બિઝનેસમાં સિક્રેટ્સ રાખવાની જરૂર નથી
જેસન ફ્રાઈડ અને ડેવિડ હાઈનમેર હૅન્સન લિખિત પુસ્તક 'રિ-વર્ક'માં નવી નવી અનેક બિઝનેસ કન્સેપ્ટ્સ છે. દાખલા તરીકે અત્યાર સુધી બધા તમને શિખામણ આપતા રહ્યા કે તમારા કસ્ટમરને તમે કોઈપણ ભોગે સાચવી રાખો. આ લેખકોએ જરા જુદી વાત કરી છે : તમારી કંપનીના એક ક્લાયન્ટ/કસ્ટમર પાસેથી તમને સારો એવો ધંધો મળી રહ્યો છે. કંપની એને ખુશ રાખવા માટે બધા જ પ્રયત્નો કરે છે. કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે એ પોતાની પ્રોડક્ટમાં ફેરફારો પણ કરી આપે છે. અચાનક એક દિવસ એ કસ્ટમર તમને છોડીને જતો રહે છે. હવે તમારી પાસે એવી પ્રોડક્ટ છે જે એ કસ્ટમર માટે જ સ્પેસિફિકલી બનેલી છે, બીજા કસ્ટમર્સને એમાં ઈન્ટરેસ્ટ નથી.
તમે તમારા કરન્ટ કસ્ટમર્સને કોઈપણ ભોગે વળગી રહેવા માગો છો ત્યારે તમે ભાવિ કસ્ટમર્સને તમારાથી દૂર કરી નાખતા હો છો. તમારા કોઈ એક કસ્ટમરની પર્ટિક્યુલર ડિમાન્ડને સંતોષીને પ્રોડક્ટમાં ફેરફારો કરવાને બદલે તમે જેવી પ્રોડક્ટ બનાવો છો તે બનાવવાનું ચાલુ રાખો જેથી બાકીના જે કસ્ટમર્સ છે તે તમારી પાસે જ રહે. આ ઉપરાંત નવા કસ્ટમર્સ જે હજુ સુધી તમારી સાથે નથી જોડાયા એ પણ તમારી પાસે આવે એવી ઘણી મોટી સંભાવના છે જો તમે તમારી પ્રોડક્ટમાં કોઈ એક પર્ટિક્યુલર કસ્ટમરને સંતોષવા માટે ફેરફારો નહીં કર્યા હોય તો. કંપનીએ કોઈ એક-બે કસ્ટમર્સને ધ્યાનમાં રાખવાને બદલે જનરલ કસ્ટમર્સ બેઝની ડિમાન્ડ જ સંતોષવી જોઈએ.
બીજી એક વાત. કસ્ટમર તરફથી કોઈ સૂચનો કે ફરિયાદ આવે ત્યારે એને નોંધી લેવાની ઉતાવળ નહીં કરવાની. એકલદોકલ સૂચન કે ફરિયાદ તરફ ધ્યાન આપવાની કોઈ જરૂર નથી. એના માટે તમારે કોઈ ડેટાબેઝ, સ્પ્રેડશીટ કે ફાઈલિંગ સિસ્ટમ બનાવવાની જરૂર નથી. કોણ કયા સંજોગોમાં, કઈ માનસિકતાથી કે કયા ઇરાદાથી તમને સૂચન કે ફરિયાદ કરે છે તે તમે જોવા નથી ગયા. માટે એની નોંધ રાખવાની પળોજણમાં પડવાની જરૂર નથી. જો વધારે કસ્ટમર્સ વારંવાર સૂચનો કરશે કે ફરિયાદો કરશે તો આપોઆપ તમને એ યાદ રહી જશે, કોઈ નોંધ રાખ્યા વિના પણ યાદ રહી જશે!
જેસન-ડેવિડની એક અન્ય પાથબ્રેકિંગ સલાહ એ છે કે પ્રોડક્ટ લૉન્ચ કરીને સીધી એને પ્રમોટ કરવા મંડી પડવાનું નહીં. લોકોની આંખે ચડી ગયા પછી તમને ભૂલો કરવાના અને ભૂલોને સુધારવાના મોકા નહીં મળે. અત્યારે બહુ લોકો સુધી પહોંચ્યા નથી એટલે તમારી પાસે ટ્રાયલ એન્ડ એરર કરવાની એમ્પલ તકો છે. ન્યુયૉર્કના બ્રૉડવે પર નાટકો ભજવાય એ પહેલાં અમેરિકાના નાનાં સેન્ટરોમાં આમાંના મોટાભાગનાં ભજવાતાં હોય છે, જેથી લોકોના ટેસ્ટ પ્રમાણે એમાં ફેરફારો કરી શકાય. તમે કોઈ કામ જિંદગીમાં પહેલી જ વાર કરી રહ્યા હો તો આખી દુનિયા તમને નોટિસ કરે એવું ઈચ્છશો? તમારે સૌથી પહેલીવાર જાહેરમાં ગાવાનું હોય તો પચાસ-સો જણની નાનકડી મહેફિલમાં ગાવાનું પસંદ કરશો કે પછી ડાયરેક્ટ પચ્ચીસ હજારના ઑડિયન્સ સામે સ્ટેડિયમમાં ગાવાનું પસંદ કરશો. બિઝનેસમાં પણ એવું જ છે. નવો કારોબાર શરૂ કરતા હો ત્યારે, આખી દુનિયા તમને જોતી ન હોય તેમાં જ તમારી ભલાઈ છે, તમે બરાબર ઘડાઈ જાઓ, પૂરતો અનુભવ મેળવી લો એ પછી જ દુનિયાનું ધ્યાન તમારા તરફ આકર્ષાય તો તમે લમ્બી રેસના ઘોડા બની શકો.
આ લેખકોની બીજી એક સલાહ છે કે, જાણીતા શેફ્સ જેમ પોતાની રેસિપીઝને એમની કુક બુક્સમાં કે ટી.વી. પરના ફૂડ શૉઝમાં લોકો સામે શેર કરે છે એ જ રીતે બિઝનેસમેને પોતાની સિક્રેટ્સ કસ્ટમર્સ સાથે શેર કરવી જોઈએ. શેફ્સને જેમ ડર નથી હોતો કે મારી રેસિપીની નકલ કરીને કોઈ મારા જેવી જ રસોઈ બનાવીને, વાનગીઓની ચોપડીઓ લખીને, રેસ્ટોરાં ખોલીને મારી કૉમ્પીટિશન કરશે એમ બિઝનેસમેનને પણ કૉન્ફિડન્સ હોવો જોઈએ કે મારી ફૉર્મ્યુલાની કોઈ જ નકલ કરવાનું નથી.
શું કારણ એનું? જેમ રેસિપી આવડી જવાથી તમે પાકકલાના નિષ્ણાત બની જતા નથી એવું જ મેન્યુફેક્ચરિંગમાં છે. પાર્લે-જી બનાવવા શું-શું કેટલું જોઈએ તેની માહિતી પૂરતી નથી. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસથી માંડીને માર્કેટિંગ સુધીના ડઝનબંધ નાના-મોટા તબક્કામાં જેમની પાસે 'એક્સ ફેક્ટર' છે તે જ અલ્ટીમેટલી સક્સેસફુલ થાય છે. રાઈટિંગમાં તમે તમારો સોર્સ વાચકો સમક્ષ ખુલ્લો કરી નાખો છો ત્યારે તમને કશું નુકસાન થતું નથી. બીજાઓ એ સોર્સ વાપરીને તમારી નકલ કરશે તોય તમારા એક્સ ફેક્ટરની નકલ કરી શકવાના નથી. કસ્ટમર્સનો વિશ્વાસ તમે તમારી રેસિપીને ખુલ્લી મૂકીને ઘણો વધારે જીતી શકો છો. સફળ બિઝનેસમેનો આ જ કરતા આવ્યા છે. જેસન-ડેવિડ કહે છે કે 'રિ-વર્ક' પુસ્તક અમારી કુક બુક છે! તમારી કુક બુક કઈ છે?
કોઈ ફિલ્મના પ્રમોશનમાં તમને સૌથી વધુ જોવાની શું મઝા આવે? એનું મેકિંગ. એનું શૂટિંગ થતું હોય, ગીતોનું રેકોર્ડિંગ થતું હોય એવી ક્લિપ્સ કે એવા ફોટા જોવા મળે તો ફિલ્મ જોવાનો રોમાંચ ઔર વધી જાય. આદિત્ય ચોપરાએ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ને ટી.વી. પર આવી જ ક્લિપ્સથી પ્રમોટ કર્યું હતું. બિહાઈન્ડ ધ સીન્સ શું થાય છે તે જાણવાની તમારા કસ્ટમર્સને હંમેશાં આતુરતા રહેવાની. એમને તમારી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસના વિટનેસ બનાવશો તો ગમવાનું જ છે. આને લગતાં ડૉક્યુમેન્ટરીઝ, પુસ્તકો વગેરેને યુ ટ્યૂબ દ્વારા કે ઈ બુક્સ બનાવીને લોકો સુધી પહોંચાડી શકો છો. કંપની ફેસલેસ હોય છે પણ આવું કરીને કસ્ટમર્સ સાથે તમે લાગણીનો નાતો બાંધી શકતા હો છો. પ્રોડક્ટ બનાવવા પાછળ તમે કેટલી મહેનત કરો છો એની જાણ કસ્ટમર્સને કરો છો ત્યારે એમને તમારી પ્રોડક્ટ માટેનું માન ઘણું વધી જતું હોય છે.
કંપની તરીકે તમે એકદમ પરફેક્ટ છો એવો દેખાવ કરવાનું રહેવા દો. પરફેક્ટ કોઈ નથી હોતું. તમારામાં પણ નાનીમોટી ખામીઓ હોવાની. એને ઢાંકવાને બદલે તમારા કસ્ટમર્સને એની જાણ થવા દો. લોકો પોતાની જાતને તમારી સાથે આઈડેન્ટિફાય કરવા લાગશે, પરિણામ સ્વરૂપે તમારી વધુ નજીક આવશે.
તમારી પ્રોડક્ટનાં ફ્રી સેમ્પલ આપતા રહો. તમને કૉન્ફિડન્સ હોવો જોઈએ કે તમારી પાસે એવી કક્ષાની પ્રોડક્ટ છે જેને લેવા માટે લોકો તમારી પાસે આવવાના જ છે.
નેકસ્ટ. રાતોરાત કોઈ સફળ થતું નથી. કોઈ તમને કહે કે હું એવી સફળતા અપાવી શકું છું તો તમારે માનવાનું કે એ માણસ ફ્રૉડ છે.
ફાઈનલી એક વાત સમજી રાખવાની કે તમારી પાસે ગમે એવી સારી પ્રૉડક્ટ હશે પણ જો એનું માર્કેટિંગ કરવામાં તમે નિષ્ફળ ગયા તો એ સારામાં સારી પ્રૉડક્ટ તમારા ગોડાઉનમાં જ પડી રહેવાની. 'રિ-વર્ક' પુસ્તકમાં આવી અનેક ટિપ્સ તમને ગળે ઉતરી જાય તે રીતે ઉદાહરણો આપીને ટૂંકમાં સમજાવી છે. બિઝનેસ કરવાનો જ નહીં, જીવનને જોવાનો નજરિયો પણ બદલાઈ જાય અને તમે જૂનો કાટમાળ ખંખેરીને ફ્રેશ આઉટલુક સાથે કામકાજ કરતા થઈ જાઓ એટલો ભરપૂર મસાલો તમને આમાંથી મળે છે.
લાઈફ લાઈન
ક્યારેક તમને સેકન્ડ ચાન્સની જરૂર પડતી હોય છે કારણ કે ફર્સ્ટ ચાન્સ આવ્યો ત્યારે તમે તૈયાર નહોતા.
- ફેસબુક પર ફરતું
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર