એકસામટી નહીં, ટુકડે ટુકડે જિવાતી હોય છે જિંદગી

07 Nov, 2016
12:00 AM

સૌરભ શાહ

PC: aryadi.net

ફિલ્મોમાં, ટીવી પરની જાહેરખબરોમાં તમે રૂપાળી, પરફેક્ટ ફિગરવાળી, ગોર્જસ કપડાં પહેરેલી, મળતાવડી, જોતાંવેંત વહાલીવહાલી લાગે એવી છોકરીઓ જોઈ છે. તમને પણ એવા થવું છે.

તમે હેન્ડસમ, સક્સેસફુલ, યંગ, એનર્જેટિક, એથ્લેટિક અને સૌની કાળજી લે એવા છોકરાઓ પણ જોવા છે અને તમારે એવા બનવું છે.

તમારા ડ્રીમમાં કાં તો તમે ભવિષ્યમાં આવા હશો અથવા તમારો/તમારી લાઈફ પાર્ટનર આવાં હશે એવું તમે ધારી લીધું છે. પણ રિયલ લાઈફમાં તમારે વેલ મેનિક્યોર્ડ નેઈલ્સ હોય તોય રસોડામાં જઈને રોટલીનો લોટ બાંધવો પડે છે. રિયલ લાઈફમાં તમે રોજ સવારે ઘરની બહાર પગ મૂકો છો ત્યારથી મોડી સાંજે ઘરે પાછા આવો છો ત્યાં સુધી ધૂળ, પરસેવાવાળા વાતાવરણમાં કામ કરવું પડે છે. રિયલ લાઈફમાં તમે સદા હસમુખા નથી, ક્યારેક ચીડચીડા થઈ જાઓ છો, ક્યારેક મોઢું ચડાવીને બેસી જાઓ છો, ક્યારેક તમારી આંખોમાં-અવાજમાં એવી કરડાકી પ્રવેશી જાય છે જાણે સાક્ષાત રાવણ પ્રગટ થવાનો હોય.

સિનેમાના પડદા પર આગથી દાઝી જતા કે ખૂબ માર ખાતા કે કાર ચેઝ પછીની અથડામણમાં ઘાયલ થતા લોકોની તમને દયા નથી આવતી, એમના માટે અનુકંપા નથી થતી કારણ કે તમને ખબર છે કે આ બધું બનાવટી છે. વાર્તાના પ્રવાહમાં તમને ખેંચી જવા માટે આવા ટ્રેક્સ વાર્તામાં ઉમેરાતા હોય છે. પણ ફિલ્મોમાં કોણીનો ગોરો રંગ જેના ચહેરાના ગોરા રંગ સાથે મેચ થતો હોય એવી એક્ટ્રેસની તમને મીઠી ઈર્ષ્યા આવે છે. બેકલેસ ડ્રેસ પહેરેલી એક્ટ્રેસની પીઠ પર એકપણ ડાઘ નથી, ચોખ્ખીચણાક છે એવું જોઈને તમે પણ પાર્લરમાં જઈને બેકપૉલિશ કરાવી આવો છો પણ થોડાક દિવસો બાદ ફરી પાછી એ હતી એવી ને એવી થઈ જાય છે.

ફિલ્મોમાં, નવલકથાઓમાં, છાપા-મેગેઝિનમાં છપાતા લાઈફસ્ટાઈલ તથા ઈન્ટિરિયર ડેકોરેશનના વિશેના લેખોના ફોટામાં તમે જે જીવનશૈલી જોઈ છે એવી તમારે પણ જોઈએ છે. પણ આ લોકોએ તમને કહ્યું નથી કે સક્સેસફુલ લોકોમાંથી કેટલાને અનિંદ્રા, એસિડિટી અને કબજીયાતના વર્ષો જૂના રોગ છે. આ લોકોએ તમને કહ્યું નથી કે જે બ્યુટીફુલ કે વેલ મેઈન્ટેઈન્ડ છોકરીઓ તમને એમાં જોવા મળે છે એમનો વ્યવસાય છે સુંદર દેખાવનો. અને એટલે તેઓ સુંદર દેખાવા માટે રોજના છથી આઠ કલાક ગાળી શકે છે. અમુક ગાળા પૂરતો ક્રેશ ડાયેટ કરીને કર્વેશ્યસ બની શકે છે. એમને સુંદર દેખાડવા માટે એક આખી ફોજ હોય છે. અને એ પછી કેમેરા એન્ગલ્સ તથા લાઈટિંગથી તેઓને વધારે સુંદર બનાવવામાં આવે છે. છપાયેલી તસવીરો પર ફોટો શૉપની પીંછીઓ ફરતી હોય છે. આ લોકોની જે લાઈફસ્ટાઈલ જાહેરખબરોમાં જોવા મળે છે, તેમાં એમનું જે ઘર દેખાય છે તે એમનું ઘર નથી હોતું, એમનો જે સોહામણો પતિ દેખાય છે તે એમનો પતિ નથી હોતો - એ એમના જેવો જ ભાડૂતી માણસ છે જેની સાથે રોજના આઠ કલાકના હિસાબે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. પતિ-પત્નીનું જે તંદુરસ્ત, હસતું-રમતું બાળક છે તેનાં મા-બાપ કોઈક જુદાં જ છે. એમની આસપાસ ટોળે વળતાં મિત્રો-સગાં વગેરેને પણ કાસ્ટિંગ એજન્સીએ ચુની ચુનીને ભેગા કર્યા હોય છે. એમના ચહેરા પર ચિંતાની એકેય લકીર નથી અને એમની જિંદગી ખુશખુશાલ હોય એવું દેખાડવા એમના ચાલવામાં બાઉન્સ બતાવવામાં આવે છે. તેઓ જિંદગીમાં ક્યારેય થાકી-હારી નથી જતા એટલી બધી મેન્ટલ-ફિઝિકલ એનર્જી એમનામાં ભરી પડેલી છે.

અને તમે ભોળવાઈ જાઓ છો. તમારા રિયલ વર્લ્ડમાં તમને આ બધું જ જોઈએ છે. અને વર્ષો સુધી પ્રયત્નો કર્યા પછી આમાંનું કશું જ નથી મળતું ત્યારે તમે ફ્રસ્ટ્રેટ થાઓ છો, ભાંગી પડો છો, ડિપ્રેશનમાં સરી પડો છો, સાઈકીએટ્રિસ્ટની ટ્રીટમેન્ટ લઈને એમણે પ્રિસ્ક્રાઈબ કરેલી ભયંકર ગોળીઓનો લાઈફટાઈમ કોર્સ શરૂ કરી દો છો, ક્રમશઃ એ દવાની માત્રામાં વધારો થતો રહે છે અને તમારું જીવન હતું એના કરતાંય બદતર થઈ જાય છે. શેરડીના રસહીન કુચા જેવું બની જાય છે. રહ્યોસહ્યો રસ પેલી દવાઓએ ચૂસી લીધો હોય છે.

આ આખુંય વર્ણન જરા એકસ્ટ્રીમ છે. બધાંની સાથે આવું નથી થતું પણ આમાંથી ફિફ્ટી પર્સેન્ટ કે તેથી વધુ પરિસ્થિતિઓ દરેકની જિંદગીમાં સર્જાયેલી હોવાની, સર્જાતી રહેવાની. આનું કારણ શું? અને આનું નિવારણ શું?

કારણ એ કે આપણને બધું તૈયાર ભાણે જોઈએ છે. આપણે માની લીધું છે કે આ હીરોઈનોએ માત્ર ફુલફટાક થઈને ફરવાનું હોય છે. આ કરોડપતિ ઉદ્યોગપતિઓએ બોર્ડ મીટિંગમાં જઈને ચેરમેનની ખુરશી પર બેસીને થોડાક નિર્ણયો લઈને બાકીનું કામ એમની હાથ નીચેના માણસોને સોંપીને ગોલ્ફ રમવા નીકળી પડવાનું હોય છે, શેમ્પેઈનની રેલમછેલવાળી પાર્ટીઓમાં મહાલવાનું હોય છે અને સ્વર્ગથી ઊતરી આવી હોય એવી ટુ પીસ બિકીનીવાળી અપ્સરાઓ સાથે સ્વિમિંગ પુલમાં ધીંગામસ્તી કરવાની હોય છે.

કારણ એ કે કેટલે વીસે સો થાય છે એની તમને ખબર જ નથી. તમને ખબર નથી કે આ લોકોની લાઈફસ્ટાઈલ આવી છે એટલે એમની આટલીબધી કમાણી છે એવું નથી. એમની કમાણી એવી છે, એમનું કામ એવું છે એટલે એમની લાઈફસ્ટાઈલ આવી છે. તમારે સૌથી પહેલાં એવું કામ કરવું પડશે, એ કામના પરિણામે આવતી કમાણીને એટલી હદે ઊંચે લઈ જવી પડશે જ્યાં જઈને તમને આવી લાઈફસ્ટાઈલ અફૉર્ડ થાય. તમારું કામ એટલું મૂલ્યવાન હોવું જોઈશે કે એ કામની સરાહનાના પરિણામ સ્વરૂપે તમારું નામ એવડું મોટું થાય. એ કામ એટલું વ્યાપક હોય, એટલા બધા લોકોને ટચ થાય એવું હોય જેથી તમે તમારા બિલ્ડિંગની સોસાયટીમાં જ નહીં તમારા સમાજ, તમારી જ્ઞાતિમાં પણ ફેમસ થાઓ. તમારા શહેરમાં પણ ફેમસ થાઓ. આખા દેશમાં ફેમસ થાઓ. ઈન્ટરનેશનલ સ્તરે તમારું નામ ગાજે.

તમે કામ કર્યા વિના નામ કમાવવા માગો છો. તમે કામ કર્યા વિના દામ કમાવવા માગો છો. કારણ કે તમારા જે રોલમૉડેલ્સ છે એમણે કરેલાં કામ તમે જોતા નથી, માત્ર એમની રિચ એન્ડ ફેમસ લાઈફસ્ટાઈલ જ જુઓ છો.

તમારી પાસે વારસામાં મળેલું ચિક્કાર ધન હોય તો કદાચ તમે વગર મહેનતે રિચ હોઈ શકો પણ ફેમસ બનવા માટે તમારે પોતે મહેનત કરવી પડે. તમારા પૂર્વજો કે આ જન્મમાં તમારાં માતા-પિતા, પતિ-પત્ની કે સગાં-મિત્રો ફેમસ હશે તો તમે ફલાણાનાં દીકરી કે ઢીકણાંની પત્ની તરીકે ચાર જણ આગળ વટ પાડી શકશો પણ ખરેખર નામ કમાવવું હશે તો કામ કરવું પડશે. ખુદ ગાંધીજીના પુત્રો, પૌત્રો, ભત્રીજાઓ, વગેરેઓમાંથી જેમણે કંઈક કામ કર્યું તે જ જાણીતા થયા. બાકીનાઓ ફિફ્ટીન મિનિટ્સની મીડિયા ફેમ પામીને કાળની ગર્તામાં ધકેલાઈ ગયા.

નિવારણ, મોટા માણસ બનવું હોય તો મોટાં કામ કરવાં પડે. મોટાં કામની શરૂઆત નાનાં નાનાં કામથી થાય જે રોજ કરવાં પડે. થાક્યા વિના અવિરત કરવાં પડે. તમે માત્ર મારે એવરેસ્ટના શિખરે પહોંચવું છે એવું ખ્વાબ સેવ્યા કરો, એને લગતી ચોપડીઓ વાંચ્યા કરો, એને લગતા ટીવી પ્રોગ્રામ્સ જોયા કરો તો દસ વર્ષેય એવરેસ્ટ સર નહીં કરી શકો. એના માટે તમારે ઘરની બહાર નીકળીને પહેલાં તો શરીર ફિટ બનાવવા જિમ જોઈન કરવું પડશે, ચાલવું-દોડવું પડશે. પછી પર્વતારોહણની તાલીમ લેવી પડશે. ટ્રેકિંગનો અનુભવ મેળવવો પડશે. વર્ષોના અનુભવ અને તાલીમ પછી તમે એવરેસ્ટ આરોહણની ટુકડીમાં તમે નામ લખાવી શકશો જેના માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે. અને નામ લખાવ્યા પછી તમે સડસડાટ શિખરે પહોંચી જશો એવી કોઈ ગેરન્ટી નથી. બેઝ કેમ્પ જતાં સુધીમાં જ અનેક અગવડોનો સામનો કરવાનો આવશે. બેઝ કેમ્પથી શિખરે જતાં જતાં કેટકેટલીય કુદરતી આપત્તિઓનો સામનો કરવાનો આવશે. આ બધું જ કરવા માટે તમારે તન-મન-ધનથી નીચોવાઈ જવું પડે.

તમારા દીવા સ્વપ્નોમાં જે રૂપાળી છોકરીઓ અને હેન્ડસમ છોકરાઓ દેખાય છે, જે ફેમસ સ્ત્રી-પુરૂષો દેખાય છે તે બધાએ પોતપોતાનાં તન-મન-ધન નીચોવેલાં છે. આમાનું કોઈ એક ધડાકે એવરેસ્ટ પર ચડી ગયું નથી. તમારે અધીરા બન્યા વિના, ડેસ્પરેટ બન્યા વિના, રોજ એકએક ડગલું મહેનત કરવી પડશે. ડગલું ભરીને તરત મેઝરમેન્ટ નહીં લેવાનું કે કેટલે સુધી પહોંચ્યા. ડગલાં ભર્યા કરવાનાં. રોજ સાતેય દિવસ ને બારે માસ. આજે આ તકલીફ આવી અને કાલે પેલો નહીં ગયો એવા બહાનાં કાઢ્યાં વિના ચાલતાં રહેવાનું. કેપેસિટી વધારતાં જવાનું. શારીરિક તેમ જ માનસિક કેપેસિટી- બેઉ વધારતાં જવાનું.

જિંદગી એટલી મોટી છે કે એકસામટી કોઈ જીવી શકે નહીં. આ એટલો મોટો લાડવો છે કે આખેઆખો મોઢામાં નહીં મૂકી શકાય. એને રોજ એક એક કણ તોડીને મોઢામાં મૂકવો પડે. અધીરા બનવા જશું તો આખો લાડવો હાથમાંથી સરી જશે અને આવેલી તક વેડફાઈ જશે.

ગ્લેમરસ લાઈફ જીવતાં પહેલાં અનેક બિન ગ્લેમરસ કામ કરવાની તૈયારી છે તમારી? તો જ એવાં સપનાં જોવાનાં અન્યથા જે છે એમાં ખુશ રહેવાનું, નહીં તો જે છે તે તેનોય સ્વાદ જતો રહેશે.

લાઈફ લાઈન

હું આવતી કાલે સર્જાનારા કોઈ અકળ ભવિષ્ય માટે બેસી નહીં રહું. કંઈક બને એવી રાહ નહીં જોઉં. એમાં તો આખી જિંદગી વીતી જવાની અને જિંદગીના અંતે કંઈ જ નહીં બને. હું આજે શરૂઆત કરીશ, અહીંથી જ આરંભ કરીશ. રોજ કંઈક એવું કર્યા કરીશ જેને કારણે મને જે જોઈએ છે એવું ભવિષ્ય મને દેખાય.

- લુઈ લે'મૉર

(1908-1988, અમેરિકન નોવેલિસ્ટ, વાર્તાકાર)

www.facebook.com/saurabh.a.shah

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.