જે ન સમજાયું તે બધું જ શું અલૌકિક ગણી લેવાનું

14 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

આજથી લગભગ પોણા બે દાયકા પહેલાંની વાત છે. ઑગસ્ટ 1998માં માનસરોવરની યાત્રાએ જતાં પ્રોતિમા બેદી, અનેક ગુજરાતીઓ તથા અન્ય શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યાં. એ દુર્ઘટના પાછળનાં કારણો સમજાવતા અનેક લેખો ભારતીય તેમજ વિદેશી છાપાં-મૅગેઝિનોમાં પ્રગટ થયા. એ લેખો વાંચનારાઓને કે ટીવી પર આ વિશે વિગતે જાણનારાઓને ખબર છે કે ભેખડો ધસી પડવી એટલે શું. શા માટે તે ધસી પડે. એને કારણે નદીના વહેણમાં અવરોધ કેવી રીતે આવે અને કેવી રીતે કૃત્રિમ જળાશય સર્જાવાથી એકરોની એકર જમીન ડૂબી જાય. જમીનની સાથે માણસો પણ.

બસો-પાંચસો વર્ષ પહેલાં આવી દુર્ઘટના થઈ હોત અને એ જમાનામાં આપણે પણ જીવતા હોત તો શું માન્યું હોત આપણે? કુદરત કોપાયમાન થઈ. કુદરત રૂઠી ગઈ. માણસજાત પર ઈશ્વર ક્રોધે ભરાયો. હળાહળ કળજુગ આવી ગયો.

આજની તારીખે નદીમાં પૂર આવે, ધરતીકંપ સર્જાય, વાવાઝોડાં આવે, દુકાળ પડે - નૅચરલ કૅલમિટીના નામે ઓળખાતી કોઈ પણ કુદરતી આપત્તિ ત્રાટકે ત્યારે બે ચોપડી ભણેલાને પણ ખબર હોવાની કે આ બધી ઘટનાઓનાં ભૌગોલિક-વૈજ્ઞાનિક કારણો કયાં હોય. ભગવાન આમાં ક્યાંય વચ્ચે નથી આવતો એ પણ સૌ કોઈ જાણતું હોય છે.

જે વાત ન સમજાય તેને અલૌકિકમાં ખપાવી દેવાની આદત આપણને હજારો વર્ષથી પાડવામાં આવી છે. તર્કથી કે વિજ્ઞાનના આધારે જે વાત નથી સમજી શકાતી એમાં વાંક માણસની બુદ્ધિની ક્ષમતાનો છે, વિજ્ઞાનની મર્યાદાનો નહીં. વિજ્ઞાનની સીમાઓ અનંત છે. પાંચસો વર્ષ પહેલાં જે ધરતીકંપને ભગવાનનો રોષ માનવામાં આવતો તે હવે ભૂસ્તરશાસ્ત્રને લગતી માનવીય બુદ્ધિ વિકસી હોવાથી વિજ્ઞાનને આધારે સમજી શકાય એવી ઘટના લાગે છે. આજની તારીખે કુદરતના વણઉકેલ્યા લાગતા કેટલાક કોયડાઓના ઉત્તર થોડીક સદીઓ માનવજાત ધીરજ ધરશે એટલે જરૂર મળી જશે, અગાઉના કોયડાઓના ઉકેલ મળ્યા એમ.

દરેક ધર્મના પાયાના ધર્મગ્રંથોમાં (ગીતા, કુરાન, બાઈબલ આદિ) વર્ણવાયેલી અલૌકિક ઘટનાઓને પ્રતીકરૂપે સમજવાની કોશિશ કરવાની હોય. કોઈપણ ધર્મના પાયાના ધર્મગ્રંથમાં રોજિંદા જીવન માટે અત્યંત ઉપયોગી થઈ શકે એવી અનંત શક્યતાઓ પડેલી હોય. આવા મૂળભૂત ધર્મગ્રંથો માનવજાતના જીવનને ઓછું કષ્ટમય કે વધુ સંતોષી બનાવવા માટે રચાતા આવ્યા છે અને આજે આપણે એને એના આખરી સ્વરૂપમાં વાંચીએ છીએ. આ મૂળભૂત ગ્રંથોની કન્ટેન્ટ ટાઈમ ટેસ્ટેડ છે, એની વાચનસામગ્રી સમયની થપાટો સામે યુગોથી ટકી રહી છે. ટકી શકે એવી નક્કર છે.

પણ એ મૂળભૂત ધર્મગ્રંથો વિશેનાં વિવરણો, અર્થઘટનો, વિવેચનો, ભાષ્યો તથા ટીકાના ગ્રંથો વિશે આવું કહી શકાય નહીં. અનેક લોકોએ પોતાની કાચી સમજ કે પછી પોતાના ટૂંકા સ્વાર્થને કારણે એ મૂળભૂત ધર્મગ્રંથોનો મનઘડંત અર્થ કાઢીને શબ્દચાતુર્ય દ્વારા એ ધર્મના અનુયાયીઓને ભોળવવાનો પ્રયત્ન કર્યો હોય એ શક્ય છે. બધા જ વિવરણકારોએ એવું કર્યું છે એમ માની લેવાની ભૂલ ન કરવી, પણ ઘણા લોકોએ એવું કર્યું છે. કોણે કોણે એ ધર્મગ્રંથોમાંની વાતોનું અર્થઘટન આપણા રોજિંદા આધ્યાત્મિક જીવનનો સ્તર ઊંચો આવે એ રીતે કર્યું છે તે શોધી કાઢવાનું કામ આપણું. આપણે પોતે નીરક્ષીર વિવેક વાપરીને કોઈનાથીય ગેરમાર્ગે દોરવાયા વિના નક્કી કરી લેવાનું.

ધર્મગ્રંથોમાંની પ્રતીકાત્મક વાતોને યથાતથ સ્વીકારી લેવાથી અંધશ્રદ્ધાને જ પોષણ મળે. પરીકથાઓ અને દંતકથાઓની બાબતમાં આપણે પ્રતીકને પ્રતીક તરીકે જોઈને સ્વીકારી શકીએ છીએ. રૂપક, ઉપમા, અલંકાર આદિ લેખનશૈલીનાં ઉપકરણો-ઘરેણાંથી પ્રભાવિત થતા હોવા છતાં આપણે માનીએ છીએ કે ખરેખર કંઈ એવું નહીં બન્યું હોય. રાજકુમારીનો અવાજ રૂપાની ઘંટડી જેવો હતો એવું વાંચીએ છીએ ત્યારે રાજાની એ કુંવરી અત્યંત મૃદુ અને મધુર અવાજે બોલતી હશે એવી કલ્પના કરીએ છીએ. પણ એવું તો ક્યારેય માની લેતા નથી કે એ બોલતી હશે ત્યારે ટણિંગ, ટણિંગ, ટણિંગ અવાજ આવતો હશે.

ધર્મગ્રંથોમાં આત્માને અમર કહ્યો તેનું અર્થઘટન આપણે ગયા સોમવારના લેખમાં જોઈ ગયા. યમરાજા, એમનો પાડો, વૈતરણી નદી, ગાયનું પૂંછડું - આ બધી કલ્પનાઓ ડિઝનીલૅન્ડની કોઈ રાઈડમાં પાંચ-પંદર મિનિટ બેસીને મજા કરી લેવા જેવી વૈચારિક સહેલગાહો છે. આવી રાઈડ્સમાં મન બહેલાવવા ક્યારેક જ બેસવાનું હોય. આઠ કલાક સુધી ઑફિસની ખુરશીમાં બેસતા હોઈએ એ રીતે આવી રાઈડ્સમાં બેસી ન રહેવાય.

કમનસીબે, આત્મા ઈત્યાદિની પરંપરાગત માનસિક કલ્પનાઓમાં આપણે આઠ નહીં, ચોવીસે કલાક રમમાણ રહીએ છીએ, ક્યારેક તો જિંદગી પૂરી થાય ત્યાં સુધી એમાંથી બહાર નથી નીકળતા. કેટલીક ચિત્રકથાઓમાં વ્યક્તિનો ક્રોધ દેખાડવા એનાં આંખ-કાનમાંથી ધુમાડો નીકળતો હોય એવું ચિતરવામાં આવે છે. સામાન્ય અક્કલથી આપણે સમજીએ છીએ કે ખરેખર કંઈ એ રીતે ધુમાડા ન નીકળે. આત્માના તેજ માટે માથા પાછળનું આભામંડળ કે મૃત થઈ ગયેલા દેહમાંથી બહાર નીકળી રહેલા આત્માને દર્શાવવા અનંત ભણી જતા તેજલિસોટા વગેરેને આવી જ ચિત્રાત્મક કલ્પનાઓ ગણીને ચાલવાનું હોય.

ભગવાન વિશેની કલ્પનાનું પણ એવું જ છે. ભગવાનમાં શ્રદ્ધા છે એવું કહીને વાસ્તવમાં તો આપણે આપણી જાત પર શ્રદ્ધા મૂકતા હોઈએ છીએ. ભગવાનને ભજીને હકીકતમાં તો આપણે આપણા પોતાનામાં રહેલી આપણા પ્રત્યેની આસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ભગવાનને શોધવા માણસ બહાર ભટકતો રહે અને સાધુબાવાઓના કે ધંધાદારી ચિંતકોના રવાડે ચડી જાય એના કરતાં બહેતર છે કે માણસ પોતાના વિશે વિચારે. પોતાનામાં શ્રદ્ધા હશે તો જ એ ઉપર ઉઠવાનો છે. આત્મા વિશેની અગડમ બગડમ વાતો સાંભળીને અંધશ્રદ્ધાળુ બની જનારાઓ છેવટે તો જાત માટેની શ્રદ્ધા ગુમાવી બેસે છે અર્થાત્ તેઓ પોતાનો ભગવાન ગુમાવી બેસે છે.

આવતા સોમવારે પૂરું કરીએ.

લાઈફ લાઈન :

માણસ ચાહે તે કરી શકે.

- શ્રીમદ્ રાજચંદ્ર

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.