સંજોગો તમારા કાબૂમાં નથી પણ એના માટેની પ્રતિક્રિયા તમારા કન્ટ્રોલમાં છે

25 Apr, 2016
12:00 AM

mamta ashok

PC:

રયાન હૉલિડે (Ryan Holiday)ના બેસ્ટ સેલર બિઝનેસ પુસ્તક 'ધ ઑબ્સ્ટેકલ ઈઝ ધ વે'ની વાત ચાલી રહી છે.

લેખક કહે છે કે કોઈપણ પ્રસંગ બને ત્યારે એ બનાવ તરફ તમારી જોવાની દૃષ્ટિ કેવી છે એના પર એ પ્રસંગની તમારા પરની ઈમ્પેક્ટનો આધાર છે. કોઈ વિઘ્ન આવે ત્યારે તમારી પાસે એને રિએક્ટ કરવાના એક કરતાં વધુ વિકલ્પો હોય છે : કાં તો તમે હિંમત હારીને માથે હાથ દઈને બેસી પડો, કાં ક્ષણિક સ્તબ્ધતા પછી સિચ્યુએશનને તમારા હાથમાં લઈ લો અને એમાંથી બહાર નીકળવાના રસ્તા વિચારો. મનનું પાણી જેવું હોય છે, એમાં લાલ રંગ નાખશો તો પાણી લાલ થઈ જશે અને બ્લ્યુ રંગ નાખશો તો બ્લ્યુ. ગમે એવા કપરા સંજોગોમાં મન બહાવરું ન બની જાય અને ગમે એટલા સાનુકૂળ સમયમાં મન ઉન્માદમય ન બની જાય, ખૂબ એક્સાઈટ ન થઈ જાય એવી કેળવણી મનને આપવાનું કામ અઘરું ખરું પણ અશક્ય નથી.

રયાન હૉલિડે બે જાણીતી વ્યક્તિઓના દાખલા આપે છે. જ્હૉન ડી. રૉકફેલરનું નામ તમે સાંભળ્યું છે. અમેરિકાનો એક જમાનાનો સૌથી મોટો ધનાઢ્ય આદમી. આજે એની છઠ્ઠી કે સાતમી જનરેશન ચાલે છે. એનો બાપ દારૂડિયો હતો, ક્રિમિનલ હતો. બાપે ફેમિલીને તરછોડી દીધું હતું. જ્હૉને સોળ વર્ષની ઉંમરે જિંદગીની પહેલી નોકરી લીધી. રોજના 50 સેન્ટ્સ મળે. 1855ની આ વાત. બે વર્ષ પછી અમેરિકામાં ભયંકર મોટી આર્થિક મંદી આવી જે વર્ષો સુધી ચાલી. જ્હૉન ડી. રૉકફેલર અકાઉન્ટન્ટ હતો અને એની પાસે થોડાઘણા પૈસા જમા થયા હતા. ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે, ફાઈનાન્સ કરવા માટે. આ મંદીના ગાળામાં એ જીવનનો બહુ મોટો પાઠ ભણ્યો : માર્કેટ હંમેશાં અનપ્રેડિક્ટેબલ જ રહેવાનું છે - માત્ર શિસ્તબદ્ધ અને તર્કબદ્ધ દિમાગવાળાઓનું જ અહીં કામ છે. સ્પેક્યુલેશન કરવા જઈશું તો ઊંધા માથે પડીશું અને ઘેંટાના ટોળામાં ભળી જઈશું તો તો સાવ ખલાસ થઈ જઈશું.

25 વર્ષની ઉંમરે રૉકફેલર પર ભરોસો મૂકીને કેટલાક ઈન્વેસ્ટરોએ એને પાંચ લાખ ડૉલર્સ સોંપીને એ નક્કી કરે તે પેટ્રોલના કૂવાઓમાં મૂડીરોકાણ કરી નાખે એવી જવાબદારી સોંપી.

રૉકફેલર આજુબાજુની તમામ જગ્યાઓમાં ફરી વળ્યો પણ થોડા દિવસ બાદ એણે પાછા આવીને બધા ઈન્વેસ્ટરોને બોલાવીને એમણે આપેલી પૂરેપૂરી રકમ પાછી આપી દીધી અને કહ્યું : અત્યારે મને તેલના કૂવાઓમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાનું યોગ્ય નથી લાગતું. બીજા લોકો ભલે આ ક્ષેત્રમાં એન્ટર થવા પડાપડી કરતા હોય પણ મારી સલાહ એવી છે કે તેલ જુઓ તેલની ધાર જુઓ - ભવિષ્યની વાત ભવિષ્યમાં.

થોડા વર્ષ થંભી જવાની ધીરજનાં રૉકફેલરને અને એના ઈન્વેસ્ટર્સને મીઠાં ફળ મળ્યાં. જે લોકો અત્યારે એ ફિલ્ડમાં રોકાણ કરી ચૂક્યા હતા એ બધા ધોવાઈ ગયા. રૉકફેલર આણી કંપનીના પૈસા બચી ગયા. પછી 1873ની સિવિલ વૉર વખતે જે ઑપોર્ચ્યુનિટી ઊભી થઈ ત્યારે અને ત્યાર બાદ 1907 તથા 1929ની મંદીમાં રૉકફેલરે ખૂબ કમાણી કરી. એક તબક્કે અમેરિકાના પેટ્રોલના કૂવાઓમાંથી 90 ટકા પર રૉકફેલરનો કન્ટ્રોલ હતો, અને ત્યારે લાલચુ તથા ટૂંકી દૃષ્ટિવાળા એના કૉમ્પીટિટર્સ ધૂળ ચાટતા થઈ ગયેલા.

રૉકફેલરના પગલે ચાલનાર વૉરન બફેટનો પણ સિદ્ધાંત એ જ છે : માર્કેટમાં બીજા લોકો લોભી-લાલચી બની જાય ત્યારે તમે ધીરા પડી જાઓ અને બીજા લોકો સંકેલો કરી રહ્યા હોય ત્યારે તમે મેદાનમાં આવી જાઓ - બી ફિયરફુલ વ્હેન અધર્સ આર ગ્રીડિ એન્ડ ગ્રીડિ વ્હેન અધર્સ આર ફિયરફુલ.

ધંધામાં અને જીવનમાં સફળ થવું હોય ત્યારે તમારે તમારા આવેશ પર, તમારા ઈમ્પલઝિવ નેચર પર લગામ રાખવી પડે.

રૉકફેલરે એક વખત કહ્યું હતું : 'જેમને જિંદગીના આરંભે જ પાયો નાખવામાં જે સ્ટ્રગલ કરવી પડે છે તે જુવાનિયાઓ નસીબદાર હોય છે. મારી જિંદગીની શરૂઆતનાં એ સાડા ત્રણ વર્ષના સંઘર્ષને હું ક્યારેય નહીં ભૂલું. એ વખતે મને જે પાઠ શીખવા મળ્યા તે આખી જિંદગી મને કામ લાગ્યા.'

જિંદગીમાં વિઘ્નો આવવાનાં અને તકો પણ આવવાની. વારંવાર આવ્યા જ કરશે આ બંને. જિંદગીમાં કંઈ તમે જે ધારો છો તે જ બધું બનતું રહે એવું નથી. પણ જે કંઈ બને છે તેને તમે કેવી રીતે ટેકલ કરો છો એ નક્કી કરે છે કે તમારી જિંદગી પર તમારો કન્ટ્રોલ છે કે નહીં. વિટંબણાઓ વખતની તમારી એ પરિસ્થિતિ માટેના રિએકશન નક્કી કરશે કે તમારી જિંદગીની ગાડી પાટા પરથી ઉથલી પડશે કે નહીં. અને આ માટે કોઈપણ પ્રૉબ્લેમ તરફ 'પ્રૉબ્લેમ'ની દૃષ્ટિએ જોવાને બદલે એને એક 'પરિસ્થિતિ' તરીકે જોઈશું તો આ તમામ વિટંબણાઓની આરપાર જોઈ શકીશું. મોટેભાગે બને છે એવું કે આપણે જેને 'પ્રૉબ્લેમ' માની બેસીએ છીએ એવી 'પરિસ્થિતિ' સર્જાય ત્યારે આપણે ઈમોશનલ બનીને વિચારવા માંડીએ છીએ : હવે મારું શું થશે, મારું કેવું લાગશે, ફિલ્ડમાં લોકો શું કહેશે, પરિવારજનો-મિત્રોના શું રિએકશન હશે? આવું વિચારવામાં ને વિચારવામાં પરિસ્થિતિએ જે ગૂંચવણો ઊભી કરી છે તે તમામ ગાંઠ ખોલવાની મહેનત કરવામાં આવતી નથી. ઈમોશનલ બન્યા વિના માત્ર બુદ્ધિ દોડાવીને એક પછી એક ગાંઠ ખોલવા માંડીએ તો આજે નહીં તો કાલે પરિસ્થિતિ બેક ટુ નૉર્મલ થવાની જ હોય છે.

બીજો કિસ્સો છે અમેરિકન બૉક્સિંગ ચેમ્પિયન રૂબિન કાર્ટરનો જેને લોકો 'હરિકેન'ના હુલામણા નામે બોલાવતા.  અને એ હતો પણ પ્રચંડ વાવાઝોડા જેવો જ. 1966માં અમેરિકન પોલીસે એણે ન કરેલા ગુના બદલ એની ધરપકડ કરી અને કોર્ટે પણ નિર્દોષ રૂબિન કાર્ટરને કસૂરવાર ઠેરવીને ત્રણ-ત્રણ જનમટીપની સજા કરી, ત્રણ મર્ડર કરવા બદલ. જેલમાં ગયા પછી 'હરિકેન' નાહિંમત થયો નહીં. પોતાના મનોબળના જોરે એ જેલમાં ટકી રહ્યો. જેલની બહાર એની ભારે નામના હતી, બહુ મોટો દબદબો હતો. શ્રીમંત પણ હતો. કોર્ટે જ્યારે એને સજા સંભળાવીને જેલમાં મોકલ્યો એ દિવસે એણે કસ્ટમ મેડ સુટ, પાંચ હજાર ડૉલરની ડાયમંડ રિંગ અને સોનાની ઘડિયાળ પહેરીને જેલમાં પ્રવેશ કર્યો હતો.

જેલમાં જઈને જેલ અધિકારીની આંખમાં આંખ નાખીને એણે કહ્યું હતું : 'મને ખબર છે કે આ જેલમાં હું તમે મને કરેલા અન્યાયને લીધે નથી આવ્યો, તમારો કોઈ વાંક નથી એમાં, ન્યાય બીજા લોકોએ તોળ્યો છે અને ખોટો તોળ્યો છે. એટલે હું બહાર ન નીકળું ત્યાં સુધી અહીં રહેવા તૈયાર છું. પણ યાદ રાખજો, કોઈપણ સંજોગોમાં હું મારી સાથે કેદી તરીકેનું વર્તન નહીં થવા દઉં, ક્યારેય મારો પાવર હું ઓછો નહીં થવા દઉં.'

આ પાવર એટલે રૂબિન કાર્ટરનું મનોબળ. જેલમાં જઈને તૂટી જવાને બદલે એ પોતાની રીતે અડીખમ રહ્યો. ઘણી વખત એણે જેલમાં કરેલા નિયમભંગને કારણે જેલના સત્તાવાળાઓ એને એકાંત કોટડીમાં મોકલી આપતા.

પોતે નિર્દોષ હોવા છતાં જેલમાં છે એ હકીકતથી એ ગુસ્સે હતો, ભારે ગુસ્સે હતો પણ એણે પોતાનો રોષ, એ રોષ પાછળની એનર્જીને બીજા રસ્તે વાળી. જેલમાં એની દરેક સેકન્ડ કાયદાનાં, ફિલસૂફીનાં, હિસ્ટરીનાં પુસ્તકો વાંચવામાં વીતતી. એની એનર્જી અંદર રહીને અને પોતાના કેસને લગતી અપીલો કરવામાં વપરાતી.

લાંબી લીગલ બેટલ પછી અમેરિકન ન્યાયતંત્રને પોતાની ભૂલ સમજાઈ અને 19 વર્ષ પછી વારંવારની કોર્ટ લડત બાદ એને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો.

જેલમાંથી બહાર નીકળીને તરત એણે પોતાની લાઈફ રાબેતા મુજબની ગોઠવી દીધી. જેલમાં જઈને એ બહેતર માનવી બનીને બહાર નીકળ્યો હતો, તૂટીને નહીં, કારણ કે એ જેલમાં પણ પોતાની જીદ મુજબનું જીવન જીવ્યો હતો, એક કેદી કે ક્રિમિનલ તરીકેનું નહીં.

બહાર આવીને એણે ધાર્યું હોત તો અમેરિકન ગવર્નમેન્ટ પર મોટો નુકસાનીનો દાવો માંડી દીધો હોત. પણ એણે કોર્ટ પાસે સિમ્પલ માફીની પણ માગણી ન મૂકી. કારણકે એને ખબર હતી કે સમય કેટલો કિંમતી છે. પોતે નિર્દોષ પુરવાર થઈને જેલની બહાર આવી ગયો એટલું એના માટે પૂરતું હતું. હવે આગળ વધવાનું હતું. બદલો લેવા માટે રોકાઈ જવાનું નહોતું.

તમારી સામે સર્જાયેલા સંજોગો તમને તોડશે કે નહીં એ નક્કી કરવાનું કામ તમારું છે. જિંદગીમાં સર્જાતી વસમામાં વસમી પરિસ્થિતિને તમારી તરફેણની કરી લેવી છે કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. એક જ સ્પીડે, એક જ પ્રકારે બોલિંગ કરતો બૉલર કોઈને આઉટ કરી નાખે છે અને કોઈ એવા જ બૉલને સિક્સર મારે છે. તમને બેટ ઉપાડતાં આવડવું જોઈએ. જિંદગીમાં કોઈ તમે સિક્સર મારી શકો તે માટે બૉલ નથી ફેંકતું. એ તો તમને આઉટ કરવા જ માગે છે. પ્રત્યેક બૉલ તમને આઉટ કરવા માટે ફેંકાતો હોય છે. તમારે તક જોઈને એને બાઉન્ડરીની બહાર ફેંકવાનો છે તમારી બેટ વડે. આપણી ભૂલ એ સમજવામાં થાય છે કે આ બૉલર તો મને રન કરવા દેશે, આ ફિલ્ડરો તો મારો કેચ છોડીને મને હજુ ક્રિઝ પર રહેવા દેશે. ના. એના માટે આ રમત નથી. જિંદગીમાં કોઈ તમને જીતાડવા માટે નથી આવતું. તમારે જ તમારી વિષમ પરિસ્થિતિઓ સામે એ રીતે ઝઝૂમવાનું છે જેને કારણે બીજાઓને લાગે કે તમારી સફળતા તો તમને મળેલી તકને આભારી છે, અમારી જિંદગીમાં આવી તક કેમ નથી આવતી? એ ભોળાઓને ખબર નથી હોતી કે જિંદગીમાં આવતી પ્રત્યેક તક વિષમ પરિસ્થિતિના રૂપમાં જ પ્રવેશ કરતી હોય છે. અને જે પરિસ્થિતિ જોઈને આપણા મોઢામાંથી લાળ ટપકે ને આપણને લાગે કે આ કેવડી મોટી તક મારા હાથમાં આવી રહી છે, જાણે સાક્ષાત લક્ષ્મી જ ચાંદલો કરવા આવી છે ત્યારે માની લેવાનું કે સામે દેખાતું એ સુવર્ણમૃગ તમારી અભિલાષા પૂરી કરવા નથી આવ્યું. એ તમને ઉપાડી જવા માટે આવેલો રાક્ષસ છે.

રૉકફેલર આ વાત જિંદગીના પ્રથમ પચ્ચીસ વર્ષમાં જ શીખી ગયેલા. એટલે જ. આજે એમનાં પૌત્રોના પણ પૌત્રો રૉકફેલર ફાઉન્ડેશન દ્વારા દુનિયાભરમાં કરોડોનાં દાન કરે છે છતાં એમનો કુબેરનો ખજાનો ખૂટતો નથી.

લાઈફ લાઈન

ન તો કશું સારું છે ન કશું ખરાબ. તમારા વિચારો જ એને એવા બનાવે છે.

- વિલિયમ શેક્સપિયર

(મહાન નાટ્યકારની 23 એપ્રિલ 2016 (વર્લ્ડ બુક ડે)ના રોજ ચારસોમી પુણ્યતિથિ ગઈ).

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.