જેમને એફબી પર હજારો ફ્રેન્ડ્ઝ છે એમના માટે
મા વિશે, દીકરી વિશે, વગેરે વિશે જેમ ગુણગાન જ ગાવાનાં હોય એવું દોસ્તી વિશે પણ કરવાનું હોય એવી આપણે ત્યાં પ્રથા છે. દોસ્તીમાં હું માનતો નથી, કારણ કે માણસના બીજા સંબંધોમાં જેટલા અને જેવા સ્વાર્થ હોય છે એટલા અને એવા સ્વાર્થ દોસ્તીમાં પણ હોવાના. એવા સંબંધને તમે દોસ્તી કે મૈત્રી કે ફ્રેન્ડશિપનું રૂપાળું લેબલ ચિપકાવી દો એને કારણે તે નિઃસ્વાર્થ કે પવિત્ર બની જતા નથી.
કેટલાક લોકો પોતાની ઓળખાણોને દોસ્તીમાં ખપાવતા હોય છે. કોઈની સાથે નાનોમોટો પરિચય હોય અને જો એ વ્યક્તિ ફેમસ કે વગવાળી હોય તો એનો ઉલ્લેખ નીકળે ત્યારે અચૂક આપણે કહેવાના કે એ તો મારા ફ્રેન્ડ છે (એક્વેન્ટન્સ છે એવું કહેવાને બદલે) અને જો મૂડમાં હોઈશું તો કહી નાખીશું કે પર્સનલ ફ્રેન્ડ છે મારા! અને હજુ વધારે પ્રવાહી પેટમાં ગયું હશે તો કહીશું કે યાર, મારે ને એમને તો ઘર જેવો સંબંધ... આટલું કહીને બીજાને ઈમ્પ્રેસ કરવા આપણે રાત્રે 11 વાગ્યે જેની સાથે ‘ઘર જેવો સંબંધ’ છે એ ‘મિત્ર’ને ફોન જોડીશું અને સામેથી કોઈ આપણું નામ જોઈને ફોન ન ઉઠાવે તો કહીશું : બિઝી લાગે છે! આપણને કોઈ પૂછતું નથી કે તમારું નામ સ્ક્રીન પર જોઈને રાત્રે અગિયાર વાગ્યે ભલભલા શું કામ બિઝી થઈ જતા હોય છે.
દોસ્ત, મિત્ર કે ફ્રેન્ડ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ઓળખીતા, પરિચિત કે એક્વેન્ટન્સને તમે દોસ્ત-મિત્ર-ફ્રેન્ડ કહો છો ત્યારે જાણે અજાણે મૈત્રીની ઉમદા કન્સેપ્ટનું અપમાન કરો છો. તમારે રોજની જેની જોડે ઉઠબેસ હોય એ પણ તમારો મિત્ર નથી હોતો, તમારે જેની સાથે અંગત વિચારોની આપ-લે કરવાનો નાતો હોય એ પણ તમારો મિત્ર જ હોય તે જરૂરી નથી અને અણીના વખતે જે તમને પૈસા, સમય કે પોતાના સંપર્કોની મદદ કરે છે તે પણ તમારો મિત્ર હોય એ જરૂરી નથી.
આ બધાં કામ તમારો શુભેચ્છક કે હમદર્દ કરી શકે છે, તમારા માટે પૂજ્યભાવ-આદરભાવ ધરાવનાર કરી શકે છે, જેને લાગતું હોય કે તમારા માટે આટલું કરવાની પોતાની ફરજ છે એ કરી શકે છે.
જેને ને તેને દોસ્ત કહેવાનું મને ફાવતું નથી. યારી-બાદશાહીનાં ગુણગાન ગાઈને પબ્લિકની સિટી ઉઘરાવવાનું કામ મને ચીપ લાગે છે, ભદ્દું લાગે છે. મેં એવા કેટલાય લોકો મારા જાહેર, સામાજિક તથા અંગત જીવનમાં જોયા છે જેઓ દોસ્તીની બડીબડી બાતાં કરતા હોય અને જેમના ફ્રેન્ડ સર્કલમાં દરેકની પીઠમાં એમણે ભોંકેલાં ખંજર હજુય દેખાતાં હોય. આવા લોકો દોસ્તી-દિલદારીની વાત કરતા હોય ત્યારે હસવું કે રડવું એની સમજ પડતી હોતી નથી. મારું એક ઑબ્ઝર્વેશન છે કે કેટલાક માણસો જે વિચાર/લાગણી/વાત છુપાવવા માગતા હોય તેના કરતાં તદ્દન વિરોધાભાસી વિચાર/લાગણી/વાત પ્રગટ કરવામાં માહેર હોય છે. પોતે લબાડીનો ધંધો કરતા હોય પણ ચાર જણાની વચ્ચે કે માઈક પરથી પ્રામાણિકતાની વાત કરશે. પોતે બિઝનેસમાં કર્મચારીઓ/વર્કર્સનું શોષણ કરતા હશે, જાહેરમાં સેવા અને ગાંધીજીની ટ્રસ્ટીશિપની ભાવનાવાળી વાતો કરશે. પોતે ડરેલા હશે, ભીરુ અને કાયર હશે પણ દેખાડો એવો ઊભો કરશે જાણે પોતે મરદનું ફાડિયું હોય. પોતે પોતાની આસપાસના પરિચિતો પાસેથી ક્યાં, ક્યારે, કેટલો ફાયદો થશે એની ગણતરી ચોવીસે કલાક કરતા હશે અને ઓગસ્ટનો પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે આવશે ત્યારે દોસ્તીનાં ગુણગાન ગાતાં વૉટ્સ એપ આખો દિવસ ગ્રુપ્સમાં ફૉરવર્ડ કર્યા કરશે.
આવી મૈત્રીઓ નથી જોઈતી મને જીવનમાં. પૂળો મૂકો આવી દોસ્તી પર. કબૂલ, જીવવા માટે તમને તમારી આસપાસના કેટલાક લોકોની જરૂર પડતી હોય છે. તમારા વ્યવસાય માટે, તમારા અંગત કામકાજ માટે, તમારા પ્લેઝર માટે, તમારી કંપની માટે, સલાહ માટે, નાનીમોટી સગવડો સાચવવા, વગેરે હજાર સ્વાર્થ સાધવા તમને તમારી આસપાસની જ વ્યક્તિઓ કામ લાગવાની. પણ એટલે કંઈ એ બધાને દોસ્ત, મિત્ર, યાર-બાદશાહ કહી નાખવાની જરૂર નથી. આધેડ ઉંમરના પુરુષોએ જે ને તે યુવાન છોકરીને ‘બેટા’ કહેવાનું શરૂ કરીને આ પવિત્ર શબ્દનો કચ્ચરઘાણ વાળી નાખ્યો છે એમ આપણે લોકોએ પણ જેને ને તેને ફ્રેન્ડ કહીને મિત્ર શબ્દને સાવ લપટો કરી નાખ્યો છે, પરદેશનું જોઈ જોઈને.
અંગ્રેજીમાં ફ્રેન્ડ શબ્દ સાવ મામૂલી ઓળખીતાઓ કે ક્યારેક પહેલી જ વખત મળનાર વ્યક્તિ માટે પણ વપરાય છે. ઈવન તદ્દન અજાણ્યાઓને પણ તમે લિફ્ટમાં, ક્યૂમાં કે એરપૉર્ટ પર ‘ફ્રેન્ડલી’ સ્માઈલ આપી શકો છો. આવા સ્મિતને ‘મૈત્રીભર્યું’ કહેવાની ઝુર્રત કોઈ છગન જ કરી શકે અને હવે તો એફબીને કારણે તમારા પાંચ-પાંચ હજાર ફ્રેન્ડ્ઝ હોઈ શકે છે.
દોસ્ત માટેની મારી અપેક્ષા ખૂબ ઊંચી છે. જે વગર કારણે યાદ આવે તે તમારો દોસ્ત. જે તમારી ભૂલ હોવા છતાં તમને શીખામણ આપ્યા વિના તમારી પડખે રહે તે તમારો દોસ્ત. જે બીજા કોઈ લોકોની સંગતમાં હોય અને ત્યાં તમારા વિશે ઘસાતું બોલાવાની શરૂઆત થાય ત્યારે ચૂપચાપ સાંભળી લેવાને બદલે ત્યાંથી તરત જ ચાલતી પકડે તે તમારો દોસ્ત. જે તમારી નિકટ હોવા છતાં તમને ટેકન ફૉર ગ્રાન્ટેડ ન ગણે તે તમારો દોસ્ત. જિંદગીમાં તમે જેનું એક પણ કામ કરી આપ્યું નથી અને ભવિષ્યમાં પણ કરી આપવાના નથી એવી ખાતરી હોવા છતાં જે તમારો પડ્યો બોલ ઝીલી લે તે તમારો દોસ્ત. જિંદગીમાં જે તમને ક્યારેય કામ લાગ્યો નથી અને ભવિષ્યમાં પણ લાગવાનો નથી એની તમને ખાતરી હોય છતાં તમે એનો પડ્યો બોલ ઝીલવા માટે તત્પર હો તે તમારો દોસ્ત. તમે એકબીજા માટે કરેલા વર્તનની કે એકબીજાને કહેલા શબ્દોની ગામ આખું ટીકા કરતું હોય છતાં તમારા બેના સંબંધમાં નાનીસરખી પણ તિરાડ પડી ન હોય તો તે તમારો દોસ્ત.
આવો એકાદ દોસ્ત પણ તમારા જીવનમાં હોય તો કુન્દનિકા કાપડિયા જેને મનુષ્ય જીવનનું ઉત્તમોત્તમ વરદાન કહે છે તે તમને પ્રાપ્ત થાય. બાકી દસ રૂપિયાના રબરિયા ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધીને કે ફોગટિયા વૉટ્સએપ ફૉરવર્ડ કરીને કોઈએ ફ્રેન્ડશિપ ડેઝ ઉજવવા હોય તો ઉજવો, આપણા કેટલા ટકા.
દોસ્તી કે ફૉર ધેટ મેટર કોઈ પણ સંબંધના ગુણગાન ગાઈને એના વિશે બ્રેવાડો કરવાનું આસાન છે. પણ એવો સંબંધ બાંધવાનું અઘરું છે કારણકે એવો સંબંધ જેની સાથે બાંધી શકો એવી વ્યક્તિઓ બહુ ઓછી મળે છે આ દુનિયામાં. આવી વ્યક્તિઓ બહુ ઓછી મળે છે કારણ કે આવી વ્યક્તિઓને સ્વીકારવા, અપનાવવા, ઝીલવા માટે જે કૌવત-વ્યક્તિત્વ જોઈએ તે નથી હોતું આપણામાં. જે કૌવત કે આવી હેસિયત કે આવી લાયકાત આપણામાં જ ન હોય તો બીજાઓ પાસેથી કેવી રીતે એની અપેક્ષા રાખી શકીએ? અને એટલે જ આપણે જેવા છીએ એવા સંબંધો આપણને મળતા રહે છે. સો ટચની મૈત્રીને બદલે 14 કૅરેટની દોસ્તીઓના ઉત્સવો આપણે ઉજવ્યા કરીએ છીએ.
લાઈફ લાઈન
જે ક્લબ મારા જેવાને પણ મેમ્બર તરીકે સ્વીકારવા તૈયાર હોય એવી ક્લબમાં હું ક્યારેય ન જોડાઉં!
- માર્ક ટ્વેન
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર