ધર્મગ્રંથોનાં નવાં અર્થઘટનો

21 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

ભાગવત્ સપ્તાહોથી તમારામાંના ઘણા પરિચિત હશે. સ્વામી સચ્ચિદાનંદે ‘શ્રી કૃષ્ણલીલા રહસ્ય’માં ભાગવતમાં વર્ણવવામાં આવેલી ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય લીલાઓનું આધ્યાત્મિક રીતે અર્થઘટન કર્યું છે અને તે પહેલાં એમણે એવું સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે કે, આ કૃષ્ણ લીલાઓનું ઘટનાત્મક કે વ્યાવહારિક રૂપ વાસ્તવમાં શક્ય નથી. માટે જ એને પ્રતીકરૂપે ગણીને, એનો યથાતથ સ્વીકાર કરવાને બદલે, એનું આધ્યાત્મિક અર્થઘટન કરવું જોઈએ.

સ્વામી સચ્ચિદાનંદમાં આધુનિક વિચારસરણી તથા સંપૂર્ણ સંતભાવનાનો વિરલ સંગમ છે અને એટલે જ ચાર દાયકાઓથી તેઓ યુવાનોમાં પણ ખાસ્સા વંચાય છે, સંભળાય છે. હું એમના ઘણા વિચારોથી પ્રભાવિત છું (મારો પ્રથમ નિબંધસંગ્રહ મેં એમને અર્પણ કર્યો, બીજો મારાં માબાપને). તેઓ માને છે કે, આધ્યાત્મ માર્ગની શ્રેષ્ઠ સાધના ભક્તિમાર્ગ છે અને ઈશ્વર-શરણાગતિ વિના આધ્યાત્મમાર્ગ લુખ્ખો તેમ જ અહંભાવને પોષતો થઈ જતો હોય છે. સચ્ચિદાનંદજી કહે છે કે, શ્રદ્ધા વિના ભક્તિમાર્ગ શક્ય નથી અને પ્રત્યેક શ્રદ્ધા દરેકને માટે બુદ્ધિગમ્ય, તાર્કિક બનાવી શકાતી નથી. તેના, શ્રદ્ધાના, કેટલાક અંશ બુદ્ધિગમ્ય બને છે તો કેટલાક બુદ્ધિથી પર રહી જાય છે.

આટલું સમજાવ્યા પછી તેઓ ભારપૂર્વક જે વાત સમજાવવા માગે છે તેનો એક એક શબ્દ સમજીને આ બે વાક્યો વાંચવાના : ‘શ્રદ્ધા જ્યારે બુદ્ધિ વિરુદ્ધની પ્રક્રિયા બની જાય ત્યારે અંધશ્રદ્ધા અને વેવલાપણું પ્રગટે છે. એક વિવેકી ભક્ત તથા એક વેવલા ભક્તમાં બહુ મોટું અંતર હોય છે.’

ધર્મગ્રંથોનાં નવાં અર્થઘટનો કર્યા વિના દરેક જમાનાનો છૂટકો નથી. સમયની સાથે મૂલ્યો, સિદ્ધાંતો, નીતિમત્તામાં પાયાના ફેરફારો ન થાય પરંતુ એનો જીવનમાં અમલ કરવાની રીતિઓમાં જરૂર વત્તા-ઓછા ફેરફારો કરવા પડે. જીવનની આધ્યાત્મિક રીતિ પ્રગટ કરવા માટે લખાયેલા ધર્મગ્રંથોનું નવું અર્થઘટન આ માટે જ જરૂરી છે.

કનૈયાલાલ મુનશીએ ‘કૃષ્ણાવતાર’ના મહાલેખનની પૂર્ણાહુતિ કરતાં કહ્યું હતું, ‘આ લેખનમાં ઘણી વાર મહાભારત કે પુરાણમાંનાં પ્રસંગનિરૂપણોને મેં નવા અર્થમાં ઘટાવ્યાં છે. અર્વાચીન સર્જક જ્યારે પ્રાચીન જીવનનું નિરૂપણ કરે ત્યારે તેણે પોતાની કલ્પનાનો આશ્રય લેવો જ પડે છે. મને શ્રદ્ધા છે કે મેં જે છૂટ લીધી છે એ માટે ભગવાન શ્રીકૃષ્ણ મને ક્ષમા કરશે, પણ શ્રીકૃષ્ણને મેં જે રીતે જોયા છે એ રીતે જ મારે નિરૂપવા જોઈએ.’

આ તબક્કે મારે પણ અગાઉના હપતામાં કહેલી વાત દોહરાવવી છે કે આત્મા એટલે શુંની નવી વિચારણા બદલ અગાઉ આ વિષયના વિવરણકારો મને ક્ષમા કરે. તેઓ ખોટા છે એવું કહેવાનો મારો આશય નથી પણ મારે મારાં જે વિવરણો કે અર્થઘટનો હોય તેને મારી રીતે જ નિરૂપવાં જોઈએ.

સૌથી પહેલા લેખના આરંભે જેમનો ઉલ્લેખ થયો તે સ્વ. ચીમનલાલ જે. શાહે મૃત્યુના થોડાક વખત પહેલાં પોતાના જીવન વિશે આલેખેલા વિચારો એમની પ્રાર્થનાસભામાં શોકાતુર સ્વજનો સુધી પહોંચાડવામાં આવ્યા હતાંઃ

‘પ્રત્યેક વ્યક્તિને શાંતિ જોઈએ છે, પણ મને શાંતિ છે, મને સંતોષ છે. હું પ્રસન્ન છું, મને કોઈ ફરિયાદ નથી. મને કોઈ વિષય નથી. હું પ્રત્યેક પળ આનંદમાં રહું છું. મારા દિલના નાનકડા મંદિરમાં મારા ભગવાન સાથે હું મસ્તીમાં છું. આવું કેટલા કહી શકે છે? જીવન ઉપવન (બગીચા) જેવું નથી, જંગલ જેવું છે અને એટલે જ આપણે, એક વિચારધારાવાળી વ્યક્તિ આપણને મળશે, એવી આશા રાખવી નહીં. આપણે હા એ હા કરવું. કોઈ અપેક્ષા રાખવી નહીં. કદાચ આ માર્ગે શાંતિનો અનુભવ થાય.’

સ્વ. ચીમનભાઈ એમની હયાતિ દરમિયાન શાંતિ-સંતોષ-પ્રસન્નતા અનુભવતા રહ્યા એનો અર્થ એ કે તેઓ મોક્ષ પામ્યા. મોક્ષ કોઈ મર્યા પછી મેળવવાની લાગણી નથી. જીવતેજીવ જ પ્રાપ્ત કરવાનો હોય એને. ગાંધીજીએ ભગવદ્દ ગીતાનો સરળ ગુજરાતી અનુવાદ ‘અનાસક્તિયોગ’ નામે કર્યા પછી એની જે અદ્દભુત દીર્ઘ પ્રસ્તાવના લખી છે એમાં એમણે મોક્ષની એકદમ ગળે ઊતરે એવી વ્યાખ્યા આપી છે. ગાંધીજીને ગીતા વિશે ટિપ્પણ કરવાનો સો ટકાનો અધિકાર છે, આવો અધિકાર ગીતાનાં ભાષ્ય લખનારા તમામને પ્રાપ્ય નથી હોતો. ગાંધીજીએ ગીતાનો અનુવાદ કરતાં પહેલાં આડત્રીસ વર્ષ સુધી ગીતાના બોધ મુજબ જીવવાની કોશિશ કરી છે એવું એમણે પોતે જ કહ્યું છે.

‘અનાસક્તિયોગ’ની પ્રસ્તાવનામાં ગાંધીજીએ એક તબક્કે લખ્યું છે : ‘સાધનની પરાકાષ્ઠા તે જ મોક્ષ અને ગીતાનો મોક્ષ એટલે પરમ શાંતિ.’

રોજિંદા વ્યવહારોમાં થતાં કકળાટ, કંકાસ, કજિયા અને ક્લેશ ઓછાં થઈ જાય અને ઘટતાં ઘટતાં તદ્દન નહિવત્ થઈ જાય અને તમે જાગૃતિના તેમ જ નિંદ્રાવસ્થાના બને એટલા વધુ સમય દરમિયાન પરમ શાંતિ અનુભવતા રહો એનો અર્થ એ જ થયો કે તમે મોક્ષ (અર્થાત્ મુક્તિ) મેળવી રહ્યા છો, મોક્ષ માણી રહ્યા છો. મોક્ષની આ સિવાયની અન્ય કોઈ અટપટી અને ક્યારેક બૂરી રીતે ભરમાવી દે એવી વ્યાખ્યાઓમાં અટવાઈ જવાને બદલે ‘મોક્ષ એટલે પરમ શાંતિ’ વાળી ગાંધીજીની વ્યાખ્યા વિશે વધુ ચિંતન કરવું સારું.

સ્વ. ચીમનલાલ જે. શાહનો આત્મા મોક્ષ પામી ચૂકેલો આત્મા હતો. એમણે મને કે કોઈનેય એવું પૂછવાની આવશ્યકતા જ નહોતી કે : આત્મા એટલે શું?

લાઈફ લાઈન

આવતી કાલ ક્યારેય નથી આવતી. જે છે તે આજ છે.

- ઓશો

www.facebook.com/saurabh.a.shaha

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.