શરૂઆત એકથી નહીં, ઝીરોથી કરવાની
ઈન્ટરનેટ પર ખરીદી કરતા હશો તો તમને 'પે પાલ' શું છે એની ખબર હશે. 2002 પછી 'ઈ બે' એ એને ખરીદી લીધી છે. અત્યારે એ 'ઈ બે'ની સંપૂર્ણ માલિકીની સબસિડીયરી છે. બેઝિકલી 'પે પાલ' સલામત રીતે પૈસા ઑનલાઈન ટ્રાન્સફર કરવાની સિસ્ટમ છે. જે જમાનામાં ઑનલાઈન પૈસા ટ્રાન્સફર થાય કે નહીં, એમાં કેટલું જોખમ, તમારી બેન્ક ડિટેલ્સ કોઈના હાથમાં આવી જાય ત્યારે એ એનો દુરૂપયોગ કરે તો? આવા પ્રશ્નો થતા ત્યારે, છેક 1998માં 'પે પાલ'ની શરૂઆત થઈ. પીટર થીલ અને બીજા ચાર જણાએ મળીને 'પે પાલ' શરૂ કરી હતી. પીટર થીલ એનો સી.ઈ.ઓ. પણ હતો. 48 વર્ષનો પીટર થીલ 'ફેસબુક'નો પણ ફાઈનાન્સર છે, ઈન્ફેક્ટ 'ફેસબુકે' બહારના લોકોના પૈસા લેવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પહેલાં પીટર થીલે એમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું. અત્યારે એ 'ફેસબુક'ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાંનો એક છે. 'લિન્ક્ડઈન' વગેરેમાં પણ એણે મૂડીરોકાણ કર્યું છે.
પીટર થીલે 'ઝીરો ટુ વન' નામની એક બુક લખી છે આપણી ટૉપ ટેન બિઝનેસ બુક્સમાં 'એઝ અ મેન થિન્કથ' અને 'થિન્ક એન્ડ ગ્રો રિચ' પછીની ત્રીજી બુક છે અને આપણે જે મોડર્ન બિઝનેસ બુક્સની વાત કરીશું એમાંની આ પહેલી છે. 'ઝીરો ટુ વન' વિશે માર્ક ઝકરબર્ગે કહ્યું છે : 'દુનિયામાં વેલ્યુ કેવી રીતે ક્રિએટ કરવી એ વિશેના કમ્પલીટ્લી નવા અને રિફ્રેશિંગ આઈડિયાઝ તમને આ બુકમાંથી મળવાના.' તમારી જાણ ખાતર પીટર થીલે 2004માં પાંચ લાખ ડૉલરમાં ઝકરબર્ગના 'ફેસબુક' નામના વેન્ચરમાં દસ ટકા ભાગ લીધો હતો.
પીટર થીલ એક જમાનામાં ચેસ ચેમ્પિયન હતો. એણે એક વર્ષ માટે અમેરિકન કોર્ટના જજના ક્લાર્ક તરીકે પણ નોકરી કરી છે. સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ભણતાં ભણતાં એની દોસ્તી જે બીજા વિદ્યાર્થીઓ સાથે થઈ એમાંના કેટલાક 'પે પાલ'માં એના ભાગીદાર બન્યા, બીજા કેટલાકને એણે નોકરીએ રાખ્યા.
'ઝીરો ટુ વન' પુસ્તકમાં પીટર થીલે પાયાની વાત એ કહી છે બિઝનેસની દુનિયામાં જે કંઈ નવું, જે કંઈ ક્રાંતિકારી બને છે તે એક જ વખત બને છે. હવે પછીનો કોઈ સ્ટીવ જૉબ્સ કૉમ્પ્યુટર માટેની ઑપરેટિંગ સિસ્ટમ નથી શોધવાનો, એ કામ સ્ટીવ જૉબ્સે કરી નાખ્યું છે. ફ્યુચરના સ્ટીવ જૉબ્સે કૉમ્પ્યુટર ક્ષેત્રમાં કંઈક જુદૂં જ વિચારવું પડવાનું. એ જ રીતે ભવિષ્યના લેરી પેજે સર્ચ એન્જિનના ક્ષેત્રે કંઈ જૂદું જ વિચારવાનું રહેશે કારણ કે લેરી પેજે ઑલરેડી 'ગૂગલ' તો બનાવી જ દીધું છે એટલે 'ગૂગલ' જેવું નવું સર્ચ એન્જિન બનાવીને કોઈ ફાયદો નથી. એ જ રીતે ભવિષ્યમાં માર્ક ઝકરબર્ગે સોશિયલ મીડિયામાં 'ફેસબુક'ની કૉપી કરવાને બદલે સાવ કોઈ નવી જ કન્સેપ્ટ લાવવી પડશે.
પીટર થીલની કન્સેપ્ટ એવી છે કે આપણને જે ખબર છે એની કૉપી કરીને આગળ વધવું (કમ્પેરેટિવલી) સહેલું છે. દાખલા તરીકે ઑટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં પચાસ અલગ અલગ બ્રાન્ડની કાર્સ ફેમસ છે. તમારે એકાવનમી બ્રાન્ડ લૉન્ચ કરવી હશે તો એ કામ તમારી પાસે પૈસા અને મેનેજમેન્ટ હશે તો થઈ શકશે. આવું કરવામાં તમે વન (1)થી અનંત સુધી જઈ શકવાના. પણ દુનિયામાં જરૂર છે, ઝીરો (0)થી વન (1) સુધી જનારાઓની. જેણે મોટરગાડી શોધી, જેણે મોબાઈલ ફોન શોધ્યો, જેણે કૉમ્પ્યુટરની નવી ઑપરેટિંગ સિસ્ટમ, નવું સર્ચ એન્જિન, નવું સોશ્યલ મીડિયા શોધ્યું એ સૌ આ દુનિયાને ઝીરોથી વન સુધી લઈ ગયા છે. આવું કરવું દરેકના ગજાની વાત નથી. પણ દુનિયા આવા હિંમતબાજોથી જ આગળ વધતી હોય છે, આપણી સાદી ભાષામાં વાત કરીએ તો, દરેક ક્ષેત્રના પાયોનિયરોને કારણે આ દુનિયા આગળ વધે છે. એમણે જે કંઈ નવું કર્યું છે તેનો લાભ લેવા, એના પર ચરી ખાવા તો બીજા સેંકડો-હજારો મળી આવશે. પણ ખરું મહત્ત્વ આવા પાયોનિયર્સનું છે જેઓ કોઈ ક્રાંતિકારી કામમાં પોતાની જાત નિચોવી દે છે, પોતાનો સમય, પોતાની શક્તિ, પોતાનું ભવિષ્ય બધું જ એમાં ઈન્વેસ્ટ કરી દે છે.
આવું કોણ કરી શકે? સ્વાભાવિક છે કે કાચાપોચા માણસોનું આ ગજું નથી. માત્ર થિન્ક બિગ કહીને ઝંપલાવી દેનારાઓનું પણ આમાં કામ નથી. તમારા શહેરમાં લૉન્ડ્રીની દુકાનનો ધમધોકાર ધંધો જોઈને તમે નક્કી કરો કે મારે આખા દેશમાં એક બ્રાન્ડ હેઠળ લૉન્ડ્રીની દુકાનોની ચેન શરૂ કરવી છે તો તેમાં કોઈ બહુ મોટી ધાડ નથી મારી તમે. કૉફીવાળા, આઈસ્ક્રીમવાળા, બર્ગરવાળા - બધા જ આવું કરી ચૂક્યા છે. પણ તમે નક્કી કરો કે પુસ્તકો શું કામ દુકાનમાં જઈને જ ખરીદવા પડે? ઘરે બેઠાં તમને પુસ્તકો 'જોવા' મળે, ઘરે બેઠાં જ પુસ્તક તમારા હાથમાં આવે એ પછી એનું પેમેન્ટ કરો (સી.ઓ.ડી.) અને ન ગમે તો કોઈ સંકોચ વિના પાછું પણ મોકલી શકો એવી સુવિધાઓ આપવામાં આવે તો? તો જેફ બેઝોસની જેમ તમે 'એમઝોન' જેવી ઑનલાઈન શૉપિંગ સુવિધા શરૂ કરીને 'બાર્ન્સ એન્ડ નોબલ' જેવી પુસ્તકોની દુકાનોની ખમતીધર ચેનનાં શટર પાડી શકો. ઝીરો ટુ વન એટલે આવું વિચારવાનું, અને એ વિચારને સફળતાપૂર્વક કેવી રીતે અમલમાં મૂકી શકાય? પીટર થીલે સાત સ્ટેપ્સ આપ્યાં છે.
1. એન્જિનિયરિંગ ક્વેશ્ચન : અત્યારે જે કંઈ ટેક્નોલોજિકલ સુવિધા તમારી પાસે છે, એમાં ફેરફારો કરીને આગળ વધવાને બદલે શું તમે કોઈ તદ્દન નવી જ, બ્રેકથ્રુ ટેકનોલોજી વિશે વિચારી શકો છો?
2. ટાઈમિંગ ક્વેશ્ચન : તમે જે પર્ટિક્યુલર બિઝનેસ શરૂ કરવા માગો છો તે માટેનો સમય ખરેખર આવી ગયો છે, એવું તમે માનો છો? દાખલા તરીકે ઑનલાઈન પેમેન્ટ અને જી.પી.એસ. સિસ્ટમ શોધાયાં પહેલાં 'ઉબર' કે 'ઓલા' જેવી ટેક્સી સર્વિસીજનું આગમન શક્ય જ નહોતું.
3. મૉનોપોલી ક્વેશ્ચન : તમે જે નવું કામ શરૂ કરવાના છો એના દ્વારા તમને માર્કેટનો મેક્સિમમ શેર મળવાનો છે કે પછી તમારી નવીનતાના જોરે નવું માર્કેટ ખુલશે અને તમે એનો લાભ લો એ પહેલાં તમારા જ ઈનોવેશન્સ પર ચરી ખાનારાઓ, તમારા કરતાં વધારે જોર લગાવીને તમારા કરતાં આગળ નીકળી જશે?
4. પીપલ કવેશ્ચન : તમારી પાસે પ્રોપર માણસોની ટીમ છે? પ્રોપર એટલે ટેકનિકલી સાઉન્ડ અને વફાદાર પણ.
5. ડિસ્ટ્રિબ્યુશન ક્વેશ્ચન : પ્રોડક્ટ તમે ગમે તેટલી સારી બનાવો પણ તમારી પાસે જો ડિસ્ટ્રિબ્યુશન ચેનલ નહીં હોય તો તમે લોકો સુધી પહોંચવાના નથી.
6. ડ્યુરેબિલિટી ક્વેશ્ચન : તમારી પ્રોડક્ટની નવીનતા છે ત્યાં સુધી જ માર્કેટમાં તમારું નામ રહેવાનું કે પછી દસ-વીસ વર્ષ બાદ પણ તમારી પ્રોડક્ટની બોલબાલા હશે?
7. સીક્રેટ ક્વેશ્ચન : બીજાઓ જે જોઈ શકતા નથી એવી કઈ તક તમે અત્યારે તમારા ક્ષેત્રમાં જોઈ રહ્યા છો?
બિઝનેસમાં કોઈપણ ક્રાંતિકારી પગલું ભરનારે આ સાત સવાલો પર ખૂબ વિચારવું જોઈએ. પીટર થીલ કહે છે કે નવું ક્રાંતિકારી કામ શરૂ કરવું હોય તો એકલા માણસથી એ ના થઈ શકે. એકલો માણસ ક્રિએટિવિટીથી ફાટફાટ થતો હોય તો એ મહાન નવલકથા લખી શકે, મહાન ચિત્રકાર બની શકે. બિઝનેસ માટે લાઈક માઈન્ડેડ લોકોનો સાથ લેવો પડે. સાથોસાથ તમારી પાસે બહુ મોટી કંપની કે ઑફિસ હશે કે તમે પોતે એવા કોઈ મોટા ઑર્ગેનાઈઝેશનમાં કામ કરતા હશો તો પણ કોઈ નવું ક્રાંતિકારી કામ નહીં કરી શકો. એના માટે તમે એકલા પણ ન હો, ને કોઈ મોટા ઑર્ગેનાઈઝેશન સાથે પણ ન હો એવી પરિસ્થિતિ આઈડિયલ છે, ઝીરો ટુ વન જવા માટે નાનકડું સેટઅપ હોવું જોઈએ અને પછી ખૂબ બધી હિંમત અને ખૂબ બધો પરિશ્રમ.
પીટર થીલનું આ પુસ્તક એવા સૌ કોઈએ વાંચવું જોઈએ જેઓ બિઝનેસના ક્ષેત્રમાં તૈયાર ભાણે બેસી જવાને બદલે ચીલો ચાતરવાની મહત્વાકાંક્ષા ધરાવતા હોય.
લાઈફલાઈન
કોઈ નવા આઈડિયા લઈને તમારે મચી પડવાનું છે. કોઈ એવો પ્રૉબ્લેમ છે જેને તમારે સૉલ્વ કરવો છે. તમારે એના સિવાય બીજો કોઈ જ વિચાર કરવાનો નથી. પહેલેથી જ એ તમે એ માટે પૅશનેટ નહીં હો તો તમે ક્યારે ઉપર આવવાના નથી.
- સ્ટીવ જૉબ્સ
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર