નિષ્ફળતાનાં ત્રણ તબક્કા અને ચાર કારણોઃ હારજીતની સાપસીડી - ભાગ - 3

06 Feb, 2017
11:42 AM

સૌરભ શાહ

PC: blogspot.com

નિષ્ફળતાનાં ત્રણ તબક્કા હોય છે : આદિ, મધ્ય અને અંત. જે માણસે નિષ્ફળતા વખતે કે એની એંધાણી મળે તે જ સમયે સાવધાની રાખી હોય એના માટે મધ્ય અને અંતના તબક્કા આવતા નથી. નિષ્ફળતાનો દૌર શરૂ થતાં જ પૂરો થઈ જતો હોય છે. આ ત્રણ તબક્કા વિશે જાણતાં પહેલાં નિષ્ફળતા સર્જાવાનાં કારણો વિશે જાણી લઈએ.

1. સૌથી પહેલું કારણ કુદરતી સંજોગો. જે ક્ષેત્રમાં તમે કારોબાર કર્યો હોય તે ક્ષેત્રમાં કુદરતી ઊથલપાથલ થાય, એકાએક શેરબજાર બેસી જાય કે એકાએક કોઈ માલની ડિમાન્ડ ઘટી જાય કે એકાએક તમે જે કાચા માલમાંથી ઉત્પાદન કરો છો તેના ભાવ આસમાને જતા રહે. આ બધી, તમારા હાથમાં કે કાબૂમાં નથી એવી પરિસ્થિતિઓને આપણે કુદરતી સંજોગો ગણીએ. પૂર, ધરતીકંપ વગેરે આપત્તિઓ તો ખરી જ ખરી અને યુદ્ધ ફાટી નીકળે એવાં માનવસર્જિત કારણો પણ આપણે આ જ કેટેગરીમાં ગણીએ. કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ જેના સર્જન માટે કારણભૂત નથી એવી તમામ પરિસ્થિતિઓને આપણે આ ખાનામાં મૂકીએ. આવી પરિસ્થિતિઓમાં બે પ્રકારની વ્યક્તિઓને સૌથી મોટો ફટકો પડે. એક તો એવી વ્યક્તિ જેને સફળતાનો ખૂબ નશો ચડ્યો હોય અને જેણે પોતાનામાંના આત્મવિશ્વાસના ફુગ્ગામાં એટલી બધી હવા ભરી રાખી હોય કે કોઈપણ સંજોગોમાં મારું કશું જ બગડવાનું નથી એવું માનીને એ કુદરતી સંજોગો પોતાની વિરુદ્ધ જઈ રહ્યા હોય ત્યારે બેપરવાહ રહે, બેદરકાર રહે. પવન સંપૂર્ણપણે પડી ગયો હોવા છતાં જે સઢ ફરકાવતો નથી અથવા જબરજસ્ત વાવાઝોડામાં જે સઢ ઊતારી લેવાની કાળજી રાખતો નથી એનું જહાજ ડૂબવાનું જ સમજો. ઓવર કોન્ફિડન્ટ લોકો અથવા જેઓ કહ્યા કરતા હોય કે મને ભગવાન પર પૂરો ભરોસો છે એવા લોકો આવી બેદરકારીને કારણે નિષ્ફળતાના પહેલા તબક્કામાંથી સીધા જ બીજા તથા ત્રીજા તબક્કામાં પહોંચી જતા હોય છે. કામકાજમાં તેમ જ પર્સનલ લાઈફમાં ભગવાન પર અખૂટ શ્રદ્ધા હોય તે સારી જ વાત છે પણ અનુભવે સમજાતું હોય છે કે આ જિંદગી કંઈ રામભરોસે ના ચાલે, રામજીની કૃપા ત્યારે જ વરસે જ્યારે મનુષ્યે પોતાની તમામ શક્તિ નીચોવીને પુરુષાર્થ કર્યો હોય.

બીજા એક પ્રકારના લોકો વિપરીત કુદરતી સંજોગોમાં નિષ્ફળતા ભણી ઘસડાઈ જાય, જેમની પાસે દૃષ્ટિ તો મોટી હોય પણ મૂડી ટૂંકી હોય. ખરાબ કુદરતી સંજોગોમાં ટકી રહેવા માટે, ટેમ્પરરી ખોટ ખાઈને પણ ધંધો ચાલુ રાખવા જેટલી મૂડી જ ન હોય એવા નાના માણસોને ખબર હોય કે આ એક કામચલાઉ ફેઝ છે છતાં તેઓએ હથિયાર હેઠાં મૂકી દેવાં પડે. જેમની પાસે ધંધામાં ટકી રહેવા માટેનો સ્ટેઈંગ પાવર નથી, સ્ટેમિના નથી, તેઓ દૂરનું રૂપેરી ભવિષ્ય જોઈ શકતા હોય તો પણ એમણે કામકાજમાં (કે પછી પર્સનલ લાઈફમાં) હાર સ્વીકારી લેવી પડે.

2. નિષ્ફળતાનું બીજું કારણ છે પોતાની અણઆવડત. પૂરતી સમજ વિના, પડશે તેવા દેવાશે વાળી લાસરિયા એટિટ્યૂડથી શરૂ કરેલા કામકાજમાં નિષ્ફળતા મળવાના ચાન્સીસ ઘણા મોટા. તમારામાં જો માણસોને હેન્ડલ કરવાની આવડત નહીં હોય, પૈસો મેનેજ કરવાની ત્રેવડ નહીં હોય, માર્કેટના ફોર્સીસ પારખવાની સૂઝ નહીં હોય તો તમારે તમારા આ માઈનસ પોઈન્ટ્સને દૂર કર્યા વિના મોટું સાહસ કરવાની લાલચ ટાળવી જોઈએ. કામ કરતાં કરતાં આવડી જશે એવું માનતા હો તો નાના કામથી શરૂઆત કરવાની. ડ્રાઈવિંગ શીખતા હો ત્યારે કંઈ પહેલા જ દિવસથી ફૉર્મ્યુલા વનના ડ્રાયવર હો તે રીતે એક્સલરેટર પર પગ મૂકી દેવાનો ન હોય. સમજણ મુજબનું અને ગજા પ્રમાણેની સાઈઝનું કામકાજ કરતાં કરતાં એ બેઉ વધતાં જાય એના પ્રપોર્શનમાં વધુને વધુ કામ કરવાની જેનામાં ધીરજ હોય તે જ જીવનમાં સફળતાનાં એક પછી એક શિખરો સર કરી શકે.

પોતાની અણઆવડતને લીધે નિષ્ફળ જનારા લોકો જો એ નિષ્ફળતાને પોતાની ભૂલ સુધારવાની તક માને અથવા જે ખામીઓ હજુ સુધી પોતાનામાં ન્હોતી દેખાઈ તે પ્રગટ કરવા બદલ નિષ્ફળતાનો આભાર માને એમના માટે ભવિષ્યમાં ઘણી મોટી સફળતા પામવાની તકો ખુલ્લી થતી હોય છે. એક વાત યાદ રાખવી કે જેમ કુદરતી પરિસ્થિતિઓને લીધે મળતી નિષ્ફળતા બદલ તમે તમારી જાતને કોસતા નથી એમ તમારી અણઆવડતને લીધે મળતી નિષ્ફળતા બદલ પણ જાતને કોસવાની ન હોય. મારા વાંકે હું નિષ્ફળ ગયો છું, એટલી જાત સાથેની કબૂલાત પૂરતી છે જેથી બીજાઓનો કે સંજોગોનો દોષ કાઢીને આપણે શાહમૃગની જેમ રેતીમાં માથું ખોસી ન દઈએ. એવું કરીશું તો જે શીખવા મળવાનું છે તે શીખવાનું ચૂકી જઈશું. સાચું પૂછો તો કોઈપણ કારણસર નિષ્ફળતા મળે ત્યારે જાતને કોસવાની જ ન હોય, માત્ર એમાંથી પાઠ શીખી લેવાનો.

3. નિષ્ફળતાનું ત્રીજું કારણ હોય છે, તમારા વિરોધી કે પ્રતિસ્પર્ધીની ચાલબાજી. ભૂતકાળમાં તમે કોઈનું કશુંક બગાડ્યું હોય અથવા તો તમારા કોઈ ઈરાદા વિના એને લાગ્યું હોય કે તમે એનું બગાડ્યું છે તો એ તક મળે તમારું બગાડશે જ. કેટલાક લોકો એવા હોય છે જે કોઈનીય સફળતા જોઈ ન શકે. તમારે એમની સામે નહાવા નીચોવવાનોય સંબંધ ન હોય તોય તેઓ એવાં એવાં નડતર ઊભા કરશે જેને લીધે તમે ઊંધે માથે પટકાશો ત્યારે તેઓ રાજી રાજી થઈ જશે. કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ તંદુરસ્ત સ્પર્ધા કરીને તમારી આગળ નીકળી જવા માગતા હોય પણ એ દરમ્યાન એમની પ્રવૃત્તિઓ તમારી પ્રવૃત્તિઓ સાથે ટકરાવાથી તમને નુકસાન થઈ જાય.

બીજી કોઈ વ્યક્તિ દ્વારા થતા નુકસાનને કારણે મળતી નિષ્ફળતાની એંધાણી મળતાં જ રોકી દેવી આસાન હોય છે. એક મચ્છર હાથીના કાનમાં ભરાઈ જાય તો હાથી જેવા હાથીને પણ હેરાન કરી નાખે. કામકાજમાં અને અંગત જિંદગીમાં નાના માણસોનું ક્યારેય અપમાન કરવું નહીં, સરખેસરખા પર વધુ પડતો વિશ્વાસ રાખવો નહીં અને તમારાથી ગજામાં મોટા હોય એમને ખુલ્લામાં પડકારવા નહીં.

ત્રીજા પ્રકારની નિષ્ફળતાથી બચવા માટે આ ત્રણ વાતો યાદ રાખવી. આ ત્રણેય વાતો અત્યારે ગુજરાતીને બદલે જો સંસ્કૃતમાં લખાઈ હોત તો આસાનીથી ચાણક્યના નામે ચડાવી દઈ શકાઈ હોત!

4. નિષ્ફળતાનું ચોથું કારણ છે સ્થગિતતા. તમારો ધંધોરોજગાર, તમારું કામકાજ કે તમારી પર્સનલ લાઈફ સ્મુધલી ચાલતી હોય ત્યારે તમારી પ્રવૃત્તિઓને ઑટોપાયલટ પર મૂકી દેવાની લાલચ ટાળવી. કામકાજ હોય કે પર્સનલ જિંદગી - સતત પ્રોગ્રેસ ન થતો હોય, સતત આગળ વધતા ન હોઈએ, ભલે એકએક ડગલું તો તેમ પણ નવું નવું જો પ્રવેશતું ન હોય તો એક તબક્કે તમારી અધોગતિ થવાની જ છે. પરિવર્તન આ જગતનો નિયમ છે. આગળ વધીને જો તમે તમારા સંજોગોને નહીં બદલતા રહો તો એક વખત એવો આવશે કે તમારી પછડાટ સાથે તમારા સંજોગો બદલાશે. કોઈ પણ બાબતે બંધિયાર બની ગયા પછી નિષ્ફળતા છેટી નથી રહેતી.

નિષ્ફળતાનાં આ ચાર કારણો જાણ્યા પછી એના ત્રણ તબક્કા - આદિ, મધ્ય અને અંત વિશેની વાત આવતા સોમવારે શરૂ કરીએ.

 

લાઈફ લાઈન

કોઈપણ વાતમાં પેશન હોવી જરૂરી છે. સફળતાઓ આવી પેશનને કારણે જ મળતી હોય છે, પેશનની કારના એક્સલરેટરને પુશ કરવાથી. નિષ્ફળતાઓ પણ પેશનને લીધે મળતી હોય છે. પેશનની કારની બ્રેક વાપરવાનું ભૂલી જવાથી.

- અજ્ઞાત

 

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.