હારજીતની સાપસીડી

23 Jan, 2017
12:00 AM

સૌરભ શાહ

PC: matthew.com

તમને સફળ કેવી રીતે થવું એ વિશે ઘણી ટિપ્સ મળી. સફળતા મેળવવા શું શું કરવું એ બધું જ તમને થિયોરેટિકલી ખબર છે. પણ કોઈ એમ કેમ નથી સમજાવતું કે તમે નિષ્ફળ જાઓ ત્યારે તમારે શું કરવું? સફળ લોકો પોતાની નિષ્ફળતાના અનુભવોને તમારી સાથે કેમ શેર નથી કરતા? નિષ્ફળતાના દૌર દરમ્યાન એમને થયેલા અનુભવો, એમાંથી બહાર આવવા એમણે કરેલા પ્રયત્નો, એ પ્રયત્નોની અસરકારકતા, એ પ્રયત્નો કરવા દરમ્યાનની એમની માનસિક પરિસ્થિતિ. એમણે અનુભવેલી નિરાશાના ગાળામાં લાઈફના કયા કયા ગાઈડિંગ પ્રિન્સિપલ્સને બાજુએ મૂકી દીધા, અથવા બાજુએ મૂકી દેવાનું એમને મન થયેલું. નિષ્ફળતાના સમયને સહન કરવાની શક્તિ એમણે ક્યાંથી મેળવી? એ માનસિક શક્તિ ઉપરાંત ફિઝિકલી ટકી રહેવા માટેની ગોઠવણ કરી નાખનારાઓમાં આસપાસના (કે અજાણ્યા) કયા-કયા લોકો એમને કામ લાગ્યા? નિષ્ફળતાના કળણમાંથી બહાર આવ્યા પછી સૌ પ્રથમ ચાખેલો નવો સફળતાનો સ્વાદ અગાઉની સફળતાની કમ્પેરિઝનમાં કેવો હતો? નિષ્ફળતાના દૌરને લીધે તમારામાં ક્યાં કેટલી કડવાશ ઉમેરાઈ અને ક્યાં કેટલી કુમાશ ઉમેરાઈ? તમે વધુ નમ્ર બન્યા કે પછી હતા એના કરતાં વધારે ઉદ્ધત બન્યા? આ અને આવા ઘણા પ્રશ્નના જવાબ એ જ વ્યક્તિ તમને આપી શકે જેણે જિંદગીમાં એવરેસ્ટ જેટલી ઊંચાઈ જોઈ હોય અને પાતાળ જેટલી પછડાટ પણ જોઈ હોય. આપણે જેમના નામથી પરિચિત હોઈએ એવી અનેક વ્યક્તિઓ હશે જેમણે જીવનમાં આવા બેઉ અંતિમોનો સાક્ષાત્કાર કર્યો હોય. અત્યારે ઊડીને આંખે વળગે એવું એક નામ તરત જ મારી ફાઉન્ટન પેનની નિબની ટિપ પર આવે છે : અમિતાભ બચ્ચન.

અફકોર્સ, બીજા ઘણા લોકોના જીવનમાં ક્યારેક ને ક્યારેક બેડ પેચ આવ્યો હશે પણ બચ્ચનજી જેવી રેન્જ બહુ ઓછી વ્યક્તિઓએ જોઈ હશે. જે લોકોની જિંદગીમાં નિષ્ફળતા ક્યારેય આવી જ નથી (અથવા તો એવું આપણને લાગે છે.) એવી વ્યક્તિઓ જો પૂરેપૂરું દિલ નીચોવીને પોતે અનુભવેલી સરિયામ નિષ્ફળતાઓના કિસ્સા આપણને કહે તો સફળતા મેળવવા વિશેનાં સેંકડો પુસ્તકો જે વાતો ન શીખવાડી શકે એવી વાતો શીખવા મળે. નરેન્દ્ર મોદી, મોરારિ બાપુ, મૂકેશ અંબાણી અને ગુલઝારથી માંડીને પરેશ રાવળ, ગુણવંત શાહ, ગૌતમ અદાણી અને શ્રેયાંસ શાહ – ફાલ્ગુન પટેલ સુધીની સેંકડો સેલિબ્રિટીઓએ સફળતાનાં શિખરોની સાથે સાથે જિંદગીમાં ક્યારેક ને ક્યારેક ટોટલ ફેઈલ્યોરની ખીણ જોઈ જ હોવાની. આ બધી કે આવી અનેક પર્સનાલિટીઝ પાસે બેસવા મળે ત્યારે એમની પાસેથી તમે સફળ કેવી રીતે થયા કે તમારી દૃષ્ટિએ સફળતા મેળવવાની ચાવીઓ કઈ કઈ એવું કંઈક પૂછવાને બદલે જણાવું જોઈએ કે જીવનમાં નિષ્ફળતા મળે ત્યારે શું કરવું, એમાંથી બહાર કેવી રીતે નીકળવું અને નિષ્ફળતા આવી રહી છે એની ખબર કેવી રીતે પડે અને નિષ્ફળતાનો દૌર હવે પૂરો થવામાં છે એની જાણ કેવી રીતે થાય.

આયમ શ્યૉર કે જેમ સફળતા પ્રાપ્ત કરવા માટે સર્ટન ડૂઝ અને ડૉન્ટ ડુઝ હોય છે, એમ નિષ્ફળતા વખતે શું શું કરવું ને શું-શું નહીં એનાં પણ ચોક્કસ ધારાધોરણો રહેવાનાં જ. અનફૉર્ચ્યુનેટલી એવું કોઈ પુસ્તક નથી (અથવા તો મારા ધ્યાનમાં નથી.) જેમાં ફેઈલ્યોર વખતના ડુઝ અને ડોન્ટ્સ વિશે કોઈકે લખ્યું હોય. ન તો મારી પોતાની સફળતાઓ એટલી જાયજેન્ટિક છે કે ન મારી નિષ્ફળતાઓ એટલી ગહરી છે કે હું મારા અનુભવોને શેર કરીને અને એના પરથી તારણો કાઢીને બે વાત લખી શકું. પણ મેં ઉપર ઉલ્લેખાયેલી પર્સનાલિટીઝના તેમ જ એવી બીજી અનેક હસ્તીઓના જાહેરજીવન માટેના મારા પર્સેપ્શન પરથી તેમ જ મારી આસપાસની કેટલીક મહાન તેજસ્વી હસ્તીઓના અંગત જીવનની કેટલીક જાણકારીઓ પરથી આ વિષય વિશે ઘણું ચિંતન કર્યું છે. રાધર, એ બધા મસાલામાંથી મેં શીખવાનો પ્રયત્ન કર્યો છે કે નિષ્ફળતાના કોઈ ગાળામાં મારે પોતે શું શું કરવું જોઈએ, શું શું ન કરવું જોઈએ.

યાદ રાખીએ કે આ ટિપ્સ માત્ર એ લોકો માટે જ છે જેઓ ઑલરેડી સફળતાની સીડીના પ્રથમ પગથિયે છે અથવા તો એના કોઈ વધુ ઊંચા શિખરે છે. જેમના જીવનમાં હજુ સુધી સફળતા પ્રવેશી જ નથી. એમણે નિષ્ફળ જઈશું તો શું શું કરીશું ને શું નહીં કરીએ એ વિશે વિચારવાનું જ ન હોય. એમણે તો સફળતા મેળવવા માટે જ મચી પડવાનું હોય.

અને જે લોકો સતત નિષ્ફળ જતા હોય, જેમણે હજુ સફળતાનો સ્વાદ ચાખ્યો જ નથી અને જેમના જીવનમાં પહેલેથી નિષ્ફળતા જ નિષ્ફળતાના અનુભવો હોય એમના માટે પણ આ ટિપ્સ નથી. જરા સરખી સફળતા મેળવ્યા વિના જેઓ સખત નિષ્ફળ જતા હોય કે પછી એમને એવું લાગ્યા કરતું હોય કે હું નિષ્ફળ જવા માટે જ સર્જાયેલો છું, એમના માટે આ ટિપ્સ નકામી બનવાની કારણ કે આવા લોકોએ આ ટિપ્સનો જીવનમાં અમલ કરવાને બદલે પોતાની પર્સનાલિટીનો અભ્યાસ કરવો પડે – શું પોતે લાઈફ માટે નેટેગિટવ એટિટ્યૂટ તો નથી ધરાવતા? શું પોતાની કેપેસિટી માટે પોતે ઓવર એક્સજરેટેડ ઓપિનિયન તો નથી ધરાવતા? શું પોતાને મહત્ત્વાકાંક્ષા અને શેખચલ્લીની ગણતરીઓ વચ્ચે કેટલો તફાવત હોય છે એની જાણકારીનો અભાવ તો નથી ને? શું પોતે રૉન્ગ ટાઈમે રૉન્ગ પ્લેસ પર રૉન્ગ લોકો સાથે તો ગોઠવાઈ નથી ગયા ને? આ બધા પ્રશ્નોના જવાબ જો એમને મળે તો શક્ય છે કે તેઓ નિષ્ફળતાના વિષચક્રમાંથી બહાર નીકળીને લાઈફમાં પહેલવહેલીવાર સફળતાનો ટેસ્ટ કરી શકે.

જે માણસને ખબર છે કે સફળતા શું છે, જેણે સફળતાનો અનુભવ (લાંબો કે પછી ટૂંકો) લીધો છે, જેણે પોતાની આસપાસની બીજી સફળ વ્યક્તિઓ સાથે ઈન્ટરેક્ટ કર્યું છે, જેની સફળતાથી આકર્ષાઈને પાંચ લોકો એની વધુ નજીક આવ્યા છે એવી વ્યક્તિઓએ અત્યારે જ જાણી લેવું જોઈએ કે નિષ્ફળતા આવે ત્યારે શું કરવું, શું નહીં અને જો આવી વ્યક્તિઓ ઑલરેડી નિષ્ફળતાના દૌરમાંથી પસાર થઈ રહી હોય તો એમણે જાણી લેવું જોઈએ કે હવે એમાંથી બહાર નીકળતી વખતે શું કરવું ને શું નહીં.

નિષ્ફળતા વિશેની મિનિસિરીઝ લખતાં પહેલાંની મારી આ પ્રસ્તાવના થઈ. આય હોપ કે આ લેખશ્રેણી નિષ્ફળ ન જાય!

લાઈફ લાઈન!

મને ક્યારેય નિષ્ફળતા મળી જ નથી. મને તો 10,000 રસ્તા મળ્યા છે જે માર્ગે ન જવાનું હોય.

થૉમસ આલ્વા એડિસન

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.