મને કોઈ આગળ આવવા દેતું નથી

26 Oct, 2015
12:00 AM

mamta ashok

PC:

બાવીસ-ત્રેવીસ કે કદાચ પચ્ચીસ વર્ષ પહેલાંની વાત છે. મધુ રાય વર્ષો પછી ભારતની મુલાકાતે આવી રહ્યા હતા. એમના માનમાં અવિનાશ પારેખે ‘અભિયાન’ વતી બોરીવલીના એક પાર્ટી હૉલમાં નાનકડી વેલકમ પાર્ટી યોજી હતી. મુંબઈના અનેક સર્જકો હાજર હતા. ચંન્દ્રકાંત બક્ષીથી માંડીને સિતાંશુ યશશ્ચંદ્ર અને કૈલાસ પંડિત સુધીના હુઝ હુ ત્યાં હતા.

મધરાત પછી અઢી-ત્રણના સુમારે પાર્ટી આટોપાઈ. સૌ સદ્દગૃહસ્થો ઝૂમતા-લટકતા બહાર નીકળ્યા. યજમાને બધાને પાછા ઘરે મોકલવાની વ્યવસ્થા રાખી હતી. (રાખવી જ પડે. આ હાલતમાં કોણ પોતાની રીતે પાછું ઘરે જઈ શકે.)

એક કાર તૈયાર હતી, જેની પાછલી સીટમાં બે જણ ઑલરેડી ગોઠવાયેલા હતા અને આગલી સીટમાં, ડ્રાઈવરની બાજુવાળી સીટ પર કૈલાસ પંડિત બેસવા જતા હતા. ત્યાં જ પંડિતજીએ જોયું કે સિતાંશુભાઈ પાછલી સીટમાં ત્રીજી જગ્યા કરીને બેસવા જતા હતા. પંડિતજીએ બેસવાને બદલે તરત બહાર આવીને કહ્યું,

‘સિતાંશુભાઈ, તમે આગળ આવો...’

સિતાંશુભાઈને કૈલાસ પંડિતનો આ વિવેક ગમ્યો. પંડિતજી આગળની મોકળાશવાળી જગ્યા છોડીને પાછળ ભીડવાળી જગ્યામાં બેસવા તૈયાર હતા. સિતાંશુભાઈ આગળ બેસીને કંઈક આભારના શબ્દો બોલવા જતા હતા ત્યાં જ મેં કૈલાસ પંડિતને બોલતાં સાંભળ્યા...

‘.... પછી કહેતા નહીં કે મને કોઈ આગળ આવવા દેતું નથી!’

એક દિવસ પછી તો આ રમૂજને હસમુખ ગાંધીએ ‘સમકાલીન’માં છાપી અને એ જમાનામાં જોક વાઈરલ થઈ ગઈ.

જોક પૂરી. સિરિયસ વાત.

મને કોઈ આગળ આવવા દેતું નથી એવી લાગણી ધરાવનારાઓ ક્યારેય આગળ આવતા નથી. (અહીં હવે આ સિરિયસ વાત શરૂ થઈ ગઈ છે. જોક સાથે આને કોઈ સંબંધ નથી. સિતાંશુ યશશ્ચંદ્ર અને સ્વ. કૈલાસ પંડિત બેઉ પોતપોતાની રીતે એમના સમકાલીનો કરતાં ઑલરેડી ઘણા આગળ હતા, છે અને રહેશે.)

મને કોઈ આગળ આવવા દેતું નથી એવી ફરિયાદ લૂઝર લોકો જ કરતા હોય છે. પોતાની ખામીઓનો ટોપલો બીજા પર ઢોળીને, સેલ્ફ પીટીમાં રાચીને તેઓ સહાનુભૂતિ ઉઘરાવવાની કોશિશ કરતા હોય છે, પોતાની નિષ્ફળતાને જસ્ટિફાય કરવાની કોશિશ કરતા હોય છે. જાતને જ છેતરતા હોય છે.

આવા લોકો પછી ક્યારેય આગળ આવી શકતા નથી, આગળ આવવા માટે, સફળ થવા માટે આવી ફરિયાદો મનમાંથી કાઢી નાખવી પડે. પોતાની નિષ્ફળતાઓ માટે તમે બીજાઓને બ્લેમ કરતા રહેશો તો ક્યારેય તમારી ભૂલોમાંથી શીખવા નહીં મળે. એક વાત લખી રાખજો કે અનલેસ એન્ડ અન્ટિલ તમે નરેન્દ્ર મોદી હો, કોઈ તમને નડવા માગતું નથી, કોઈ તમારી સફળતાની આડે આવવા માગતું નથી, એવો ટાઈમ જ કોને છે, સૌ પોતપોતાને આગળ લઈ જવામાં બિઝી છે, તમને પાછળ રાખીને કે પછાડી એમને કોઈ ફાયદો નથી થવાનો એની એમને જાણ છે.

અને ખરેખર જો કોઈ માઈનો લાલ તમારી આડે આવવાની કોશિશ કરતો હોય, તમારા પગમાં પોતાની ટાંગ ભરાવીને તમને આંટી મારવાની કોશિશ કરતો હોય તો તમારા પોતાનામાં આવાં વિઘ્નોનો સામનો કરવા જેટલી તાકાત હોવી જોઈએ. પેલાએ મને પાડી દીધો એટલે હું આગળ દોડી શક્યો નહીં, રેસ પૂરી કરી શક્યો નહીં, ગોલ્ડ મેડલ મેળવી શક્યો નહીં - એવી ફરિયાદ જીવનની દોડમાં કરવી નકામી.

કોઈ વ્યક્તિ નહીં, આખેઆખી કુદરત પણ તમારી આડે આવી હોય તોય ફરિયાદ કરવાને બદલે તમારે કુદરતે બગાડેલું તમારું કામ સુધારી લઈને આગળ વધવું જોઈએ. વર્ષ 1989ની 24મી જૂલાઈ, રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. મુંબઈથી કલાકેકના અંતરે આવેલા મહારાષ્ટ્રના પાતાળગંગામાં આવેલા રિલાયન્સના જંગી પ્રોજેક્ટમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં. પોલિયેસ્ટર યાર્નનો જંગી પ્રોજેક્ટ શરૂ થયે થોડાં જ વર્ષ થયાં હતાં. કરોડો રૂપિયા પર લિટરલી પાણી ફરી વળ્યું. પૂર ઊતરી ગયા પછી પહેલાં તો કાદવકીચડ, મરેલાં ઢોરનાં મૃતદેહો, બીજો તરતો કચરો જે લગભગ 50 હજાર ટન જેટલો હતો તે બધું હટાવવાનું હતું. એ દૂર કર્યા પછી જ બાકીની કામગીરી શરૂ થઈ શકે. ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક સાધનસામગ્રી ચોવીસ કલાક સુધી પાણીમાં ડૂબી રહી હતી.

રાક્ષસી કૉમ્પ્રેસરોને ફરી કામ કરતાં કરવાના હતા. દેશ અને દુનિયાના ટેકનિકલ નિષ્ણાતોને મારતે વિમાને બોલાવવામાં આવ્યા. સૌના અભિપ્રાય મુજબ કમ-સે-કમ 90થી 100 દિવસ લાગવાના હતા, પ્લાન્ટને ફરી શરૂ કરવામાં.

ધીરુભાઈ અને એમના પુત્રોને આ મંજૂર નહોતું. એક એક દિવસ નહીં, એક એક કલાક કિમતી હતો. રોજનું કરોડોનું નુકસાન થઈ રહ્યું હતું. આ પ્લાન્ટ નંખાયો ત્યારે રિલાયન્સે 18 મહિનામાં આખો પ્રોજેક્ટ ઊભો કર્યો હતો. એ જમાનામાં અમેરિકામાં પણ આવો - આટલો જ મોટો - પ્રોજેક્ટ શરૂ કરવો હોય તો 26 મહિના લાગતા.

સો દિવસ બગાડવા પાલવે એમ નહોતું. ધીરુભાઈના બંને પુત્રોએ કમર કસી અને પ્લાન્ટને આ ડિઝેસ્ટરમાંથી બહાર લાવવા માટે નવેસરથી આયોજન કર્યું. ત્રણ અઠવાડિયામાં, બરાબર 21 દિવસ પછી આખો પ્લાન્ટ ફરી, નવોનક્કોર હોય એમ ધમધમતો થઈ ગયો. આ કુદરત સામેની ટક્કર હતી. આ કુદરત સામે માણસની જીત હતી.

રિલાયન્સ પાસે તો બહુ પૈસા હોય, પાણીની જેમ વાપરે તો એ લોકો કંઈ પણ કરી શકે એવું બોલતા જ નહીં. તમારી પાસે એટલા જ નહીં એનાં કરતાં ડબલ પૈસા હોત તો પણ તમે 21 તો શું 100 દિવસમાં પણ ફરી બેઠા ન થઈ શક્યા હોત. બધું કામ કંઈ માત્ર પૈસાથી નથી થતું. બધું કામ કંઈ માત્ર ઓળખાણો કે માણસોની મોટી ફોજથી નથી થતું. મનમાં એક જીદ જોઈએ. કાળા માથાનો માનવી તો શું આખેઆખી કુદરત પણ મારી આડે આવી તોય હું એનો સામનો કરીને આગળ વધ્યા કરીશ. એવી જીદ જોઈએ અને એવી જીદ દિમાગમાં જડબેસલાક ચોંટી જાય એવું કરવું હોય તો સૌથી પહેલાં આ ફરિયાદ કરવાની છોડી દેવી પડે કે મને કોઈ આગળ આવવા દેતું નથી.

સફળતાની સીડી પર એક-એક ડગલું મૂકીને આપણે ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યા છીએ. હવે આપણી વચ્ચે કોઈ આવવાનું નથી. વધુ આવતા સોમવારે.

લાઈફ લાઈન

ઘોર નિષ્ફળતા પચાવવાની તૈયારી વિના ઝળહળતી સફળતા મળે જ નહીં.

- વિલિયમ ફીધર

(રિપોર્ટર, લેખક અને સફળ પ્રિન્ટિંગ બિઝનેસના માલિક : 1889-1981)

                             www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.