નિષ્ફળતાઓ સફળતાને વધુ મજબૂત બનાવે છે

08 Aug, 2016
12:00 AM

સૌરભ શાહ

PC:

1966ની પાનખરમાં, સમજોને કે માર્ચ-એપ્રિલના ગાળામાં, ઝેરોક્સને એક મેજર સેટ બેકનો સામનો કરવો પડ્યો. નવું મશીન ઈન્ટ્રોડ્યુસ કર્યા પછી પહેલવહેલીવાર ઝેરોક્સના કામકાજમાં આપત્તિ આવી. 1966 સુધીમાં ઑફિસ કૉપિયર બનાવતી 40 કંપનીઓ બજારમાં ફુટી નીકળી હતી. જેમાંની ઘણી તો ઝેરોક્સ પાસેથી લાયસન્સ લઈને કૉપીંગ મશીન બનાવતી હતી. ઝેરોક્સ વાળાઓ માત્ર સિલેનિયમ ડ્રમની ટેકનોલોજીના રાઈટ્સ બીજાઓને નહોતા આપતા. આ ટેકનૉલોજીથી કોઈ પણ ઑર્ડિનરી પેપર પર કૉપી નીકળી શકતી. બાકીની બીજી બધી જ કંપનીઓનાં મશીન માટે સ્પેશ્યલ પેપર વાપરવો પડતો. ઝેરોક્સને અત્યાર સુધી સૌથી મોટો જે ફાયદો હતો તે એ કે આ ફિલ્ડમાં એમનું આગમન સૌથી પહેલાં થયું એને લીધે મશીનોના ભાવ ઊંચા રાખી શકાતા. પણ કૉમ્પીટીશન વધતી ગઈ એમ બીજી કંપનીઓ ઝેરોક્સ કરતાં નીચી કિંમતે મશીનો વેચતી થઈ ગઈ. એક કંપનીએ તો એના શેર હોલ્ડર્સને કહી દીધું કે, આગામી મહિનાઓમાં આપણે દસ-વીસ ડૉલર્સનાં મશીનો માર્કેટમાં મૂકીશું. અને 1968માં આ કંપનીએ ખરેખર ત્રીસ ડૉલરની કિંમતનું રમકડાં જેવું 'ઝેરોક્સ' મશીન બજારમાં મૂક્યું.

જૂન 1966માં ઝેરોક્સ કંપનીના શેરના ભાવ સ્ટોક માર્કેટમાં ગગડવાનું શરૂ થયું તે ત્યાં સુધી કે 6ઠ્ઠી ઑક્ટોબરે ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જે પાંચ કલાક માટે ઝેરોક્સના શેર્સની લે-વેચ પર રોક લગાવી દેવી પડી કારણ કે તે દિવસે અઢી કરોડ ડૉલર્સના શેર વેચાણ માટે મૂકાયા હતા પણ એમાંનો એક પણ શેર ખરીદનાર કોઈ નહોતું.

'બિઝનેસ એડવેન્ચર્સ' નામની બિઝનેસ બુકના લેખક જ્હૉન બ્રુક્સ કહે છે કે જે સફળ કંપનીઓએ ક્યારેક ને ક્યારેક નિષ્ફળતાનો થોડો ઘણો પણ સ્વાદ ચાખ્યો હોય એવી કંપનીઓ વધારે ઈન્ટરેસ્ટિંગ હોવાની. આજની તારીખે તો ઝેરોક્સનું વાર્ષિક ટર્ન ઑવર 1800 કરોડ ડૉલર્સનું છે અને સવાથી દોઢ લાખ કર્મચારીઓ સામે કામ કરતી આ કંપનીનો ચોખ્ખો નફો વર્ષે દહાડે 50 કરોડ ડૉલર્સ જેટલો છે.

જ્હૉન બ્રુક્સની વાત સાચી છે. કોઈપણ સફળ કંપની કે કોઈપણ સફળ વ્યક્તિની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક નાની-મોટી કે પછી ઘોર નિષ્ફળતાનો ગાળો આવ્યો હોય તો તે કંપની/વ્યક્તિ ઈન્ટરેસ્ટિંગ બનતી હોય છે. નિષ્ફળતાઓ સફળતાને વધુ મજબૂત બનાવે છે. નિષ્ફળતાને કારણે સફળતાની વેલ્યુ વધી જતી હોય છે. નિષ્ફળતાઓ શીખવાડે છે કે સફળતાને ક્યારેય ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવાય નહીં.

આ લેખશ્રેણીમાં આપણે ટોચની દસ બિઝનેસ બુક્સ વિશે જે બધી વાતો કરી એનો સાર જો એક જ વાક્યમાં આપવાનો હોય તો તમે કહી શકો કે કોઈપણ બિઝનેસમાં રાતોરાત સફળતા મળતી નથી. તમારે જે કામ શરૂ કરવું હોય તે શરૂ કર્યા પછી ધીરજ ધરીને ખંતપૂર્વક દિવસરાત મચી રહેવું પડે. કેટલાક લોકોની ભૂલ શું થતી હોય છે કે એક કામ શરૂ કર્યા પછી એમાં તરત રિઝલ્ટ ના મળે એટલે બીજી કોઈ લાઈન પકડે, એમાં સ્વાદ ન આવે એટલે કોઈ ત્રીજા ફિલ્ડમાં ઝંપલાવે.

પાંચ-પાંચ ફીટના દસ કૂવા ખોદવાથી નહીં પણ પચાસ ફીટનો એક કૂવો ખોદવાથી તેલ મળે એટલી સાદીસીધી સમજ કેટલાક અધીરાઓમાં હોતી નથી. જે કામ હાથમાં લીધું હોય એમાં અડચણો આવવાની, વિઘ્નો આવવાનાં. આ મુસીબતો કઈ દર વખતે તમારી અણઆવડતનું કે બિનઅનુભવનું પરિણામ નથી હોતી. મુસીબતો સર્જાઈ જ હોય છે આવવા માટે. વિઘ્નો વિના જો સડસડાટ બિઝનેસ થઈ શકતો હોત કે કોઈ જાતના સંઘર્ષ વિના સફળતા મળી જતી હોત તો આજે દુનિયામાં સૌ કોઈ સક્સેસફુલ બિઝનેસમેન હોત.

સફળ ઉદ્યોગપતિ એ જ બની શકે છે કે પોતાનાં કાર્યો આડે આવતી નિષ્ફળતાઓને પચાવી શકે. પડતીના ગાળામાં ધીરજ રાખીને સાવચેતીપૂર્વક આગળ વધતાં રહેવું પડે. આપણામાં કહેવત છે એમ એક હજાર દિવસ સુધી ગાદી પર બેસવું પડે, ગાદી તપાવવી પડે!

આ દસેદસ બિઝનેસ બુક્સમાંથી તમને જે સૌથી વધારે અપીલિંગ લાગી હોય તે મગાવીને એનો વિગતવાર અભ્યાસ કરશો તો તમે એક બીજી વાત પણ પામી શકશો. કોઈપણ ધંધો માત્ર ચોપડીઓ વાંચી લેવાથી ના થઈ શકે. સફળ વક્તા થવાની ચોપડી વાંચીને તમે પ્રભાવશાળી ઑરેટર નથી બની શકતા. રેસિપી બુક વાંચીને તમે સારા રસોઈયા નથી બની જવાના. તરવાની કળા વિશે વાંચવાથી સ્વિમર નથી બનાતું કે પર્વતારોહણ વિશેનાં પુસ્તકો વાંચીને એવરેસ્ટ નથી ચડવાના તમે. આ બધા માટે તમારી પાસે પ્રેક્ટિકલ અનુભવ હોવો જોઈએ. પુસ્તકો તમને ઈન્સ્પાયર કરી શકે, કેટલીક ટિપ્સ આપી શકે. કેટલીક ગેરસમજોને દૂર કરી શકે. પણ ખરેખરા અનુભવોને પુસ્તકો રિપ્લેસ ના કરી શકે. આ દસેય પુસ્તકોમાંના બધા જ તમને એમેઝોન, ફ્લિપકાર્ટ કે બીજી કોઈપણ ઑનલાઈન બુક શૉપમાંથી કે ક્રોસવર્ડ જેવી કોઈપણ જાણીતી દુકાનમાંથી મળી જશે.

આ બધી બિઝનેસ બુક્સમાંથી તમે શું શું કરવું એ તો શીખી શકો છો પણ જો તમારામાં બિટ્વીન ધ લાઈન્સ વાંચવાની આવડત કેળવાયેલી હશે તો શું શું ન કરવું એની પણ ટિપ્સ તમને મળી જશે. આફ્ટર ઑલ, જિંદગીની જેમ બિઝનેસમાં પણ બીજાઓની સફળતા કરતાં વધારે બીજાઓની નિષ્ફળતા જોઈને શીખવાનું હોય છે!

લાઈફ લાઈન

દિમાગને જો સારી રીતે કેળવ્યું હશે તો ડરને તમે જિંદગીની એક અનિવાર્ય હકીકત તરીકે સ્વીકારતાં શીખી લેશો, પછી તમને એ ડર સફળતાની આડે આવતું વિઘ્ન નહીં લાગે.

- ફૉલ ધ ફિયર એન્ડ

'ડુ ઈટ એનીવે' પુસ્તકમાંથી

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.