સતત આગળ રહેવું હશે તો સતત બદલાવું પડશે

23 May, 2016
12:00 AM

સૌરભ શાહ

PC:

બદલાવું અઘરું છે. તમને ખબર છે કે તમારી આસપાસની દુનિયા બદલાઈ ગઈ છે અને હજુય બદલાઈ રહી છે. પણ ઘણી વખત તમે એ ઝડપે બદલાઈ શકતા નથી સમય સાથે તાલ મિલાવી શકતા નથી. ન બદલાવામાં ઘણાં બધાં ફેક્ટર્સ કામ કરે છે. તમારો ઉછેર, તમારું ઘડતર, તમારું ભણતર, તમારું વાતાવરણ. વીસેક વર્ષ સુધીમાં આ બધાં ફેક્ટર્સને કારણે તમારી માનસિકતા એટલી બધી ઘડાઈ ચૂકી હોય છે કે ઉંમર વધવાની સાથે ક્રમશઃ તમારી માનસિકતાની ફ્લેક્સિબિલિટી ઓછી થતી જાય છે. તમે 40 કે 50ના થાઓ ત્યાં સુધીમાં ઘણા રિજિડ થઈ ચૂક્યા હો છો અને 60 પછી તો સાવ બંધિયાર બની જાઓ છો.

અંગત જીવનની જેમ બિઝનેસમાં પણ આ વાત તમારા માટે જોખમકારક પુરવાર થતી હોય છે. ચિપ હીથ અને ડેન હીથ નામના અમેરિકન ભાઈઓએ 'સ્વિચ' નામનું ન્યુ યૉર્ક ટાઈમ્સના બેસ્ટ સેલર લિસ્ટમાં નંબર વન પર પહોંચેલું બિઝનેસ પુસ્તક આ જ વિષય પર લખ્યું છે. 'સ્વિચ' શીર્ષકની સાથે પેટામથાળું છે: હાઉ ટુ ચેન્જ થિન્ગ્સ વ્હેન ચેન્જ ઈઝ હાર્ડ. આ બે ભાઈઓએ નાઈકી અને માઈક્રોસોફ્ટના એમ્પ્લોઈઝને પણ સલાહ આપી છે.

અહીં માર્ક ઝકરબર્ગની એક વાત યાદ આવે છે. એણે પોતાની સાથે કામ કરનારાઓને લખેલા પત્રમાં કહ્યું હતું કે: ફેસબુકનું નામોનિશાન મટી જાય એવા વિચારો તમે લઈ આવો, કારણ કે તમે જો એ કામ નહીં કરો તો તમારા પ્રતિસ્પર્ધીઓ તો કરવાના જ છે!

ઝકરબર્ગ કહેવા માગે છે કે સફળતા મેળવીને તમે એમાં જ રચ્યાપચ્યા ન રહેતા. તમે જે અચીવ કરી લીધું છે તે હવે દુનિયાની સમક્ષ છે. દુનિયા માટે એ હવે નવું નથી રહ્યું. લોકો તમારી નકલ કરવાના જ છે. માટે હવે તમારે, એમનાથી બે ડગલાં આગળ રહેવા, એવું કંઈક કરવું પડશે જે જુદું હોય - અત્યાર સુધી તમે જે કર્યું તેનાથી કંઈક તદ્દન હટકે હોય. મોરારીબાપુના એક ઈન્ટરવ્યૂમાં મેં એમને પૂછેલું કે હવેના કથાકારો તમારી નકલ કરીને ફિલ્મી ગીતો ગાવા માંડ્યા છે, તો તમે નેકસ્ટ શું કરશો! બાપુએ સ્મિત સાથે જવાબ આપ્યો હતો: ઘુમા કે રખ દૂંગા!

એ પછી મારા જીવનમાં આ શબ્દપ્રયોગ વારંવાર મને કામ લાગતો રહ્યો છે. તમારા પોતાના વિકાસ માટે, તમારી પ્રગતિ માટે ખૂબ કામનો છે. તમે બીજાઓ કરતાં આગળ છો અને લોકો તમારી નકલ કરીને તમારી સમકક્ષ થવાની કોશિશ કરવાના જ છે. તમારે જો સતત આગળ રહેવું હશે તો તમારે તમારા નકલચીઓને ઘૂમાવીને રાખી દેવા પડશે, એ લોકો સમજી શકે તે પહેલાં કંઈક એવું કરીને તમારે આગળ નીકળી જવું પડશે જેની નકલ કરતાં તેઓને વાર લાગે. અને જેવી નકલ શરૂ થાય કે ફરી તરત: ઘુમા કે રખ દૂંગા! અને આમ તમે કૉન્સ્ટન્ટ તમારી કૉમ્પીટીશનથી આગળ રહેશો. તમારા ક્ષેત્રમાં લેજન્ડ તરીકે સ્થપાશો.

'સ્વિચ'માં ચિપ અને ડેન હીથ ત્રણ પાર્ટની ફૉર્મ્યુલા લઈને આવ્યા છે.

(1) બદલાવાનું તમને અઘરું લાગે છે કારણ કે, તમારામાં સ્પષ્ટતા નથી કે તમારે તમારામાંનું શું બદલવાનું છે, કેટલું બદલવાનું છે. તમારી દિશા ક્લિયર નથી, માટે પહેલો પાર્ટ છે: ડાયરેક્ટ ધ રાઈડર.

(2) બદલવાનો તમને કંટાળો આવતો હોય કે એ વાતની આળસ આવતી હોય તો એનું ખરું કારણ એ છે કે તમે થાકી ગયા હો છો, તમારી શક્તિ નીચોવાઈ ગઈ છે. તમારે તમારી શક્તિ પાછી લાવવા તમને અને તમારી સામે કામ કરતા લોકોને ઈમોશનલી મોટિવેટ કરવા પડે. એમનો સાથ મેળવ્યા વિના તમે બિઝનેસમાં કોઈ બદલાવ લાવી નહીં શકો. અને આ માટે તમારે કેરટ એન્ડ સ્ટિકની નીતિ અપનાવવી પડશે. સારું પરિણામ લાવનારાને રિવૉર્ડ્ઝ મળશે અને ખરાબ પરફૉર્મન્સવાળા પાછળ ધકેલાઈ જશે એવી જગજૂની નીતિ રીતિને અમલમાં લાવવી પડે. આ બીજા પાર્ટને લેખકોએ મોટિવેટ ધ એલિફન્ટ એવું નામ આપ્યું છે.

(3) ત્રીજો પાર્ટ તમને પર્સનલ લાઈફમાં પણ કામ લાગે એવો છે. તમારી સામે જે પ્રશ્ન ઊભો થયો છે, જે સમસ્યા સર્જાઈ છે એને પ્રશ્ન કે સમસ્યાનું નામ આપવાને બદલે સંજોગો પરિસ્થિતિ કે સિચ્યુએશનનું નામ આપો. મડાગાંઠ નથી સર્જાઈ, સંજોગો ઊભા થયા છે. હવે આ સંજોગો સાથે પનારો પાડો. એને સમસ્યારૂપે જોઈને એની સાથે લડવાને બદલે એને સમજવાની કોશિશ કરો, ભવિષ્યની તક તમને એમાં જ દેખાશે. સંજોગોને હવે એવો આકાર આપો કે એમાંથી તમને પ્રગતિનો રાહ મળે, આગળ વધવાનો રસ્તો તૈયાર થાય. લેખકોએ આ ત્રીજા પાર્ટને શેપ ધ પાથ નામ આપ્યું છે.
પહેલા પાર્ટ 'ડાયરેક્ટ ધ રાઈડર'નાં ત્રણ પગથિયાં છે:

(1) તમારા પ્લસ પોઈન્ટ કયા છે તે સમજી લો જેથી બાકી રહેલા માઈનસ પોઈન્ટ્સને તમે ખંખેરી શકો.

(2) બદલાવ લાવતી વખતે 'થિન્ક બિગ'ની જરૂર નથી હોતી. રાતોરાત કંઈ તમારે તમારી જાતને કે તમારી કંપનીને ચન્કી પાન્ડેમાંથી શાહરૂખ ખાન બનાવી દેવાની નથી હોતી. નાની-નાની પણ ચોક્કસ કઈ કઈ બાબતોમાં બદલાવાનું છે તે નક્કી કરો.

(3) તમે બદલાશો તો તમને શું પ્રાપ્ત થવાનું છે, તેની સ્પષ્ટતા તમારી નજર સામે હોવી જોઈએ. બદલાવા માટેનો ગોલ ક્લિયર હશે તો ક્યાં સુધી પહોંચવાનો રસ્તો આપોઆપ દેખાવા માંડશે.

બીજા પાર્ટના ત્રણ પગથિયામાં લેખકો કહે છે કે:

(1) જિંદગી કે બિઝનેસ માત્ર મિકેનિકલી ન ચાલી શકે, ઈમોશન્સ મોટો ભાગ ભજવતા હોય છે ગ્રોથમાં. તમારા અને તમારી ટીમનાં સંવેદનોને-લાગણીઓને ટચ કરીને સમજાવો કે બદલાવાનું શું કામ જરૂરી છે અને નહીં બદલાઈએ તો પરિણામ શું આવશે.

(2) બદલાવા માટે ધરમૂળથી પરિવર્તન લાવવાની જરૂર નથી એ વાત સમજો અને પછી ટીમને સમજાવો. બદલાવાનું કામ તમારા ગજા બહારનું નથી એ સમજવું ત્યારે જ શક્ય છે જ્યારે તમે બદલાવાની પ્રક્રિયાને અનેક નાના-નાના હિસ્સામાં વહેંચી નાખી હશે. નાનકડા પાર્ટમાં બદલાવ લાવવો આસાન છે. અને લોકો માટે પણ એ સ્વીકાર્ય બનશે. તમે જો બધું જ બદલી નાખવાની વાત કરશો તો એ કામ ભગીરથ લાગશે અને તમને કોઈ સહકાર નહીં મળે, તમારો પોતાનો સાથ પણ નહીં મળે.

(3) બદલાવા માટે તમારામાં ને તમારી ટીમમાં કશુંક નવું નવું ઉમેરતાં રહેવું પડે. નવી ટ્રેનિંગ લેવી પડે, નવા સેમિનાર્સ કરવા પડે, નવું વાંચવું પડે, નવા લોકોને મળવું પડે, કામ કરવાની નવી પદ્ધતિઓ શીખવી પડે. બંધિયાર રહીશું તો કેવી રીતે બદલાશું?

ત્રીજા પાર્ટના ત્રણ પગથિયામાં લેખકો કહે છે કે:

(1) સંજોગો બદલાય છે ત્યારે માણસની વર્તણૂક બદલાય છે, માટે તમારે તમારી બીહેવિયર ચેન્જ કરવી હશે તો તમારી પરિસ્થિતિ બદલવી પડશે.

(2) બદલાવા માટે નવી ટેવો પાડવી પડે. જુની આદતો છોડવી પડે (થોડાક મહિના પહેલાં આ જ કૉલમમાં હેબિટ્સ વિશે આપણે વિગતવાર વાત કરી ચૂક્યા છીએ.)

(3) ટ્રેન્ડ શરૂ કરો. કોઈક નવી વાત જો લોકોને ગમી ગઈ તો તમારા વગર પ્રયત્ને લોકો એ બદલાવના વહેણમાં તરતા થઈ જશે. લોકોની ગાડરિયા પ્રવાહવાળી વૃત્તિનો પૉઝિટિવ ઉપયોગ કરો.

પણ બદલાવાનું સહેલું નથી હોતું. ઘણા લોકો તો અત્યારની પોતાની લાઈફસ્ટાઈલ તેમ વર્ક-સ્ટાઈલમાં એટલા કમ્ફર્ટેબલ થઈ ગયા હોય છે કે એમને જરા સરખો વિચાર પણ નથી આવતો કે પોતે બદલાવું જોઈએ. આવા લોકો થોડાક જ વર્ષમાં સાવ રિડન્ટડન્ટ થઈને ફેંકાઈ જતા હોય છે - જિંદગીની બહાર, પોતાના કામકાજના ક્ષેત્રની બહાર. નેકસ્ટ સોમવારે એક નવી બિઝનેસ બુક!

લાઈફ લાઈન

જો લોકો તમારામાં આવેલા પરિવર્તનના નવા પ્રકાશમાં તમને જોઈ ન શકતા હોય, તમે ભૂતકાળમાં જે હતા તેને જ જોયા કરતા હોય, તે વખતે તમે કરેલી ભૂલોને જ ધ્યાનમાં રાખતા હોય અને તમે કંઈ માત્ર એ ભૂલોનો સરવાળો જ નથી એવું જેમને ન લાગતું હોય એવા લોકોને તમારી જિંદગીમાંથી વિદાય આપી દેવાની.

- સ્ટીવ મેરબોલી

(બિહેવિયરલ સાયન્ટિસ્ટ)

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.