મૈત્રીની જેમ દુશ્મનીનો સ્વાદ પણ ચાખવો જોઈએ

04 Jan, 2016
12:00 AM

mamta ashok

PC:

ગયા વરસે આદરેલી વાત આ વરસે પૂરી કરીએ. લાસ્ટ સોમવારનો લેખ ન વાંચ્યો હોય તો વાંચી લેશો, નહીં તો આજનો લેખ ધડ-માથા વિનાનો લાગવાનો.

પંદર ક્વોટ્સ ગયા લેખમાં હતા, બાકીના પંદર આ રહ્યાં. 365 ગુણ્યા 4 માંથી ચૂંટેલા આ ત્રીસ ક્વોટેબલ ક્વોટ્સ છે, મારા મૌલિક વિચારો છે :

  1. ઉત્તમ સંબંધ એ છે જે તમારામાં રહેલી ઉત્તમ બાબતોને બહાર લાવે, તમારામાંની નકામી વસ્તુઓનો ધીમેધીમે નાશ કરી નાખે.
  1. કોઈ વ્યક્તિ માટે કોઈ એક સમયે લાગણી જન્મી હોય તો જન્મતાની સાથે જ જીવનની મૂડી બની જાય. ભવિષ્યમાં એ વ્યક્તિ માટે એવી જ લાગણી ન રહે તો એને કારણે મૂળ મૂડીમાંથી કશું ઓછું નથી થતું.
  1. કોઈને લાગે કે પોતાની અમુક વર્તણૂક કે પોતાના અમુક વિચારો સામેની વ્યક્તિને નહીં ગમે ત્યારે એમની સ્વીકૃતિ મેળવવા એમને જેવું ગમે તેવું સત્ય ઉચ્ચારવામાં આવે તે પણ જુઠ્ઠાણાનો જ એક પ્રકાર થયો.
  1. મદદની અપેક્ષા હોય અને ન મળે ત્યારે પોતાની લાચારી બદલ ચૂપચાપ, મનોમન બે આંસુ સારી લેવાનાં અને આંખ લૂછી પોતાની પ્રતિભા દ્વારા પોતાની બેહાલી દૂર કરવા પ્રયત્નો શરૂ કરવાના. મદદ ન મળે ત્યારે પ્રતિક્રિયા ન હોય. આખરે તો કોઈએ મદદ જ નથી આપી, તમારો હક તો નથી ડુબાડ્યો.
  1. કેટલાક લોકો સતત શંકાના, દુઃખના અને ઇર્ષ્યાના વિચારો સાથે જીવે છે અને પોતાનું જીવન દોઝખ બનાવી દે છે.
  1. કોઈ એક ચોક્કસ કિસ્સામાં કે એક કરતાં વધુ પરિસ્થિતિમાં વ્યક્તિએ પ્રામાણિકતા દેખાડી હોય તો માત્ર એ જ કારણસર એનામાં છુપાઈને બેઠેલી અપ્રમાણિકતા નામશેષ થઈ જતી નથી.
  1. જીવનમાંથી કોઈક સંબંધની બાદબાકી થઈ જશે કે કોઈક સંબંધ નહીં ઉમેરાય તો જીવન અધૂરું રહી જશે એવી અસલામતીથી પીડાતા લોકો એ સંબંધ સિવાયના એમના જીવનના બાકીના હિસ્સામાંથી મળતા આનંદને માણવાનું ગુમાવી બેસે છે.
  1. મા-બાપ સહિત સહુ કોઈને તમે લાખોમાં એક હો તો બહુ ગમે. પણ ખરેખર તમે જ્યારે લાખોમાં એક બનવાનો પ્રયત્ન શરૂ કરો છો ત્યારે કહે : આવું તે કંઈ થતું હશે? એનો ગર્ભિત અર્થ એવો કે બાકીના 99,999 લોકો જેવું જ તમારે વિચારવું, અનુભવવું અને કરવું.
  1. બે દેશની સરહદો વચ્ચે અડધો કિલોમીટર પહોળી પટ્ટીનો વિસ્તાર નો-મેન્સ લૅન્ડ. એ જમીન પર બેઉમાંનો કોઈ દેશ દાવો ન કરી શકે એ જમીન તારી નથી, મારી છે. જ્યાં મારું-તારુંના વિવાદને અવકાશ નથી તે પ્રદેશ નો-મેન્સ લૅન્ડ. નો-મેન્સ લૅન્ડનું કામ બે રાષ્ટ્ર વચ્ચેની સાઠમારી ટાળવાનું. તસુએ તસુ જમીનને નકશામાં સમાવી લેવાને બદલે થોડું હું જતું કરો, થોડું તમે જતું કરો એવા ભાવ સાથે દુનિયાના તમામ દેશોએ - પરસ્પર ગમે એટલી દુશ્મનાવટ હોય તો પણ - આ વ્યવસ્થા સ્વીકારી. રોજની કેટલીક ક્ષણોને નો-મેન્સ મોમેન્ટ્સ બનાવી શકીએ? કોઈનેય આધીન ન હોય એવી ક્ષણો, કોઈની જીદ વિનાની હોય, ન એની હોય - ન મારી હોય એવી ક્ષણો. નિર્ભય બનીને ટહેલતી આ સાહજિક ક્ષણોના બફર ઝોનનું કામ બે વિચારો વચ્ચેની સાઠમારી ટાળવાનું.
  1. મસ્તી અને સુસ્તી વચ્ચે સતત ઝોલાં ખાતું મન, પરિસ્થિતિ એક સરખી હોય તોય, ચોવીસે કલાક ને ત્રણસો પાંસઠ દિવસ એકસરખી પ્રતિક્રિયા આપી શકતું નથી.
  1. કઈ વ્યક્તિ સાથે કેવું બને એનો આધાર માત્ર નસીબ નથી.
  1. કોઈકના મૃત્યુ પછી એ વ્યક્તિનાં સારાં પાસાં વિશે વિચારતી વખતે લાગે કે આ જ બધી વાતો એ વ્યક્તિ જીવતી હતી ત્યારે એમને કહી દીધી હોત તો તમને કેટલો સંતોષ મળ્યો હોત.
  1. આસપાસની દુનિયામાં બધા જ ખરાબ છે, મારા કરતાં ઉતરતા છે, મારા વિચારો સામે બંધબેસે એવું આ દુનિયામાં કોઈ નથી એમ વિચાર્યા કરવાથી માણસનું વ્યક્તિત્વ એક તબક્કે ખાબોચિયા જેવું બની જવાનું.
  1. મૈત્રીની જેમ દુશ્મનીનો સ્વાદ પણ ચાખવો જોઈએ.
  1. વર્ષોથી જેની આશંકા (કે પછી આશા) હોય એ ઘટના છેવટે બની રહી હોય તે વખતે બધું જ એકાએક થઈ રહ્યું હોય એવું લાગે છે. પણ કશુંય એકાએક થતું હોતું નથી. કાળનું સર્જન ધીમી પણ નિશ્ચિત ગતિએ સતત થતું રહે છે. આપણું ધ્યાન એ તરફ હોય કે ન હોય, એકાએક બનતી લાગતી ઘટનાઓનું પિંડ વર્ષોથી ઘડાતું આવતું હોય છે.

 

લાઈફ લાઈન

સારું વાક્ય લખનારને પહેલી સલામ અને બીજી એ વાક્ય ટાંકનારને.

- રાલ્ફ વાલ્ડો એમર્સન

www.facebook.com/saurabh.a.shah

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.