પંખો, રેડિયો અને મર્સીડીસ

08 May, 2017
12:00 AM

સૌરભ શાહ

PC: suvicharhindi.com

બદામ જો દોઢ રૂપિયે કિલો વેચાતી હોત તો તમે રોજની કેટલી ખાતા હોત? બ્રાન્ડ ન્યુ અને લેટેસ્ટ મર્સીડીસ પચાસ હજાર રૂપિયામાં મળતી હોત તો એનું કેટલું આકર્ષણ હોત તમને? કપડાં, મેકઅપ, શૂઝ અને એસેસરીઝની ટૉપમોસ્ટ બ્રાન્ડસ તમારા ઘરની કામવાળીને પણ પોસાઈ શકે એવી પ્રાઈસ રેન્જમાં વેચાતી હોત તમે એ બધાની પાછળ ઘેલાં ઘેલાં થઈ જતાં હોત! ફાઈવ સ્ટાર હૉટેલોને ટક્કર મારે એવી સગવડો ધરાવતા ઈન્ટિરિયર ડેકોરેશન પાછળ બે કરોડ રૂપિયા ખર્ચવાને બદલે વીસ હજારમાં પતી જતું હોત તો તમે એનાં સપનાં જોતા હોત?

જે દુર્લભ છે, જે અશક્યવત્ છે તમારા માટે, એનાં સપનાં જોવામાં તમે જે શક્ય છે તેને તાગવાનું ભૂલી જાઓ છો. દીપિકા પદુકોણ જેવી હાઈટ ને એના જેવું ફિગર મેળવવું તમારા વંશપરંપરાગત જીન્સમાં નહોતું એટલે તમને ન મળ્યું. પણ જે મળ્યું છે તેને સાચવીને, તેને સંવારીને આગળ વધવાનો વિકલ્પ છે જ તમારી પાસે. પણ તમે દીપિકા જેવી મારી હાઈટ હોત તો... એવો અફસોસ કરીને બેસી રહો છો. શું કર્યું હોત તમે એવી હાઈટ હોત તો? ખબર નથી. તો પછી અફસોસ શું કામ?

આજે તમારા ઘરમાં પંખો છે એનું તમને અભિમાન છે? ઘરમાં કેટલા પંખા છે એની પણ ગણતરી નહીં હોય. એક જમાનામાં પંખો લકઝરી ગણાતી. પૂછી જો જો તમારા દાદાને. એક જમાનામાં રેડિયો મોટી લકઝરી આયટમ ગણાતો. ગામમાં બહુ બહુ તો એક શ્રીમંતના ઘરે હોય. આજે પટાવાળો પણ ઈયરફોન ખોસીને એફએમ ચેનલ સાંભળતો થઈ ગયો છે. પંખો અને રેડિયોની જેમ બદામ, મર્સીડીસ વગેરે પણ ઘેરઘેર જોવા મળે તો તમને એનું આકર્ષણ રહે?

મારી પાસે જે છે એનું મને મૂલ્ય નથી એટલે મારે બીજાની પાસે જે દેખાય છે તેની પાછળ દોડવું પડે છે. આજની તારીખે ઘડીભર હું માની લઉં કે મારી પાસે જેમ પંખો-રેડિયો છે એમ મર્સીડીસ વગેરે પણ છે. મારે હવે એ બધાની જરૂર નથી. બે કરોડ રૂપિયાના ઇન્ટિરિયરવાળું ઘર પણ છે. તો હવે હું શેની ઈચ્છા રાખું? હવે હું કોની પાછળ ભાગું? આ સવાલોનો જવાબ મળશે કે તરત જ જીવનનો હેતુ શું છે એનો ઉત્તર મળી જશે. પછી મારે આ સવાલનો જવાબ મેળવવા આશ્રમોમાં, પ્રવચનોમાં, ધર્મગ્રંથોમાં ભટકવું નહીં પડે.

જિંદગીનો મકસદ ઘરમાં રેડિયો કે પંખો વસાવવાનો નહોતો અને જિંદગીનો મકસદ મર્સીડીસ વસાવવાનો, બે કરોડનું ઈન્ટિરિયર કરાવવાનો પણ નથી. બે ટંક જમવાનું મળે અને ટાઢ-તડકાથી બચવા માટે એક છાપરું મળી જાય એ પછી પણ જો હું વધારે ને વધારે સારા છાપરા માટે, વધારે ને વધારે મોંઘા ભોજન-કપડાં માટે તપસ્યા કરતો હોઉં તો મારું જીવન એળે ગયું. આટલું મળ્યા પછી હું હજુય એ જ બધું મેળવવા માટે મહેનત કર્યા કરતો હોઉં તો મારા જીવનનું મૂલ્ય હજુ હું સમજ્યો નથી.

આ જિંદગી મને ફરિયાદ મળવાની નથી એ જાણવા છતાં મારે પંખો-રેડિયો-મર્સીડીસના ચક્કરમાં રહેવું હોય તો ભગવાન બચાવે મને. જિંદગીની લંબાઈ-પહોળાઈ અને એનું ઊંડાણ, એની ઊંચાઈ તાગવા માટે મર્સીડીસની કે બે કરોડ રૂપિયા ઈન્ટિરિયર ડેકોરેશનવાળા ઘરની જરૂર નથી. આંખ-કાન ખુલ્લાં રાખ્યા હશે તો સમજાશે કે આ જિંદગીનો વ્યાપ કેટલો છે મેં મારા સંકુચિત વિચારોને લીધે આ દુનિયાને સીમિત કરી નાખી છે.

મારો સમય અને મારી શક્તિ મર્સીડીસ ખરીદવામાં વેડફી નાખવા માટે નથી. જેમની પાસે આ બધું છે એમને એ મુબારક. મારે એમની દેખાદેખી કરીને મારી ચાલ બદલી નાખવાની નથી. મારે સમજવાનું કે આ દુનિયામાં જે કંઈ સુખ સુવિધાઓ છે તે બધી જ મારા માટે નથી. એને મેળવવાનાં સપનાં બધાએ જોવાનાં ન હોય. એવા ફાંફાં મારવામાં જિંદગી ક્યાં પૂરી થઈ જશે ખબર પણ નહીં પડે. કુદરતની ગોઠવણ મુજબ મારી પાસે આ બધું નહીં હોય તો બીજું ઘણું મેળવવાની પાત્રતા એણે મને આપી હશે. મારે એ પાત્રતા પ્રમાણે ખોજ કરવાની છે કે હું શું શું મેળવી શકું છું, જે મર્સીડીસ જેટલું જ કે એથીય અધિક મૂલ્યવાન હોય.

રવીન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ ગઈ કાલે જ ગઈ. 7મી મે. એ નિમિત્તે લખેલા એક લેખમાં મેં ગુરુદેવની આ વાત ટાંકી હતી : પોતાને કઈ ચીજમાં ખરેખરી આવડત છે તેનું જ્ઞાન ઘણાને આખીય જિંદગીમાં કદી થતું નથી. બીજા કેટલાકને પોતાની બક્ષિસનું જ્ઞાન ઘણી મોટી ઉંમરે થાય છે. નાની વયે તેનું જ્ઞાન થવું તે મોટું અહોભાગ્ય છે. જેમાં આપણને બક્ષિસ હોય તેમાં આપણી બધી શક્તિ રેડી તેનો વિકાસ આપણે કરવો જોઈએ.

દરેક વ્યક્તિને વહેલો કે મોડો આ અહેસાસ થતો જ હોય છે કે પોતાને કઈ ચીજમાં ખરેખરી આવડત છે. આંખ-કાન ખુલ્લાં રાખ્યાં હશે તો ટીનએજમાં જ આ અહેસાસ થઈ જાય. ધારો કે તે વખતે પેરન્ટસ કે પિયર પ્રેશરના શોરબકોરમાં આ અવાજ દબાઈ જાય તો અર્લી ટ્વેન્ટીઝમાં તો થઈ જ જાય. કોઈ વખત સંજોગો આગળ ઝૂકી જવું પડ્યું હોય તો દસેક વર્ષ મોડો અહેસાસ થાય. પણ આવો અહેસાસ થયા પછી આપણે આપણી જાત સાથે કબૂલ કરતાં અચકાઈએ છીએ કે અત્યારે જે કામ કરીએ છીએ તેમાં નહીં પણ બીજી કોઈ ચીજમાં ખરેખરી આવડત છે. કારણ કે આવી કબૂલાત આપણને બીજાઓ આગળ આપણે અત્યાર સુધી ખોટા હતા, ખોટી દિશામાં દોડ્યા એવી ભોંઠપભરી પરિસ્થિતિમાં મૂકાવે છે. એવી પરિસ્થિતિમાં મૂકાવું પડતું હોય તો ભલે. જાગ્યા ત્યારથી સવાર. પાંત્રીસ કે પિસ્તાળીસ વર્ષે પણ બેન્કની નોકરીને બદલે વાંસળી વગાડવામાં ખરેખરી આવડત છે, એવું લાગે તો ફંટાઈ જવું. કોઈ વાંધો નહીં. પછી એમાં જીવ રેડી દેવો, અને એ ક્ષેત્રમાં આગળ વધવું.

અઢાર વર્ષની ઉંમરે મને ખબર નહોતી કે મારા ભવિષ્યમાં મર્સીડીસ છે કે નહીં, બે કરોડ રૂપિયાના ઈન્ટિરિયરવાળું ઘર છે કે નહીં. આજે પણ ખબર નથી. અને તે વખતે મને એની કંઈ પડી નહોતી ને આજેય નથી પડી. પણ તે વખતે એટલી જરૂર ખબર હતી કે મારી આવડત કઈ ચીજમાં છે. એ બક્ષિસ જે મને મળી છે તેમાં મારી બધી શક્તિ રેડીને એનો વિકાસ મેં એકનિષ્ઠાએ કર્યો અને એને લીધે જીવનમાં એક પછી એક બધું જ મળતું ગયું. રવીન્દ્રનાથે ટાગોર પણ એટલે જ મળ્યા અને આત્મસાત થયા. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થઈને થર્ટી ફર્સ્ટ માર્ચના એન્ડિંગ સમયે ઉજાગરા કર્યા હોત તો આમાંનું કશું જ ન મળ્યું હોત. હા, મર્સીડીઝ અને બે કરોડના ઈન્ટિરિયરવાળુ ઘર જરૂર મળી ગયાં હોત. પણ એ મળ્યા પછીય ક્યારેય એવી ખબર પડી ન હોત કે જીવનમાં એના કરતાંય કશુંક મૂલ્યવાન છે જેને હું મિસ કરું છું. આજે મર્સીડીઝ વગેરે શું હું જીવનમાં પંખો-રેડિયોને પણ મિસ કરતો નથી.

લાઈફ લાઈન

મારાં જીવનમાં હવે જે વાદળો આવે છે તે વરસાદ કે વાવાઝોડું નથી લાવતા પણ મારા સંધ્યાકાશમાં વધારાના રંગો પૂરવા આવે છે.

રવીન્દ્રનાથ ટાગોર

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.