તમારો પરિવાર ઈમ્પોર્ટન્ટ છે કે તમારું કામ?
ટૉપમોસ્ટ પ્રાયોરિટી કઈ છે તમારા જીવનમાં? વર્ષો પહેલાં કપિલ દેવની પત્ની રોમીએ રિચ એન્ડ ફેમસ વ્યક્તિઓ વિશેની ટીવી શ્રેણીમાં મોદી ગ્રુપના ચેરમેન બી.એન.મોદીની લાઈફસ્ટાઈલ બતાવી હતી. ડાઈનિંગ ટેબલ પર બી.એન.મોદી સપરિવાર બેઠા હતા અને રોમી દેવે પ્રશ્ન પૂછ્યો હતો : ‘પરિવારની અગત્યતા કેટલી તમારા માટે?’
અરે ભાઈ, હું જે કંઈ કરું છું તે મારા કુટુંબ માટે જ તો કરું છું, મારા ગયા પછી પત્ની-છોકરાંઓને જ બધું મળવાનું છે ને - આવા સ્ટાન્ડર્ડ જવાબની આશા રાખીને તમે બેઠા હો પણ એને બદલે જ્યારે સાંભળવા મળે કે, ‘કુટુંબની પ્રાયોરિટી મારા માટે સેકન્ડરી છે’ ત્યારે તમને આશ્ચર્ય થાય. સુખદ આશ્ચર્ય.
ઉદ્યોગપતિ બી.એન. મોદીજીએ કહ્યું અને બહુમત વાચકોજી પણ સ્વીકારશે કે, ‘મારી ફર્સ્ટ પ્રાયોરિટી મારું કામ છે, કુટુંબ પછી આવે. કામ છોડીને હું ચોવીસે કલાક ફેમિલી સાથે ગાળવાનું શરૂ કરી દઉં તો મને ખાતરી છે કે મારાં પત્ની-છોકરાં મારાથી ઉબાઈ જશે અને હું પણ એમનાથી ત્રાસી જઈશ.’
વત્તેઓછે અંશે બી.એન.મોદીની આ વાત સ્વીકારી લેવા જેવી છે. કારણ કે માણસ માટે સૌથી મોટી પ્રાયોરિટી એનું કામ જ છે અને કામ જ હોઈ શકે. કોઈ પૂછશે કે છેવટે આ કામ કોના માટે કરવાનું છે? છૈયાંછોકરાં માટે જ ને, કમાઈકમાઈને એમને જ તો બધું આપી જવાનું છે. ના. જે વ્યક્તિઓની આર્થિક જવાબદારી તમારા પર હોય એ જવાબદારી પૂરેપૂરી નિભાવી શકાય એટલું કમાવી આપતા કામ ઉપરાંતનું કામ દુનિયામાં અનેક લોકો કરતા હોય છે. આર્થિક જવાબદારીને પહોંચી વળાય એટલું કામ તો પ્રથમ પ્રાયોરિટીનું ગણવું જ પડે, કારણ કે માણસ જો આખો દહાડો મા-બાપની સેવા કર્યા કરે કે પત્નીને ખુશ રાખ્યા કરે કે બાળકોને લાડકોડ કરતો રહે તો એ કમાશે ક્યારે? અને નહીં કમાય તો કુટુંબીજનોને બે ટંકનું ખવડાવશે કેવી રીતે, એમની કમ્ફર્ટસ-લક્ઝરીઝને સંતોષશે કેવી રીતે.
કુટુંબની આ બધી આર્થિક જરૂરિયાતો નિભાવી શકાય એટલી આવક રળી આપતું કામ કરી લીધા પછી થતા કામમાં ફેમિલીની પ્રાયોરિટી સેકન્ડરી જ રહેવાની. એ વધારાનું કામ માણસ પોતાના માટે કરતો હોય છે. પોતાના સંતોષ માટે, પોતાના આનંદ માટે. પોતાના સુખ માટે.
કુટુંબીજનોને સંતોષ, આનંદ, સુખ આપવાની એની જવાબદારી નહીં? ના, નહીં. કોઈ વ્યક્તિ અન્ય કોઈને સંતોષ-આનંદ-સુખ આપી શકે એ વાત જ ખોટી. દરેકે પોતાનાં સંતોષાનંદસુખ પોતાની મેળે પ્રાપ્ત કરી લેવાનાં હોય. કોઈના આપવાથી એ નહીં મળે અને કોઈની પાસે એ હોય ત્યારે બીજું કોઈ એને ઝૂંટવી લેવા માગે તો ઝૂંટવી શકાય પણ નહીં. આ વાત નાનપણમાં ક્યારેય કોઈએ સમજાવી નહોતી. સમજાવવી જોઈતી હતી. આપણા પછીની પેઢીને સમજાવી શકીશું તો એ વધુ સુખી થશે આપણા કરતાં. વધુ આનંદી અને વધુ સંતોષી પણ. કોઈની આડે ન આવીએ, કોઈને રંજાડીએ નહીં, કોઈના વિકાસમાં બાધારૂપ ન બનીએ, કોઈના માનસ પર મૉનોપૉલી ન ધરાવીએ - આટલું કરી શકીએ તો બસ છે કુટુંબીજનો માટે. મોટાભાગના લોકો આટલું ય કરી શકતા નથી. સતત કનડતા રહે છે એકબીજાને.
બાળકોને તંદુરસ્તીના પાઠ નાનપણથી વારંવાર ભણાવવામાં આવે છે. પણ મનદુરસ્તીના પાઠ એમને કોઈ શીખવતું નથી. આને કારણે કેટલીક જડ માન્યતાઓ એમના કુમળા માનસમાં એવી ઘર કરી જાય છે કે પચ્ચીસ-ત્રીસની ઉંમરે એમને મનદુરસ્તીના મહત્ત્વ વિશે પ્રતીતિ થાય ત્યારે સૌથી પહેલાં તો એમણે એ જૂનું બધું ભૂંસવાનો પ્રયત્ન કરવો પડે છે. પછી નવું લખાય તો લખાય અને એ પણ કેવું લખાશે એ તો ભગવાન જાણે. દરમિયાન કોઈ દાદાબાવાબાપુના રવાડે ચડી ગયા તો ગચા કામથી.
પ્રાયોરિટી કામ માટેની હોય કે અન્ય કોઈ માટેની, દરેકની પાસે પોતપોતાનો ઉત્તર હોઈ શકે અને સુખની વ્યાખ્યા પણ દરેકની જુદીજુદી હોવાની. પરંતુ અંતે તો દરેક વ્યક્તિ સુખી થવા માગતી હોય છે. સુખી થવાના પ્રયત્નોમાં આપણે વધારે ને વધારે દુઃખી થતા જઈએ છીએ એની ખબર રહેતી નથી અને ખબર પડે છે ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે.
સુખ એટલે શરીરને આરામ મળે એવી માન્યતા મનમાં ઘર કરી ગઈ છે. જીવનની સુવિધાઓ વધી જવાથી સુખી થઈ જવાતું નથી. ઘરમાં વૉશિંગ મશીન આવી જવાથી કે ગાડી વસાવી દેવાથી માણસ સુખી થઈ જતો હોત તો અમુક હજાર કે અમુક લાખ રૂપિયા કમાવાનો જ સવાલ હોત જિંદગીમાં અને તે પણ એકસામટા ગજવામાં ન હોત તો પણ ચાલત, સુખ ઈએમઆઈ પર પણ મળી જતું હોત.
સુખી થવાનો, સંતોષી થવાનો કે આનંદી બનવાનો એકમાત્ર ઉપાય ક્વોલિટી ઑફ લાઈફ સુધારવાનો છે. જીવનધોરણ સુધારવું એટલે શું? સાધન-સગવડો વધી જવાથી જિંદગીની ગુણવત્તા સુધરી જવાની છે?
ના. અમેરિકા-યુરોપની દેખાદેખીથી આપણે પણ ઘરની બહાર નીકળીએ ત્યારે બિસ્લેરીના બાટલા સાથે રાખવા માંડ્યા છીએ. રસ્તા પરના ખુમચાનું ખાવાનું અનહાઈજેનિક છે એમ કહીને એનાથી દૂર ભાગવા માંડ્યા છીએ. કશું ખોટું નથી આવી સાવચેતી લેવામાં. પણ આટલું જ કરવું પૂરતું નથી. પ્રદૂષિત ખાણી-પીણીથી સર્જાતા બૅક્ટેરિયાથી જગતમાં જેટલા લોકો મરે છે એના કરતાં અનેકગણા લોકો માનસિક તણાવ અને એને કારણે સર્જાતા સાયકોસોમેટિક રોગોથી મરે છે. અમેરિકા જેવા સુધરેલા દેશોમાં હાર્ટ એટેકથી મરતા લોકોનું પ્રમાણ વધતું જાય છે, બૅક્ટેરિયાથી થતા રોગને કારણે મૃત્યુ પામતા લોકોની ટકાવારી ઘટતી જાય છે. તમામ હાર્ટ એટેક માત્ર માનસિક તણાવને કારણે સર્જાતા નથી એ હકીકતને ધ્યાનમાં રાખીએ તો પણ જે મૂળ મુદ્દો છે તે સ્વીકારવો પડે કે આધુનિક યુગમાં બીમારીઓ બૅક્ટેરિયા કરતાં વધુ સ્ટ્રેસ, ટેન્શન, માનસિક તાણ અથવા ચિંતાથી સર્જાય છે.
સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ જેવું કશું દુનિયામાં છે જ નહીં એવું કોઈ ડાહ્યા માણસે કહ્યું ત્યારે લોકોને એ ભેજાગેપ લાગ્યો. બધાને ખબર છે કે આપણે કઈ હદ સુધીની તંગદિલીમાં જીવી રહ્યા છીએ. સતત ટેન્શન અનુભવ્યા કરતું આ મન રબરબેન્ડના બે છેડાની જેમ વિરુદ્ધ દિશામાં ખેંચાયા કરતું હોય એવું લાગતું રહે છે. તો પછી કોઈએ એવું શું કામ કહ્યું કે - ધેર ઈઝ નો સ્ટ્રેસ ઈન ધ વર્લ્ડ?
સ્ટ્રેસ લેવા તમે ક્યાં જશો? માની લો કે તમને કોઈપણ પ્રકારની માનસિક તંગદિલી નથી અને માની લો કે તમારે માનસિક તંગદિલી-સ્ટ્રેસ જોઈએ છે તો ક્યાં જશો એને લેવા? કોઈ દુકાનમાં તો સ્ટ્રેસ મળશે નહીં. બીજાઓ જ્યાં માનસિક તંગદિલી અનુભવતા હોય એવી જગ્યાઓએ પણ તમને તમારો પોતાનો સ્ટ્રેસ થોડો મળવાનો છે? સ્ટ્રેસ અથવા તો માનસિક તાણ એટલે તમને તમારી અંદરથી જે મળે છે તે, એ તાણ બહારથી નથી આવતી. તમારી પ્રતિક્રિયા પર સ્ટ્રેસની ઉત્પત્તિનો આધાર છે.
એકાએક સમાચાર આવે કે તમારા જીવનમાં કશુંક માઠું બની ગયું છે. આવા સમયે તમે બહાવરા બનીને ઉત્પાત મચાવી શકો અથવા જે થવાનું છે તે તો થઈ જ ગયું, એનાથી થયેલા નુકસાનની અસર ઓછી કરવા શું કરી શકાય એ વિશે ધીરજપૂર્વક વિચારી શકો. તમારી પ્રતિક્રિયા પર તમારામાં સર્જાનારા સ્ટ્રેસનો આધાર છે. બહાવરા બની જવાની પ્રતિક્રિયા સાહજિક છે. પણ ગમે એવા વિષમ સંજોગોમાં પૅનિકી ન થવું, બેબાકળા ન થવું એવું નક્કી કરીને મનને તૈયાર કર્યું હોય તો પ્રતિક્રિયા બદલી શકાતી હોય છે.
માનસિક તંગદિલી ઊભી થાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે એની ખબર પડતાં જ સૌથી ખરાબ કામ આપણે ભાંગી જઈને બેસી પડવાનું કરીએ છીએ. નિષ્ક્રિય થઈ જઈએ છીએ. સ્ટ્રેસ ઉત્પન્ન કરતું આડ્રેનલિન તરત જ શરીરમાં વહેવા લાગે છે. નિષ્ક્રિય થઈ જવાને બદલે એવી પળોમાં ધ્યાન બીજે દોરીને ચાલવા નીકળી પડીએ, ધ્યાનથી ટીવી જોવા માંડીએ કે રસપૂર્વક પુસ્તક વાંચવા માંડીએ, મનગમતું સંગીત સાંભળીએ ત્યારે સ્ટ્રેસ સર્જાવાની શક્યતા ઘટી જાય. ધીમા ઊંડા શ્વાસ લઈને સ્ટ્રેસ ખાળવાની ટેક્નિક તો જાણીતી છે જ.
સ્ટ્રેસ સર્જાવાની પરિસ્થિતિ વખતે જે. કૃષ્ણમૂર્તિની સલાહ કામ લાગે છે : ‘માણસે ક્રિયાથી જીવવાનું હોય, પ્રતિક્રિયાથી નહીં.’ કોઈકે મારા માટે આવું કર્યું એટલે એના પ્રતિભાવરૂપે મારામાં જે વિચારો સર્જાયા કે મેં સામે જે વર્તન કર્યું તે પ્રતિક્રિયા. પ્રતિક્રિયાનું ચાલકબળ સામેની વ્યક્તિએ કરેલી ક્રિયામાં હોય.
મોટાભાગના લોકો પ્રતિક્રિયા પર જીવતા હોય છે. માણસે કેવા સંજોગોમાં કેવી પ્રતિક્રિયા દેખાડવી છે તે અંતે તો એના પોતાના હાથની વાત છે. મનને તાલીમ આપવાથી આવું થઈ શકે. તાલીમ માટેનું સૂત્ર તમને આ શબ્દોમાંથી મળી શકે : કોઈ મને ખુશ કરે ત્યારે જ હું ખુશ થાઉં એવું શા માટે? મારી ખુશી શું હું મારી મેળે ન શોધી શકું, સર્જી શકું?
જિંદગીમાં તમારી સૌથી મોટી પ્રાયોરિટી કઈ છે એ વિશેની સ્પષ્ટતા થઈ ગઈ હોય તો તમે તમારી પ્રતિક્રિયાઓ પર કાબૂ મેળવતાં શીખી શકો, તમારામાં સ્ટ્રેસ ન સર્જાય એવી પરિસ્થિતિ ઊભી કરતાં શીખી શકો.
લાઈફલાઈન :
બોજો તમને હંફાવતો નથી, તમે એને કેવી રીતે ઉપાડો છો એના પર બધો આધાર છે.
- લુ. હોલ્ટ્ઝ
(ફૂટબૉલ કોચ)
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર