જૅક ઑફ ઑલ બનવાને બદલે તમારા ક્ષેત્રમાં વન ટુ ટેન બનો
માત્ર પબ્લિસિટીથી કે હાઈપ ઊભો કરીને કોઈ બ્રાન્ડ મોટી બનતી નથી અને જો કદાચ નાના અમથા ગાળા માટે મોટી બની પણ જાય તો લાંબો સમય એની અસર ટકતી નથી.
જાહેરખબર પાછળ પૈસો ખર્ચીને જે પબ્લિસિટી થાય એના કરતાં વર્ડ ઑફ માઉથ જે પબ્લિસિટી થાય તે ઘણું લાંબું ટકે કારણ કે તે જેન્યુઈન હોય. તમે પોતે તમારાં વખાણ કરો અને બીજું કોઈ તમારાં વખાણ કરે એની અસરમાં ઘણો મોટો તફાવત રહેવાનો. તમે જાતે તમારા વિશેની ઈમેજ ઊભી કરો કે તમારા માટે હાઈપ ઊભો કરો એને બદલે જો એ આપમેળે ઊભો થાય તો એની અસર લાંબા ગાળા સુધી ટકી રહે.
'ગ્રાન્ડ બ્રાન્ડ રજની'ના લેખકો પી.સી. સુબ્રમનિયન અને રામ એન. રામકૃષ્ણ સાઉથના સુપરસ્ટાર રજનીકાન્તનો દાખલો ટાંકીને કહે છે. 1975-76મા રજનીકાન્તે મૂવીઝમાં કામ કરવાનું શરૂ કર્યું પણ તે વખતે એમના નામની પબ્લિસિટી ભાગ્યે જ થતી. મોટેભાગે તો વર્ડ ઑફ માઉથ પબ્લિસિટી થતી- કોઈ એમનું પિક્ચર જોઈ આવે, ગમે એટલે એ બીજાને કહે, બીજો જોઈ આવે, ગમે એટલે એ ત્રીજાને કહે અને આમ વાત પ્રસરતી જાય કે આ પિક્ચર જોવા જેવું છે.
વર્ડ ઑફ માઉથ પબ્લિસિટી સિવાયની પેઈડ પબ્લિસિટીનું રિઝલ્ટ ત્યારે જ મળે જ્યારે એ બ્રાન્ડ ઑલરેડી લોકોને ગમવા માંડી હોય, એ બ્રાન્ડની ઉપયોગિતા સ્થપાઈ ચૂકી હોય, એની ગુણવત્તા પર લોકો પર લોકોને ભરોસો બેસી ગયો હોય.
રજનીકાન્તે 1979 સુધીમાં પચાસેક (ટુ બી પ્રિસાઈઝ 53) ફિલ્મો કરી લીધી. ઘણો મોટો ફિગર કહેવાય. ચારેક વર્ષમાં સરાસરી મન્થલી એક ફિલ્મ રિલીઝ થઈ. (1978ના એક જ વર્ષમાં એમની 20 ફિલ્મો આવી!) રજનીકાન્તનું નામ તમિળનાડુ ઉપરાંત કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરળમાં પણ ગાજવા માંડ્યું હતું. (આ ગાળામાં એમણે કન્નડની દસ, તેલુગુની નવ અને મલયાલમની એક ફિલ્મોમાં કામ કર્યું. બાકીની તમિળ.)
પણ હવે એમણે એક સારા બ્રાન્ડ મેનેજરની જેમ એક જ પ્રદેશ પર ફોકસ કરવાનું નક્કી કર્યું. તમિળનાડુમાં હવે એ સુપરસ્ટાર તરીકે પ્રોજેક્ટ થવા માંડ્યા, આને લીધે ધીરેધીરે તેઓ સાઉથનાં બાકીનાં ત્રણ રાજ્યોમાં પણ સુપરસ્ટાર તરીકે ખ્યાતનામ થવા લાગ્યા અને ઓવર અ પિરિયડ ઑફ ટુ ડિકેડ્સ એટલે સમગ્ર ભારતના સુપર સ્ટાર છે એવું ઓવરસીઝની ટેરિટરીઝમાં પ્રોજેકશન થયું. એમના ચાહકોએ આખા વિશ્વમાં સ્થાપેલી ફેન ક્લબોની સંખ્યા દોઢ લાખ જેટલી છે એવું કહેવાય છે. તમે જરા અતિશયોક્તિ સાથે કહી શકો કે ભારતમાં કે વિદેશમાં વસતો પ્રેક્ટિકલી દરેક તમિળિયન રજનીસરનો ફેન છે. બીજા સાઉથ ઈન્ડિયનો તેમ જ ભારતીયો તો છે જ.
બ્રાન્ડ મેનેજમેન્ટમાં આ ફોક્સવાળી વાત અતિ મહત્ત્વની છે. તમારી બ્રાન્ડ બિલ્ડ કરવા માટે તમારી એક્સપર્ટીઝના ક્ષેત્રમાં વધુ ને વધુ ઊંડા જઈને તમારી પ્રોડક્ટની ક્વૉલિટીનો પાયો એટલો ઊંડો નાખવો જોઈએ કે ભવિષ્યમાં કોઈ એને હચમચાવી શકે નહીં. આરંભનાં વર્ષોમાં હું આ પણ કરું ને તે પણ કરું - બતાવી દઉં બધાને કે મને બધું આવડે છે - એવી હુશિયારી નહીં ઠોકવાની. શરૂઆતનો સમય ફેલાવાનો નહીં, કન્સોલિડેશનનો છે. તમારી બધી જ એનર્જી, તમારા બધા જ રિસોર્સીસ એક જ જગ્યાએ કેન્દ્રિત થવાં જોઈએ.
એક વખત કોઈ એક બાબતમાં તમે (એટલે કે તમારી બ્રાન્ડ) અનબીટેબલ છો એવું એસ્ટાબ્લિશ થઈ ગયા પછી, તમારી સ્પેશ્યાલિટીમાં તમે માત્ર નંબર વન જ નહીં પણ વન ટુ ટેન છો એવું સ્થપાઈ ગયા પછી તમે તમારી બ્રાન્ડનું એક્સ્ટેન્શન કરો તે સારું છે.
રજનીકાન્ત પર્ટિક્યુલર રોલ્સમાં મહારત મેળવ્યા પછી એક્સપરિમેન્ટ કરવા માંડ્યા, વિવિધ પ્રકારના રોલ્સ કરવા માંડ્યા, એમણે જો પહેલેથી જ વરાઈટી ઑફ રોલ્સ કરીને પોતાની ટેલેન્ટ પુરવાર કરવાનું નક્કી કર્યું હોત તો આજે તેઓ આટલા મોટા સુપરસ્ટારની ઈમેજ ન ધરાવતા હોત.
ઘર આંગણે આમિરખાન અને સલમાન ખાનનો દાખલો લો. સલમાન ખાને ટિપિકલ એક્શન હીરો તરીકેની ઈમેજ બનાવી લીધા પછી હવે થોડાક ડિફરન્ટ ટાઈપના રોલ્સ કરવા માંડ્યા. આમિર ખાન સલમાન કરતાં મચ બેટર એક્ટર છે અને એણે પહેલેથી અત્યાર સુધી ડિફરન્ટ ડિફરન્ટ રોલ કર્યા. પણ સુપર સ્ટારનો ટેગ સલમાન ખાનને મળ્યો, આમિર કરતાં ઘણું મોટું ફેન ફૉલોઈંગ મળ્યું અને અફકોર્સ પૈસા પણ.
'ગ્રાન્ડ બ્રાન્ડ રજની'માં આવી ત્રણ ઈન્ટરનેશનલ બ્રાન્ડસના દાખલા આપ્યા છે.
'બૉડી શૉપ'ની સ્થાપના 1976મા અનિતા રૉડિકે ઈંગ્લેન્ડમાં કરી ત્યારે એ કંપની દર વર્ષે પચાસ ટકાને હિસાબે વૃદ્ધિ પામતી ગઈ. 1984મા એના શેર્સ ઈંગ્લેન્ડ અનલિસ્ટેડ સિક્યુરિટીઝ તરીકે માર્કેટ થયા અને જ્યારે એ ઈંગ્લેન્ડના શેર બજારમાં લિસ્ટેડ થયા ત્યારે એની કિંમત પાંચગણી વધી ગઈ. 2006મા અનિતા રૉડિકે આ કંપની લ’ઓરયલને 65 કરોડ પાઉન્ડમાં વેચી નાખી ત્યારે અનિતાના હાથમાં કુલ 13 કરોડ પાઉન્ડ આવ્યા.
સેમ વૉલ્ટને 1962મા અમેરિકાના અર્કેન્સસ રાજ્યમાં 'વૉલમાર્ટ'ની સ્થાપના કરી. પાંચ જ વર્ષમાં એ રાજ્યમાં 'વૉલમાર્ટ'ના 24 સ્ટોર્સ ખુલી ગયા, 1970 સુધીમાં એના 38 સ્ટોર્સ હતા, 1500 એમ્પ્લોઈઝ હતા અને સાડા ચાર કરોડ ડૉલરનું એનું ટર્નઑવર હતું. 1975મા 'વૉલમાર્ટ'ના 125 સ્ટોર્સ થયા, 7500 એમ્પ્લોઈઝ અને 34 કરોડ ડૉલર્સનું ટર્ન ઓવર. સ્થાપનાની સિલ્વર જ્યુબિલીનું વર્ષ હતું ત્યારે 'વૉલમાર્ટ' પાસે 1,198 સ્ટોર્સ હતા, બે લાખ એમ્પ્લોઈઝ હતા અને 1500 કરોડ ડૉલરનું એનું ટર્ન ઓવર હતું. આજે એના સ્ટોર્સની સંખ્યામાં ખૂબ મોટો વધારો થયો છે : 1198માંથી 11539. અને ટર્ન ઓવર અધધ 48,200 કરોડ ડૉલરનું અને વિશ્વ આખામાં એમ્પ્લોઈઝની સંખ્યા 23 લાખ.
આ જ રીતે 'ઈન્ફોસિસ' 1992માં બેન્ગલોરમાં શરૂ થઈ ત્યારે 1000 જણનો સ્ટાફ હતો અને 1,60,000 સ્કવેર ફીટની એમની પાસે જગ્યા હતી. આજે 'ઈન્ફોસિસ'નો 81 એકરનો કેમ્પસ છે જેમાં પોણા ત્રણ કરોડ ચોરસ ફીટનું બાંધકામ છે અને સવા લાખ લોકો કામ કરે છે.
એક વાત લખીને રાખજો કે બ્રાન્ડ બિલ્ડિંગમાં ફોક્સ રાખવું ખૂબ જરૂરી છે. તમે એક બાબતના નિષ્ણાત જ નહીં, અનબીટેબલ ઑથોરિટી બની જાઓ એ પછી જ અન્ય ક્ષેત્રોમાં જ્યાં તમારી મહારત હોય - એક્સપર્ટીઝ હોય ત્યાં ઝંપલાવો. એક ક્ષેત્રમાં વર્ટિકલ એક્સ્પાન્શન કર્યા પછી, વન ટુ ટેન એસ્ટાબ્લિશ થયા પછી જ, બીજા ક્ષેત્રોમાં હોરિઝેન્ટલ એક્સ્પાન્શન કરવાનું. આ સુવર્ણ નિયમ બ્રાન્ડ બિલ્ડિંગનો પાકો કરી નાખો એટલે નેકસ્ટ વીક પાછા મળીએ.
લાઈફ લાઈન
વાસ્તવિકતાને જેટલી નકારશો એટલું ટેન્શન ઊભું થશે. એટલે સ્વીકારી લો. જો રિલેક્સ થવું હોય તો જે પરિસ્થિતિ સર્જાય છે તેને સ્વીકારી લો. તમારી આસપાસ જે કંઈ બની રહ્યું છે તેનો પણ સ્વીકાર કરી લો, એની સાથે સંઘર્ષમાં ઊતર્યા વગર, એની સામે આંખમીંચામણા કર્યા વગર એનો સ્વીકાર કરશો તો જ તમે આગળ વધી શકશો.
- ઓશો
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર