સ્ટ્રગલ અને સફળતા

05 Oct, 2015
12:00 AM

mamta ashok

PC:

સ્ટ્રગલ એટલે ‘મધર ઈન્ડિયા’ની નરગિસની જેમ બળદની જગ્યાએ પોતે જોતરાઈને બે નાના દીકરાઓની મદદથી હળ ચલાવતી પરસેવે રેબઝેબ એવી મા એવું આપણે માની લીધું છે. સ્ટ્રગલની વાત આવે ત્યારે આ જ વિઝ્યુઅલ આંખ સામે આવે અને કાનમાં સંભળાય : દુનિયા મેં હમ આયે હૈ તો જિના હી પડેગા, જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા... અને સફળતા એટલે? એ જ ફિલ્મ પાછી યાદ આવે : દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે....

આ બેઉ કન્સેપ્ટ્સ બકવાસ છે. સ્ટ્રગલ અને સફળતા વિશેની ઘણી ગેરમાન્યતાઓ જે આપણા મનમાં ઘૂસી ગઈ છે (અથવા તો ઘૂસાડવામાં આવી છે) તેને ખંખેરી નાખવાનો વખત હવે આવી ગયો છે. સ્ટ્રગલ એટલે શું નહીં એ પહેલાં તો સમજી લઈએ.

જિંદગીની એટલે કે કરિયરની શરૂઆતમાં જે કામ કરવું છે તે કરવા ન મળે અને જે મળી જાય તે કામ કરવું પડે એને સ્ટ્રગલ ન કહેવાય. એ તો અપોર્ચ્યુનિટી છે, ટકી રહેવાની તક છે. લક્ષ્ય સુધી પહોંચવા માટેના રસ્તા પર ચાલતા કે દોડતા ન થઈ જઈએ ત્યાં સુધીની વૉર્મ અપ એક્સરસાઈઝ છે. આવા દિવસોને તમે સફળ થઈ ગયા પછી ભલે સ્ટ્રગલમાં ખપાવીને તમારા માટેની ગ્લોરી ઊભી કરો, પણ જ્યારે એ દિવસોમાંથી પસાર થતા હો ત્યારે ટ્રાયલ ઍન્ડ એરર કરવાની ભગવાને તક આપી છે એ રીતે એને માણવાના હોય. આ એ દિવસો હોય છે જ્યારે તમે ગમે એટલી ભૂલો કરો, તમારે એનાં ગંભીર પરિણામો ભોગવવાનાં નથી હોતાં. આ એ દિવસો છે જ્યારે તમે કોઈપણ કામ માટેની છેવટની જવાબદારી નિભાવતા નથી હોતા - ધ બક સ્ટૉપ્સ હિયર એવું નથી હોતું, અને એટલે જ તમારી પાસે સમયનો અને એનર્જીનો મોટો સ્ટૉક ફાજલ પડેલો હોય છે. આ સ્ટૉકનો ઉપયોગ તમે આવનારા દિવસોની તૈયારી માટે કરી શકો છો. નવું શીખવા માટે, નવું જાણવા માટે.

બીજી વાત, આ શરૂઆતના ગાળાનો ઔર એક ફાયદો એ કે તમારા બૉસ, તમારા ક્લીગ્સ અને તમારા મિત્રો તમને મોઢે કહી દેતા હોય છે કે તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો, તમે ક્યાં ખોટા છો. સફળ થઈ ગયા પછી આવી લકઝરી નથી મળતી. સફળ થયા પછી તમારે આ સગવડ મેળવવા કન્સલ્ટન્ટ્સ રોકીને એમને મોંઘી ફીઝ આપવી પડતી હોય છે, જેથી તેઓ તમને તમારી ભૂલો કહે, તમારા પ્લાનિંગની ખામીઓ કહે. સફળ થઈ ગયા પછી સૌ કોઈ તમને વહાલા થવાના પ્રયત્નોમાં રહે છે, દરેકને ડર હોય છે કે સિંહને કોણ કહે કે તારે બ્રશ કરવાની જરૂર છે. મફતમાં મળી જતી આવી સલાહોમાંથી શીખવાનું હોય - ટીકાકારોને દુશ્મન ન માનવાના હોય. કોઈનો ઈન્ટેન્શન ખોટો હોય તો ભલે હોય, પણ એની ટીકામાંથી તમને શીખવા તો મળે છે ને, એમની સાથે દુશ્મનાવટ કરવામાં વખત નહીં બગાડવાનો.

ત્રીજી વાત. આ સમયગાળામાં કામકાજના ક્ષેત્રમાં જેટલી વધારે જવાબદારી લઈ શકાય એટલી લઈ લેવાની પણ અંગત કે કૌટુંબિક જીવનમાં બને એટલી જવાબદારીઓ ઓછી રાખવાની, નવી તો ઊભી જ નહીં કરવાની. યુ નો વૉટ આય મીન. લગન-બગન નહીં કરવાનાં અને કોઈને પરમેનન્ટ ફ્રેન્ડ માનીને એનામાં પણ લાગણીનું ઈન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું. કારણ કે લાગણીની સાથોસાથ પછી ટાઈમનું પણ રોકાણ કરવું પડશે અને કદાચ નાની-મોટી વાતે પૈસાનું પણ.

એને બદલે કામકાજના ક્ષેત્રમાં સામે ચાલીને જવાબદારીઓ વધારી દેવાની. આ ગાળામાં કોઈ સિનિયરો તમને મોટાં ડિસિઝન લેવાં પડે એવી જવાબદારી સોંપવાના નથી પણ એમણે લેવાનાં હોય એવાં ડિસિઝન માટે જે લેગવર્ક કરવું પડે એ કામ તમને સોંપશે. આવાં કામ લોઅર લેવલનાં છે તો હું શું કામ કરું એવી માનસિકતા રાખ્યા વિના હોંશથી ગદ્ધામજૂરી કરવાની. મને એક્સપ્લોઈટ કરવામાં આવે છે કે મારો ગેરલાભ ઉઠાવવામાં આવે છે એવી માનસિકતાથી દૂર રહેવાનું.

આ ત્રણેય વાતો હું મારા અનુભવ પરથી કહી રહ્યો છું. ભણતાં ભણતાં ‘પરિચય ટ્રસ્ટ’માં નોકરી શરૂ કરી ત્યારે એક વખત ટ્રસ્ટની જૂની ઑફિસમાં એન્યુઅલ કોન્ટ્રાક્ટ પ્રમાણે પેસ્ટ કન્ટ્રોલવાળા આવવાના હતા. રવિવારના દિવસે આ ઑફિસના બે પટાવાળા પેસ્ટ કન્ટ્રોલના માણસોને મદદ કરવા ત્યાં જવાના હતા જેથી ત્યાંનો સામાન, ફર્નિચર, પુસ્તકો, જૂની ફાઈલો વગેરે ખસેડીને પ્રોપર કામકાજ થઈ શકે. શનિવારે ખબર પડી કે એમાંનો એક જુનિયર પટાવાળો કોઈક કારણસર નથી જવાનો. મેં રવિવારે ગર્લફ્રેન્ડ સાથે ફરવાનો પ્રોગ્રામ બનાવી રાખ્યો હતો, છતાં સામેથી તંત્રી યશવંત દોશીને કહ્યું, ‘હું જાઉં?’ એમણે કહ્યું, ‘કલાકો સુધી મોઢા પર હાથરૂમાલની બુકાની બાંધીને ભયંકર વાસવાળી દવાઓના ધુમાડા સહન કરવા પડશે.’ મેં કહ્યું. ‘ભલે.’

શું ફાયદો થયો મને? દવાઓની ગંધમાં ખાંસતાં ખાંસતાં મને ચુનીલાલ મડિયાએ પોતે શરૂ કરેલા માસિક ‘રુચિ’ના જૂના અંકોની કમ્પલીટ ફાઈલો મળી. એ ઉપરાંત બીજા ઘણાં, મારા માટે અલભ્ય એવાં પુસ્તકો મળ્યાં. મેં એ બધું જુદું તારવી લીધું સાંજે કામકાજ પૂરું કરીને સિનિયર પટાવાળા બાબુરાવને કહ્યું કે, ‘આ સામાન જુદો રાખજો.’

બીજા દિવસે, સોમવારે, યશવંતભાઈને કહ્યું કે જૂની ઑફિસમાંથી આટઆટલી વસ્તુઓ અહીં મંગાવી શકીએ? મારે વાંચવી છે. યશવંતભાઈએ ખુશી ખુશી હા પાડી. હું ન્યાલ થઈ ગયો.

આવું તો એ વરસમાં બીજી બેચાર વખત બન્યું હતું. એક વખત પરિચયના મેનેજિંગ ટ્રસ્ટી વાડીલાલ ડગલીની કૉલમ માટેનો લેખ લખાઈને તૈયાર થઈ ગયો. એ બે-ચાર છાપામાં છપાવા જતો એટલે ટાઈપ થઈને જાય. પણ ટાઈપિસ્ટ નહોતો આવ્યો. ભૂતકાળમાં આવું થતું ત્યારે યશવંતભાઈ બે-ત્રણ કાર્બન પેપર મૂકીને આખો લેખ બૉલપેનથી ભાર દઈને પોતાના હસ્તાક્ષરમાં લખીને વાડીભાઈની ભીડ કાઢી આપે. મને દુઃખ થાય કારણ કે એ ગાળામાં યશવંતભાઈના હાથે ક્રેમ્પની શરૂઆત થઈ ગઈ હતી. લખતી વખતે હાથ ધ્રુજે. ઘણા લેખકોને ખૂબ લખવાને કારણે પાછલી વયે આવી તકલીફ થતી હોય છે. (થેન્ક ગૉડ, કાન્તિ ભટ્ટને 83 વર્ષની ઉંમરે અને આટઆટલું હાથથી લખ્યા પછી પણ આવી કોઈ તકલીફ નથી. ટચ વુડ.) આને લીધે લખવામાં બહુ સમય લાગે. એ જમાનામાં મારા હસ્તાક્ષર બહુ જ સુંદર, મરોડદાર હતા. આજે કોઈને કહું તો એ હસશે મારા પર. મેં યશવંતભાઈને કહ્યું કે લાવો, હું એ કામ ઑફિસ પછીના સમયમાં કરી આપું.

પછી તો એ સિસ્ટમ બની ગઈ. ટાઈપિસ્ટ ન હોય કે એની પાસે વધારે પડતું કામ હોય તો મારે જ વાડીભાઈના લેખની નકલ ઉતારી આપવાની. એ જમાનામાં ઝેરોક્સ કે ફૉટોકૉપી મશીનની સુવિધા નહોતી. (પરીક્ષાની માર્કશીટની નકલો પણ તૈયાર ફોર્મેટના ફૉર્મ ખરીદી એમાં ટાઈપ કરાવીને ટ્રુ કૉપીના સિક્કા સાથે એડમિશનના ફૉર્મમાં જોડવી પડતી.) અને હા, ફાયદો? નકલ ઉતારવાના મને એકસ્ટ્રા પૈસા મળતા. મારો બિયરનો ખર્ચો નીકળી જતો.

વરસ પછી ‘પરિચય ટ્રસ્ટ’માંથી છૂટા થઈને મારે હરીન્દ્ર દવેના તંત્રીપદે નવા શરૂ થયેલા ‘પ્રવાસી’ દૈનિકમાં જવું હતું. આમ તો હું પરિચયમાં કન્ફર્મ નહોતો કે મારે નોટિસ આપવી પડે પણ છતાં મહિના પહેલાં કહી દીધું. પણ છૂટા થવાનો સમય આવ્યો ત્યાં સુધીમાં મારી રિપ્લેસમેન્ટ માટે કોઈ માણસ મળ્યો નહીં. એવું નહોતું કે હું કંઈ આ ઑફિસ માટે અનિવાર્ય હતો. પણ ઑફિસમાં કુલ મળીને ઈન મીન ને સાડે તીનનો સ્ટાફ એટલે સાડા ત્રણમો માણસ નીકળી જાય તોય મોભ તૂટી પડ્યા જેવું થાય અને રૂટિન ખોરવાઈ જાય. હું આ સમજતો હતો એટલે ‘પ્રવાસી’માં જોડાયો એ દિવસથી પૂરા એક મહિના સુધી હું સાડા દસ વાગ્યે શરૂ થતી પરિચય ટ્રસ્ટની ઑફિસમાં પટાવાળા આવે ત્યારે, દસ વાગ્યે આવી જતો. લંચ ટાઈમમાં પાંચ-દસ મિનિટ જ લઈને પાછો આવીને સાડા ત્રણ સુધી કામ કરતો. અડધો કલાકમાં ચર્ની રોડથી ચર્ચગેટ ઉતરી ઘોઘા સ્ટ્રીટ પરની ‘જન્મભૂમિ ભવન’ની બીજા માળની ‘પ્રવાસી’ની ઑફિસે પહોંચી જતો. સાંજે ચારથી રાતના અગિયારની સેકન્ડ શિફ્ટ રહેતી. બીજે દિવસે સવારે દસ વાગ્યે પાછો પરિચયમાં, જ્યાં શનિવારે અડધો દિવસ અને રવિવારે રજા હોય છતાં એ દોઢ દિવસ પણ કામ કરતો.

મહિનો પૂરો થયા પછી પગારના દિવસે મને પરિચયના મેનેજર હંસાબહેન સંઘવીએ ખૂબ સંકોચ સાથે બોલાવ્યો અને કહ્યું, ‘આ તમારું વાઉચર...’ મેં જોયું. મને હતું કે મને મહિનાનો પૂરો પગાર મળશે, તે વખતે પરિચયમાં મારો માસિક પગાર સાડા ત્રણસો રૂપિયા હતો અને પ્રવાસીમાં ડબલ એટલે રૂા. 692 પૂરા. (પ્લસ મહિને એકવાર અઠવાડિયું નાઈટ શિફ્ટ આવે ત્યારે રોજનું પાંચ રૂપિયાનું નાઈટ અલાઉન્સ જૂદું!) વાઉચરમાં સાડા ત્રણસોને બદલે કંઈક બસો ને સમથિંગની રકમ લખી હતી. મેં પૂછ્યું, ‘કેમ આમ? કામ તો બધું જ કર્યું છે મેં.’ બહેન અલમોસ્ટ એપોલોજેટિક થઈને કહે, ‘મેં વાડીભાઈ આગળ રજુઆત કરી, યશવંતભાઈએ પણ કરી. પણ વાડીભાઈ કહે કે ટ્રસ્ટના નિયમ પ્રમાણે સૌરભ પગારદાર નોકર ન ગણાય એટલે કલાકના ગણીને જે થાય એ પ્રમાણે આપવાના.’

મેં કહ્યું, ‘ભલે, પણ મેં તો શનિ-રવિએ પણ દોઢ-દોઢ દિવસ એકસ્ટ્રા કામ કર્યું છે.’

‘હા, પણ વાડીભાઈ કહે છે કે ટ્રસ્ટમાં ઓવર ટાઈમ આપવાનો રિવાજ નથી એટલે એ ટાઈમ કામનાં કલાકોમાં નહીં ઉમેરવાનો.’

નાનો ધક્કો લાગે એવી વાત હતી. પણ મારા માટે ખુશી એ વાતની હતી કે મારા સાહેબ અને મેનેજર બેઉએ મારું ઉપરાણું લઈને મારા વતી રજૂઆત કરી હતી.

આ વાત તો હું સાવ ભૂલી ગયો હતો પણ અત્યારે લખતાં લખતાં યાદ આવી ગઈ. ‘પરિચય ટ્રસ્ટ’ની ઑફિસ મારા માટે સ્કૂલ સમાન હતી. મારા ઘડતરનો આધારસ્તંભ. યશવંતભાઈને મળવા અને હંસાબહેનની ચા પીવા, વારંવાર ત્યાં જઈ ચડતો. મને ખૂબ ગમતું ત્યાં જવાનું. વર્ષો સુધી મારો એ નિયમ રહ્યો અને જ્યારે જાઉં ત્યારે હંસાબહેન અચૂક મને કહે : ‘તમે આવો છો ત્યારે આ ઑફિસમાં એકદમ ઉત્સાહનું મોજું ફરી વળે છે. તમારો સ્વભાવ હજુય એટલો જ આનંદી છે.’

મને ખબર છે. મારો સ્વભાવ ખરેખર હજુ સુધી આનંદી છે અને એનું કારણ એ કે મારા સ્ટ્રગલના દિવસો મને ક્યારેય સ્ટ્રગલ જેવા લાગ્યા નથી. તે વખતે પણ નહીં અને અત્યારે પણ નહીં.

લાઈફ લાઈન

લાઈફમાં સ્ટ્રગલ વિના ક્યારેય પેશન આવે જ નહીં.

- આલ્બેર કામૂ

(‘ધ મિથ ઑફ સિસીફસ એન્ડ અધર એસેઝ’માં)

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.