બહાદુરી માત્ર જિતવામાં જ નથી, સમયસર હાર સ્વીકારી લેવામાં પણ છે
નિષ્ફળતાનો આરંભિક તબક્કો પૂરો થઈ ગયો. હવે તમે તમારી નિષ્ફળતાના મધ્ય તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યા છો. નિષ્ફળતાના સ્ટેજમાં તમારે જે જે કંઈ કરવાનું હતું તે ન કર્યું કે ન કરી શક્યા તેને કારણે હવે તમે આ નિષ્ફળતાના સેકન્ડ સ્ટેજ પર આવી પહોંચ્યા છો. આ મધ્ય તબક્કામાં પણ જો તમે કંઈ નહીં કરી શકો તો નિષ્ફળતાનો ત્રીજો અને ફાઈનલ તબક્કો આવી જશે.
નિષ્ફળતાના સેકન્ડ સ્ટેજમાંથી બહાર આવવા માટે તમારે કેટલીક કાયમી નુકસાની સહન કરી લેવાની છે એવી તૈયારી રાખવાની. કેટલી નુકસાની, કઈ કઈ બાબતોની નુકસાની એ તમારે નક્કી કરવું પડે કારણ કે તમને જો એમ લાગતું હોય કે આ નિષ્ફળતા રોકવા માટે મારે નુકસાની પેટે જે રકમ કે અન્ય બાબતોમાં જતું કરવું પડે છે તે વધારે છે તો તમારે વિચારવું જોઈએ કે અત્યારે જે વધારે લાગે છે તેના કરતાં અનેકગણું તમારે નિષ્ફળતાના અંતિમ તબક્કે ચૂકવવું પડશે. સફળતા પછી આવતી નિષ્ફળતા સમયે તમારી લાલચો, તમારાં વળગણો વધી જાય છે. તમે ઓછી નુકસાની કરીને ભવિષ્યની વધુ નુકસાનીમાંથી બચી જવાનું વિચારી શકતા નથી. તમે એ મૂડમાં હો છો કે હું એકપણ ટકાની નુકસાની સહન કરું જ શું કામ. આવો વિચાર આવે એ સ્વાભાવિક છે કારણ કે, નિષ્ફળતાનો આ તમારો આરંભનો કે મધ્યનો તબક્કો છે. ફૂલ એન્ડ ફાઈનલ નિષ્ફળતા હજુ આવી નથી. તમારી સફળતાના કૉફિન પર હજુ છેલ્લો ખીલો લાગ્યો નથી એટલે તમે આશા રાખીને બેઠા છો કે હજુય ક્યાંક એનો શ્વાસ ચાલી રહ્યો છે. તમને થાય છે કે જો હું નુકસાની સ્વીકારી લઈશ તો સામે ચાલીને, મારા હાથે જ એના શ્વાસ બંધ કરી નાખવા જેવું થશે. તમને આશા છે કે, જો હું નુકસાની કરીને નીકળી નહીં જાઉં, ત્યાં ને ત્યાં જ હજુ વધુ પ્રયત્નો કરીશ તો આટલી નુકસાની સહન કરવાનો સમય નહીં આવે. પણ તમે ભૂલી જાઓ છો કે અત્યારે તમે એવા કળણમાં છો જેમાંથી નીકળવા માટે જેટલી વધુ કોશિશો કરશો એટલા વધુ અંદર ખૂંપતા જશો.
જીતવામાં જ માત્ર બહાદુરી નથી, સમયસર હાર સ્વીકારી લેવામાં પણ છે. આ તમને અનુભવે જ સમજાય છે. ન કરે નારાયણ ને તમારાં અમૂલ્ય અને દુર્લભ પુસ્તકોના સંગ્રહને આગ લાગે ત્યારે તરત એના પર વિવિધ રસાયણો મિશ્રિત ફોમ છાંટીને, પાણી છાંટીને કે રેતી કે પછી જે હાથમાં આવ્યું તેના વડે સૌ પ્રથમ આગ ઠારી લેવાની હોય. આવું કરવા જતાં મારાં બીજા સારા પુસ્તકો પણ પાણીમાં પલળીને ખરાબ થઈ જશે એવું વિચારીને તમે નિર્ણય લેવાની રાહ જોતા હશો ત્યારે તમને ખબર પણ નહીં પડે ને જોતજોતામાં, જે પુસ્તકોને પાણીથી બચાવવા માગો છો તે પુસ્તકો આગમાં બળીને ખાખ થઈ જવાના. આ તબક્કે તમારે નક્કી કરવાનું છે કે તમને કયો નિર્ણય લેવાથી ઓછું નુકસાન થવાનું છે. કયા નિર્ણયથી વધારે ફાયદો થશે એ વિચારવાનો આ તબક્કો છે જ નહીં. એવા નિર્ણયો સફળતા ચાલતી હોય ત્યારે લેવાતા હોય છે. નિષ્ફળતા સમયે નુકસાન ઓછું કેવી રીતે થાય એવા નિર્ણયો જ લેવાના હોય છે.
નિષ્ફળતાના મધ્ય તબક્કામાં ખાસ ધ્યાન એ રાખવાનું હોય છે કે હજુ હથિયાર હેઠાં મૂકી દેવાનો સમય આવ્યો નથી. એક વખત જો તમે સ્વીકારી લો કે અત્યારે જે કંઈ થઈ રહ્યું છે તે તમને સંપૂર્ણ તારાજગી તરફ ઘસડી લઈ જઈ શકે એમ છે, એ પછી તમારે નાસીપાસ થઈને કપાળે હાથ મૂકીને બેસી રહેવાને બદલે એ વિચારવાનું છે કે મારે ફરી બેઠા થવું હોય તો અત્યારે મારે આ નિષ્ફળતા સાથે કઈ રીતે ડીલ કરવું જોઈએ. જો તમે ઈચ્છતા હો કે મારે ભવિષ્યમાં આ ખીણમાંથી બહાર નીકળીને નવેસરથી શિખર સર કરવાનું શરૂ કરવું છે તો તમારે આટલી વાતો જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ.
એક તો, તમારી નિષ્ફળતા વિશે કોઈને વહેમમાં ન રાખો. હા, અત્યારે મારી સાથે આ થઈ રહ્યું છે એવું જાત આગળ સ્વીકારો અને લાચાર કે દયામણા થયા વિના બીજાઓ આગળ પણ સ્વીકારો. તમાચો મારીને ગાલ લાલ રાખવાનું છોડો, મિયાં પડ્યા પણ તંગડી ઊંચી રાખવાની વૃત્તિ છોડો. તમારા ક્લીંગ્સ, સહયોગી, મિત્રો વગેરે બધાની સાથે ટ્રાન્સપરન્સી રાખો. એમનાથી વિમુખ ન થઈ જાઓ કે પછી એમને આગળ મારું કેવું લાગશે એવું વિચારીને એમનાથી કશું છુપાવો પણ નહીં. આફ્ટર ઑલ જે લોકોએ તમારી સફળતામાં ભાગ ભજવ્યો છે એ જ લોકો તમને તમારી નિષ્ફળતામાંથી પણ ઉગારવાની ક્ષમતા ધરાવે છે, તમને ફરી સફળતાના પાટે ચડાવવાની તાકાત તથા દાનત એમનામાં છે જ એવો વિશ્વાસ રાખો. તેઓ તમારી કોઈ ભૂલો ચીંધે તો એ તમારા દુશ્મન છે એવું માની લઈને એમની સાથે ખરાબ વહેવાર કરવાને બદલે મગજ ઠંડું રાખીને એમની સાથે ચર્ચા કરો કે તમે જે મારી ભૂલો ચીંધી તે તમારી દૃષ્ટિએ મેં શું કામ કરી અને હવે એમાંથી બહાર આવવાનો માર્ગ કયો? જે તમારા સાચા શુભચિંતકો હશે તે તમને તમારા આ બેઉ પ્રશ્નોના સહી ઉત્તર આપીને તમને યોગ્ય દિશામાં પગલાં લેવાનું સૂચવવાનો જ છે.
નિષ્ફળતાના આ મધ્યના તબક્કે તમારે આ જ બધા લોકોએ તમારામાં મૂકેલા વિશ્વાસને અતિ વેલ્યુએબલ ગણીને એમને સતત સાથે રાખવાના છે. હા, તમારી આસપાસના કોઈ એવા હોય જેમના માટે તમારી પાસે નક્કર પુરાવાઓ હોય કે એ તમારા હિતૈષી નથી તો એવા લોકોની સામે અત્યારે શિંગડાં ભેરવવાને બદલે એમને ગંધ પણ ન આવે તે રીતે એમને સાઈડલાઈન કરી દેવાના. જે તમારા ડિટ્રેક્ટર્સ છે એમને અત્યારે બતાવવાના નહીં. એમની સાથે પંગો લેવામાં એક તો તમારી એનર્જી ખર્ચાશે, બીજું હજુય એ લોકો એવી સિચ્યુએશનમાં છે કે તમારી નિષ્ફળતાને ઔર ગહરી બનાવી શકે, તમારે ત્યાં લાગેલી આગમાં પેટ્રોલ રેડવાનું એમનું પોટેન્શ્યલ અત્યારે અકબંધ છે. એટલે, માણસ ગમે એટલો નાનો પણ હોય તોય એને તમારે આ તબક્કે સાચવી લેવાનો, એનું અપમાન કરવાનું નહીં, તમારો ઈગો તમને જે કહે તે - તમારે એ અહમને પંપાળવાને બદલે પેલાને ભાઈબાપા કરવા પડે તો એમ કરીને પણ આ વખત પસાર થવા દેવાનો.
નિષ્ફળતાનું જોખમ દરેક સફળતામાં સમાયેલું જ છે, એની તમને ખબર હોવા છતાં એનો ખરેખર જ્યારે સામનો કરવાનો આવે છે ત્યારે તમે હચમચી જાઓ છો, તમે સ્થિર બુદ્ધિથી વિચારી શકતા નથી. તમારી બીહેવિયર, તમારા પાયાના થિન્કિંગમાં તમે ફેરફાર કરી નાખો છો. આને કારણે પરિસ્થિતિગત નિષ્ફળતાનું કદ વધી જાય છે. જો તમે હચમચી જવાને બદલે, સ્થિર બુદ્ધિથી વિચારવાની ટેવ પાડી હશે તો જેટલી નિષ્ફળતા સર્જાવાની જ છે તેટલી જ સર્જાશે, તમારી બદલાયેલી વર્તણુંક કે તમારા બદલાયેલા વિચારો એ નિષ્ફળતાનો ગુણાકાર નહીં કરે.
નિષ્ફળતાના આરંભ તેમ જ મધ્યના તબક્કા વિશે વિચાર કર્યા પછી હવે એના સૌથી કપરા અને કારમા તબક્કા વિશે વાતો કરવાની છે. નિષ્ફળતાનો અંતિમ તબક્કો, એ તબક્કો જ્યારે તમારે તમારી આંખ સામે તમે જ ઊભો કરેલો ભવ્ય મહેલ ધ્વંસ્ત થતો જોતાં જોતાં સ્વસ્થ રહેવાનું છે. આવતા સોમવારે.
લાઈફ લાઈન
કાં તો તમે ક્રિએટિવ બની શકો, કંઈક સર્જન કરવામાં, કશુંક પોઝિટિવ કરવામાં ઓતપ્રોત હોઈ શકો અથવા તો પછી તમે ડિસ્ટ્રક્ટિવ બની જવાના. તમે ન્યૂટ્રલ નહીં રહી શકો. કાં તો તમે જિંદગીને પોઝિટિવલી લઈને એમાંથી મળતા નાના-નાના આનંદ માણશો કાં પછી જિંદગીને દરેક બાબતે વખોડતા રહેશો.
- ઓશો
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર