જે બ્રાન્ડ લેજન્ડ બની જાય એની જવાબદારીઓ અનેકગણી વધી જાય
જે બ્રાન્ડ કલ્ટ બની જાય એટલે કે જે બ્રાન્ડનું ફૉલોઈંગ ખૂબ મોટું બની જાય તે બ્રાન્ડ પર નૉર્મલ બ્રાન્ડ્સ કરતાં કંઈક ગણી અધિક જવાબદારીઓ આવી પડતી હોય છે.
પોતાના ફૉલોઈંગ માટે, પોતાના ચાહકો અથવા પોતાના કન્ઝ્યુમર્સ માટે એ બ્રાન્ડે વધારાના નીતિનિયમો પાળવાના હોય છે.
આવી કલ્ટ બ્રાન્ડની પ્રોડક્ટ, સર્વિસ, પબ્લિક ઈમેજ, એને લગતાં પ્રેસ સ્ટેટમેન્ટ્સ, મીડિયા ઈન્ટરવ્યૂઝ વગેરે બધામાં જ સૌથી પહેલું ધ્યાન એ રાખવું પડે કે એનો જે કલ્ટ ઊભો થયો છે તેને (કલ્ટ એટલે કહો કે ભક્તગણ!) સંતોષ આપે એવી મર્યાદામાં રહીને કામ થવું જોઈએ. નવા લોકો આકર્ષાય અને ઉમેરાય એવા પ્રયત્નોમાં જેઓ ઑલરેડી આ કલ્ટનો એક હિસ્સો છે તેઓ સહેજ પણ નારાજ ન થવા જોઈએ. આમ કલ્ટ બ્રાન્ડ રાતોરાત પોતાની જાતમાં ડ્રાસ્ટિક ચેન્જ કરી શકતી નથી. પરિવર્તન લાવવાની જરૂર હોય ત્યાં અત્યંત સાવચેતીપૂર્વક, ક્રમશઃ પરિવર્તન લાવવું પડે. કોકાકોલાનો લોગો અલમોસ્ટ સવા સદી જૂનો છે. કેટલાક દાયકા પહેલાં એ જૂનવાણી લોગો બદલીને આધુનિક ફોન્ટ કે ડિઝાઈનને અનુરૂપ એકદમ મૉડર્ન લોગો ઈન્ટ્રોડ્યુસ કર્યો પણ પબ્લિક રિએકશન એડવર્સ આપ્યું. પાછો જૂનો લોગો લઈ આવ્યા ને પબ્લિક ખુશ ખુશ. ઘર આંગણે એશિયાના સૌથી જૂના અખબાર 'મુંબઈ સમાચાર' દૈનિક (સ્થાપન : 1822)નો કેટલાક દાયકાઓથી ચાલી આવતો સીધોસાદો લોગો થોડાંક વર્ષો પહેલાં મૉડર્ન બનાવવાની લાહ્યમાં બદલવામાં આવ્યો જેને કારણે જાણે આ જૂદું જ અખબાર હોય એવું લાગતું હતું. છેવટે ચાર વર્ષ અગાઉ મેનેજમેન્ટને કરાયેલાં સૂચનો અમલમાં આવ્યાં અને જૂનો લોગો રિસ્ટોર થયો.
જે બ્રાન્ડ કલ્ટ બની જાય તે બ્રાન્ડના ફૉલોઅર્સ એ બ્રાન્ડના માત્ર પ્રચારક જ નહીં, એ બ્રાન્ડના કટ્ટર સમર્થક પણ બની જતા હોય છે. એપલના આઈફોન, આઈપોડ કે મેક વાપરનારાઓ આગળ તમે એપલનો અમુક નીતિઓની કે અમુક ખામીઓની ટીકા કરવાની હિંમત કરી જો જો. જાણે તમે એમના પર પર્સનલી પ્રહાર કર્યો હોય એવા ઝનૂનથી તેઓ એપલનો બચાવ કરવા માંડશે. અમિતાભ બચ્ચનના કે શાહરૂખ ખાનના ચાહકો એમની નબળી ફિલ્મોનો પણ ઝનૂનપૂર્વક બચાવ કરશે. કારણ કે કલ્ટ બ્રાન્ડના ફૉલોઅર્સ માટે આ બ્રાન્ડસ પોતાના અંગત જીવનનો એક હિસ્સો બની જતી હોય છે. એમના સમગ્ર વ્યક્તિત્વનું એક અભિન્ન અંગ બની જતી હોય છે. એમની ખામીઓને પણ તેઓ જસ્ટિફાય કરતા થઈ જાય છે. ખુદ પોતાના અસ્તિત્વ કરતાં પણ વધારે એમને એ બ્રાન્ડ સામે જોડાયેલા રહેવું વધુ અગત્યનું લાગતું હોય છે. તેઓ પોતાના વિશે થતી ગેરવાજબી ટીકા પણ કદાચ સહન કરી લેશે પણ પોતે જે કલ્ટ બ્રાન્ડના વપરાશકાર છે તે બ્રાન્ડની વાજબી ટીકા પણ નહીં સાંખી લે. આને લીધે એ કલ્ટ બ્રાન્ડની જવાબદારી ઔર વધી જતી હોય છે.
'ગ્રાન્ડ બ્રાન્ડ રજની' પુસ્તકના લેખકો પી.સી. સુબ્રમિણયન અને રામ એન. રામકૃષ્ણને સાથે મળીને એક બીજું પુસ્તક લખ્યું છે જેનું નામ છે : 'રજની'ઝ પંચતંત્ર : બિઝનેસ એન્ડ લાઈફ મેનેજમેન્ટ, ધ રજનીકાન્ત વે.' એ પુસ્તક વિશે થોડીક વાત કરીને આ લાંબી ચાલેલી સિરીઝનું સમાપન કરીને નવો વિષય હાથમાં લઈશું. આ નવા પુસ્તકમાં બેઉ લેખકોએ રજનીકાન્તની ફિલ્મોના યાદગાર સંવાદોના આધારે બિઝનેસ તેમ જ લાઈફના ત્રીસ મેનેજમેન્ટ મંત્રો તૈયાર કર્યા છે. અમિતાભ બચ્ચનના ડાયલૉગ આપણને યાદ હોય એ સ્વાભાવિક છે. આજ તુમ ખુશ તો બહોત હોગે, ક્યા હૈ તુમ્હારે પાસ, પહલે ઉસ આદમી કી સાઈન લે કે આઓ, તુમ્હારા નામ ક્યા હૈ બસંતી, મેરા નામ વિજય દિનાનાથ ચૌહાણ કે પછી ડૉન કો પકડના મુશ્કિલ હી નહીં... વગેરે વગેરે અને બીજા ડઝનબંધ વગેરેઓ...
રજનીકાન્તના યાદગાર સંવાદો આપણને ખબર પણ ન હોય એ સ્વાભાવિક છે. તમારે કલ્પના કરવાની કે બચ્ચનજીના ડાયલોગ્સ પર આપણે જેમ ઉછળીને તાળીઓ પાડી છે, સીટીઓ મારી છે અને સ્ક્રીન પર સિક્કા ફેંક્યા છે એવું જ રજનીકાન્તના લાખો ફેન્સે પણ કર્યું છે એટલે આ સંવાદોનું મહત્ત્વ ઘણું છે. આપણે આ રજની સંવાદોની એક ઝલક જોઈ લઈએ. તમિળ ભાષાના સંવાદોને ગુજરાતીમાં લખવાને લીધે થનારી ભૂલો બદલ ક્ષમા.
1. એન્ વળી તની વળી: માય વે ઈઝ અ યુનિક વે. મારો રસ્તો હું ખુદ બનાવું છું. જિંદગીમાં અને બિઝનેસમાં જે ચીલો ચાતરે છે તેણે સૌથી વધુ હાર્ડશિપ ભોગવવી પડે છે અને સફળતા પણ એને જ સૌથી વધારે મળે છે.
2. નાન્ ઓરુ તડવૈ સોન્ના, નુરુ તડવ સોન્ના માધિરી : ઈફ આઈ સે સમથિંગ વન્સ, ઈટ ઈઝ ઈક્વિવેલન્ટ ટુ સેઈંગ ઈટ અ હન્ડ્રેડ ટાઈમ્સ. સલમાન ખાન 'વૉન્ટેડ'માં કહે છે એમ મૈં અપને આપ કી ભી નહીં સુનતા. પ્રાણ જાય પર વચન ન જાય એવું તુલસીદાસે રામાયણમાં લખ્યું છે. જો કે, મૂળ તમિળ સંવાદનું અર્થઘટન લેખકોએ એ મુજબ કર્યું છે કે, બિઝનેસમાં અને લાઈફમાં તમારે જે કંઈ કન્વે કરવું હોય તે એટલી સરળ અને સ્પષ્ટ કરો કે તમારે ફરી એ વિશે ભારપૂર્વક કહેવાની જરૂર જ ન પડે. કમ્યુનિકેટ ઈફેક્ટિવલી.
3. પીરા કયટાવડેન ચુમ્મા અતુરુતિલઈ : ધ મિયર મેન્શન ઑફ (હિઝ) નેઈમ કૉઝીસ ટ્રેમર્સ. નામ પડતાંની સાથે જ ખબર પડી જેવી જોઈએ કે તમે કોણ છો. બિલ્ડ એન ઈમ્પેકેબલ રેપ્યુટેશન.
4. નાન સોલરતૈયમ સીવન... સોલરતૈયમ સીવન: આપ વિલ ડિલીવર વૉટ આપ પ્રોમિસ... એન્ડ ડિલીવર ઈવન વૉટ આય ડિડન્ટ ! લોકો તમારી પાસેથી બિઝનેસમાં (અને ઈવન લાઈફમાં) જેની જેની અપેક્ષાઓ રાખે તે તો તમે એમને આપો જ, એનાથી આગળ વધીને તમે એમને એવું આપો જેની એમને તમારી પાસેથી કોઈ અપેક્ષા જ નથી અને મળે છે ત્યારે તેઓ સાનંદાશ્ચર્ય અનુભવે છે. સરપ્રાઈઝ અધર્સ, ગો બીયોન્ડ એક્સ્પેક્ટેશન્સ.
5. નાન યોસિક્કમ્મા પેસા માતઈન, પેસિના પિરાગુ યોસિક્ક માતઈન : આય થિન્ક બીફોર આય સ્પીક એન્ડ ડૉન્ટ ડાઉટ વૉટ આ સે. બોલ્યા પછી પસ્તાવું ના પડે એટલા માટે બોલતાં પહેલાં જ બે વાર વિચારી લેવું સારું. કોઈને તમે કમિટમેન્ટ આપતા હો, કે કોઈનામાં આશા જગાડતા હો ત્યારે બે વાર વિચારી લેવું અને બોલ્યા પછી કોઈપણ સંજોગોમાં એ કમિટમેન્ટનું પાલન કરવાનું. બિઝનેસ અને જિંદગી બેઉમાં આ વાત લાગુ પડે. એ ડાયલોગનું અહીં એક્સ્ટેન્શન છે.
આ અને હજુ આવા બીજા 25 સંવાદોમાંથી બિઝનેસ-લાઈફનો મંત્રો શોધવાના છે. આવતા સોમવારે પૂરું કરીએ.
લાઈફ લાઈન
(જિંદગીમાં કે બિઝનેસમાં) તમારામાં કોઈ ભડભડતી ઈચ્છા હોવી જોઈએ અથવા તો કોઈ એવી કપરી સમસ્યા હોવી જોઈએ જેનો ઉકેલ શોધવા માટે નીચોવાઈ જવાનું મન થાય. શરૂઆતથી જ જો તમારામાં જબરજસ્ત પેશન નહીં હોય તો તમે ક્યારેય બે ડગલા આગળ આવીને કામ શરૂ નહીં કરી શકો.
- સ્ટીવ જૉબ્સ
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર