા કેટલાક લોકો (કેટલાક, બધા નહીં) વાસ્તવમાં મીડિયોકર હોવાના. તેઓનું અનુકરણ કરવાનું નહીં તમારે. અને બે : તમારામાં જો 'પ્રેન્યોર' બનવા માટેનાં આ દસ ગુણ ન હોય કે આ ગુણો ખિલવવામાં તમે નિષ્ફળ ગયા હો તો તમારે દ્રાક્ષ ખાટી છે એવી એટિટ્યુડ રાખીને કોઈપણ ક્ષેત્રના 'પ્રેન્યોર'ની પ્રતિમાને પેડેસ્ટલ પરથી ભોંયભેગી કરવાની ચેષ્ટા કરવાની નહીં.

લાઈફ લાઈન :

આઈડિયાઝ તો બધા પાસે હોય. એનો તમે અમલ કરો અને સફળતા મેળવો તો જ એ આઈડિયાઝની સાર્થકતા છે.

- અજ્ઞાત

 

www.facebook.com/saurabh.a.shah

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.