મલ્ટિ ટાસ્કિંગ : મીણબત્તી બેઉ છેડેથી બાળવી કે નહીં
મલ્ટિ ટાસ્કિંગ શબ્દો જ મને નથી ગમતા. એવું કરવામાં બાવાનાં બેઉ બગડે એમ મને લાગે. બધું એક સાથે કરવા જવામાં કશામાં ભલીવાર ન આવે. એક કામ હાથમાં લેવું. એને નિષ્ઠાથી પૂર્ણતાને આરે લઈ જવું. પછી જ બીજું લેવું. પછી જ ત્રીજું. ત્રણેય કામ એકસાથે કરો તો કોઈમાં સ્વાદ ન આવે. ત્રણેય કામ કાચાંકોરાં રહી જાય.
જે લોકોને લાંબી સૂઝ ના હોય, જે લોકો પાસે લાઈફનો નિશ્ચિત ગોલ ના હોય તેઓ મલ્ટિ ટાસ્કિંગના નામે પાંચ-પાંચ ફૂટના દસ ખાડા ખોદતા રહે અને પછી ફરિયાદ કરે કે એકેયમાંથી પાણી ન નીકળ્યું. પચાસ ફૂટનો એક જ ખાડો ખોદ્યો હોત તો કદાચ પાણી મળી જાત એની સમજ આવતાં વર્ષો લાગી જતાં હોય છે.
મલ્ટિ ટાસ્કિંગ નહીં કરવાનો મતલબ એ નથી કે તમારે માત્ર એક પચાસ ફૂટનો કૂવો ખોદીને એમાંથી નીકળતું પાણી મેળવીને સંતોષ માની લેવો. ના. પચાસ ફૂટનો કૂવો ખોદાઈ ગયા પછી બીજું કામ હાથમાં લેવાનું. બીજા કૂવાની જરૂર નથી! ઠીક છે. પચાસ ફૂટ ઊંચી દીવાલનું ચણતર કરવાનું છે પાંચ હજાર ફીટના ઘેરાવાની વાડ તૈયાર કરવાની છે? પાંચ કિલોમીટર લાંબો માર્ગ તૈયાર કરવાનો છે? કરો. વારાફરતી આ દરેક કાર્ય કરો. દેખીતી રીતે એકબીજાની સાથે નાતો ન ધરાવતાં હોય એવા કામ પણ એક પછી એક કરતાં જાઓ પણ એક સાથે એ બધા કામ શરૂ કરીને મલ્ટિ ટાસ્કિંગ કરવાની નકામી હોંશને સંતોષવાની જરૂર નથી.
દેખીતી રીતે એકબીજા સાથે નાતો ન ધરાવતાં હોય એવાં કામ કરવાનું કહ્યું છે. સ્નાન સૂતકનોય સંબંધ ન હોય એવાં કામ કરવાનું નથી કહ્યું. મૂકેશ અંબાણી ટેક્સટાઈલ, પેટ્રો કેમિકલ અને મોબાઈલ જેવાં એકબીજા સાથે સ્નાન સૂતકનોય સંબંધ ન હોય એવા કામ કરી શકે. મારાથી ન થઈ શકે. આપણે કરવા જઈએ તો મરે નહીં તો માંદા થાય જેવો ઘાટ થાય. આપણે એવા તદ્દન ભિન્ન ક્ષેત્રોમાં પહોંચી જવાની જરૂર નથી. આપણા ગજાબહારની વાત છે.
મલ્ટિ ટાસ્કિંગની ચુંગાલમાં ફસાવાને બદલે આપણે જ્યારે આપણા મુખ્ય રસના વિષય સાથે સંકળાયેલા પેટા ક્ષેત્રો કે સમાંતર ક્ષેત્રો સાથે કામ કરીએ છીએ ત્યારે આપણી સમજણનું ઊંડાણ વધે છે અને આ ઊંડાણ વધે ત્યારે માણસની ઊંચાઈ વધે. હું લખતાં લખતાં ટીવી પણ જોઉં અને ફોન પરના મેસેજીસનો પણ જવાબ આપું અને ઈમેલ પણ વાંચું અને મુલાકાતીઓને પણ એન્ટરટેન કરતો રહું તો એ થયું મલ્ટિ ટાસ્કિંગ જેનો હું સખત વિરોધી છું. એક વખત એક જ કામ કરવાનું. લખતી વખતે લખવાનું અને ટીવી જોતી વખતે ટીવી જ જોવાનું અને કોઈ આવે ત્યારે માત્ર એમની સાથેની વાતોમાં જ ઓતપ્રોત રહેવાનું. પણ મારા રસના વિષયને પોષે એવા એ જ ક્ષેત્રની આસપાસના બીજાં ક્ષેત્રોમાં હું કામ કરતો હોઉં તો તે મલ્ટિટાસ્કિંગ નથી બલ્કે મલ્ટિ ટેલન્ટેડ છે જે આવકાર્ય છે. માણસે મલ્ટિ ટાસ્કર હોવાને બદલે મલ્ટિ ટેલન્ટેડ હોવાનો ઈરાદો રાખવો જોઈએ.
હું લેખન ક્ષેત્રમાં હોઉં તો કૉલમ લખું, સ્વતંત્ર લેખ લઉં, આગળ વધીને સ્વતંત્ર પુસ્તક લખું કે પછી નવલકથા ઈત્યાદી સર્જન ક્ષેત્રે હાથ અજમાવું કે પછી નાટક-ફિલ્મની સ્ક્રિપ્ટ લખું. આ બધું મલ્ટી ટેલન્ટેડ થયું, મારા હિસાબે. પણ કોઈ લેખક કહે કે મને તો બેન્જો વગાડતાં પણ આવડે અને હું પ્રેફેશનલી બેન્જો વગાડવા જઉં છું કે પછી લેખક હોવા ઉપરાંત તમે ભારત નાટ્યમ પણ આવડે અને હમણાં જ મેં આરંગેત્રમ કર્યું અને ભરત નાટ્યમ ક્ષેત્રે જૂજ પુરૂષો છે જેમાં હવે હું એક ઉમેરાયો છું અને હવે હું પ્રોફેશનલ લેખનની સાથોસાથ પ્રોફેશનલી ભરત નાટ્યમના શોઝ પણ કરીશ તો હું એને મલ્ટિ ટેલેન્ટેડ ન ગણું. આવું કરવામાં માણસ વિખેરાઈ જાય. બેસ્ટ તો એ છે કે માણસ પોતાના ને પોતાના જ ક્ષેત્રમાં એ હદ સુધી ઊંડો ઊતરે કે બીજાં તમામ ક્ષેત્રો માટે એ નકામો બની જાય.
હું શોખ ખાતર પાણીપુરી બનાવું તે એક વાત છે અને લેખન તેમ જ પાણીપુરીનો ખુમચો સામસામે ચલાવું તે જુદી વાત છે. (મારે એવો ખુમચો ચલાવવો પડેલો પણ તે વખતે હું ટેમ્પરરી લેખનના ક્ષેત્રની બહાર ફંગોળાઈ ગયેલો એટલે. નહીં તો નહીં ચલાવ્યો હોત ખુમચો).
પંડિત શિવકુમાર શર્મા જેટલું સારું સંતુરવાદન કરતા એટલું જ સારું તબલાંવાદન પણ કરતા. સિક્સ્ટીઝમાં એમણે નિર્ણય કર્યો કે તબલાંવાદન છોડી દેવું છે. પછી એ સંતુરવાદનમાં એટલા આગળ વધી ગયા, એટલા ઊંડા ઊતરી ગયા કે તબલાંવાદન ક્ષેત્રે એમણે પોતાની જાતને યુઝલેસ બનાવી દીધી.
જેક ઑફ ઑલ બનવાની મહત્વાકાંક્ષા રાખનારો માણસ ખરેખર ભવિષ્યમાં જેક જ બની જાય છે, દરેક ક્ષેત્રનો ગુલામ. એ ક્યારેય કોઈ એક ક્ષેત્રનો બેતાઝ બાદશાહ-માસ્ટર નથી બની શકતો. ગુલઝાર જ્યારે મુંબઈની ફિલ્મ લાઈનમાં સ્ટરગલ કરતા હતા ત્યારે સરસ કવિતા લખતા, સિતાર પણ સરસ વગાડતા. મીનાકુમારીની સલાહથી ગુલઝારે સિતાર વગાડવાનું છોડી દીધું. જો બેઉ કામ ચાલુ રાખ્યાં હોત તો, ન તો તેઓ પંડિત રવિશંકરની કક્ષાના સિતારવાદક બની શક્યા હોત, ન આપણે જેમની કવિતાને આદર આપીએ છીએ એ કક્ષાના કવિ.
હજુ એક ઉદાહરણ આપીને મારી વાત સ્પષ્ટ કરું. કોઈ ક્રિકેટર સારું ગોલ્ફ રમતો હોય એવું બને. આય થિન્ક કપિલ દેવ સારું ગોલ્ફ રમતા. પણ કપિલ દેવ બેઉમાં મહારત સિદ્ધ કરવાની કોશિશ ન કરી. જો કરી હોત તો ન તેઓ ટોચના ક્રિકેટર બની શક્યા હોત, ન ટોચના ગોલ્ફર. હા, કોઈ ક્રિકેટર સારો બેટ્સમેન હોય અને સારો બૉલર તેમ જ સારો ફિલ્ડર બની શકે. આજની ક્રિકેટની તો જોકે હવે એ જરૂરિયાત થઈ ગઈ છે. પણ એક જમાનામાં એ રેર ફીટ ગણાતી. મોટાભાગે ક્રિકેટર કાં તો બોલર હોય, કાં બેટ્સમેન.
પ્રવૃત્તિઓની વિવિધતામાં પણ એકતા હોવી જોઈએ. જેને એકબીજાની સાથે કોઈ લેવાદેવા ન હોય એવાં કામોમાં જીવન વિતાવી દેવાનો કોઈ અર્થ નથી. તમારાં કામને એક સૂત્રે સાંકળ્યાં હોય તો છેવટે એમાંથી કોઈક અર્થને આકાર મળવો જોઈએ.
મલ્ટિ ટાસ્કિંગ અને અને મલ્ટિ ટેલેન્ટેડ વચ્ચેનો ભેદ સમજીએ. વેરવિખેર થઈ જતાં બચીએ અને એકાગ્રતાની, સાધનાની શક્તિ કેળવીને એ જ ક્ષેત્રમાં ઊંડાને ઊંડા ઊતરીને જાતને હજુ વધુ ઊંચા શિખરો પર લઈ જઈએ.
ઘણા લોકો વધારે કામ કરનારાઓને ઠપકો આપતાં કહેતા હોય છે કે એ તો બેઉ છેડેથી એની મીણબત્તીને બાળે છે. હું કહું છું કે ચાલો, વચ્ચેથી પણ બાળવાનું શરૂ કરીએ.
લાઈફ લાઈન
સત્ય આડેનો મોટામાં મોટો અવરોધ એ છે કે આપણે બીજાનું સત્ય સ્વીકારી શકતા નથી.
મોરારિબાપુ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર