‘આયુષ્ય છે ત્યાં લગી છે જ યુદ્ધ’

15 Jun, 2015
12:00 AM

mamta ashok

PC:

પડે છે ત્યારે સઘળું પડે છે’

આ મારું સાતમું સૂત્ર છે અને આઠમું સૂત્ર છે :

‘જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ
બની રહો તે જ સમાધિયોગ’

'ધૂમકેતુ'ની વાર્તા ‘વિનિપાત’નું આ મશહૂર વાક્ય છે.’ ‘પડે છે ત્યારે સઘળું પડે છે’, મારું આ સૂત્રનું ઈન્ટરપ્રિટેશન એવું છે કે જિંદગી ડોમિનો ઈફેક્ટથી ચાલતી હોય છે. સ્ટેશન બહારના સાયકલ સ્ટેન્ડ પર લાઈનબંધ સાયકલો ગોઠવાઈને ઊભી હોય અને છેવાડાની એક સાયકલને ધક્કો લાગે તો છેક સુધીની બધી સાયકલો પડી જાય એ ડોમિનો ઈફેક્ટ.

જીવનમાં ક્યારેક એક ડગલું ખોટું ભરાય ત્યારે એ જ દિશામાં બીજું, પછી ત્રીજું, પછી ચોથું - એમ એક પછી એક ખોટાં પગલાં ભરાતાં જવાનાં. પહેલા ડગલા પછી જે માઠું પરિણામ આવ્યું તેને રોકવા બીજું ડગલું ભરો અને ચૂં કિ એ પણ ખોટી જ દિશામાં ભરાયું હોય એટલે એનું પરિણામ પણ માઠું જ આવવાનું. જિંદગીના કોઈ પર્ટિક્યુલર ફેઝ દરમિયાન જો તમે કળણમાં ખૂંપી જાઓ તો એમાંથી બહાર નીકળવાના જેટલા ફાંફા મારશો એટલા વધારે ને વધારે અંદર ખૂંપતા જવાના. આવા વખતે શું કરવાનું?

ગુજરાતના એક મોટા અખબારના માલિકે મને આ પાઠ શીખવાડ્યો. તે વખતે ગુજરાતમાં બધે જ એમની આવૃત્તિઓ - અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ... પણ મુંબઈમાં એમની આવૃત્તિ નહીં. આગળની વાત એમના જ શબ્દોમાં :

‘ગુજરાતમાં અમે નંબર વન હતા એટલે મુંબઈમાં પણ એસ્ટાબ્લિશ થતાં વાર નહીં લાગે એવા કૉન્ફિડન્સ સાથે અમે એડિશન શરૂ કરી. બે-ચાર મહિના થયા. કોઈ ઈમ્પેક્ટ નહીં. વરસ પૂરું થયું પણ મુંબઈના વાચકોમાં અમારું છાપું ક્લિક થાય નહીં. તે વખતે હસમુખ ગાંધી ‘સમકાલીન’ એડિટ કરે. અમારે સારી મૈત્રી એમની સાથે. એમને ઑફર કરી, આવી જાઓ. પણ એડિટિંગ માટેના એમના વિચારો અમારા કલ્ચરમાં જામે નહીં. એમને અમારી પદ્ધતિ ગમે નહીં. વાત અધૂરી રહી. અમે પાનાં વધાર્યા, કિંમત ઘટાડી, જાહેરખબરોમાં ડિસ્કાઉન્ટ આપ્યાં પણ કોઈ રીતે સર્ક્યુલેશન વધે જ નહીં. વરસ-દોઢ વરસ પછી અમે નક્કી કર્યું કે આ એડિશન પાછળ હવે માર્કેટિંગમાં વધારે ખર્ચો કરીને ફાંફા મારવાનો કોઈ અર્થ નથી.

છાપાના સર્ક્યુલેશનની બાબતમાં મારો અનુભવ કહે છે કે તમારી નકલો વધતી હોય ત્યારે તમારા પ્રતિસ્પર્ધીઓ ગમે એટલી કોશિશ કરે, તમને ઊની આંચ નથી આવતી. અને ફેલાવો ઘટતો હોય તો તમે લાખ પ્રયત્ન કરો તો પણ ડાઉનફૉલ અટકાવી શકતા નથી. મુંબઈમાં અમે, દોઢેક વર્ષ પછી, આ જ વિચાર્યું. કૃત્રિમ પ્રયત્નોથી છાપું વેચાવાનું નથી. પ્રોડ્ક્ટ સારી જ છે. તો આજે નહીં તો કાલે મુંબઈના વાચકોને એની ખબર પડવાની જ છે.

ત્રણ વર્ષ પૂરાં થયાં. ધીમે ધીમે કૉપીઓ વધવા માંડી. દર મહિને પ્રિન્ટ ઑર્ડર વધતો જાય. અમારા તરફથી માર્કેટિંગની કોઈ ગિમિક થતી નહોતી, પબ્લિસિટી પણ કરતા નહોતા. બીજા છ જ મહિનામાં અમારી કલ્પના બહારનું સર્ક્યુલેશન થઈ ગયું. એ પછીના થોડા જ સમયમાં અમે મુંબઈનાં પણ નંબર વન બની ગયા. આજે અમારા પાયા એટલા ઊંડા છે કે મુંબઈગરાઓને અમારું છાપું ગુજરાતનું છે એવું લાગતું જ નથી....’

છાપાના સર્ક્યુલેશન જેવું જ લાઈફનું હોય છે. નક્કી તમારે કરવું પડે કે જિંદગીની કઈ બાબતમાં તમારે કરોળિયાની જેમ સાત વખત નિષ્ફળ જઈને આઠમી વખત પ્રયત્ન કરવો છે અને કઈ બાબતમાં જાતને કળણમાં ખૂંપી ગયેલી મહેસૂસ કરીને વધુ પ્રયત્નો છોડી દેવા છે. ક્યારે શું કરવું એ વિશેની સલાહ કોઈ બીજા પાસેથી લીધેલી હોય ત્યારે દર વખતે કામ નથી લાગતી. જિંદગીની કોઈ ટેક્સ્ટબુક નથી, એની કોઈ ગાઈડ નથી. તમારું પાઠ્યપુસ્તક તમારે જ લખવાનું.

બિઝનેસની જેમ જિંદગીમાં પણ હાર સ્વીકારી લેવા માટે છાતી જોઈએ. બહાદૂરો જ પોતાની હાર સ્વીકારી લેવાની સમજદારી દેખાડતા હોય છે. મૂર્ખાઓ ‘હાર્યો જુગારી બમણું રમે’ એવું માનીને હાર સ્વીકારીને દૂર હટી જવાને બદલે પોતાનાં લક્ષ્ય વધુ મોટાં બનાવીને નાનાં લક્ષ્યો પાર પાડવામાં મળેલી નિષ્ફળતાઓને ભૂલી જવા માગતા હોય છે. પછી એ મોટાં લક્ષ્યો પણ પાર ન પડે ત્યારે ઔર મોટાં લક્ષ્યો બનાવે, એમાં નિષ્ફળતા મળે ત્યારે ઔર મોટાં અને ધીમે ધીમે પોતાની જાણ બહાર કળણમાં એવા ખૂંપી જાય જ્યારે કોઈ એમને મદદ ન કરી શકે.

‘પડે છે ત્યારે સઘળું પડે છે’ આ સૂત્ર અપનાવ્યા પછી હું શીખ્યો છું કે હાર સ્વીકારી લેવામાં કોઈ નામોશી નથી અને હલેસાં માર્યા પછી પણ હોડી આગળ વધતી ન હોય ત્યારે પવનની શરણાગતિ સ્વીકારી લેવાથી તમે બે બાપના થઈ જતા નથી. કારણ કે સહેજ ધીરજ ધરશો તો પવન પણ તમને અનુકૂળ થઈને પોતાની દિશા બદલી નાખવાનો છે.

ઉમાશંકર જોશીની આ કાવ્યપંક્તિ છે :

‘જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ
બની રહો તે જ સમાધિયોગ’

કોઈક મોટું કામ હાથમાં લેવું હોય ત્યારે હંમેશાં વિચાર આવે કે આ આટલી બાબતમાં જરા સીધું થઈ જાય પછી એ કામ શરૂ કરું. બસ, આ એક પ્રશ્ન ઉકેલાઈ જાય, પછી કોઈ પ્રૉબ્લેમ નથી. અને ભવિષ્યમાં પ્રશ્ન ઉકેલાઈ પણ જાય. છતાં આઈડિયલ સિચ્યુએશન ન સર્જાય. કારણ? એ દરમિયાન બીજી બે નવી સમસ્યાઓ - કોઈ જુદા વિષયમાં ઊભી થઈ ગઈ હોય એને ઉકેલીએ ત્યાં પાછી ત્રીજી જ બાબતમાં ચાર નવા પ્રૉબ્લેમ્સ સર્જાયા હોય.

સમસ્યાઓ ઉકેલવામાં ને ઉકેલવામાં જે કામ કરવાનાં હોય તે બાજુએ રહી જાય. સમસ્યાઓને કારણે જ જીવનમાં સમજણો સર્જાતી હોય છે. એક તબક્કો, મારા જીવનમાં એવો આવ્યો કે મને પત્રકારત્વમાંથી કામ મળતું બંધ થઈ ગયું. એડિટિંગનું, કૉલમો લખવાનું, નવલકથા લખવાનું, ઈવન અનુવાદનું કામ પણ નહોતું મળતું : સંજોગો જ એવા ઊભા થયા કે જેમની સાથે વર્ષો સુધી કામ કર્યું હોય, જેમની કારકિર્દી ઘડવામાં મેં ફાળો આપ્યો હોય એવા મિત્રો-સાથીઓ પાસેથી પણ કામ બાબતની મદદ મળી ન શકી. ભયંકર ટેન્શન વચ્ચે ભયંકર આર્થિક તંગીમાં હું ફસાઈ ગયો. મનમાં થયા કરે કે, ક્યાંક જો નાનું-મોટું લખવાનું કામ મળી જાય તો આ બધામાંથી બહાર નીકળી જવાય. એક પ્રશ્ન ઉકેલવાની રાહ જોઈને હું બેસી રહ્યો હતો. એ ઉકેલાઈ જાય તો બીજા બધા જ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે એવું હું માનતો હતો. પણ પ્રશ્ન ઉકેલાતો નહોતો.

દિવસભર ઘરમાં બેસી રહીને તમે શું કરો? ખૂબ ઘર્ષણો પછી છેવટે મેં નક્કી કર્યું કે મને લખવા સિવાય શું આવડે છે? હું બહુ જ સારી ભેળપુરી, પાઉંભાજી, પાણીપુરી, સેવપુરી બનાવી જાણું છું. કાજલ ઓઝા-વૈદ્યથી માંડીને જય વસાવડા સુધીના મારા મિત્રોને મેં પવઈના મારા ઘરે જાતે બનાવેલી ભેળપુરી, સેવપુરી ખવડાવી છે.

પણ આ એ પહેલાંનો કિસ્સો છે. કામ નહોતું એ સમયની વાત. પવઈમાં અમે જ્યાં રહીએ છીએ તે સાવ સાદો-સીધો મિડલ ક્લાસ એરિયા છે. પણ મારા ઘરથી પાંચ જ મિનિટના અંતરે અતિશ્રીમંત લોકોની વસતીવાળો વિશાળ કૉમ્પ્લેક્સ પથરાયેલો છે, જેમાં ત્રીસેક જેટલી મોંઘામાં મોંઘી રેસ્ટોરાં અને ખાવા-પીવાની જગ્યાઓ કે સ્ટારબક્સ જેવી કોફી શૉપ્સ વગેરે છે. પણ ક્યાંય તમને ભેળપુરી કે ચાટ આયટમ્સ ખાવા ન મળે.

મેં અને મેઘાએ નક્કી કર્યું કે આપણે ઘરમાં જાતે જ ભેળ-સેવ-પાણીપુરી, પાઉંભાજી વગેરે ચાટની આઈટમો બનાવીએ અને હું એ વેચવા જઈશ.

રોજ સવારે ત્રણ વાગ્યે ઊઠીને વિસ્તારના દરેક છાપાવાળાને અમારા ‘ઘર કા ખુમચા’ના પેમ્ફલેટ્સ નાખવા આપું. પંદર પૈસાના એકને હિસાબે ગણતરી થાય. સવારના પહોરમાં કૉમ્પ્લેક્સના તમામ બિલ્ડિંગોમાં અંગ્રેજીમાં છાપેલા અમારા ફરફરિયા પહોંચી જાય. ભેળપૂરી આટલા રૂપિયા, સેવપુરી આટલા રૂપિયા, આખું મેનુ લખેલું હોય. ઑર્ડર માટેનો ફોન નં. લખ્યો હોય. પેમ્ફલેટ નખાવીને સવારે છ વાગ્યે ઘરે પાછા આવીને સૂઈ જવાનું. 10 વાગ્યાથી ઑર્ડર આવવાના શરૂ થાય. 10થી બપોરના 2 દરમિયાન બધી વસ્તુઓ બનાવવાની. પેકિંગ માટેની બધી વસ્તુઓ અમે ક્રાફર્ડ માર્કેટથી ખરીદતા. બે વાગ્યાથી ડિલિવરીઝ શરૂ થાય. દરેકે દરેક ઑર્ડરની હોમ ડિલિવરી કરવાની. ડિલિવરી બૉય રાખવાના પૈસા નહીં એટલે એક મિત્ર પાસેથી સાયકલ ખરીદવાના ત્રણ હજાર રૂપિયા ઉછીને લીધેલા અને હું જાતે જ બપોરના બેથી રાતના અગિયાર વાગ્યા સુધી જેટલા ઑર્ડર આવ્યા હોય તે બધાના ઘરે-ઘરે જઈને ડિલિવરી કરતો. બેથી અગિયાર વચ્ચે પણ ઑર્ડરો તો આવતા જ હોય. બે ડિલિવરી વચ્ચે સમય મળે ત્યારે ફરી પાછા રસોડામાં બધું બનાવવાનું, પેકિંગ કરવાનું કામ ચાલતું. ક્યારેક માત્ર 100 રૂપિયાનો ઑર્ડર હોય તો પણ ડિલિવરી કરતો. બાકી, મિનિમમ ઑર્ડર બસો રૂપિયાનો અને ઑર્ડર આપ્યા પછી બે કલાક બાદ ડિલિવરી મળશે એવું પેમ્ફલેટમાં છાપેલું. ઘણી જગ્યાએથી દસ-વીસ રૂપિયા ટિપમાં મળતા, જે સલામ કરીને લઈ લેતો અને ઘરે આવીને ગલ્લામાં જુદા મૂકી રાખતો. (મારી જિંદગીની ખરી કમાણી ગણો તો ટિપમાં મળેલી આ નોટો જ છે). મોટાં-મોટાં ત્રીસ-પાંત્રીસ માળ ઊંચા મકાનો હોય. સિક્યુરીટીમાં નામ લખાવ્યા સિવાય એન્ટ્રી મળે નહીં. લિફ્ટ પણ સાહેબ લોકો માટેની જુદી, નોકર લોકોની જુદી. સિક્યુરિટી મને બીજી લિફ્ટ તરફ આંગળી ચીંધે. હું એમાં જ જાઉં. ડિલિવરી બોયથી પહેલી લિફ્ટમાં ન જવાય, સ્વાભાવિક છે. સાયકલના હેન્ડલ પર પાર્સલ લટકાવીને હું ડિલિવરી માટે નીકળતો ત્યારે મને કોઈ શરમ નહોતી આવતી. ઊલટાનું ગૌરવ થતું. તે વખતે મને ક્યારેય એવું નહોતું લાગતું કે હું ‘મિડ-ડે’નો એક્સ-એડિટર છું કે એક જમાનાના ‘ગુડ મોર્નિંગ’નો લેખક છું.

ઘણો વખત આ કામ ચાલ્યું. એક દિવસ, હમણાં પવઈમાં જ્યાં આગ લાગી અને સાત માણસ મરી ગયા તે લેક હોમ્સથી પંચ કુટિર થઈને હું ડિલિવરી પતાવીને પાછો આવતો હતો. ત્યાં ઉપર તરફનો ઢાળ આવે છે. જતી વખતે સડસડાટ ઉતરી જવાનું પણ પાછા આવતી વખતે સાયકલને પેડલ મારતાં ખૂબ હાંફ ચડે એટલે હું ઊતરી જઉં અને સાયકલને દોરીને ઉપર ચડું. સંધ્યાકાળ હતો. આખા દિવસનો થાક ચડતો હતો અને સાંજ પછીની ડિલિવરીઓને ટાઈમસર પહોંચી વળવાનું ટેન્શન હતું. મારાથી એક ડગલું આગળ વધાતું નહોતું. ફૂટપાથની કિનારીએ સાયકલને સ્ટેન્ડ પર મૂકીને હું ઘૂંટણિયે બેસીને ધ્રુસકે ધ્રુસકે ખૂબ રડ્યો. મારા કોઈ પ્રશ્નો ઉકેલાતા નહોતા આ કામમાંથી. હા, પૈસા આવતા હતા જેથી બે ટંકનું જમવાનું મળી રહેતું. ક્યારેક વધારે પણ આવતા. પણ મને આ રીતે કમાણી કરવામાં રસ નહોતો. મારે કંઈ ‘ઘર કા ખુમચા’માંથી કોઈ રેસ્ટોરાં શરૂ કરવી નહોતી કે આજીવન ભેળપુરીઓ વેચી વેચીને જિંદગી ચલાવવી નહોતી. પણ ફ્રસ્ટ્રેશનને કારણે ભાંગી પડ્યો હતો. પાંચેક મિનિટમાં જાતને સ્વસ્થ કરી. ભગવાનનો આભાર માન્યો કે મહેનતની કમાણીનો એક રસ્તો તો સૂઝાડ્યો. ભવિષ્યમાં બાકીનું બધું પણ સમુંસૂતરું કરી આપશે.

‘ઘર કા ખુમચા’નું કામકાજ ધીમે ધીમે સેટ થઈ ગયું. દર સોમવારે અમે રજા રાખતા. પેમ્ફલેટમાં લખતા પણ ખરા. મન્ડે હૉલિડે. કારણકે એક તો રવિવારે ખૂબ કામ હોય. વીકમાં મેક્સિમમ ઑર્ડર્સ હોય એટલે ડબલ કામ કરવું પડે. બીજું, ક્રાફર્ડ માર્કેટ જવા માટે તેમ જ સાધન સામગ્રી ખરીદવા માટે વીકડેઝમાં ટાઈમ જ ન હોય એટલે સોમવારે એ બધું કામ પતાવવાનું.

એક સોમવારે કાંજુર માર્ગ સ્ટેશનેથી ક્રાફર્ડ માર્કેટ જવા વી.ટી.ની ટ્રેનના સેકન્ડ ક્લાસના ડબ્બામાં બેઠો હતો ત્યાં અમદાવાદ આર.આર. શેઠની કંપનીમાંથી મને ફોન આવ્યો. પચ્ચીસેક વરસ પહેલાં મારી પ્રથમ નવલકથા ‘વેરવૈભવ’ એમણે જ પ્રગટ કરેલી. જૂનો સંબંધ. મને પૂછવામાં આવ્યું : ‘તમે મારિયો પૂઝોની નવલકથા ‘ગૉડફાધર’નું ટ્રાન્સલેશન કરશો? મેં કહ્યું, ‘સાહેબ, આજથી દોઢ વર્ષ પહેલાં તમારી ઑફિસમાં આવીને મેં સામેથી આ કામ માગેલું કે મને ‘ગૉડફાધર’ ટ્રાન્સલેટ કરવા દો. પણ તે વખતે તમે કહેલું કે ના, કોઈકને આ કામ અપાઈ ગયું છે અને મારા માટે પણ કોઈ જીદ કરવાનો સવાલ નહોતો. અત્યારે તમે મને એ કામની ઓફર કરો છો એ માટે ખૂબ આભાર. હું કાલથી કામ શરૂ કરી દઉં છું...’ ફોન પર પબ્લિશર તરફથી મને રૉયલ્ટીના કોન્ટ્રાક્ટ વિશે પૂછવામાં આવ્યું અને મેં કહ્યું, ‘તમે મને આ જે કામ આપો છો તે જ મારા માટે ખૂબ મોટી વાત છે. તમને ખબર નથી કે અત્યારે તમે મારા પર કેટલો મોટો ઉપકાર રહી રહ્યા છો.’

મારા માટે પાઉંભાજી-પાણીપુરી બનાવવા કરતાં ‘ગૉડફાધર’નું ટ્રાન્સલેશન કરવું એ ઘણી મોટી વાત હતી. બીજા દિવસે મેં ‘ગૉડફાધર’નું કામ શરૂ કર્યું થોડો વખત ટ્રાન્સલેશન અને ‘ઘર કા ખુમચા’ પૅરેલલ ચાલ્યાં. પછી જોયું કે બેઉ કામ સાથે થાય એવો સમય કે એવી એનર્જી નથી. બેમાંથી એક કામ જ થઈ શકે એમ છે. મેં હળવેકથી ‘ઘર કા ખુમચા’ને તાળુ મારી દીધું. ખૂમચાના જૂના ઘરાકો હજુય યાદ કરે છે. ‘ગૉડફાધર’નું કામ પૂરું થતું હતું એ જ ગાળામાં ‘મુંબઈ સમાચાર’માં મારી દૈનિક કૉલમ ‘ગુડ મોર્નિંગ’ની સેકન્ડ સીઝન શરૂ થઈ. એ પછી ત્યાં જ મારી ‘મહારાજ’ નવલકથા 74 દૈનિક હપ્તામાં છપાઈ. એમાં જ બીજી વીકલી કૉલમો પણ શરૂ થઈ. પછી તો ‘સંદેશ’માં બે વીકલી કૉલમો, ‘khabarchhe.com’ માટે વીકલી કૉલમ... કામનો ઢગલો થઈ ગયો. સમજાતું ગયું કે જિંદગી ચાલશે ત્યાં સુધી આ યુદ્ધ તો ચાલવાનું જ છે. ક્યારેય હતાશ થઈને બેસી રહેવાનું નથી.

ઉમાશંકર જોશીની જ અન્ય કાવ્યપંક્તિથી આ પીસ પૂરો કરું. આ સિરીઝના પાંચ હપ્તા એનાઉન્સ કરેલા, પણ હવે છ થવાના. આવતા અઠવાડિયે સિરીઝ પૂરી કર્યા પછી દર સોમવારે ફરી એકવાર જિંદગી સાથે દાદાગીરી કરવાની અને જિંદગીને લાડ લડાવવાની વાતો કરીશું. ઉમાશંકર જોશીની આ પંક્તિઓએ મને શીખવાડ્યું છે કે :

‘આયુષ્ય છે ત્યાં લગી છે જ યુદ્ધ
કો મૃત્યુ પૂર્વ ન સંપૂર્ણ બુદ્ધ.’

લાઈફ લાઈન :

બીહાઈન્ડ એવરી ગ્રેટ ફૉર્ચ્યુન ધેર ઈઝ ક્રાઈમ. બેહિસાબ સંપત્તિના ઢગલા નીચે ગુનાખોરી જ હોવાની.

(બાલ્ઝાકનું આ વાક્ય મારિયો પૂઝોએ ‘ગૉડફાધર’ શરૂ કરતાં પહેલાં આગલા પાને ટાંક્યું છે.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.