સારી આદતો, ખરાબ આદતો
સવારના સાડા સાત. હું મારા બેડરૂમમાં ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. ઘરના બધાં જ જાગીને ચાપાણી કરવામાં બિઝી છે. ડ્રોઈંગ રૂમમાં ફોનની ઘંટડી વાગે છે, મને જગાડવામાં આવે છે.
‘હલ્લો’, હું ઊંઘરેટા અવાજે બોલું છું.
‘અરે, હજુ તું સૂતો છે?’ સામેના છેડેથી અવાજ આવે છે.
‘ભાઈ... ક્યારે મુંબઈ આવ્યા?’ હું પૂછું છું.
‘સવારે... બરોડા એક્સપ્રેસમાં... તું હજુ સુધી સૂતો છે?’ ફરી એ જ સવાલ.
હું કહું છું, ‘પહેલાં એ તો તમે પૂછો કે હું પથારીમાં કેટલા વાગ્યે પડ્યો?’
વરસો પહેલાંની આ વાત છે. એ વખતે હું છાપાની લાઈનમાં નોકરીઓ કરતો. નાઈટ શિફ્ટ પૂરી કરીને માંડ બે વાગ્યે ઘરે પહોંચ્યો હોઉં, ત્રણ-સાડા ત્રણે સૂતો હોઉં અને કાચી નીંદરમાં ગુણવંત શાહનો ફોન આવે. આમ તો એ સવારના સાત વાગ્યાથી ફોન પર હોય. પણ હું જાગ્યો નહીં હોઉં એમ માનીને, મારા પર ઉપકાર કરતા હોય એમ સાડા સાતે મારો નંબર લગાવે! એમની હંમેશાં એ જ ફરિયાદ: તને અને વિવેક (એમના દીકરા)ને તો સવારે સાત વાગ્યે ઊઠવું હોય તો પણ એલાર્મ મૂકવું પડે.
ગુણવંતભાઈ પોતે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી જાય. સવારે 11 વાગ્યે તો એમનો અડધો દિવસ પૂરો થઈ જાય. લંચ પણ લેવાઈ ગયું હોય. આપણે હજુ બ્રેકફાસ્ટના મૂડમાં હોઈએ. નાઈટ શિફ્ટ્સને હિસાબે આદતને લીધે વીકલી રજાના દિવસે પણ વહેલી ઊંઘ ન આવે, મોડું જ ઉઠવાનું થાય.
કટ ટુ 1999. હું ‘મિડ-ડે’માં જોડાયો. સાંજનું છાપું. પણ બપોરે એક વાગ્યે, લંચ ટાઈમે આખા મુંબઈમાં પહોંચી જવું જોઈએ. સવારે આઠ વાગ્યાની ડેડલાઈન. નવ વાગતાંમાં પ્રિન્ટિંગ શરૂ થઈ જાય. શરૂના થોડા દિવસ આગલા એડિટરની જેમ હું પણ સાત વાગ્યે ઑફિસે પહોંચતો. કોઈ ફ્રેશ ન્યૂઝ હોય તો પહેલા પાને લઈને આઠ વાગ્યાની ડેડલાઈન સાચવવાની.
પણ એમાં મઝા નહોતી આવતી. છાપું વાસીવાસી લાગે. મેં સ્ટાફની સહમતિથી નાઈટ શિફ્ટ શરૂ કરી અને મેં પોતે સવારે પાંચ વાગ્યે ઑફિસે પહોંચી જવાનું શરૂ કર્યું. સાડા ત્રણે જાગી જાઉં, ગુણવંતભાઈ કરતાં પણ પહેલાં. સવા ચારે ઘરેથી નીકળું. બે-ચાર દિવસ થયા અને મને તુક્કો સૂઝ્યો. ઑફિસ પહોંચતાં પહેલાં રસ્તામાંથી બરોડા ફોન કર્યો.
‘ભાઈ, હજુ સૂતા છો?’
‘સૌરભ? આટલો વહેલો ફોન? કંઈ સિરિયસ છે?’
‘ના, ગપ્પાં મારવા માટે ફોન કર્યો, અને વહેલું ક્યાં છે? સાડા ચારને પાંચ થઈ ગઈ!’
ગુણવંતભાઈ હસી પડે. ‘તું બદલો લઈ રહ્યો છે!’
‘તમારા એક-એક ફોનનો બદલો લેવાનો છું, રોજ તમને સવારે સાડા ચાર વાગ્યે ફોન કરીને ઉઠાડવાનો....’
પછી રોજ તો નહીં પણ ઘણીવાર એમને એ ટાઈમે ફોન કરીને ‘હેરાન’ કરતો.
ઊંઘવાની આદત માણસની બેઝિક ટેવ છે. વર્ષોથી જે રૂટિન ગોઠવાઈ ગયું હોય એમાં ભાગ્યે જ ફરક પડે. આદતો માત્ર ફિઝિકલ નથી હોતી, મેન્ટલ પણ હોય છે એવું કોઈ માનસવિજ્ઞાનીએ પુરવાર કર્યું છે કે નહીં એની ખબર નથી પણ મેં એ પુરવાર થતું જોયું છે. અગેન વર્ષો પહેલાંની વાત. મારા પપ્પાના કઝિન અમદાવાદથી મુંબઈ આવે ત્યારે એમના સગા નાનાભાઈને ત્યાં ઉતરે. ઘણા વખતે બધા ભાઈઓ મળ્યા હોય એટલે મોડે સુધી અલકમલકનાં ગપ્પાં મારે. અમદાવાદવાળા કાકાને રાત્રે પોણાદસ-દસ વાગે એટલે ઊંઘ આવવા માંડે. એ અંદર જઈને સૂઈ જાય. વાતમાં ભંગ પડે એટલે એમના બીજા ભાઈ, કઝિન્સને ન ગમે પણ શું કરે, ચલાવી લે. એક રાત્રે અમદાવાદવાળા કાકાના નાનાભાઈએ, મારા નાના કાકાએ મને સાધીને કહ્યું, ‘હું એમનું ધ્યાન બીજે દોરું છું. તું ઘડિયાળમાં આઠ વાગ્યા છે તેના નવ કરી નાખ... પછી મઝા જોજે.’
મેં નાના કાકાની વૉલક્લોક એક કલાક આગળ મૂકી દીધી. ઘડિયાળમાં જેવા દસ વાગ્યા કે તરત અમદાવાદવાળા કાકા બગાસું ખાઈને ‘જય શ્રીકૃષ્ણ’ કહીને ઊભા થઈ સૂવા માટે જવા લાગ્યા. બધા હસી પડ્યા, કાકા પોતે પણ.
આદતો ફિઝિકલ પણ હોય છે અને મેન્ટલ પણ. અને આદતો જેવી પાડો તેવી પડે. નાનપણથી મને ચા પીવાની ટેવ નહોતી, કૉફી પણ નહીં. અઢાર વર્ષની ઉંમરે આ લાઈનમાં આવ્યો એ પછી હું દિવસમાં બે વાર ચા પીતો થયો. છતાં સવારે નીકળતી વખતે નાસ્તા સાથે ચાની આદત નહોતી લાગી. એ આદત મારાં લગ્ન પછી લાગી. મારી પત્નીને સવારે ચા જોઈએ. એને કંપની આપવા મેં પણ સવારની ચા શરૂ કરી. વર્ષો સુધી દૂધમાં ઉકાળેલી સાકર નાખેલી ચા રોજ સવારે પીધી.
પંદરેક વર્ષ પહેલાં એ આદત છૂટી ગઈ. એ પછી ક્યાંક વાંચ્યું કે સાકર, ખાંડ કે શ્યુગર એવી ચીજ છે જેને તમે ખોરાકમાં કન્ટ્રોલ કરી શકો છો. પહેલાં મેન્ટલી કન્ટ્રોલ કરવી પડે, પછી ફિઝિકલી એની આદત પડતી જાય. મેં તે વખતે પડીકીવાળી (સેશેવાળી, ટી બૅગવાળી અથવા ડિપડિપ) ચા પીવાનું શરૂ કર્યું હતું. વાંચ્યા પ્રમાણે મેં એકવીસ દિવસ સુધી શ્યુગર વિનાની ચા પીધી. શરૂમાં નહોતી ભાવતી. પણ 21 દિવસ સુધી અખતરો કરવાની જીદ હતી. પ્રયોગ સફળ થયો. આજે હવે હું ટી બેગવાળી ચામાં ખાંડ તો શું દૂધ પણ નથી નાખતો.
આદતો બદલી શકાતી હોય છે. ઊંઘની આદતો મેં મારા બદલાતા જતા કામના સમય પ્રમાણે બદલી છે. ખાવા-પીવાની આદતો બદલવી જરા અઘરી છે પણ અશક્ય નથી એ મને ખાંડ વગરની ચા પીવાની ટેવ પાડ્યા પછી સમજાયું છે.
ખુશવંત સિંહે સારી આદતો રાખી હતી એટલે એમને ખરાબ આદતો (જો દારૂને તમે ખરાબ ગણતા હો તો) નભી ગઈ. એ રોજ રાત્રે બે પેગ સ્કૉચ પીતા. સાંજે સાડા સાતથી સાડા આઠ. નવ વાગ્યા સુધી જમી લેવાનું. દસ પહેલાં સૂઈ જવાનું. સવારે સાડા ચાર અને પાંચ વાગ્યાનાં બે એલાર્મ મૂકીને સૂઈ જવાનું. ટેનિસ રમવા જવાનું. આખો દિવસ ચિક્કાર લખવાનું, ઘરે આવતા તમામ ફોન જાતે ઉપાડવાના, વાચકોના દરેક પત્રના જવાબ આપવાના, અપોઈન્ટમેન્ટ લઈને મળવા આવતા મુલાકાતીઓ સાથે બેસવાનું. આ ઉપરાંત પુસ્તકોનું, દેશ-વિદેશની મુલાકાતોનું અને પાર્ટી-સભા-સમારંભો-કાર્યક્રમોમાં હાજરી આપવાનું તો હોય જ. આટલી વ્યસ્તતા હોવા છતાં ડિસિપ્લિન્ડ લાઈફને કારણે તેઓ દીર્ઘ આયુષ્યવાળું વ્યવસ્થિત જીવન જીવી શક્યા.
મેં એક જોયું છે કે, જે લોકો નવરા છે તે તો હંમેશાં કહેશે કે ટાઈમ નથી. જે લોકો ખૂબ બિઝી હોય છે એમની પાસે ટાઈમ જ ટાઈમ હોય છે. તેઓ તમને ટાઈમ નથીનું બહાનું ક્યારેય નહીં આપે. (સિવાય કે તમે એમના માટે ન્યૂસન્સ હો કે નકામા હો).
આદતો વિશે, ટેવ વિશે મારે જે લખવું છે તેની આ માત્ર પ્રસ્તાવના છે, વધુ આવતા સોમવારે.
લાઈફલાઈન
તમારી વાત સાચી છે, મૅડમ. હું અત્યારે પીધેલો હોઈશ. પણ સવારે તો મારો નશો ઊતરી ગયો હશે છતાં તમે એવા ને એવા જ અગ્લી હોવાનાં!
- વિન્સ્ટન ચર્ચિલ
https://www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર