નવા વર્ષમાં કામ લાગે એવા વીતેલા વર્ષોના વિચારો
2015ની સાલ સારી વીતી અને 2016નું વર્ષ એના કરતાં વધારે સારું જવાનું છે. ઈસુના નવા વર્ષમાં મારાં કેટલાંક નવાં પુસ્તકો પ્રગટ થવાનાં છે, કેટલાંક આઉટ ઑફ પ્રિન્ટ પુસ્તકોની નવી આવૃત્તિ પ્રગટ થવાની છે, અને કેટલાંક પુસ્તકો હું પહેલીવાર લખવાનો છું. નવાં પ્રગટ થનારાં પુસ્તકોમાંના એકનું નામ છે : ‘ઝિંદગી મિલેગી ના દોબારા’! હા, આ જ કૉલમમાં પ્રગટ થયેલા મને લખતી વખતે ગમેલા અને તમને વાંચતી વખતે ગમેલા કેટલાક ચુનંદા લેખોનો એ સંગ્રહ છે.
બીજાં કેટલાંક પુસ્તકોમાંથી હું જેની સૌથી વધારે રાહ જોઈ રહ્યો છું તે છે : ‘ગુડ મૉર્નિંગ 365’, મેં અત્યાર સુધી કરેલા સર્જનમાંથી જે મારા પોતાના, અર્થાત્ મૌલિક, ક્વોટેબલ ક્વોટ્સ (કહેતાં વિચાર મૌક્તિકો)ને ચૂંટીને આ પુસ્તક બનાવાયું છે. એની સાથે ‘ગુડ આફ્ટરનૂન-365’, ‘ગુડ ઈવનિંગ-365’ અને ‘ગુડ નાઈટ - 365’ પણ એ જ સિરીઝમાં પ્રગટ થઈ રહ્યાં છે. મને પોતાને આશ્ચર્ય થયું આ સંપાદન જોતાં કે કુલ 1,400થી વધુ ક્વોટેબલ ક્વોટ્સ મારો અત્યાર સુધીના પ્રગટ થઈ ચૂકેલાં વિવિધ પુસ્તકોમાંથી તારવી શકાયા. જે લખાણો પુસ્તક રૂપે પ્રગટ નથી થયાં એમાંથી આવા ક્વોટ્સ તારવવાનું કામ ભવિષ્યમાં અત્યારે તો આ ચાર પુસ્તકોમાંથી 30 સેમ્પલ આપીને 2016ના વર્ષ માટેની શુભેચ્છા આપું તમને સૌને:
- પ્રેમની પ્રત્યક્ષ ક્ષણોમાં મળેલી સમૃદ્ધિ જીવનના બાકીના સમયમાં છલકાય તો તે પ્રેમ સાચો.
- સંબંધમાં કમિટમેન્ટ અનિવાર્ય. પણ કેવું કમિટમેન્ટ? સંબંધને ઉછેરવા માટે, એને વિકસાવવા માટે, એને પૂરતી મોકળાશમાં ખીલવવા માટે હું મારાથી બનતું બધું જ કરીશ, એ માટે મારે મારામાં જે કંઈ ઉમેરવું પડે અને/અથવા જે કશાની બાદબાકી કરવી પડે તે બધું જ કરીશ. તમારી જાત સાથે આ કમિટમેન્ટ કર્યું હોય તો બીજું કોઈ કમિટમેન્ટ્સ કરવાની જરૂર રહેતી નથી.
- પ્રયત્ન વિના કશું ટકી શક્યું નથી. ચાહે એ મૈત્રી હોય યા લગ્ન. એક વખત સંબંધ બંધાયો એટલે હવે એ સંબંધ કાયમી છે એવું માની લેતા લોકો વખત જતાં સંબંધ પ્રત્યે બેદરકાર થઈ જાય છે. જેને સતત માંજીને ઊજળા રાખવાના હોય એવા સંબંધ પ્રત્યે બેધ્યાન થઈ જવાથી વખત જતાં એને કાટ લાગે છે.
- ઈનામો અને પારિતોષિકોની ભૂખ કોઈનેય છોડતી નથી. નાના-મોટા એવોર્ડ મળી જાય ત્યારે મેળવનારને લાગે કે આપણને સમાજમાં રેકગ્નિશન મળી ગયું, આપણા પોતાના કાર્યક્ષેત્રના લોકો સમક્ષ વાહ વાહ થઈ ગઈ. એવું કશું થતું નથી. જે છાપામાં ફોટો છપાયો હોય એ છાપામાં બીજે દિવસે ગાંઠિયા સાથે પપૈયાની ચટણી બંધાય છે ત્યાં સુધી જે ખ્યાતિ ટકે છે. જેણે જિંદગીમાં ક્યારેય ઈનામો, પારિતોષિકો કે અવોર્ડસની લાલચ રાખી નથી એવા દુશ્મનની પણ પ્રશંસા કરવી જોઈએ.
- કીર્તિ કે પ્રસિદ્ધિ મળી જવી કે નામ થઈ જવું એ સફળતા નથી. પાંચ વરસ પહેલાં સતત જેમનું નામ ગાજતું હતું એવી તમારા જ ક્ષેત્રની વ્યક્તિઓનાં નામ યાદ કરો. આજે તેઓ ક્યાં છે. પચ્ચીસ વર્ષ પહેલાં જેમના માટે લાગતું હતું કે આ લોકો જીવતે જવ અમર થઈ ગયા, તેઓ આજે જીવે છે કે ગુજરી ગયા એની કોઈને ખબર નથી.
- મને ખબર છે કે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ સાથે હોય તોય યુદ્ધ લડવું પડતું હોય છે. મારે પણ લડવું પડશે. મારે ટાળવું નથી એને. એટલી જ પ્રાર્થના કરવી છે કે એવા સમયે નાહિંમત થઈને, કાયર બનીને હું બેસી ન પડું. અર્જુનને સમજાવવા ભગવાન પાસે સમય જ સમય હતો. પૂરા અઢાર અધ્યાય જેટલો. મને સમજાવવા એ ક્યાંથી આવે. મારા જેવા કરોડોને એણે સમજાવવાના છે. વળી, એ આવે તો અર્જુન માટે આવે. હું એવી પાત્રતા ક્યાંથી લાવું? મારે પોતે જ મને ગીતા સંભળાવવી પડશે.
- મિત્રો અને સ્વજનો સાથે વહેંચી શકાય એવી સૌથી મોંઘી મૂડી છે વાતો દ્વારા વહેંચાતી લાગણીઓની મૂડી, શબ્દો છેતરામણા હોય છે એવું ઘણી વાર સર્જકો પોતે જ કહી નાખતા હોય છે. પણ એમાં શબ્દોનો શું વાંક. કોઈ એનો ઉપયોગ બીજાને છેતરવામાં કરે તો કોઈ બીજા સુધી પહોંચીને એનામય થઈ જવા માટે શબ્દોનો સહારો લે. પાણીના આધારે ટકતા મનુષ્યોમાંનું કોઈક આ પાણીનો ઉપયોગ કૂવામાં ડૂબીને આપઘાત કરવા માટે કરે એમાં પાણીનો શું વાંક? માણસના ગયા પછી જે યાદ રહી જાય છે તે એના શબ્દો, શબ્દો દ્વારા પ્રગટ થયેલી લાગણીઓ.
- પ્રેમ એટલે શું? એકબીજાની સાથે રહીને જે અનુભવ થાય તે પ્રેમ? કે પછી દૂર રહીને પણ જે લાગણી થતી રહે એ પ્રેમ? સ્પર્શાતુ ઈચ્છાઓનો વિસ્ફોટ એટલે પ્રેમ? કે એ ઈચ્છાઓનું ઓગળી જવું એટલે પ્રેમ? પ્રેમ એટલે સમાધાન કરીને સચવાય એટલી સાચવી લીધેલી સંબંધની ક્ષણો, પ્રેમ એટલે સલામતીની સતત તૂટતી રહેલી દીવાલોની બાકી રહી ગયેલી ઈંટો અને પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર.
- જીવનમાં શું કરવું એનો નિર્ણય જેટલો અગત્યનો છે એટલું જ અગત્યનું એ નક્કી કરવાનું છે કે કોની સાથે એ બધું કરવું છે.
- વ્યક્તિઓની વચ્ચે જે તૂટે છે તે જ સંબંધ છે. તૂટ્યા પછી પણ ટકી રહે એ સંબંધ નહીં, વ્યવહાર છે.]
- તમાચો અને ચુંબન સ્પર્શનાં બે અંતિમો છે.
- જિંદગીમાં વિકલ્પો ક્યારેય ખૂટતા નથી. જે ઝડપી શકાઈ નથી એ તક ક્યારેય છેલ્લી હોતી નથી.
- મન તીવ્રતાથી જે દિશા ચીંધ્યા કરતું હોય તે જ જીવનનો સાચો માર્ગ.
- લેનારને એની લાચારીનો અહેસાસ કરાવીને અપાયેલી કિંમતોમાં કિંમતી ચીજ કે અમૂલ્યમાં અમૂલ્ય લાગણી ધૂળ બરાબરની થઈ જાય.
- પ્રેમમાં ખુવાર થઈ જવાનું ન હોય. પ્રેમ પામવા જતાં જિંદગી પોતે જ બરબાદ થઈ જવાની હોય તો એ પ્રેમનો શું અર્થ?
2015ના અંતને માણવા માટે આટલા પૂરતા છે, બાકીના પંદર 2016ના પહેલા સોમવારે.
લાઈફ લાઈન !
એક સારું ક્વોટેશન અક્કલવાળા માણસના હાથમાં જાય તો ડાયમન્ડ છે અને બેવકૂફના હાથમાં એની કિંમત કાંકરા જેટલી છે.
- જોસેફ રુ
(ફ્રેન્ચ પ્રીસ્ટ અને પોએટ)
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર