વિઘ્નો તમારી પ્રગતિ માટે સર્જાતાં હોય છે
'ધ ઑબ્સ્ટેકલ ઈઝ ધ વે'માં રયાન હૉલિડે (Ryan Holiday) નિર્દોષ હોવા છતાં જેલવાસ ભોગવી આવેલા બૉક્સરની વાત આગળ વધારતાં કહે છે કે કોઈ પરિસ્થિતિને જોઈને તમારું માઈન્ડ જો તમને એમ કહેતું હોય કે આ અણધારી ઘટના ખરાબ છે તો તમારે તમારા માઈન્ડ સાથે સહમત થવાની જરૂર નથી. બીજા લોકો તમારી પરિસ્થિતિનું આકલન કરીને તમારા વિશે કહેતા થઈ જાય કે 'આ તો હવે ગયો, ખલ્લાસ' તો તમારે તમારા વિશે એવું માની લેવાની કોઈ જરૂર નથી. તમે તમને જે ઠીક લાગે એ રીતે કોઈપણ પરિસ્થિતિને મૂલવી શકો છો અને તમારી દૃષ્ટિએ એની સાથે ડીલ કરી શકો છો.
લેખક કહે છે કે કપરા સંજોગોમાં તમારી આસપાસ કેટલાક લોકો તો એવા નીકળી આવવાના જ જેઓ તમને ડરાવશે, જેઓ તમારા પર એક યા બીજા પ્રકારે પ્રેશર લાવશે કે આ સંજોગોમાં તમારે શું કરવું ને શું ન કરવું. તમે હજુ કોઈ બાબતે ક્લિયર નહીં હો અને જે સંજોગો સર્જાયા છે એની આગળ-પાછળની વધુ વિગતો તમને મળે એની રાહ જોતા હશો તો પણ તેઓ તમને 'અત્યારે નિર્ણય નહીં લો તો નુકસાન વધી જશે' એવું કહીને પ્રેશરમાં મૂકશે, ડરાવશે.
જિંદગીમાં લાંબું દોડવું હશે, ઊંચાં નિશાન તાકવા હશે ત્યારે ટેન્શનો તમારી જિંદગીનો એક ભાગ બની જવાનાં, અણધારી વસ્તુઓ બનતી રહેવાની, તમે કલ્પના પણ ન કરી હોય એવી પરિસ્થિતિઓનો સામનો ડગલે ને પગલે કરવાનો આવશે. આવા સંજોગોમાં તમારી અક્કલ તમારી વહારે નથી આવવાની. તમારી કોઠાસૂઝ કામ લાગશે. તમારે ઠંડે કલેજે, વિચલિત થયા વિના, બહાવરા બન્યા વિના વિચારવાનું અને વર્તન કરવાનું. અકળાયા વિના પરિસ્થિતિની ગૂંચોને ઉકેલવાની કોશિશ કરવાની. ઉતાવળ કરીને કે અધીરા બનીને બાજી બગાડી નાખવાની નહીં. કપરા સંજોગોમાં શાંત રહેવું એ કંઈ કોઈ નબળા માણસની નિશાની નથી.
અણધારી પરિસ્થિતિમાં માણસ પૅનિક થઈને આડેધડ નિર્ણયો લઈ બેસે છે. આવા વખતે એક્ચ્યુઅલી તો નિર્ણયો લેવાની શક્તિ ખોરવાઈ જતી હોય છે. મગજ સુન્ન થઈ જતું હોય છે. આનો ઉપાય શું? મનને ટ્રેઈન કરવું પડે કે કોઈપણ સંજોગોમાં પૅનિક નથી થવાનું. આસમાન તૂટી પડે કે ધરતી ફાટી પડે એવી પરિસ્થિતિઓમાં પણ જો પૅનિક નહીં જોઈએ તો જ ઉકેલ મળવાનો છે. પૅનિક થઈને લીધેલા ખોટા નિર્ણયો બદલ આખી જિંદગી પસ્તાવાનું રહે છે. આપત્તિમાં મગજ અપસેટ થઈ જાય ત્યારે વિચારવાનું કે મગજ અપસેટ થઈ જવાથી કોઈ વહેલો ઉકેલ મળી જવાનો છે? ના. તો પછી અપસેટ થવાને બદલે, ચુંથાઈ ગયેલી પરિસ્થિતિ બદલ અફસોસ કરીને હતાશ થવાને બદલે, શાંત ચિત્તે વિચારીએ કે નેક્સ્ટ સ્ટેપ કેવું લેવું જોઈએ અને એ સ્ટેપ લેવાથી એનું રિપર્કશન શું આવશે. શતરંજની રમતમાં જેમ તમે તમારી અને સામેવાળાની ચાલ એન્ટિસિપેટ કરીને રમો છો એવું જ કંઈક આવી અણધારી પરિસ્થિતિઓને ઠેકાણે લાવવા તમારે કરવાનું છે. માથે પહાડ જેવી મુસીબત તૂટી પડે, આર્થિક-સામાજિક રીતે પાયમાલ થઈ જવાની શક્યતા ઊભી થાય, આબરૂ ધૂળધાણી થઈ જતી દેખાય, અત્યાર સુધી મેળવેલું, પ્રાપ્ત કરેલું, સામેથી આવેલું બધું જ પૂરમાં તણાઈ જતું જણાય ત્યારે સ્વસ્થતા રાખવાનો એક ઉત્તમ મંત્ર છે : આને કારણે હું મરી જવાનો તો નથી, આને કારણે હું મરી જવાનો તો નથી.
ઘણી વખત પરિસ્થિતિ પ્રત્યે જોવાનો દૃષ્ટિકોણ બદલી નાખીએ છીએ ત્યારે નવા-નવા વિકલ્પો આંખ સામે દેખાય છે. કોઈપણ પરિસ્થિતિને જોવાનો પર્સપેક્ટિવ બદલવાથી કેવું સુખદ પરિણામ આવી શકે છે એ માટે લેખક અહીં જ્યૉર્જ ક્લૂનીનું ઉદાહરણ આપે છે. બે ઑસ્કાર અવૉર્ડ વિજેતા અભિનેતા જ્યૉર્જ ક્લૂની જ્યારે નવો નવો હૉલિવુડમાં આવ્યો ત્યારે સ્ટુડિયોના ચક્કરો કાપતો, ઑડિશન્સમાં રિજેક્ટ થતો અને હતાશ થઈને વિચારતો કે અહીં કોઈને મારી ટેલેન્ટની કદર જ નથી. કોઈ ડિરેક્ટરને કે પ્રોડ્યુસરને મારું કામ ગમતું નથી. જ્યૉર્જ ક્લૂની હૉલિવુડની સિસ્ટમનો દોષ કાઢીને વિચારતો કે અહીંનાં કમર્શિયલ વાતાવરણમાં કોઈને કળાની કદર જ નથી.
આપણે સૌ પણ આવું જ માનીને દુખી થતા હોઈએ છીએ. પણ જ્યૉર્જ ક્લૂનીએ નવેસરથી આ વિશે વિચારવાનું નક્કી કર્યું ત્યારથી આખી બાજી જ બદલાઈ ગઈ. એને ખ્યાલ આવ્યો કે પ્રોડ્યુસરો અને ડાયરેક્ટરો જે પ્રોજેક્ટ શરૂ કરવા માગે છે એમાં એક ઘણું મોટું વિઘ્ન એ હોય છે કે એમને ફિલ્મનું પાત્ર ભજવવા માટે જે પ્રકારના એક્ટરો જોઈએ છે તે આસાનીથી મળતા નથી. તેઓ રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે અમને મળવા કોઈ એવો એક્ટર આવે જે અમારી ફિલ્મ માટે લખાયેલી સ્ક્રિપ્ટમાંના પાત્રને જીવી જાણે.
ક્લૂનીને સૉલ્યુશન મળી ગયું. અહીં ડિરેક્ટરો-પ્રોડ્યુસરોને તમારામાં કેટલી કળા ઠાંસીને ભરેલી છે એ જાણવામાં રસ નથી પણ એમણે જે કેરેક્ટર નક્કી કર્યું છે તેને ભજવવાની તમારામાં કેટલી ત્રેવડ છે તે જાણવામાં જ રસ છે. તમે રાજા, ભિખારી, ઘોડેસવાર, સૈનિક, નગરશેઠ, માળી, ખેડૂત વગેરે ડઝન પાત્રો ભજવવાને સમર્થ હશો પણ ફિલ્મ એક પોલીસ ઈન્સ્પેક્ટર વિશે બનવાની છે તો પ્રોડ્યુસર ડિરેક્ટરને માત્ર એ જ જાણવામાં રસ હશે કે આ પર્ટિક્યુલર પાત્રને તમે કેટલો ન્યાય આપી શકશો. રાજા, ભિક્ષુક વગેરે બનવાની તમારી આવડત સાથે એ લોકોને કોઈ લેવાદેવા હોતી નથી.
જ્યૉર્જ ક્લૂનીએ હવે નક્કી કર્યું કે કાસ્ટિંગ ડિરેક્ટર્સ કે પ્રૉડ્યુસર્સ એમની ફિલ્મના જે પાત્ર માટે અભિનેતા શોધી રહ્યા છે તે અભિનેતા હું જ છું એવું હું આ લોકોના મનમાં ઠસાવી દઉં તો મને કામ મળવાનું છે. ફિલ્મની સ્ક્રિપ્ટના રીડિંગ વખતે, શૂટિંગ વખતે, ફિલ્મ પૂરી થઈ ગયા પછી ડબિંગ અને ફિલ્મના પ્રમોશન વખતે પોતે કઈ-કઈ રીતે ફિલ્મના યુનિટને સાથ આપી શકે એમ છે એ સમજાવવાનું એણે નક્કી કર્યું.
જ્યૉર્જ ક્લૂનીની એક્ટિંગ એ જ હતી, એનામાં રહેલી કળા-પ્રતિભા બદલવાની નહીં પણ પોતાનો માલ વેચવાનો અભિગમ બદલવાની જરૂર હતી. આખીય વાતને પોતાના પર્સપેક્ટિવથી નહીં પણ ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટરના પોઈન્ટ ઑફ વ્યૂથી સમજવાની જરૂર હતી. આપણું પર્સેપ્શન બદલાય છે ત્યારે એની પાછળ પાછળ આપણું વર્તન પણ બદલાય જ છે.
સફળ વ્યક્તિના રસ્તામાં છાશવારે ઑપોર્ચ્યુંનિટીઝ આવતી જ હોય છે એવું આપણે માની લીધું હોય છે. હકીકત એ હોય છે કે એમનામાં કોઈપણ પરિસ્થિતિમાંથી તક શોધી લેવાની આવડત હોય છે.
આ આવડત જો તમે માત્ર તમારા એકલાના જ દૃષ્ટિકોણથી દુનિયાને જોવાનું છોડીને બીજાઓના પર્સપેક્ટિવથી પણ જગતને જોતા થઈ જાઓ તો તમારામાં પણ આવે.
રયાન હૉલિડેના પુસ્તક 'ધ ઑબ્સ્ટેકલ ઈઝ ધ વે'નો સાર એ છે કે વિઘ્નો તમારી પ્રગતિ માટે જ સર્જાતાં હોય છે.
લાઈફ લાઈન
ઘણીવાર તમને પર્વત નથી નડતો, તમારા શૂઝમાંની કાંકરી નડતી હોય છે.
મોહમ્મદ અલી (વર્લ્ડ ચેમ્પિયન બૉક્સર)
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર