નિષ્ફળતાની શરૂઆત થતી હોય ત્યારે હાર્યો જુગારી બમણું રમે

27 Feb, 2017
12:36 PM

સૌરભ શાહ

PC: success.com

તમારી નૌકામાં નાનકડું કાણું પડ્યું હોય અને પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે એવું પ્લાનિંગ ના કરવાનું હોય કે ભવિષ્યમાં હું એવું મજબૂત જહાજ લઈશ જેમાં કાણાં પડે જ નહીં. અત્યારે સમય ભવિષ્ય વિશે વિચારવાનો નથી, અબ ઘડીએ કાણું પૂરવા માટે શું કરવું એ વિશે એક્શન લેવાનો છે.

નિષ્ફળતાની શરૂઆત થતી હોય ત્યારે ઝાઝે ભાગે આપણે સૌ એને અવગણીએ છીએ. હાઈ વે ટ્રાવેલિંગ વખતે વાઈપર ન ચાલતું હોય કે ટાયરમાં હવા ઓછી હોય કે કારમાંથી કોઈ અનયુઝઅલ સાઉન્ડ આવતો હોય ત્યારે મોટાભાગના લોકો એ ખામીઓ પ્રત્યે બેધ્યાન રહેતા હોય છે. આવી બેદરકારીનું પરિણામ દર વખતે ડિઝેસ્ટરમાં આવતું નથી એટલે આપણે નિશ્ચિંત હોઈએ છીએ. સોએ અમુક ટકા લોકોને જ આવી બેદરકારી ભારે પડવાની હોય છે. આપણે સૌ માની બેઠા હોઈએ છીએ કે આ અમુક ટકામાં આપણો સમાવેશ થવાનો નથી.

સફળતાનો સ્વાદ ચાખી લીધા પછી આવતી નિષ્ફળતાના શરૂઆતના તબક્કા દરમ્યાન બેધ્યાન હોવાના કારણોમાં સૌથી પહેલું કારણ હોય છે આપણું વિશફુલ થિન્કિંગ. મને કંઈ જ થવાનું નથી એવી માનસિકતા. ખૂબ સંઘર્ષ વેઠ્યા પછી સફળતા મેળવી છે એટલે હવે સંઘર્ષનો તબક્કો પૂરો થઈ ગયો છે, એવું માનીને આપણે નિષ્ફળતા આવી રહી છે એની ચેતવણીની ઘંટીને અવગણીએ છીએ. અગાઉ જેમ નિષ્ફળતાઓને અતિક્રમીને સફળ થયા એ રીતે આવી કોઈ નાની-મોટી નિષ્ફળતા આવશે તો અનુભવના આધારે આપોઆપ, કોઈ નુકસાન વિના એને પાર કરી જઈશું એવું માનીને આપણે બેસી રહીએ છીએ.

બેધ્યાન હોવાનું બીજું કારણ એ કે નવી-નવી સફળતાનો નશો હજુ દિમાગ પર છવાયેલો છે. ખૂબ ચાલી ચાલીને થાકી ગયા પછી, પગમાં છાલાં પડી ગયા પછી માંડ હવે એરકંડિશન્ડ કારમાં બેસવા મળ્યું છે ત્યાં શું કામ પાછા ગાડીમાંથી ઊતરીને એન્જિનમાં શું ખરાબી છે તે ચેક કરીએ એવી મેન્ટાલિટી થઈ જતી હોય છે.

બેધ્યાન હોવાનું ત્રીજું કારણ એ સફળતા પહેલાંની નિષ્ફળતાઓ સામે ડીલ કરવાનો અનુભવ તમે લઈ લીધો છે, એટલે સફળતા પછી આવનારી નિષ્ફળતાને પણ તમે ટેકલ કરી શકશો એવું માની લો છો. પણ આ બેઉ પ્રકારની નિષ્ફળતાનાં ડાયનેમિક્સ ટોટલી જુદા હોય છે. સફળતા પછી આવતી નિષ્ફળતા વખતે તમારા સ્ટેક્સ ખૂબ હાઈ હોય છે.

આ ત્રણ કારણોને લીધે આપણે આવનારી નિષ્ફળતા પ્રત્યે બેધ્યાન થઈ જઈએ છીએ. સફળતાના પ્રથમ પગથિયે હોઈએ છીએ ત્યારે ન તો આપણે ધાર્યું હોય છે કે હવે કોઈ નિષ્ફળતાનો સામનો કરવાનો આવશે ન આપણી પાસે આવનારી નિષ્ફળતાને ડીલ કરવા માટેનું ફિઝિકલ/મેન્ટલ તંત્ર હોય છે. જે લોકો સફળતા પછી આવતી નિષ્ફળતાની એંધાણી પારખી શકતા નથી તેઓ એ એંધાણી સાથે જ દબાતે પગલે આવી ગયેલા ઉકેલોને જોઈ શકતા નથી. આવનારી નિષ્ફળતા પ્રત્યે બેધ્યાન રહ્યા પછી ખરેખર જ્યારે રિયલાઈઝ થાય છે કે ઓ બાપરે, આ તો ધાર્યા કરતાં તદ્દન ઊંધું જ થયું. અત્યાર સુધી સવળાં પડી રહેલાં પાસાં એકાએક ઊંધા કેમ પડવા માંડ્યાં. અને તમે એકદમ પેનિક રિએકશનના મોડ પર પહોંચી જાઓ છો. અચાનક સફાળા જાગીને તમે ઉતાવળે એવા નિર્ણયો કરવા લાગો છો જે નિરાંતે વિચારપૂર્વક લેવાના હોય તો કદાપિ ન લો.

પેનિક રિએકશન વખતે તમે સૌથી મોટો નિર્ણય જુગારી હારવાનું શરૂ કરે ત્યારે જે લે તે કરો છો - બમણું રમવાનું શરૂ દો છો. ગજુ જોયા વિના સ્ટેક્સ ડબલ કરી નાખો છો.

અત્યાર સુધી તમારા ક્લીગ્સ અને તમારી આસપાસના લોકો તમારી સફળતા બદલ તમને આદર આપે છે. પણ હવેની નિષ્ફળતા જો ઉઘાડી પડી જશે તો એ લોકોના મનમાં હું કેવી ઈમેજ ઊભી કરીશ? શક્ય છે કે એ લોકોને પણ ગંધ આવી ગઈ છે કે તમારી નિષ્ફળતા આવી રહી છે. પણ એ સૌને અને એના કરતાં ય વધારે પોતાની જાતને, અંધારામાં રાખવા માટે તમે તમારા ગજા કરતાં વધુ મોટું પ્લાનિંગ કરીને જાતને અને ઈનડાયરેક્ટલી બીજાઓને, કહેવા માગો છો કે અરે, આ તો કંઈ નથી, હું તો આવી નાની-નાની નિષ્ફળતાઓને આસાનીથી પચાવી જઈ શકું છું, આ જુઓ મારું નવું પ્લાનિંગ, ઓરિજિનલ કરતાં પણ કેટલું ભવ્ય છે.

અને આ પ્લાનિંગના હવાઈ કિલ્લાના જોરે તમે ખર્ચા આડેધડ વધારી દો છો. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના નામે, નવો સ્ટાફ જોઈશે, નવી મોટી જગ્યા જોઈશે, નવી સગવડો જોઈશે, નવી મશીનરીના નામે તમે લોનો ઊભી કરી કરીને ખર્ચાઓ વધારી દો છો. તમે એમ ધારી લીધું હોય છે કે અત્યારના કરતાં મોટું પ્લાનિંગ કરીશું તો નાનીસરખી નિષ્ફળતાને ટેક કેર કરી લઈશું. બને છે જુદું જ. મોટા પ્લાનિંગને કારણે નિષ્ફળતાનું પ્રમાણ પણ નાનું ન રહેતાં મોટું બની જાય છે. તમે બમણો જુગાર રમવાનું ન વિચાર્યું હોત તો શક્ય છે કે નાની એવી હારને તમે પચાવી લીધી હોત પણ સ્ટેક્સ ડબલ કરી નાખ્યા એટલે હવે તમારી નિષ્ફળતા પણ તમારાથી ટેકલ થાય એવી રહી નહીં.

નાનું પ્લાનિંગ કરીને નિષ્ફળતામાંથી ઉગરી જવાને બદલે ગજા બહારનું પ્લાનિંગ કરીને, સામે જ દેખાઈ રહેલી નિષ્ફળતાને ઢાંકી દેવાની લાલચ ખતરનાક પુરવાર થવાની છે એનો તમને અંદાજ પણ નથી હોતો. કોઈ તમને સલાહ આપવા આવે ત્યારે પણ તમે ડિનાયલ મોડમાં હો છો. તમારી સાથે નાની-મોટી ગેરસમજ કે પછી દુશ્મનાવટ ધરાવતા તમારી જ આસપાસના લોકો જાણી ગયા હોય છે કે તમારી ગતિ પડતી તરફ થઈ રહી છે. તેઓ યથાશક્તિ બળતામાં ઘી હોમવાના.

સફળતા પછીની પહેલી નિષ્ફળતાનો આરંભ થતો હોય છે ત્યારે બીજી એક વિચિત્ર વાત બને છે. તમે તમારી નિપૂણતાનું જે ક્ષેત્ર હોય તે ક્ષેત્રની બહારની જવાબદારીઓ લેવાનું શરૂ કરી દો છો. સફળતાના હેંગ ઓવરમાંથી આ લાક્ષણિકતા જન્મે છે. કશુંક ખોટું થઈ રહ્યું છે, કંઈક અમંગળ બની રહ્યું છે એવું લાગતાં જ તમે મુસ્તાક બનીને બંબાવાળા બની જાઓ છો. પણ આગ ધાર્યા કરતાં ઘણી મોટી પુરવાર થાય છે. તમે જેને માત્ર એક ભડકો માન્યો હતો તે જોતજોતામાં લપકતી જ્વાળા બની જાય છે. તમે તમારો કોન્ફિડન્સ બતાવવા, બીજા કોઈ નિષ્ણાતની મદદ લેવાને બદલે મને બધું જ આવડે છે એમ માનીને તમારા ક્ષેત્ર બહારના ક્ષેત્રમાં સર્જાયેલી તકલીફોને નિવારવાની કોશિશ કરો છો ત્યારે બાવાનાં બેઉ બગડે છે. તમારું ફોકસ બીજે જતું રહેવાથી તમારી જે ફિલ્ડમાં એક્સપર્ટીઝ છે તેને તમારી નિપુણતાનો લાભ મળતો બંધ થઈ જાય છે. જ્યાં અત્યાર સુધી કોઈ તકલીફ નહોતી ત્યાં મુસીબતો સર્જાવાની શક્યતા ઊભી થાય છે. બીજી વાત, જે ક્ષેત્રમાં તકલીફ ઊભી થઈ છે ત્યાં કોઈ એક્સપર્ટની સલાહની જરૂર છે કારણ કે અત્યારે જે જે લોકો એ ક્ષેત્રને સંભાળી રહ્યા છે તેઓ આ આવી રહેલી નિષ્ફળતાને રોકવા માટે ઑલરેડી સક્ષમ પુરવાર થઈ ગયા છે. એક્સપર્ટને લાવવાને બદલે તમે ત્યાં ધસી જાઓ છો એટલે વાત વધારે વણસે છે.

નિષ્ફળતાના આરંભે તેલ જુઓ તેલની ધાર જુઓ વાળી નીતિ ન ચાલે. આવું કરવામાં બચતકાર્ય માટેનો કિમતી સમય વીતી જાય અને પાણી નાક સુધી આવી જાય. કશુંક ખોટું થઈ રહ્યું છે તેની જાણ થતાં જ સાવચેત થઈને તમારી તમામ શક્તિ લગાડી દેવાની હોય. આગળ કહ્યું એમ નાવમાં કાણું પડે કે તરત જ બીજી બધી વાત પડતી મૂકીને એ કાણું પૂરવામાં જ સમય ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય.

બીજું કરવાનું કામ એ કે આવનારી નિષ્ફળતા તમારા યશમાં ઘટાડો કરશે એવું માનીને બીજાની મદદ લેવાનું ટાળવાનું નહીં અણીના ટાંકણે, અહમ પોષ્યા વિના, મદદ માગી લીધી હશે તો તત્પૂરતું બીજાઓ આગળ કદાચ તમારું ખરાબ લાગે તો પણ, ભવિષ્યની ઘણી મોટી નામોશીમાંથી તમે ઉગરી જશો.

નિષ્ફળતાના આરંભે પેનિકી થઈને, હાંફળાફાંફળા બનીને, હથિયાર હેઠાં મૂકી દઈને, શરણાગતિ સ્વીકારી લેવી નહીં. આવનારી નિષ્ફળતા ભવિષ્યમાં મારા બારેય વહાણ ડૂબાડી દેવાની જ છે એવી અતિશયોક્તિભરી કલ્પના કરીને જો તમે એમાંથી ઉગરવાના પ્રયાસો છોડી દેશો તો ખરેખર તમારાં બારેય વહાણો ડૂબી જશે અને ફરી ઉપર આવવાના બધા જ રસ્તાઓ બંધ થઈ જશે. એના કરતાં નિષ્ફળતાથી બચવા માટે મરણિયા પ્રયત્નો કરવાથી, જાત નીચોવીને એની સામે ઝઝૂમવાથી લાંબા ગાળાનો ફાયદો એ થતો હોય છે કે આ પ્રયત્નોના અંતે છેવટે સંપૂર્ણ નારાજગી જ મળી તોય ફિનિક્સ પક્ષીની જેમ ફરીથી બેઠા થવાના ભરપૂર ચાન્સ હોય છે. કારણ કે આવા પ્રયત્નો કરતી વખતે તમે આશા છોડી હોતી નથી, તમે નાસીપાસ નથી થયા હોતા.  કુદરત અચૂક આવી સ્પિરિટવાળી વ્યક્તિને સેકન્ડ ચાન્સ આપતી હોય છે.

નિષ્ફળતાની શરૂઆત હોય ત્યારે જે જે કામો સરખાં ચાલી રહ્યાં હોય એને ખોરવી નાખવા નહીં, માત્ર જ્યાં ખોરવાયું હોય ત્યાં જ રિપેરિંગ કરવાનું, આખી બાજી નવેસરથી ગોઠવવાની ભૂલ કરવાની નહીં. નિષ્ફળતાના આરંભે તમારો સૌથી મોટો આધાર તમારા કામ કે તમારી જિંદગીના જે હિસ્સાઓ નૉર્મલી ચાલતા હોય તે બની જાય છે. એ જ તમને સ્ટ્રેન્થ આપે છે. આવી રહેલી નિષ્ફળતા સામે ઝઝૂમવાની. એ જ તમારી સપોર્ટ સિસ્ટમ બની જાય છે. એના તરફ બેધ્યાન બનીને કે બેદરકાર બનીને કે પછી એવું વિચારીને કે આ બધા લોકો પણ વખત જતાં મારાથી મોં ફેરવી લેવાના છે. તમારે તમારા પગ પર કુહાડો મારવાની લાલચ રોકવી. આવનારી નિષ્ફળતાને રોકવામાં. આ તમામ લોકોની મદદ અમૂલ્ય પુરવાર થવાની છે એવું માનીને એ સૌને તમારી વધુ નજીક રાખવાની કોશિશ કરવી જોઈએ.

નિષ્ફળતાના આરંભક તબક્કે જો આટઆટલું કરશો અને આટલું નહીં કરો તો નિષ્ફળતાની આગ ત્યાંની ત્યાં જ ઠરી જવાની, નિષ્ફળતાના મધ્ય તબક્કાનો સામનો કરવાની જરૂર પણ નહીં પડે.

આવતા સોમવારે નિષ્ફળતાના એ મધ્યમ તબક્કા વિશે.

લાઈફ લાઈન

તમારા જન્મની સાથે તમને જે-જે આપવામાં આવ્યું છે એને છોડી દો. તમારી જાતે શોધ ચલાવો. વારસામાં મળેલું બંધિયાર મન ત્યજીને તમારી પોતાની તાજી આઈડેન્ટિટી ઊભી કરો.

- ઓશો

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.