નવા વર્ષની શરૂઆત કરતી વખતે
વિક્રમ સંવત 2071 પૂરી થઈને 2072 શરૂ થશે એના પહેલા દિવસે કરવા જેવા કેટલાક સંકલ્પો વિશે થોડી અંગત વાત કરવી છે. વીતેલાં વર્ષોમાં નવા વર્ષના સંકલ્પો વિશે ઘણું લખ્યું - ક્યારેક સિરિયસલી તો ક્યારેક હ્યુમરસલી. પણ આજે પહેલીવાર પર્સનલી લખી રહ્યો છું. પર્સનલી એટલા માટે કે મારા આ સંકલ્પો હું ખરેખર મારી જિંદગીમાં અમલમાં મૂકવા માગું છું.
આમાંના ઘણા બધા સંકલ્પો સાથે તમે પણ આઈડેન્ટિફાય કરી શકશો અને કેટલાક સાથે તમને કોઈ લેવાદેવા ન હોય એવું પણ બને. બીજું, અત્યારે આ ઘડીએ- જીવનના આ તબક્કે મને આ સંકલ્પો કરવાનું મન થાય છે. ગયા વર્ષની વાત જુદી હોત, કદાચ અને 2073ના વર્ષની વાત પણ જુદી હોય, કદાચ.
પ્રથમ સંકલ્પ : તબિયતની કાળજી રાખવી છે. અડધી જિંદગી જર્નલિઝમમાં ગઈ - નાઈટ શિફ્ટસ, રખડપટ્ટી, ખાવાનાં ઠેકાણાં નહીં. શરીરનો બહુ દુરૂપયોગ કર્યો. એમાં વળી વ્યસનો ઉમેરાય - દારૂ, સિગરેટ. ટચવુડ કે હજુ સુધી કોઈ એવી બિમારી નથી. મારા પ્રિય વડીલ અને ડૉક્ટર મિત્ર ડૉ. મનુ કોઠારી ગયા વર્ષે 79ની ઉંમરે ગુજરી ગયા એના થોડાક મહિના પહેલાં હું ફ્રોઝન શોલ્ડરની ફરિયાદ લઈને એમની પાસે ગયો હતો ત્યારે એમણે મને તપાસીને કહ્યું હતું કે બ્રાન્ડ ન્યૂ બી.એમ.ડબલ્યુના એન્જિન જેવું શરીર છે તારું, બસ થોડુંક ફાઈન ટ્યૂન કરાવવાની જરૂર છે. ફ્રોઝન શોલ્ડરની ફરિયાદ તો કોઈ જ ઈલાજ વિના થોડા અઠવાડિયામાં દૂર થઈ ગઈ પણ ફાઈન ટ્યૂનિંગનું કામ હજુ શરૂ થયું નથી. પૂરતી ઊંઘ, નૉર્મલ આહાર અને ખપ પૂરતો વ્યાયામ - આ ત્રણ બાબતોથી શરીરનું ફાઈન ટ્યૂનિંગ થતું રહેવાનું.
આ મહિનાના આરંભે મારા વતન દેવગઢ બારિયાની મુલાકાત લીધી. મારા પરદાદાના જમાનાથી જેઓ અમારા ખૂબ નજીકના કૌટુંબિક મિત્ર છે એમની સોમી વર્ષગાંઠની ઉજવણી હતી. પાછા આવતાં વડોદરા રોકાયો, ગુણવંત શાહને મળ્યો. આવતા વરસે એમને 80મું બેસશે. શું કામ બારિયા ગયો હતો તે એમને કહ્યું અને ઉમેર્યું કે તમે પણ 100 વર્ષના થવાના. એ કહે કે નહીં થવાય, એક હાર્ટ એટેક તો આવી ગયો છે. મેં કહ્યું, તેથી શું થયું? તમે જિંદગીમાં ક્યારેય તમારું બૉડી એબ્યુઝ કર્યું નથી. ખાવામાં, ચાલવામાં અને પૂરતી ઊંઘ લેવામાં બધી જ કાળજી લીધી છે. ગુણવંતભાઈ કહે કે, તોય ડાયાબિટીસ થયો પાછલી ઉંમરે. મેં કહ્યું, એ તો સ્ટ્રેસને લીધે. ક્રિયેટિવ માણસને સ્ટ્રેસ રહેવાનો. અને તમે સતત કાર્યરત છો એટલે તમારું મશીન લાંબુ ચાલવાનું.
મારા મનમાં અત્યારે સતત આ જ વાત ઘોળાયા કરે છે કે લખવાનું મારું મશીન અર્થાત ભેજું સતત કાર્યરત રહેવું જોઈએ અને સાબૂત દિમાગ એવા જ શરીરમાં શોભે જે પોતે સાબૂત હોય. શારીરિક રીતે સાવ નંખાઈ ગયા હોઈએ અને દિમાગ સડસડાટ ચાલતું હોય તો લાઈફમાં ઇમ્બેલેન્સ સર્જાય. એક પગ બાંધીને રેસમાં ઊતર્યા હોઈએ એવું લાગે. માટે જ સંવત 2072ની પ્રાયોરિટી મારી તબિયત અત્યારે જેવી છે એવી જ આવતાં દસ, વીસ, ત્રીસ, ચાલીસ કે ચુમ્માળીસ વર્ષ સુધી રહે તે માટે જે કંઈ કરવું પડે તે કરવાની.
બીજો સંકલ્પ, આયુષ્ય કેટલું છે ને કેટલું નહીં એની તો નથી ખબર પણ રોજનો એક-એક કરીને મને 24 કલાકનો આખો દિવસ ભગવાન આપે છે. એ 24 કલાકના આરંભે જ મારે નક્કી કરી લેવાનું હોય કે આજે મારે કઈ ફાલતુ વાતોમાં સમય નથી બગાડવો. પાછળ નજર કરીને જોઉં તો દેખાય છે કે એક તરફ મેં ખૂબ કામ કર્યું છે, કાળી મજૂરી કરી છે મારા ક્ષેત્રમાં અને પ્રોલિફિક રાઈટિંગ કર્યું છે, અને બીજી બાજુ મેં ખૂબ સમય વેડફ્યો છે. એક એક મિનિટનો હિસાબ રૂપિયા આનાપાઈમાં લગાવો તો મને લાગે કે મેં કરોડો રૂપિયા વેડફી નાખ્યા છે. મજૂરી હજુ પણ ચાલુ જ છે. પ્રોલિફિક રાઈટિંગ પણ હજુય ચાલુ જ છે. રાધર વધી ગયું છે. અને સમય વેડફવાનું પણ એટલું જ ચાલુ છે. હજુ પણ રોજેરોજ મારો સમય વેડફાય છે. ‘સમય વેડફાય છે’ એવું નહીં કહું કારણ કે એવું કહીને મારી જવાબદારીમાંથી છટકી જવા જેવું થશે, કહીશ કે હું સમય વેડફી રહ્યો છું.
આમ તો અત્યારે હું લાઈફના એવા સુંદર ગાળામાં છું કે મારી એક પણ મિનિટ બીજાઓને લીધે વ્યય થતી નથી. સમયની બાબતમાં મારી લાઈફમાં સંપૂર્ણપણે મારો કન્ટ્રોલ છે. મારે મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ સોશ્યલ ઓબ્લિગેશન્સ પૂરાં કરવાં દોડી જવું પડતું નથી. અણગમતા મુલાકાતીઓનો કોઈ ઘસારો નથી. ભાગ્યે જ કોઈ નકામા ફોન આવે છે. આમ છતાં ફ્રેન્કલી, મોટેભાગે આળસને લીધે હું મારો પોતાનો જ ટાઈમ બરબાદ થવા દઉં છું. 207૨નું નવું વર્ષ શરૂ થયા પછી મારે આ આળસ ઘટાડીને સાવ ઓછી કરી નાખવી છે, જેથી હું બીજા નવાં નવાં કામ શરૂ કરી શકું. અફકોર્સ, લખવાનાં જ.
ત્રીજો સંકલ્પ. મેં ફિક્શન ખૂબ ઓછું લખ્યું છે. પુસ્તકરૂપે પ્રગટ થયેલી નવલકથા માત્ર બે જ. અને છાપાં/મેગેઝિનોમાં છપાઈ ચૂકી હોય પણ એક યા બીજા કારણોસર એને ગ્રંથસ્થ ન કરી હોય એવી બીજી અડધોએક ડઝન. સાડા ત્રણ દાયકાની લેખન કારકિર્દીમાં આ ઘણું ઓછું કામ કહેવાય અને કૉલમ રાઈટિંગ દરમિયાન જેટલા લેખો લખ્યા એની સરખામણીએ તો સાવ જ ઓછું. 2072ના વર્ષમાં મારે મંડી પડવું છે. નવલકથાઓમાં મારે નવા નવા વિષયો લેવા છે. ભલે આનો પ્રકાર થ્રિલરનો હોય કે લવસ્ટોરીનો કે પછી સોશિયલ કે ડિટેક્ટિવ નૉવેલ હોય. નવલકથા ઉપરાંત મારે ટીન એજર્સ માટે ફિક્શન લખવું છે, પ્રી ટિન્સ માટે અને કિડ્સ માટે બાળસાહિત્ય પણ લખવું છે. પ્યોર લિટરરી કે સાહિત્યિક ગણાય એવી નવલકથાથી માંડીને આઉટ એન્ડ આઉટ લુગદી સાહિત્ય અર્થાત પલ્પ ફ્રિક્શન એટલે કે એકવાર વાંચીને ફેંકી દેવાની હોય એવી વાર્તાઓ પણ લખવી છે. ટૂંકમાં હવે બને એટલી વધારે ફિક્શન લખવી છે, કૉલમો બહુ લખી.
ચોથો સંકલ્પ. પંદરેક વર્ષ પહેલાં મુંબઈની મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટસ વેચતી સૌથી મોટી દુકાન ‘ફુર્ટાડો’માંથી યામાહાનું એક સરસ સિન્થેસાઈઝર લીધું હતું. થોડાં વર્ષ એના પર રમતરોળાં કર્યા પણ પદ્ધતિસરનું શિક્ષણ લીધું નહીં. પાંચ-છ વર્ષ પહેલાં કાઢી નાખ્યું. પણ કોઈ એક વાજિંત્ર શીખવાની ચળ હજુ બાકી છે. નવા વર્ષે કોઈપણ એક વાજિંત્ર વગાડતાં શીખવું છે - પદ્ધતિસર ક્લાસ ભરીને. મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ બધાં જ ગમે. તાલવાદ્યો વધારે ગમે પણ એકલાં એકલાં વગાડવાની મઝા તાલવાદ્યો કરતાં તંતુવાદ્યો અથવા બીજાં ઈન્સ્ટ્રુમેન્ટસમાં વધારે આવે. વર્ષો પહેલાં જ્યારે પહેલવહેલીવાર ખબર પડી કે વુડી એલન જેવો હૉલિવુડનો ટૉચનો ફિલ્મકાર ક્લેરિનેટ વગાડવામાં ઉસ્તાદ છે અને દર સોમવારે ન્યૂયોર્કના મેનહટનની કાર્લાઈલ હૉટેલમાં પોતાના ન્યૂ ઓર્લિન્સ જાઝ બેન્ડ સામે વગાડે છે ત્યારે ખૂબ એમ્યુઝમેન્ટ થયેલું. પછી જ્યારે સ્ટીફન કિંગનું પુસ્તક ‘ઑન રાઈટિંગ’ વાંચ્યું ત્યારે ખબર પડી કે એમનું પણ બેન્ડ છે ત્યારે એમના માટે એક લેખક તરીકે જેટલો આદર હતો એમાં ઘણો મોટો વધારો થયો હતો. ગુજરાતી લેખકોમાં વજુ કોટક ખૂબ સુંદર વાંસળી વગાડતા એવું વાંચ્યું છે અને મધુરીબહેન પાસેથી સાંભળ્યું પણ છે. સંગીત નો ડાઉટ જીવનમાં ઘણા નવા રંગ ઉમેરે છે. ક્રિયેટિવ કામ કરવાના પ્રોફેશનમાં હો તો તો ખાસ. મારે પ્રોફેશનલ સ્તરનું વગાડવું છે પણ કોઈના માટે નહીં, મારા પોતાના જ માટે. વુડી એલન કે સ્ટીફન કિંગ પાસેથી પ્રેરણા જરૂર મળે છે પણ જેમ વજુ કોટક ઑરકેસ્ટ્રામાં નહોતા વગાડતા કે જાહેરમાં વાંસળીવાદન નહોતા કરતા એ રીતે મારે પણ જે વાજિંત્ર પર હથોટી મેળવું તે મારા ઘરના એકાન્તમાં જ વગાડવું છે, બીજું કોઈ સાંભળે નહીં એ રીતે. આનું એક કારણ છે.
ગુલઝાર એક જમાનામાં સરસ સિતાર વગાડતા અને કવિતા પણ સરસ લખતા. મીનાકુમારીએ એક વખત એમને કહ્યું હતું કે તમારે આ બેમાંથી એકની પસંદગી કરવી જોઈએ. ગુલઝારે કવિતાની પસંદગી કરી અને સારું કર્યું. જો એમણે બેઉ ચાલુ રાખ્યાં હોત તો એ ખૂબ સારા સિતારવાદક અને ખૂબ સારા કવિ જરૂર બની શક્યા હોત પણ લેજન્ડરી સિતારવાદક કે લેજન્ડરી પોએટ ન બની શક્યા હોત. ઈવન ઈન્સ્ટ્રુમેન્ટસનું પણ એવું જ છે. એક કરતાં વધારે વાજિંત્ર વગાડતાં આવડે એવા ઘણા મહારથીઓ છે. પણ જો લેજન્ડરી આર્ટિસ્ટ બનવું હોય તો વિવિધ વાજિંત્રો પર પ્રભુત્વ હોવા છતાં એક પર જ કોન્સન્ટ્રેટ કરવું પડે. વિશ્વવિખ્યાત સંતુરવાદક પંડિત શિવકુમાર શર્મા સંતૂર ઉપરાંત તબલાં ખૂબ સરસ વગાડતા. પંડિત રવિ શંકરની કૉન્સર્ટ્સમાં તબલાં વગાડતા, ફિલ્મોના રેકૉર્ડિંગમાં પણ તબલાં વગાડતા. પણ મિડ-સિકસ્ટીઝમાં એમણે માત્ર સંતૂર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. આ તો બધા લેજન્ડરી માણસો કહેવાય, મારે તો માત્ર એક એમેટર તરીકે, એક શૌકિયા વગાડવાવાળા તરીકે કોઈ એક ઈન્સ્ટ્રુમેન્ટ શીખવું છે અને તે હું શીખીશ.
પાંચમો અને છેલ્લો સંકલ્પ. હવે મારે ઘરની બહાર વધારે નીકળવું છે. કોઈ હેતુ વિના રખડવું છે આખા દેશમાં, પણ તે ટુરિસ્ટ તરીકે નહીં. જોવા જેવાં સ્થળોની મુલાકાત લઈને પ્રવાસનો આનંદ નથી માણવો. જે સ્થળે જઉં ત્યાં અઠવાડિયું, પંદર દિવસ કે મહિનો-બે-ત્રણ-મહિના રહીને એ જગ્યાની, ત્યાં રહેતા લોકોની, એમના વાતાવરણની ફીલ લેવી છે. લુધિયાણા, હૈદરાબાદ, ધારવાડ, જયપુર, કલકત્તા - જે મનમાં આવે તે જગ્યાએ જઈને રહેવું છે. આશય મુંબઈથી દૂર જવાનો નથી. મુંબઈ તો મને ખૂબ ગમે છે. જન્મથી અહીં રહ્યો છું, ઉછર્યો છું અને મુંબઈ મારામાં ઉછર્યું છે. મુંબઈ છોડવાનો તો સ્વપ્ને વિચાર ન આવે. મુંબઈથી દૂર જવા માટે નહીં પણ જે દેશમાં હું રહું છું તે દેશની પ્રજા, સંસ્કૃતિ, સભ્યતા, રહેણીકરણીને વધારે નજીકથી નિરખવા, અનુભવવા મારે રખડવું છે. શક્ય છે કે શરૂઆત હું મારા વતનના ગામથી જ કરું!
વખત જતાં એવો ગાળો આવે કે વરસના છ મહિના હું આ રીતે બહારગામ જ રહેતો હોઉં.
તો બસ, આ પાંચ સંકલ્પો સાથે નવા વર્ષની શરૂઆત કરવી છે. 2073 આવશે ત્યારે આમાંના કેટલા સંકલ્પો ક્યાં પહોંચ્યા એનું ઑડિટિંગ કરીશું. ત્યાં સુધી - સાલ મુબારક!
લાઈફ-લાઈન
પ્રોબ્લેમનો કોઈ પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ માટેની તમારી એટિટ્યૂડનો પ્રોબ્લેમ હોય છે.
- કેપ્ટન જેક સ્પેરોનો સંવાદ (‘પાયરેટ્સ ઑફ ધ કરેબિયન’ ફિલ્મમાં)
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર