આ છ પ્રકારના ડરથી મુક્તિ કેવી રીતે મેળવવી
નેપોલિયન હિલની ‘થિન્ક એન્ડ ગ્રો રિચ’ નામની ખૂબ જાણીતી કિતાબને આપણે બેસ્ટ ટેન બિઝનેસ બુક્સમાં સ્થાન આપ્યું છે. આજે એ પુસ્તક વિશેની વાત પૂરી કરીએ.
પુસ્તકમાં જે તેર મુદ્દાની વાત લખી છે તેમાંના નવ મુખ્ય મુદ્દા જોઈ લીધા. પુસ્તકના છેલ્લા પ્રકરણ વિશે વાત શરૂ કરીએ તે પહેલાં બાકીના ચાર મુદ્દા વિશે ઝડપથી વાત કરી લઈએ. આમ તો આ મુદ્દાઓની વાત એક યા બીજી રીતે અગાઉના 9 મુદ્દાઓમાં આવી જ જાય છે. દસમો મુદ્દો ડ્રાઈવિંગ ફોર્સ અથવા પાવર ઑફ ધ માસ્ટર માઈન્ડને લગતો છે, જેમાં નેપોલિયન હિલનું કહેવું છે કે કોઈપણ માણસ સફળ થવાના કે પૈસાદાર બનવાનાં સપનાં જોઈ શકે છે અને મોટાભાગના લોકો જોતાં જ હોય છે. પણ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે, એના માટે બે વાતની સૌથી વધારે જરૂર પડવાની - એક ભડભડતી ઈચ્છાની અને બીજી ચોક્કસ યોજનાની, પ્લાનની, નકશાની.
અગિયારમો મુદ્દો એમ કહે છે કે, જીવનમાં સેક્સની બાબતમાં (તેમ જ અંગત સંબંધની બાબતમાં) સંતોષ મેળવેલો હોવો જોઈએ. નેપોલિયન હિલનું કહેવું છે કે નૉ મૅન ઈઝ હેપી ઓર કમ્પલીટ વિધાઉટ ધ મોડિફાઈંગ ઈન્ફલ્યુઅન્સ ઑફ ધ રાઈટ વુમન.
એ પછીના બારમા મુદ્દામાં સબકૉન્શયસ માઈન્ડની વાત છે. તમારા અર્ધજાગ્રત મનમાં આ 7 પોઝિટિવ લાગણીઓ છલકાવી જોઈએ : ઈચ્છા, શ્રદ્ધા, પ્રેમ, સેક્સ, ઉત્સાહ, રોમાન્સ અને આશા. અને આ સાત નેગેટિવ લાગણીઓ દૂર રહે એવો પ્રયત્ન કરવો જોઈએ : ડર, ઈર્ષ્યા, ધિક્કાર, બદલો, લોભ, અંધશ્રદ્ધા અને ક્રોધ.
છેલ્લો મુદ્દો દિમાગને લગતો છે. માણસનું મગજ વિચારો માટેનું રિસીવિંગ સ્ટેશન અને બ્રોડકાસ્ટિંગ સ્ટેશન - બેઉ છે. નેપોલિયન હિલ માને છે કે ડિપ્રેશન આવે તો બ્લેસિંગ ઈન ડિસ્ગાઈઝ છે. ડિપ્રેશનને કારણે નવેસરથી શરૂઆત કરવાની તક મળતી હોય છે.
‘હાઉ ટુ આઉટવિટ ધ સિક્સ ધોસ્ટસ ઑફ ફિચર’ એ પુસ્તકનું છેલ્લું પ્રકરણ છે અને મારે એના વિશે લખવું હતું એટલે જ આ બીજો હપતો કર્યો. લેખક કહે છે અનિર્ણિત મનોદશાને કારણે શંકા જન્મે છે અને શંકાને કારણે ડર ઉત્પન્ન થાય છે.
તમે દ્વિધામાં છો કે કશુંક કરવું કે ન કરવું. તમે નક્કી નથી કરી શકતા. આને કારણે તમારામાં ડાઉટ જન્મે છે કે હું આવો નિર્ણય લઈશ ને આવું થશે તો? હું તેવો નિર્ણય લઈશ ને તેવું થશે તો? બેઉ બાજુએ તમને ભયસ્થાન દેખાવા લાગે છે. છેવટે તમને ડર લાગે છે. ડરમાં ને ડરમાં તમે કોઈ નિર્ણય લઈ શકતા નથી.
આ ડર લાગવાનાં કારણો શું? કારણો સમજીશું તો ડર દૂર કરવાના પ્રયત્નોમાં સફળ થઈ શકીશું.
નેપોલિયન હિલ કહે છે કે ડરના બેઝિક છ પ્રકારો છે. દરેક જણ આમાંના એક યા બીજા પ્રકારના ડરથી કે પછી એના કૉમ્બિનેશનથી પીડાય છે. આ છમાંના તમામ ડરથી મુક્ત હોય એ નસીબદાર કહેવાય.
- સૌથી મોટો ડર ગરીબીનો હોવાનો.
- એ પછી, લોકો શું કહેશે એનો ડર.
- એ પછી બિમારીનો ડર.
- ત્યારબાદ પ્રિય વ્યક્તિને ગુમાવી દેવાનો ડર.
- વૃદ્ધાવસ્થાનો ડર
- અને છેલ્લે મૃત્યુનો ડર.
ડર એક માનસિક અવસ્થા છે. વાસ્તવિક પરિસ્થિતિ ગમે તેટલી સારી હોય તે છતાં મનમાં ડર હોઈ શકે. વાસ્તવિક પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તે છતાં મન ડરમુક્ત હોઈ શકે.
હવે વારાફરતી આ છએ છ ડરને તપાસીએ.
ગરીબીનો ડર રાખશો તો ક્યારેય ધનવાન નહીં થાઓ. ગરીબ નથી જ થવું એવું નક્કી કરી રાખ્યું હશે તો તમારા ખર્ચાની પેટર્ન બદલાશે, તમે ફિઝૂલ ખર્ચા બંધ કરશો, વધારે મહેનત કરશો અને સતત જીવનમાં આગળ વધવાની કોશિશ કરતા રહેશો. ગરીબીના ખ્યાલમાં ને ખ્યાલમાં આળસુ થઈ જવાના તમે. પૈસાદાર બનવાનાં સપનાં સેવવાં પૂરતા નથી. પૈસાદાર થવા માટે કેવી કેવી મહેનત કરવી પડશે, કઈ દિશામાં મહેનત કરવી પડશે એનું લાંબા ગાળાનું પ્લાનિંગ કરવું પડે. માત્ર મનોબળ કે કેલ્ક્યુલેટર પર ગણતરીઓ કરવાથી, ગુણાકારો કર્યા કરવાથી પૈસાદાર બનાતું નથી. જીવનની કડવી વાસ્તવિકતાઓથી છટકવા માટે પલાયનવૃત્તિ તરીકે શ્રીમંતાઈનાં સપનાં જોઈને ખુશ ન થવાનું હોય. કડવી વાસ્તવિકતાઓનો સામી છાતીએ સામનો કરતાં કરતાં રોજેરોજ શ્રીમંતાઈ તરફનું એક-એક ડગલું ભરવાનું હોય.
યાદ રાખો કે શ્રીમંતાઈ માત્ર ધનની નથી હોતી. સંસ્કારની, સ્વભાવની અને હૃદયની ગરીબાઈ હશે તો લક્ષ્મીજી તરફથી આવતી શ્રીમંતાઈ કોઈ કામની નથી.
'લોકો શું કહેશે' એ બીજો સૌથી મોટો ડર. પૈસા આવતા થઈ ગયા પછી પણ માણસો આ ડરમાં જીવતા હોય છે, અને એટલે જ લોકોને દેખાડવા માટે પોતાને ન પોસાય એવા ખર્ચાઓ કરતા રહે છે. લોકોમાં સ્વીકૃતિ પામવા માટે પોતાને જીવનમાં જે કરવાની અદમ્ય ઈચ્છા હોય તે દબાવીને ગાડરિયા પ્રવાહમાં તણાતા રહે છે. લોકો તો રાહ જોઈને જ બેઠા હોય છે કે ક્યારે તમે એક જ ભૂલ કરો અને તમને તમારી સિદ્ધિના શિખર પરથી છેક તળિયે ધક્કો મારી દે. લોકો પોતાની અનુકૂળતા જુએ છે તમારી નહીં, એટલે જ તમે વ્હાઈટ કૉલર જૉબ છોડીને બ્લ્યૂ કૉલર જૉબ કરીને અગાઉ કરતાં વધારે કમાતા થઈ જશો તો પણ તમને હલકી નજરે જોશે. તમારે નક્કી કરવાનું કે આ જિંદગી તમે તમારા માટે જીવવા માગો છો કે પછી લોકો માટે. આનંદ બક્ષીના આ શબ્દો નરેન્દ્ર મોદીને પણ પ્રિય છે એવું એમણે કેટલાક વર્ષો પહેલાં જાહેરમાં કહ્યું હતું : કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેના...
માંદગીનો ડર ત્રીજો ડર. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ આ ડર પણ વધતો જ જાય. 'મેડિક્લેમ' વગેરે લઈને લોકો સુરક્ષિત થઈ જવાની બનાવટી લાગણીમાં જીવે છે. એને બદલે પ્રીમિયમ જેટલા જ પૈસાના ડ્રાયફ્રુટ્સ ખરીદીને પોતે ખાધાં હોય, પોતાના પરિવારજનોને ખવડાવ્યાં હોય તો ક્યારેય 'મેડિક્લેમ' ન કઢાવ્યો એવો અફસોસ નહીં થાય.
શરીર માંદું પડે એ પછી એના ઈલાજ માટે જે પૈસાની જોગવાઈ કરવી છે તે જ પૈસા શરીર માંદુ જ ન પડે તે માટે શું કામ આપણે નથી ખર્ચતા. પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર એ બહુ જૂની કહેવત છે અને સો ટચના સોના જેવી વાત છે. ભવિષ્યમાં તમે બિમાર પડશો તો સાજા થવાના પૈસા ક્યાંથી લાવશો એવી ચિંતામાં ને ચિંતામાં વર્તમાનમાં તમે તમારો કિમતી સમય તમારી અમૂલ્ય એનર્જી ખર્ચીને નીચોવાઈ જાઓ છો - વધુ કમાવા માટે. એના કરતાં એ જ સમય-શક્તિ અત્યારે તમારી જેવી તબિયત છે તેવી જ જાળવવા માટે વાપરો કે એને ઈમ્પ્રુવ કરવા માટે વાપરો તો કેવું?
પ્રિય વ્યક્તિને ગુમાવવાનો ડર બે પ્રકારે હોય. યંગ હો ત્યારે એ વ્યક્તિ તમને છોડીને બીજી વ્યક્તિ પાસે જતી રહેશે એવી અસલામતી હોય અને ઉંમર વધતી જાય એમ એ ભગવાનની પાસે જતી રહેશે એવા ડરથી ગ્રસ્ત થતા જાઓ તમે.
આ બેઉ ડર વ્યર્થ છે, તમે જો તમારી પ્રિય વ્યક્તિ માટે ‘લવેબલ’ અને ‘લાઈકેબલ’ નહીં રહો તો એ તમને છોડી જ જશે. માટે ઈમ્પ્રુવ તમારે થવાનું, એડજસ્ટ તમારે થવાનું - જો ખરેખર એનું તમારી જિંદગીમાં હોવું તમારા માટે અનિવાર્ય હોય તો. અને એના મૃત્યુનો ડર રાખવાને બદલે ભગવાન પર ભરોસો રાખવો. ભગવાન ક્યારેય કોઈને અન્યાય થવા દેતો નથી. મેઈડ ફૉર ઈચ અધર કપલને એ ક્યારેય છુટા પડવા દેતો નથી, એમાંથી એકને પોતાની પાસે બોલાવી લેવાની ઉતાવળ કરતો નથી, તમે અનેક કિસ્સાઓમાં જોયું હશે કે વૃદ્ધાવસ્થામાં પતિના ગુજરી ગયાના એકાદ વર્ષમાં જ પત્નીનું કે પત્નીના ગુજરી ગયાના થોડા જ મહિના/વર્ષોમાં પતિનું અવસાન થતું હોય છે. બેઉ એકમેકના પર્યાય બની ગયા હોય ત્યારે આવું સાહજિકપણે અને સ્વાભાવિકપણે બનવાનું જ.
વૃદ્ધાવસ્થાનો ડર. વધતી જતી ઉંમર વાસ્તવમાં તો વધતા જતા ડહાપણ અને વધતી જતી સમજણની નિશાની છે. નાની ઉંમરથી જ સારી ટેવો રાખીને જીવ્યા હોઈશું તો વૃદ્ધાવસ્થા કપરી નહીં લાગે. તબિયતને કારણે વૃદ્ધાવસ્થામાં કામ નહીં થઈ શકે એવું લાગતું હોય તો ગૂગલ સર્ચ કરીને સ્ટીફન હૉકિંગ નામના સાયન્ટિસ્ટ વિશે જાણી લો. સેવન્ટી પ્લસ છે અને દાયકાઓથી હરવા-ફરવા બોલવા સાંભળવાની બાબતમાં લાચાર છે. છતાં દુનિયાને નવી નવી વૈજ્ઞાનિક થિયરીઓ આપતા રહે છે.
મૃત્યુનો ડર. આવો કોઈ ડર જેણે ભગવદ્દ ગીતાનો ઉપરછલ્લો અભ્યાસ કર્યો હોય એને પણ હોઈ શકે નહીં. એક ભગવાન સિવાય જગતમાં બીજા કોઈનેય ખબર નથી કે કોણ કેટલા શ્વાસ લખાવીને આ પૃથ્વી પર જન્મ્યું છે. કોઈના શ્વાસ પચ્ચીસ વર્ષની જુવાનજોધ ઉંમરે ખૂટી જાય તો કોઈના પંચાણું વર્ષની ભવ્ય ઉંમરે. આપણને ખબર નથી. એટલે જ માનસિકતા એવી રાખવી કે આપણી પાસે 100 વર્ષની આવરદા છે અને કામ એવી રીતે કરવું કે આજે જિંદગીનો છેલ્લો દિવસ છે.
લાઈફ લાઈન
નિષ્ફળતા મળે ત્યારે નાસીપાસ થઈને બેસી પડવાને બદલે વિચારો કે તમારા પ્લાનિંગમાં ખામી હતી એના સિગ્નલરૂપે આ દિવસો આવ્યા છે. આ ખામીઓ સુધારી લો અને ફરી દરિયો ખેડવા નીકળી પડો, બસ!
- નેપોલિયન હિલ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર