સ્ટ્રગલનું ઓશીકું બનાવીને સૂવાની તૈયારી હોય ત્યારે
સ્ટ્રગલની એક ઔર ખાસિયત એ કે તમને જેવું લાગે કે ચાલો, આ સ્ટ્રગલ પૂરી થઈ ગઈ કે તરત બીજી આવીને ઊભી રહે. ગયા મહિને ભાડું ભરવાના પૈસા નહોતા. ભાડું ભરાઈ ગયા પછી આ મહિને દોસ્તારો સાથે પાર્ટી કરવાના પૈસા નથી. એ પૈસા આવી જશે પછી નવી બુક્સ ખરીદવાના પૈસા નહીં હોય. એ ખરીદાઈ જશે પછી…
… આનો કોઈ અંત જ નથી આવવાનો. નોકરીમાં એક જગ્યાએ બૉસની કનડગત હતી. એ નોકરી છોડીને બીજી પકડી તો ત્યાં કલીગ્સ નકામા નીકળ્યા. ધંધો શરૂ કર્યો તો સારા માણસો મળ્યા નહીં. માણસો મળ્યા તો ફાઈનાન્સના લોચા થયા. પર્સનલ ફ્રન્ટ પર મા-બાપ સાથે બનતું નહોતું. ત્યાં રિપેરિંગ થયું તો લાઈફ પાર્ટનર સાથે વાંધાવચકા થયા. એ સેટલ કર્યું તો સંતાનો સાથે ડિફરન્સીસ થવા લાગ્યા. અને બધી જ ફ્રન્ટ પર ઓકી-ડોકી હતું ત્યારે ડૉક્ટરે કહ્યું કે, ડાયાબિટીસ છે કે બીપીનો પ્રૉબ્લેમ છે કે હાર્ટ બરાબર કામ નથી કરતું કે પછી કિડનીમાં કંઈક ગરબડ છે. સારવાર શરૂ કરી અને કંઈક ઠીક થયું તો ઘુંટણના પ્રૉબ્લેમ શરૂ થયા. જીવનમાં ચારેકોરથી સુખ જ સુખ છે એવું લાગવા માંડે ત્યાં જ નજીકનું સ્વજન તમારી જિંદગીમાંથી જતું રહે અને ભલું પૂછો તો દુનિયા છોડીને જ જતું રહે અને બધું જ હોવા છતાં લાઈફમાં શૂન્યાવકાશ વ્યાપી જાય.
સ્ટ્રગલને જો સ્ટ્રગલરૂપે જોઈશું તો જીવનમાં છેવટ સુધી સંઘર્ષ કરીએ છીએ એવું લાગશે. પણ આ જ સ્ટ્રગલને સ્ટ્રગલ ગણવાને બદલે જિંદગીમાં આગળ વધવાના સ્પ્રિંગ બોર્ડ તરીકે ગણીએ છીએ ત્યારે નવા નવા રસ્તા ખુલતા જાય છે.
‘ગ્રંથ’ છોડીને ‘જન્મભૂમિ પ્રવાસી’ દૈનિકમાં જોડાયો ત્યારે મારી ટીનએજનું છેલ્લું વર્ષ પૂરું થઈ ગયું હતું. હું વીસ વર્ષનો થઈ ગયો હતો. સવારનું છાપું એટલે મોડી રાત સુધી કામ ચાલે. સાંજના 4થી 11 મેઈન શિફ્ટ અને રાતના સાડા સાતથી દોઢ વાગ્યાની નાઈટ શિફ્ટ, જેને વિદેશી અંગ્રેજી છાપાંવાળા ગ્રેવયાર્ડ શિફ્ટ તરીકે ઓળખે! તંત્રી વિભાગના દરેકને ભાગે એક અઠવાડિયું નાઈટ શિફ્ટ આવે. નાઈટ શિફ્ટમાં ઘણી અડચણો. રાત્રે દોઢ વાગ્યે ઘરે પાછા જવા માટે લોકલ ટ્રેન ન મળે અને બસમાં જવું હોય તો બે બસ બદલીને દોઢ કલાકે ઘરે પહોંચો. અલમોસ્ટ મળસ્કું થઈ જાય. ઑફિસમાં જ રહેવું હોય તો આરામ કરવા માટેની કોઈ અલાયદી જગ્યા ન હોય, જે ટેબલ પર તમે કામ કર્યું હોય એવા જ બે ટેબલ ભેગા કરીને એના પર ઑફિસનું ગાદલું પાથરીને સૂઈ જવાનું. ગાદલું વર્ષો જૂનું અને ગંધાતું હોય એટલે ભાગ્યે જ કોઈ વાપરે. છાપાંની ફાઈલો પાથરીને એના પર સૂઈ જવાનું વધારે પસંદ કરે. બીજી એક ફાઈલની ગડી કરીને ઓશીકું બનાવી લેવાનું. ‘જન્મભૂમિ’ સાંજનું છાપું એટલે એનો સ્ટાફ સવારે આઠ વાગ્યે આવે અને સ્ટાફના આવતાં પહેલા સાફસૂફી માટે સાત વાગ્યાથી માણસો આવી જાય એટલે ‘જન્મભૂમિ પ્રવાસી’ના સ્ટાફે કાચી ઉંઘમાંથી ઊઠીને ઘરે જવું પડે.
મારી ઓફિસમાં હું સૌથી જુનિયર અને છડેછડો – ન કોઈ આગે પીછે, ન કોઈ રોનેવાલા- ન કોઈ રોનેવાલી. ફક્કડ ગિરધારી જેવી લાઈફ. બીજા બધા કલીગ્સ પરણેલા, બાળબચ્ચાવાળા. એ લોકોને નાઈટ શિફ્ટમાં બહુ આપદા પડે. એક દિવસ મારા કોઈ સિનિયરે મને કહ્યું કે, આ અઠવાડિયે મને નાઈટ શિફ્ટ કરવાનું ફાવે એવું નથી તો તું મારી નાઈટ લઈ લે, હું તારી સેકન્ડ શિફ્ટ લઈ લઉં છું. અદલાબદલી. મેં કહ્યું ભલે. મેં એ મહિને મારી અને બીજી મારા કલિગ વતીની એમ બે અઠવાડિયાં નાઈટ શિફ્ટ કરી. પગારના દિવસે મારા કલીગે એમને જે નાઈટ શિફ્ટનું ત્રીસેક રૂપિયાનું વાઉચર મળ્યું હતું તે મને સોંપી દીધું. એક તો થૅન્ક્યુ ને ઉપરથી આ પૈસા. મઝા પડી ગઈ.
પછી તો જ્યારે જ્યારે કોઈ કલીગે નાઈટ ન કરવી હોય ત્યારે હું હાથવગો હોઉં. ક્યારેક તો મહિનામાં ત્રણ-ત્રણ અઠવાડિયાં નાઈટ શિફ્ટમાં કામ કરી લઉં.
આવી એક નાઈટ શિફ્ટ વખતે પેપર પ્રેસમાં ગયા પછી હું અને મારા ઉપરી મનુભાઈ ભટ્ટ કામકાજ આટોપી રહ્યા હતા. મનુભાઈ ડિપાર્ટમેન્ટની બહાર હતા. ત્યાં જ ટેલીપ્રિન્ટર પર ‘ફ્લૅશ’ની ઘંટડી વાગી. મેં જઈને જોયું તો રોઈટરના ન્યૂઝ ઉતરી રહ્યા હતા. રેગન શૉટ, રેગન શૉટ, રેગન શૉટ. મેં મનુભાઈને બૂમ પાડી. એ દોડતા આવ્યા. અમે બન્ને અદ્ધર શ્વાસે એક એક અક્ષર છપાતો વાંચતા રહ્યાઃ અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રેગન પર કોઈ ગાંડિયાએ ગોળીબાર કર્યો હતો. પ્રેસિડેન્ટ બચી ગયા પણ હાલત ગંભીર હતી. હિન્કલી નામના કોઈ યુવાનને એમના અંગરક્ષકોએ પકડી લીધો હતો.
મનુભાઈએ મને સુચના આપી. ટેલીપ્રિન્ટર પર પૂરેપપૂરા સમાચાર ઉતરે એની રાહ જોયા વિના એક એક વાક્ય વાંચીને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતાં જવાનું. એ પોતે દોડીને કંપોઝ વિભાગના માણસોને સાબદા કરવા ગયા. ત્યાંથી વૉચમેન પાસેથી ચાવી લઈ લાઈબ્રેરી ખોલીને રોનાલ્ડ રેગનનો ફોટો કઢાવ્યો, બ્લૉક બનાવવા આપ્યો. ઘડીના છઠ્ઠા ભાગમાં બધું કામ કરવાનું હતું. મારી એક એક કૉપી (અર્થાત પાનું) લખાઈ જાય એટલે એક માણસ બીજા માળેથી દોડીને પહેલા માળે કંપોઝમાં આપી આવે. મૅટર તૈયાર થઈ ગયા પછી પ્રૂફ વાંચવાનો સમય નહોતો. પણ પ્રૂફ રીડરે કંપોઝ થયેલાં બીબાં (જે મિરર ઈમેજમાં હોય) ઊભા ઊભા જ વાંચીને ભૂલો સુધારી લીધી. સ્ટૉપ પ્રેસ, સવારનું છાપું છપાવાની શરૂઆત થઈ ગઈ હતી. પ્રેસ અટક્યું. નવું પાનું ચડ્યું. બીજે દિવસે અખબારી આલમમાં ચકચાર. મુંબઈ આખામાં એક માત્ર ‘જન્મભૂમિ પ્રવાસી’એ રોનાલ્ડ રેગન પરના સમાચાર છાપ્યા હતા – બીજા કોઈએ નહીં, ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’એ પણ નહીં! વર્ષ 1981ના અરસાની આ વાત.
બીજાઓ માટે જે નાઈટ શિફ્ટ સ્ટ્રગલનો ભાગ હતી તે મારા માટે અનાયાસે જ, કરિયરમાં આગળ વધવા માટે નવું નવું શીખવા-જાણવા માટેની તક હતી.
પૂરી સમજણ ઊગી નથી હોતી ત્યાં સુધી આપણે હંમેશાં એવું માનતા હોઈએ છીએ કે બસ, આ એક તકલીફ દૂર હટી જાય પછી બધું સમુંસૂતરું થઈ જશે અને ત્યારે આપણે જિંદગીમાં જે કરવું છે એ માટેની અનુકૂળતા’ પ્રાપ્ત થશે. આ બાબતે આપણે ઈનવેરિયેબલી ખોટા પુરવાર થતા હોઈએ છીએ. એક તકલીફનો અંત આવ્યા પછી બીજી કોઈ મુસીબત બારણે ટકોરા મારતી ઊભી જ હોય છે. જિંદગીમાં પરફેક્ટ સિચ્યુએશનની રાહ જોતાં બેસી રહીશું તો આપણા બેસણાનો સમય ક્યારે આવી જશે એની ખબર સુદ્ધાં નહીં પડે. બહુ માર ખાઈને શીખ્યો છું, પણ પાકેપાયે શીખી ગયો છું કે જિંદગીમાં જે કંઈ કરવું છે તે કરવાનો સમય આ જ છે, અત્યારે જ. આવતી કાલ પણ નહીં. કારણ કે એવી આવતી કાલો ક્યારેય આવવાની નથી જ્યારે તમારા માટે બધી રીતે આદર્શ પરિસ્થિતિ સર્જાયેલી હોય.
બીજું હું એ શીખ્યો – સ્ટ્રગલના ગાળામાં અને સક્સેસના ગાળામાં પણ – કે તમે કોઈ પણ કામ હાથમાં લો છો ત્યારે વિઘ્નો આવતાં જ હોય છે. ક્યાંક કશું અણધાર્યું બને અને તમારે અટકી જવું પડે. તમે પ્લાનિંગ કરેલું એ રીતે કશુંક બન્યું નહીં અને તમને લાગે કે આ કામમાં આગળ જતાં તો આવાં બીજાં કેટલા વિઘ્નો આવશે. કામ છોડી દઈએ. આ રીતે ઘણાં સારાં સારાં કામ શરૂ કરીને આપણે અધવચ્ચે જ છોડી દેતાં હોઈએ છીએ અને પછી આપણા સર્કલમાં ‘આરંભે શૂરા’ તરીકે વગોવાઈ જતા હોઈએ છીએ.
બહુ જાણીતી એક વાત છે. પાંચ પાંચ ફીટના દસ કૂવા ખોદશો તો ક્યારેય તેલ એટલે કે, ક્રુડ ઓઈલ મળવાનું નથી. એ જો મળવાનું હશે તો પચાસ ફીટનો એક ખાડો ખોદશો તો કદાચ મળે તો મળે- બાકી પાંચ-પાંચ ફીટના ખાડામાંથી તો કદી મળવાનું નથી.
સ્ટ્રગલની વાત બહુ થઈ. હવે થોડી સક્સેસની વાત કરીએ. પણ એમાં દાખલા પર્સનલ નહીં લઈએ. કેટલાક મોટા મોટા માણસોનાં ઉદાહરણો લઈશું. આવતા સોમવારે.
લાઈફ લાઈનઃ
સક્સેસ નામની વાનગીનો રિયલ સ્વાદ એમાં ફેઈલ્યોરનો મસાલો પડ્યો હોય તો જ આવે છે.
ટ્રુમૅન કપોટી
(અમેરિકન નવલકથાકાર)
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર