તમે કેટલા સફળ થશો તે નક્કી કેવી રીતે થશે
નેપોલિયન હિલ અને એમનું પુસ્તક 'થિન્ક ઍન્ડ ગ્રો રિચ' ઘણાં જાણીતાં નામ છે. અલમોસ્ટ બ્રાન્ડ નેમ બની ગયાં છે - પોઝિટિવ થિન્કિંગ કે મોટિવેશનલ લખાણો કે સફળતા પામવાની કળા વિશેનાં પુસ્તકોના ક્ષેત્રમાં. 1883માં નેપોલિયન હિલનો જન્મ. એમના પુસ્તકમાં ઊંડા ઉતરતાં પહેલાં એમની બ્રીફ લઈએ. ઈન્ટરેસ્ટિંગ છે. ગરીબ અમેરિકન કુટુંબમાં જન્મ. નવ વર્ષના હતા ત્યારે મા મરી ગઈ. બાપે બીજા લગ્ન કર્યા. તેર વર્ષની ઉંમરે નેપોલિયન હિલે ગામના નાનકડા છાપામાં લખવાનું શરૂ કર્યું, જે એમના પિતાનું જ હતું. એમાંથી જે કંઈ આમદની થતી એમાંથી લૉનો અભ્યાસ શરૂ કર્યો પણ પૈસા ખૂટી પડ્યા, ફી ભરાઈ નહીં. ભણવાનું પડતું મૂક્યું.
પચ્ચીસેક વર્ષની ઉંમરે નેપોલિયન હિલને તે વખતના અમેરિકાના વિખ્યાત ઉદ્યોગપતિ અને દાનવીર એન્ડ્રુ કાર્નેગીનો ઈન્ટરવ્યૂ લેવાની તક મળી. સક્સેસફુલ અને ફેમસ લોકો વિશેની એક લેખ શ્રેણી માટે. કાર્નેગીએ પ્રશ્નોત્તરી દરમિયાન નેપોલિયન હિલને પોતાની સફળતા માટેનાં કારણો કહ્યાં. સીક્રેટ્સ ઑફ સક્સેસ. કાર્નેગીએ કહ્યું કે આ સીક્રેટ મારે મેક્સિમમ લોકો સુધી પહોંચાડવી છે. એ કામ નેપોલિયન હિલે ઉપાડી લીધું. બીજા નામી લોકોની સફળતાનાં કારણોની વિગતો પણ ઉમેરાતી ગઈ.
નેપોલિયન હિલ આ કાર્યને પોતાની લાઈફનું મિશન માનીને મચી પડ્યા. છેક 45 વર્ષની વયે આ વિષય પરનું એમનું સૌથી પહેલું પુસ્તક આપ્યું. 'ધ લૉ ઑફ સક્સેસ.' એના બે વર્ષ પછી 'ધ મૅજિક લૅડર ઑફ સક્સેસ' અને એના પણ સાત વર્ષ પછી, નેપોલિયન હિલની 54 વર્ષની ઉંમરે, 1937માં આપણે જે પુસ્તકની વાત કરવાના છીએ તે સૌથી જાણીતું પુસ્તક આવ્યું : 'થિન્ક એન્ડ ગ્રો રિચ.' અમેરિકાના બે પ્રેસિડન્ટસના તેઓ સલાહકાર પણ રહી ચૂક્યા છે. વુડ્રો વિલ્સન અને ફ્રેન્કલિન રૂઝવેલ્ટ.
અહીં રિચ - બધા જ અર્થમાં વપરાયો છે. સમૃદ્ધિ ધનની અને સમૃદ્ધિ વ્યક્તિત્વની. 'થિન્ક એન્ડ ગ્રો રિચ' પુસ્તકની, નેપોલિયન હિલ ગુજરી ગયા ત્યાં સુધીમાં, 1970 સુધીમાં બે કરોડ નકલ વેચાઈ ચૂકી હતી. 2007માં 'બિઝનેસ વીક' મેગેઝિને આ પુસ્તકને બેસ્ટસેલિંગ પેપરબેક બિઝનેસ બુક્સની યાદીમાં છઠ્ઠો ક્રમાંક આપ્યો હતો.
કુલ 13 પગથિયાં આપ્યાં છે કાકાએ, સફળતાની સીડી ચડવા માટેનાં.
સૌથી પહેલાં તો તમારામાં સફળ બનવાની ઈચ્છા હોવી જોઈએ. તમારી પાસે ગામમાં પાનના ગલ્લાની માલિકી હોય અને તમે એમાં ખુશ હો તો તમે ક્યારે ધીરૂભાઈ અંબાણી જેવું એમ્પાયર ઊભું નહીં કરી શકો. એનો અર્થ એ નથી કે તમારી પાસે જે કંઈ છે એનાથી તમે નાખુશ રહો, અસંતુષ્ટ રહો. પણ જ્યાં છો ત્યાંથી આગળ વધવાની તમન્ના જ નહીં હોય તો સફળતાની દિશામાં પ્રથમ પગલું ક્યાંથી માંડવાના તમે? તો સૌથી પહેલી આ વાત. ડિઝાયર. કોઈપણ મહાન સિદ્ધિનું આ પહેલું પગથિયું છે. ઈચ્છા, જબરજસ્ત ઈચ્છા - ભડભડતી ઈચ્છા હોવી જોઈએ મનમાં. સફળતાની સફર શરૂ કરવાનું આ સ્ટાર્ટિંગ પોઈન્ટ.
એ પછી આવે છે શ્રદ્ધા. મારા તે વળી ક્યાં એવા નસીબ કે હું ધીરુભાઈ અંબાણી બની શકું એમ વિચારીને તમે ક્યારેય ધીરુભાઈ તો શું એમના પટાવાળાય નહીં બની શકો. મારા એવા કોઈ સંજોગો જ નથી કે હું યશ ચોપરા બની શકું- એમને તો એમના મોટા ભાઈ બી. આર. ચોપરાનો કેટલો મોટો સપોર્ટ હતો. આવું વિચારશો તો તમે તમારા ગામડા ગામમાં જ આખું જીવન ગુજારશો. એકલો જાને રે. રવીન્દ્રનાથ ટાગોરે ગાયું હતું. જિંદગીમાં કોઈનો સપોર્ટ મળ્યો તો સારી વાત છે અને સંજોગો સુધર્યા તો એના કરતાં વધારે સારી વાત છે. પણ એવાં બધાં કારણો પર આધાર રાખીને હાથ પર હાથ મૂકીને બેસી રહેવાનું નહીં. સંજોગો તમને નહીં, તમે સંજોગોને ઘડો છો એવું જેમ્સ એલનના પુસ્તકમાં આપણે જોઈ ગયા. યાદ ન આવતું હોય તો આગલા બે સોમવારોના 'ઝિંદગી મિલેગી ના દોબારા'ના લેખો રિફર કરી જાઓ. તમને જ જો તમારામાં વિશ્વાસ નહીં હોય તો બીજાઓને ક્યાંથી તમારા પર ભરોસો બેસવાનો. આત્મશ્રદ્ધા વિના - સેલ્ફ કૉન્ફિડન્સ વિના તમે સફળ ના થઈ શકો.
ત્રીજુ સ્ટેપ. બીજાનું જ આ એક્સટેન્શન છે. તમારે તમારી જાતને કોન્સ્ટન્ટ કહેતા રહેવાનું કે હું આગળ વધવાનો છું, મોટો માણસ બનવાનો છું. (ઘણા લોકો આવું ઑટો સજેશન પોતાની જાતને આપતા રહે અને બીહેવિયર પણ એવી જ રાખે પણ કામ કંઈ કરે નહીં, ખાલી વાતો જ કર્યા કરે. એવા લોકો શું, તંબૂરો સફળ બનવાના? સફળતા કંઈ વિચારો કર્યા કરવાથી ના મળે. વિચારોને અમલમાં મૂકીને, વર્ષો સુધી, દિવસ રાતની મહેનત કર્યા પછી મળે.) મનના પાછલા ખૂણામાં, સબકોન્શયસમાં જ્યારે આ વાતનું રટણ ચાલતું થઈ જાય કે આજે નહીં તો કાલે મારી મહેનત રંગ લાવવાની જ છે, હું સફળ થઈશ જ, ફેમસ બનીશ જ, પૈસાની સમૃદ્ધિ-આંતરિક સમૃદ્ધિથી હર્યું ભર્યું મારું જીવન હશે. - તો કામ કરવાની તમારી એકાગ્રતામાં વધારો થતો હોય છે. અન્યથા મન ભટક્યા કરે.
ચોથી વાત. જનરલ નૉલેજ તો જરૂરી ખરું જ. પણ એના કરતાં સ્પેશ્યલાઈઝ્ડ નૉલેજ વધારે જરૂરી. તમારે જે ક્ષેત્રમાં આગળ વધવું છે તે ક્ષેત્રની તમામ જાણકારી મેળવીને એના કોઈ પર્ટિક્યુલર પેટા-સબ્જેક્ટની વિશેષ જાણકારી મેળવવાની. પછી એમાં પોતાની જાતને પલોટવાની. સતત પ્રેક્ટિસ કરીને નિપુણતા મેળવવાની, તે એ હદ સુધીના નિષ્ણાત બનવાનું કે લોકો પણ સ્વીકારતા થઈ જાય કે આ પર્ટિક્યુલર બાબતમાં આને કોઈ પહોંચી ન વળે.
પાંચમી વાત કલ્પના. દીવા સ્વપ્નો જોવાં ખરાબ નથી. શેખચલ્લી હોવું ખરાબ નથી. ધરતી પર પગ રાખીને મન દ્વારા જેટલે ઊંચે ઉડાય એટલે ઉડવાનું. બીજા કોઈએ જે કામ તમારા ક્ષેત્રમાં ન કર્યું હોય એવું કયું કામ તમે કરશો? કલ્પનાને ઈગ્નાઈટ કરવા માટેનો આ સ્પાર્ક પ્લગ જેવો પ્રશ્ન છે. કાલ ઉઠીને મારી પાસે દસ કરોડ રૂપિયા આવી ગયા તો હું એનું શું કરું? મારો દિવસ 36 કલાકનો હોય તો હું કેવી રીતે કામ કરું? આવા કેટલાય સવાલોના જવાબો તમારી સમક્ષ તમારું પોતાનું ટિમ્બર છતું કરશે.
છઠ્ઠી વાત. ચોકસાઈ વિનાનું પ્લાનિંગ કરશો તો ઊંધે માથે પડશો. સફળતા મેળવવા કોઈ શૉર્ટ કટ નથી હોતા. અહીં એડહૉક ધોરણે, કામચલાઉ કે હંગામી ધોરણે કશું કરવાનું ન હોય. થૂંકપટ્ટી જૉબ લાંબા ગાળાની સફળતા ન અપાવી શકે. ચોકસાઈ અને પ્લાનિંગ જોઈએ. તમારી લાઈફ, તમારું ઘર, તમારી ઑફિસ, તમારી ડેસ્ક, તમારી પથારી કશુંય લઘરવઘર ન જોઈએ. નાનામાં નાની બાબતમાં ચોકસાઈ રાખવી પડે. નાની-નાની વાતોનું પ્લાનિંગ કરવું પડે. એમાં આળસ ન ચાલે.
સાતમી વાત. નિર્ણયો લેતાં શીખો. ખોટા પડશો એવા ભયથી નિર્ણયો લેવાનું ટાળશો તો કામ મુલતવી રાખવાની કુટેવ પડી જશે. સફળ માણસો ક્યારેય નિર્ણયો લેવાનું ટાળતા નથી. નાના કે પોતાને જેની હથોટી હોય એવા કે પછી જરૂરી હોય એવા નિર્ણયો તેઓ તે ને તે જ ઘડીએ લઈ લેતા હોય છે. જેના માટે વધુ માહિતીની જરૂર છે એવા નિર્ણયો લેવામાં પણ તેઓ અઠવાડિયાઓ કે મહિનાઓની વાર નથી લગાડતા. વાસ્તવમાં જેમ-જેમ તમને ઝડપી નિર્ણયો લેવાની ટેવ પડતી ગઈ તેમ-તેમ સફળતા તરફ ચાલવાની તમારી ગતિ વધતી જશે.
આઠમી વાત. નાસીપાસ નહીં થવાનું, ફ્રસ્ટ્રેટ નહીં થવાનું, મચી પડવાનું. નાની-મોટી મુસીબતો આવતી રહેવાની. કામકાજમાં, પર્સનલ લાઈફમાં હિંમત હારીને બેસી નહીં જવાનું. કામ રોકવાનું નહીં. કંઈ પણ થાય, કામ ચાલુ જ રાખવાનું. ખંતપૂર્વક. એકધારું. સતત, નિરંતર. પથ્થર જેવા પથ્થર પર પાણીની ધાર પડ્યા જ કરે તો વર્ષો પછી એ પણ ઘસાઈ જાય છે. બાકી કોઈ માની શકે કે પાણી પથ્થરને પિગળાવી શકે? પણ પર્સિસ્ટન્સથી કંઈ પણ શક્ય છે. સો વખતની ના પછી હા પડાવવી પણ શક્ય છે.
નવમી વાત. સિક્સ્થ સેન્સ. તમારી કોઠા સૂઝને માન આપવાનું. તમારા અંતરાત્માના અવાજને દાબી નહીં દેવાનો. તમારું મન જે કરવાનું તમને તીવ્રપણે કહેતું હોય તે કરવાનું. તમારી પાસે બધી જ માહિતી હોય, માર્કેટ રિપોર્ટસ હોય, સર્વેના આંકડા હોય પણ તમારું મન એ દિશામાં જવાની ના પાડતું હોય તો નહીં જવાનું. આનું કારણ શું? સિક્સ્થ સેન્સ એ કંઈ બહુ મોટી રહસ્યભરી કન્સેપ્ટ નથી. પ્રગટપણે કે સભાનપણે જે માહિતી તમારી સામે ન આવતી હોય પણ તમારી અંદર ક્યારેક ને ક્યારેક સંઘરાઈ ગયેલી હોય, તમારા સબકોન્શ્યસમાં તે સિક્સથ સેન્સ બનીને તમારું માર્ગદર્શન કરતી હોય છે. માટે જ તમને કશુંક કરવા માટે તમારું મન હા પાડતું હોય તો તે કરવાનું અને કોઈ વાતે મન ન માનતું હોય તો નહીં કરવાનું.
તેરમાંના આ નવ મુદ્દા થયા, બાકીના ચાર મુદ્દા વિશે બહુ ઓછી વાત કરવાની છે પણ પુસ્તકનું જે છેલ્લું ચેપ્ટર છે, ચાળીસેક પાનાનું જ છે તેના વિશે એક સ્વતંત્ર લેખ કરવો પડશે તો જ આ પુસ્તકનું હાર્દ સમજાશે, મહત્ત્વ સમજાશે. 'હાઉ ટુ આઉટવિટ્ ધ સિક્સ ઘોસ્ટસ ઑફ ફિયર' એ પ્રકરણનું શીર્ષક છે. એના વિશે નેક્સ્ટ વીક વાત કરીએ. એ પછી દરેક પુસ્તક વિશે એક-એક લેખમાં જ પૂરું કરીશું. મા કસમ.
લાઈફ લાઈન
કંઈ પણ બોલતાં પહેલાં બે વાર વિચારજો. કારણ કે તમારા શબ્દોની અસર પરથી સામેવાળી વ્યક્તિ નક્કી કરશે કે તમે સફળ થવાના છો કે નિષ્ફળ જવાના.
- નેપોલિયન હિલ
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર