ઘોંઘાટ ધીમો કરીને ગણગણાટને સાંભળીએ

05 Jun, 2017
12:00 AM

સૌરભ શાહ

PC: gibransprophetmovie.com

ભવિષ્યની સલામતી માટે આજથી ધનનો સંઘરો કરનારાઓને ખલિલ જિબ્રાને ‘ધ પ્રોફેટ’માં ધીરજપૂર્વક સમજાવ્યા છે. કિશોરલાલ ઘ. મશરૂવાળાએ આ પુસ્તકનો તાજગીભરી ગુજરાતીમાં અનુવાદ કરીને એને ‘વિદાય વેળાએ’ નામ આપ્યું છે.

ખલિલ જિબ્રાન કહે છે કે : એ દાન અતિ અલ્પ છે, જે કેવળ તમારા સંગ્રહમાંથી તમે કાઢી આપો છો. જ્યારે તમે તમારા જીવનમાંથી કાઢીને આપો, ત્યારે જ સાચું દાન થાય છે. આવતી કાલે કદાચ તંગી પડે એ ધાસ્તીથી રાખેલી અને સાચવેલી ચીજો – એ સિવાય સંગ્રહનો બીજો શો અર્થ છે? અને આવતી કાલે !  આવતી કાલે કામ લાગશે એ વિચારથી યાત્રાળુઓના સંઘ જોડે રેતીના રણમાંથી જનારો કોઈ અતિ શાણો કૂતરો રસ્તામાં હાડકાંને દાટતો દાટતો જાય તેને એ આવતી કાલે શું આપશે વારુ? અને, તંગીની ધાસ્તી એ જાતે જ તંગી નથી શું? ભરેલે કૂવે જેને તૃષ્ણાની ધાસ્તી લાગે છે, તે જ અતૃપ્ય તૃષ્ણા નથી શું?

અહીં અનુવાદકની પાદટીપ છે કે : કહેવાનો આશય એ છે કે દરિદ્રતાની ધાસ્તી રાખવી એ જ મનની દરિદ્રતા છે. ભરેલે કૂવે જેને તરસ્યા મરવાની બીક રહે તેની તરસ કેમ છીપે?

ખલિલ જિબ્રાન આગળ કહે છે :

માગે ત્યારે આપવું એ સારું તો છે, પણ વગર માગ્યે, મનથી જાણી જઈને આપવું એ વધારે સારું છે, અને જે હાથનો છૂટો છે તેને તો દાન આપવાના આનંદ કરતાં દાનનો લેનારો મળે એ જ વસ્તુ વધારે આનંદ ઉપજાવે છે. .... તમે ઘણી વાર કહો છો, હું આપું ખરો પણ માત્ર પાત્રને જ. તમારી વાડીનાં વૃક્ષો એમ કહેતાં નથી, નથી કહેતાં એમ તમારા નેસમાંનાં ઘેટાં... અને એવા તે તમે કોણ મોટા છો? જે લોકો તમારી આગળ આવી પોતાની છાતી ખુલ્લી કરે અને પોતાના સ્વાભિમાન પરનો પડદો ખસેડી લે, કે જેથી તમે તેમની પાત્રતાને નવસ્ત્રી અને તેમના અભિમાનને નિર્લજ્જ સ્થિતિમાં જોઈ શકો? (અનુવાદકની ટિપ્પણી : એટલે કે પાત્ર માણસ પોતે પાત્ર છે એમ બતાવવા માટે પોતાની દરિદ્રતા પ્રગટ કરે અને સ્વાભિમાનને રાખીને રહ્યો હોય તે ઉતારી નાખે એવી તમારી શી લાયકાત છે?)

જેની પાસે ધન છે તેમને અને જેઓ નિર્ધન છે તેમને પણ, ખલિલ જિબ્રાને દાનનો મહિમા સમજાવીને પૈસાનું મહત્ત્વ જીવનમાં કેટલું છે અને કેટલું નથી એ વાત ઘણી સરળતાથી સમજાવી દીધી.

શારીરિક શ્રમનો મહિમા ખલિલ જિબ્રાને આ રીતે સમજાવ્યો છે : શ્રમ એ શાપ છે અને મજૂરી મંદભાગ્ય છે, એવું તમને સદા શીખવવામાં આવે છે. પણ હું કહું છું કે જ્યારે તમે શ્રમ કરો છો ત્યારે તમે પૃથ્વીમાતાની ઊંડી ઊંડી આશાને સફળ કરો છો, જે આશા એણે તમારી પાસેથી આદિથી જ (જગતની શરૂઆતથી જ) રાખેલી હતી.

પરસેવો પાડીને થતી મહેનતનું મહત્ત્વ ઘટતું જાય છે. સૌ કોઈને એસી કેબિનમાં બેસીને બૌદ્ધિક કામ કરવું છે. બીજાની પાસે પરસેવો પડાવીને એનું ફળ પોતાને જોઈએ છે અને એવું કરનારો જ આજની તારીખે સ્માર્ટ ગણાય. આવા વખતમાં ખલિલ જિબ્રાનને સાંભળો : શ્રમ એટલે પ્રેમનું સાકાર સ્વરૂપ. પણ જો તમે પ્રેમથી શ્રમ ન કરી શકતા હો, તો તો બહેતર છે કે તમે તમારું કામ છોડી દઈ, મંદિરનાં પગથિયાં પર બેસી, હર્ષપૂર્વક મહેનત કરનારાઓ પાસેથી ભીખને સ્વીકારી લો. કેમ કે, જો તમે બેદરકારીથી રોટલી શેકશો, તો તે કડવી થશે ને મનુષ્યની ભૂખને અડધી જ ભાંગશે.

દુઃખ વિશેની વાત કરતી વખતે ખલિલ જિબ્રાને કહેલું આ એક સાદું વાક્ય તમને કલાકો સુધી વિચારવા માટે મજબૂર કરે છે : તમારું ઘણું દુઃખ જાતે વહોરેલું હોય છે.

જિબ્રાનની આ વાત વિશે સહેજ અટકીને વિચારશો તો ખબર પડશે કે દુઃખની મોટા ભાગની પરિસ્થિતિઓ વાસ્તવિક કરતાં વધુ કાલ્પનિક જ હોય છે. કલ્પના કરીને વહોરી લીધેલા દુઃખને શાંત કરવા માટે કલ્પના કરીને સુખની સૃષ્ટિ સર્જવી પડે. જો તમે વિચારોમાં ઘસડાઈ જઈને તમારા માટે દુઃખની દુનિયા સર્જી શકતા હો તો એનો અર્થ એ થયો કે વિચારોની સૃષ્ટિ સર્જીને તમે સુખી પણ થઈ શકો છો.

ધર્મના આડંબરો વિશે ખલિલ જિબ્રાન જેવા સાધુપુરૂષના મનમાં આક્રોશ ન હોય તો જ નવાઈ. પણ આ આક્રોશ વ્યક્ત કરવાની એની રીત અત્યંત સૌજન્યશીલ છે. લખે છે : જે નીતિને (સદ્દગુણને) પોતાનું સારામાં સારું વસ્ત્ર ગણીને જ પહેરે છે, તે તેના કરતાં દિગંબર રહે તો વધારે સારું.

આપણી અંદર રહેલી શક્તિઓને ઓળખ્યા વિના આપણે બહારથી પ્રેરણા મેળવીને ઉત્કર્ષ સાધવાનાં ફાંફાં મારીએ છીએ. આપણને ખબર જ નથી કે આપણી અંદર કેટલો મોટો મૂલ્યવાન ખજાનો રહેલો છો. ખલિલ જિબ્રાન આ ખજાના વિશે ઈશારો કરીને તમારાથી વિદાય લે છે અને જતાં જતાં કહે છે : તમારી અંદર જે અત્યંત નબળું અને બાવરું જણાય છે તે જ સૌથી બળવાન અને દૃઢનિશ્ચયી છે.

આવું કહીને જિબ્રાન જતાવવા માગે છે કે તમારી આસપાસના તમામ ઘોંઘાટને જો શાંત થવા દેશો તો જ તમે તમારાં સ્વપ્નોનો ગણગણાટ સાંભળી શકશો, સર્વાઈવલનો ઘોંઘાટ એટલો બધો છે કે આપણે કયા હેતુસર આ પૃથ્વી પર આવ્યા છીએ એ સપનાંઓનો ગણગણાટ સાંભળી શકતા નથી. ‘વિદાય વેળાએ’નું વાંચન તમારા માટે આ જ કામ કરે છે : ઘોંઘાટને ફેડ આઉટ કરીને ગણગણાટને ફેડઈન કરવાનું.

લાઈફ લાઈન

વાતોડિયાઓ પાસેથી હું મૌનનું મહત્ત્વ શીખ્યો છું, અસહિષ્ણુઓ પાસેથી સહિષ્ણુતાનું અને નિર્દયીઓ પાસેથી દયાનું. આમ છતાં, કેવું કહેવાય કે આ ગુરુઓનો હું આદર કરતાં શીખ્યો નહીં.

ખલિલ જિબ્રાન

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.