કોઈની નકલ કરીને તમારી બ્રાન્ડ મોટી ના બને

29 Aug, 2016
12:00 AM

સૌરભ શાહ

PC:

બ્રાન્ડ બિલ્ડિંગ વિશેની આ સિરીઝ પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે પણ કામ લાગે એવી છે એવું એક વાચકનું નિરીક્ષણ છે જે સો ટકા સાચું છે. આપણે બધા કંઈ બિઝનેસ કરતા નથી કે કરવાના પણ નથી કે બ્રાન્ડ બિલ્ડિંગ વિશે વિગતે જાણવાની કંઈ જરૂર પડે. પણ આપણે દરેક, વ્યક્તિગત તૌર પર, એક બ્રાન્ડની તો છીએ જ. પબ્લિક લાઈફમાં હોઈએ કે નહીં, નોકરી કે પ્રોફેશનલ પ્રેક્ટિસ કરતા હોઈએ તો પણ.

પી.સી. બાલાસુબ્રમનિયન અને રામ એન. રામકૃષ્ણન લિખિત 'ગ્રાન્ડ બ્રાન્ડ રજની'માં કહેવાયું છે કે રજનીકાન્તની કારકિર્દી શરૂ થઈ ત્યારે એમની સામે કેટલાં વિઘ્નો હતાં :

1. બીજા એક્ટરોની જેમ ગોરા તો જવા દો, ઘઉંવર્ણા પણ નહીં.

2. બીજા અભિનેતાઓ જેવો ટ્રેડિશનલી હેન્ડસમ ચહેરો નહીં.

3. દર્શકો માટે આવું કૉમ્બિનેશન પહેલવહેલી વારનું હતું.

4. પોતાના સાચા નામે નહીં પણ જુદા નામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને તે પણ ઑલરેડી એ નામનું એક કેરેક્ટર ફિલ્મોમાં આવી ચૂક્યું હતું ને આવીને ભૂલાઈ પણ ગયું હતું.

5. કોઈ ધામધૂમ વિના ઈન્ડસ્ટ્રીમાં આગમન. એ વખતે એમના કરતાં મશહૂર એવા બીજા અભિનેતાઓ ઑલરેડી પ્રેક્ષકોમાં લોકપ્રિય હતા.

6. શરૂમાં પોતાની આગવી ઓળખ જેવું કંઈ નહીં.

7. ભવિષ્યમાં કેવા પ્રકારના રોલ કરશે, કયા ઑડિયન્સ માટે ફિલ્મો કરશે એ વિશેની કોઈ સ્પષ્ટતા નહોતી.

આટઆટલાં વિઘ્નો પછી પણ બ્રાન્ડ રજની સફળ થઈ. શું કારણ એનું?

1. કરિયર લૉન્ચ થઈ ત્યારે કોઈ હાઈપ ઊભો નહોતો થયો એટલે પ્રેક્ષકોની કોઈ અપેક્ષા જ નહોતી. જો એમની પહેલી ફિલ્મ વખતે જ જોરદાર પબ્લિસિટી કરીને કહેવાયું હોત કે 'નેકસ્ટ સુપર સ્ટારનું આગમન' વગેરે તો શક્ય છે કે રજનીકાન્તની કરિયર શરૂની ફિલ્મોમાં જ ધૂળ ચાટતી થઈ ગઈ હોત. પહેલી જ નહીં, બીજી, ત્રીજી, ચોથી કે ઈવન પાંચમી ફિલ્મ સુધી એમને સુપર સ્ટાર તરીકે પ્રૉજેક્ટ કરવામાં આવ્યા નહોતા. પહેલાં કામ કરો પછી બણગાં ફૂંકો અને જો તમારું કામ બીજાઓ કરતાં ઘણું આગળ હશે તો તમારે બણગાં ફૂંકવાની જરૂર જ નહીં પડે. તમારા ચાહકો જ તમારો હાઈપ ઊભો કરશે.

2. ફિલ્ડના તમારા રાઈવલ્સની નકલ નહીં કરવાની. તમે જેમની સાથે સ્પર્ધા કરી રહ્યા છો એ તમારા સિનિયર્સ કે સમકાલીનો જે કંઈ કરી રહ્યા છે એમના કરતાં જો કંઈક જુદું કરશો તો જ તમારી ટેલેન્ટ લોકો સુધી પહોંચશે. કાર્બન કૉપીઓ અને છઠ્ઠી ફોટો કૉપીઓ ક્યારેય ટોચ પર નહીં પહોંચી શકે. મિમિક્રી આર્ટિસ્ટો સેંકડો હોવાના. પણ લતા મંગેશકરથી લઈને કૈલાસ ખેર સુધીના આર્ટિસ્ટો આંગળીને વેઢે ગણાય એટલા જ હોવાના. કુમાર સાનુ એક જમાનામાં બારમાં કિશોર કુમારનાં ગીતો ગાતા અને સોનુ નિગમ શરૂના વખતમાં ઑરકેસ્ટ્રામાં મોહમ્મદ રફીના અવાજમાં ગાતા. જો એ લોકોએ એ જ કામ ચાલુ રાખ્યું હોત તો તેઓ આજે બહુ બહુ તો સુદેશ ભોસલે બન્યા હોત અને ભાગ્યે જ કોઈ એમને યાદ કરતું હોત. પણ એમણે નકલ કરવાનું છોડી દીધું. મોહમ્મદ રફીના ઈન્તકાલ પછી મોહમ્મદ અઝીઝથી માંડીને શબ્બીર કુમાર સુધીના અડધો ડઝન ગાયકોને પ્લેબેક સિંગિંગનો ચાન્સ મળ્યો. પણ એ બધા જ રફીની નકલ કરવામાં રહ્યા, એમ માનીને એ આપણે રફી સા'બની ખાલી પડેલી જગ્યા પૂરી રહ્યા છીએ. અરે ભાઈ, ખુદ કિશોરકુમારના દીકરા અમિતકુમાર 'લવસ્ટોરી' (1981)માં આવડો મોટો ચાન્સ મળવા છતાં બાપની ખાલી પડેલી જગ્યા પૂરી શક્યા નહીં તો બીજાઓની શું વિસાત? કમલેશ અવસ્થી પણ મૂકેશના અવાજ તરીકે ઑરકેસ્ટ્રાઓમાં ખૂબ સફળ થયા પણ ફિલ્મોમાં એમને કામ ન મળ્યું. ન જ મળે. આ દુનિયા મૌલિક ટેલેન્ટ ધરાવતા પ્રતિભાશાળીઓને માથે મૂકીને નાચે છે પણ નકલચીઓને એમનો રસ્તો દેખાડી દે છે, એમનું સ્થાન ક્યાં છે તે દેખાડી દે છે. લેજન્ડ બનવા માટે મૌલિક પ્રતિભા જોઈએ. બીજાના ક્લોન્સ બનીને ઝાઝું આગળ ન વધાય.

3. તમને જે આવડે છે તે જ કામ કરો. તમે જેમાં શ્રેષ્ઠ છો તેમાં જ આગળ વધો. ગુલઝારને સિતાર વગાડતાં સારું આવડતું. 'મેરે અપને'ના જમાનામાં મીના કુમારીએ એમને સલાહ આપી કે તમે કવિતા જ કરો. ગુલઝાર જો ધારત તો કવિતા અને સિતાર બેઉમાં આગળ વધી શક્યા હોત અને એમની પ્રતિભા જોતાં, એમની નિષ્ઠા જોતાં આજે તેઓ સાચા કવિ અને સારા સિતારવાદક જરૂર ગણાતા હોત. પણ એવું કરવા જતાં તેઓ ન તો 'ધ ગુલઝારસા'' બની શક્યા હોત ન તો પંડિત રવિ શંકર બની શક્યા હોત.

પંડિત શિવકુમાર શર્મા સંતુર ઉપરાંત તબલાં પણ સરસ વગાડતા. પણ પછી એમણે સંતુરમાં જ આગળ વધવાનું નક્કી કર્યું. તે વખતે કંઈ સંતુરની આટલી લોકપ્રિયતા હતી નહીં. એ તો શિવકુમાર શર્માએ અપાવી. તબલાં વગાડવાનું બંધ કર્યા પછી એક દિવસ એમને આર.ડી.બર્મન તરફથી કહેણ આવ્યું કે, પિતાજીનું એક સૉન્ગ રેકોર્ડ કરવાનું છે, તબલાં વગાડવા આવી જાઓ. શર્માજીએ ના પાડી પણ પછી પંચમ મિત્ર હતા એટલે જવું પડ્યું. 'જ્વેલ થીફ'ના ગીત 'હોઠોં પે ઐસી બાત'માં સંતુરવાદક તરીકે પાછળથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર પં. શિવકુમાર શર્માએ તબલાં વગાડ્યાં છે. યુ ટ્યુબ પર ગીત જુઓ- સાંભળો ત્યારે ખ્યાલ આવે કે કેટલા એકમ્પલિશ્ડ તબલા પ્લેયર હતા. પણ જો એમણે સંતુરવાદન અને તબલાંવાદન બેઉ ચાલુ રાખ્યાં હોત તો?

4. ચોથી અને છેલ્લી વાત. એક બ્રાન્ડ તરીકે તમારે સતત લોકોની અપેક્ષાઓ સંતોષવી પડતી હોય છે. રજનીકાન્તે 'દૃશ્યમ્'ની રિમેકમાં રોલ શું કામ ન કર્યો તે આપણે લાસ્ટ વીક જોયું. તમારી બ્રાન્ડ 'લાઈફ બૉય'ની હોય તો એમાંથી 'લાલ સાબુ'ની જ સ્મેલ આવવી જોઈએ. તમને ગમે એટલું મન થાય કે હવે તો અમે 'લાઈફબૉય'માંથી માયસોર સેન્ડલ જેવી સુગંધ આવે એવું કરી શકીએ છીએ તો પણ એવું દુઃસાહસ ન થાય. હરકિશન મહેતાએ ગઝલ લખવાનું કે અશ્વિની ભટ્ટે ગીત લખવાનું શરૂ કર્યું હોત તો? મારા પ્રિય લેખક અને 'પ્રિયજન' નવલકથાથી લાખો વાચકોના હૃદયમાં વસી ગયેલા વીનેશ અંતાણીએ મારી ધરાર ના હોવા છતાં 'અભિયાન'માં શીલા ભટ્ટના આગ્રહથી થ્રિલર લખવાનું દુઃસાહસ કર્યું હતું. પરિણામ કેવું આવ્યું?

'સર્પદંશ' વાંચીને જાણી લેજો!

લાઈફ લાઈન

કંપની માટે પોતાની બ્રાન્ડ કોઈ વ્યક્તિ માટે પોતાની રેપ્યુટેશન જેવી હોય છે. જે અઘરામાં અઘરાં કામ હોય તે સારામાં સારી રીતે કરતાં જઈએ ત્યારે તમારી રેપ્યુટેશન બંધાતી હોય છે.

- જેફ બેઝોઝ

(જન્મ : 1964, એમેઝોન ડૉટ કૉમના સ્થાપક 'ટાઈમ' સાપ્તાહિકે છેક 1999માં ઈ-કૉમર્સમાં પાયોનિયરિંગ કામ માટે 'પર્સન ઑફ ધ યર'નો ખિતાબ આપ્યો.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.