સેલ્ફ કૉન્ફિડન્સ અવરજવર કરતો નથી

10 Jul, 2017
12:00 AM

સૌરભ શાહ

PC: bookboon.com

તમારામાં સેલ્ફ કૉન્ફિડન્સ છે કે નહીં એની ખબર તમને (કે બીજાઓને) જ્યાં સુધી એની કસોટીનો વખત ન આવે ત્યાં સુધી નહીં થાય. ઘણી વખત આપણે ભ્રમણામાં રાચીએ છીએ : એક અઠવાડિયા સુધી મને અમુક વ્યક્તિ/વાનગી/પ્રવૃત્તિ વિના આરામથી ચાલે એમ છે. અથવા તો આ કામ કરવું એ તો મારા માટે ડાબા હાથનો ખેલ છે. પણ જ્યાં સુધી તમે એ કામ હાથમાં લઈને પૂરું નથી કરતા ત્યાં સુધી તમને ખબર નથી પડતી કે આ કામ તમારાથી થઈ શકશે એવો આત્મવિશ્વાસ તમારી ભ્રમણા છે કે પછી ખરેખર તમારામાં એવી ક્ષમતા છે.

પણ સેલ્ફ કૉન્ફિડન્સ માત્ર પરિણામલક્ષી નથી હોતો. કોઈ કામ કરવામાં તમને નિષ્ફળતા મળે એટલે તમારામાં એ કામ બાબતે આત્મવિશ્વાસનો અભાવ છે એવું ન કહી શકાય. નિષ્ફળતા મળ્યા પછી પણ તમે ફરી વાર હામ ભીડીને એ કામ કરવા લાગી જાઓ છો ત્યારે તમારામાંનો એ આત્મવિશ્વાસ અકબંધ જ હોય છે. નાસીપાસ થઈને એ કામ કરવાનું છોડી દો તો અલગ વાત છે પણ ખૂબ પ્રયત્નો કર્યા પછી પણ એ કામમાં સફળતા ન મળતી હોય અને તમને રિયલાઈઝ થઈ જાય કે તમારામાં આ કામ કરવાની ક્ષમતા જ નથી અથવા તો તમે આ બાબતમાં તમારી જાતને ઓવરએસ્ટિમેટ કરી હતી અને તમે કાર્ય છોડી દો તો એ તમારી સમજદારી છે, તમારામાં આત્મવિશ્વાસનો અભાવ છે એવું કોઈ ના કહી શકે.

આત્મવિશ્વાસ હોવા ન હોવાનો માપદંડ મોટાભાગના લોકો માટે એ હોય છે કે હું આ બાબતે સામેવાળી વ્યક્તિને કેટલી ઈમ્પ્રેસ કરી શકું છું. દાખલા તરીકે કોઈને પહેલી વાર જૉબ માટે કે પછી બિઝનેસ મીટિંગ માટે ઈન્ટરવ્યુ આપવાનો હોય, કોઈને મળવાનું હોય ત્યારે આપણને શીખવાડવામાં આવ્યું હોય છે કે આપણી બૉડી લેન્ગવેજ સેલ્ફ કૉન્ફિડન્ટ હોવી જોઈએ. આપણે ભૂલી જઈએ છીએ કે બૉડી લેન્ગવેજ સેલ્ફ કૉનફિડન્ટ બનાવી દેવાથી (એટલે કે આંખો ચકળવકળ ન થાય, બે હથેળીઓ વારંવાર એકબીજા સાથે ન ઘસડાય, ઢીલી ચાલ ન હોય, ટટ્ટાર બેઠક હોય, અવાજ અને ઉચ્ચારો સ્પષ્ટ-ધારદાર હોય વગેરે) કંઈ આત્મવિશ્વાસ પેદા થઈ જતો નથી. તમે જે કામસર સામેની વ્યક્તિને મળવા જઈ રહ્યા છો એ કામની બાબતમાં તમારી આવડત કેટલી છે, જાણકારી કેટલી છે, એમાં ઊંડા ઉતરવાની ઉત્કંઠા કેટલી છે એ બધાના આધારે નક્કી થવાનું કે તમે આ મુલાકાત માટે સેલ્ફ કૉન્ફિડન્ટ છો કે નહીં. તમને કોઈએ તમારાં કપડાં ઈસ્ત્રી કરેલાં હોવાં જોઈએ એવી સલાહ આપી હોઈ શકે પણ ધારો કે બસમાંથી કે રિક્શામાંથી ઊતરીને મળવાના સ્થાને પહોંચતી વખતે ધોધમાર વરસાદ તૂટી પડ્યો અને તમારાં કપડાં ચોળાઈ ગયાં, તમે પ્રેઝન્ટેબલ ના રહ્યા તો શું તમારો સેલ્ફ કૉન્ફિડન્સ ગાયબ થઈ જશે? ના. કૃત્રિમ રીતે જો એ ઊભો કરેલો નહીં હોય તો ગાયબ નહીં થાય.

એક વાત યાદ રાખવાની કે દુનિયાની દરેક સારી ચીજની જેમ સેલ્ફ કૉન્ફિડન્સ પણ રાતોરાત નથી આવતો. હજારો શ્રોતાઓને પોતાની વાણીથી પ્રભાવિત કરતા વક્તાઓ જ્યારે પહેલવહેલી વાર મંચ પર માઈક સામે બોલવા ઊભા થયા હશે ત્યારે એમના પગ અચૂક ધ્રુજ્યા હશે. કોઈ પણ વાતનો વધુને વધુ રિયાઝ કરતા રહેવાથી સેલ્ફ કૉન્ફિડન્સ વધતો જાય છે. અને આમ છતાં ક્યારેક, વરસના વચલા દહાડે તમારો આત્મવિશ્વાસ તૂટી જાય એવી ઘટના પણ બને. તમારા હાથનો બનેલો મેસૂર વર્ષોથી તમારા ફેમિલીમાં વખણાતો હોય પણ સડનલી એક દિવસ તમારાથી કોઈ શીખાઉ પણ ન બનાવે એવો મેસૂર બની જાય. તમે ખૂબ સારા ગાયક હો અને રેકોર્ડિંગ રૂમમાં બે-ત્રણ ટેકમાં આખું ગીત પૂરું કરી દેતા હો પણ કોઈ દિવસ ચાર-છ કલાક પછી પણ કોઈ જગ્યાએ સૂર ઠીક ન લાગે અને રેકોર્ડિંગ કેન્સલ કરવું પડે એવું બને. આવી બધી દુર્ઘટનાઓને કારણે હતાશ થવાની જરૂર નથી હોતી. જેમ સફળ વ્યક્તિ તરીકે નામના મેળવવા એકાદ છુટીછવાઈ સફળતા (ક્રિકેટર માટે એકાદ છુટીછવાઈ સેન્ચ્યુરી કે એક્ટર માટે એકાદ છુટીછવાઈ હિટ ફિલ્મ કે લેખક માટે એના છૂટોછવાયો વખણાયેલો લેખ) પૂરતી નથી હોતી, પણ સિરીઝ ઑફ સફળતાઓ અને એકબીજાની પાછળ આવ્યા કરતી વારંવારની સફળતાઓ તમને એક સફળ વ્યક્તિ બનાવે છે એમ એકાદ વારની નિષ્ફળતા (ક્રિકેટર માટે પહેલા બોલે કે ઝીરોમાં આઉટ થઈ જવું વગેરે) તમને નિષ્ફળ વ્યક્તિ બનાવી દેતી નથી. વારંવારની નિષ્ફળતાઓ પછી જ તમે ખરેખર નિષ્ફળ છો કે નહી તે નક્કી થઈ શકે. માટે ચડતીપડતી જેવા તબક્કાઓમાં પોતાનામાંના સેલ્ફ કૉન્ફિડન્સ વિશે શંકા કરતા થઈ જવાની કોઈ જરૂર નથી હોતી. એક વાત સમજી લેવાની જરૂર છે કે જે અવરજવર કરે છે તે સેલ્ફ કૉન્ફિડન્સ હોતો નથી. આત્મવિશ્વાસ વ્યક્તિમાં કેળવાઈને કાયમ માટે સ્થપાઈને રહેનારો ગુણ છે. આ ગુણ કેળવવાના કેટલાક સરળ દેખાતા પણ સાતત્ય માગી લેતા રસ્તાઓ વિશે નેકસ્ટ વીકમાં વાત કરવી છે.

લાઈફ લાઈન

તમારાં ચંપલની પટ્ટી તૂટેલી હોઈ શકે, તમારા શર્ટનો કૉલર ફાટેલો હોઈ શકે પણ તમારું મન રાજમહેલ હોઈ શકે.

ફ્રેન્ક મેકકોર્ટ (પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા આઈરિશ-અમેરિકન લેખક : 1930-2009)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.