પડતીના કાળમાં જાતને સંભાળી લીધી તો ચડતી આપમેળે આવવાની

29 Jun, 2015
12:00 AM

mamta ashok

PC:

જિંદગી જીવવાનું આ દસમું સુવર્ણસૂત્ર મને મારી પોતાની જિંદગીમાંથી જડ્યું છે :

'જે મળે છે અથવા જે મળી શકે એમ છે એના વિના ચલાવી લેવાથી જીવવાની સ્વતંત્રતા વધે છે.'

આ સૂત્ર મારા અનુભવો પરથી મેં રચેલું છે. સપનાં અને તરફડાટો તેમજ મહત્ત્વાકાંક્ષા અને લાલચો વચ્ચેનો ભેદ જાણ્યા પછી હું આ નિર્ણય પર આવ્યો છું કે, સ્વતંત્ર રીતે જીવવું હોય તો જે મળે છે તે કાલ ઊઠીને નહીં હોય તો પણ કોઈ ફરક પડવો ન જોઈએ. એટલું જ નહીં જે મળી શકે એમ છે તે નહીં મળે તો પણ જિંદગી બદલાવી ન જોઈએ.

જે છે તે ઝૂંટવાઈ જશે એવી માનસિક અસલામતી તમને પરિસ્થિતિના ગુલામ બનાવી દે છે. કાયમી કશું હોતું નથી આ જિંદગીમાં - આપણે બધા જ જાણીએ છીએ. છતાં એક વખત પ્રાપ્ત થઈ ગયેલી વસ્તુ હવે જિંદગીમાં પરમેનન્ટ છે એવી ભાવનાથી આપણે એને વળગી પડીએ છીએ. મનમાં છૂપો ડર પેસી જાય છે. છીનવાઈ ન જાય. આને કારણે બંધિયાર થઈ જવાય છે. ક્ષિતિજો સંકોચાઈ જાય છે.

મારામાં આ સમજ રાતોરાત નથી આવી. આવી શકે પણ નહીં. વર્ષોની તડકીછાંયડી બાદ આવી સમજ ઊગે તો ઊગે. હું નસીબદાર કે મારામાં ઊગી. આને કારણે હવે મને ભવિષ્યની અસલામતી સતાવતી નથી.

એક વખત મેઘાના પપ્પાએ એમના ફેમિલીના મેડિક્લેઈમના રિન્યુઅલ વખતે મેઘાને પૂછેલું : આપણે સૌરભભાઈનું નામ પણ એમાં ઉમેરાવી દઈએ તો?

મેઘાએ ના પાડી હતી. એને ખબર છે કે હું મેડિક્લેઈમમાં જ નહીં લાઈફ ઈન્શ્યોરન્સમાં પણ નથી માનતો. દાયકાઓ પહેલાં મારા પપ્પાએ મારા નામે લાઈફ ઈન્શ્યોરન્સની પૉલિસી કઢાવીને મને આપી હતી. મેં એમને કહ્યા વગર વાર્ષિક પ્રીમિયમ ભરવાનું બંધ કરી પૉલિસીને લેપ્સ થવા દીધી હતી.

હું જાણું છું કે હું જો ભવિષ્ય સિક્યોર કરવા જઈશ તો શું થશે. હમણાં જ મારા જે નાટકે સો શૉની ઉજવણી કરી એ ‘સેકન્ડ ઈનિંગ્સ’ના બીજા અંકમાં હીરોના મોઢે મેં એક ડાયલોગ બોલાવડાવ્યો છે : ‘મારી આવતી કાલોની ચિંતા કરતો હોત તો મારી આજો આટલી સુંદર ન હોત.’

આ મારા દિલની વાત હતી. હું માનું છું કે કરિયરની શરૂઆતથી જ જો મેં આવતીકાલની ચિંતા રાખી હોત તો હું ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બની ગયો હોત અને આજે એટલીસ્ટ મારી પાછલી જિંદગીમાં જલસાથી જીવી શકું એટલા પૈસા તો બનાવી જ દીધા હોત. છતાં ઈન્સિક્યોર્ડ હોત: કાલ ઊઠીને મારાં ઈન્વેસ્ટમેન્ટ્સ ધોવાઈ ગયા તો? કાલ ઊઠીને કંઈક એવું બન્યું કે પછી માંદગી માટે બચાવેલા રૂપિયા ઓછા પડ્યા તો? માંદગી લાંબી ચાલી ને વધારે પૈસાની જરૂર પડી તો? ઈન્ફલેશન વધી ગયું અને પાછલી ઉંમરે મને કાર/એરકન્ડિશનર/ વિમાન પ્રવાસ નહીં પોસાય તો?

હું આવી કોઈ પળોજણમાં પડ્યો નથી એટલે અત્યારે મને એવી કોઈ અસલામતી બિલકુલ પજવતી નથી કે ભવિષ્યમાં હું માંદો પડ્યો તો સારવારના પૈસા ક્યાંથી આવશે, મારી લક્ઝરીઝના ખર્ચા કેવી રીતે નીકળશે? કારણ કે અત્યારે જ મેં મારા ખર્ચા ઓછા રાખ્યા છે. માંદગીનો મને ભય નથી કારણ કે એવા ભયથી જીવીશ તો અત્યારની સારી હેલ્થવાળી જિંદગીનો સંતોષ નહીં લઈ શકું. મને ખબર છે કે હું ગમે એટલી હેલ્ધી લાઈફ સ્ટાઈલ રાખીશ તો પણ મોટી ઉંમરે વાર્ધક્યને કારણે શરીરમાં જે કંઈ બદલાવ આવવાના છે તે આવશે જ. અલ્ઝાઈમર કે કેન્સર કે પક્ષાઘાત કે બીજા અનેક મોટા તેમજ નાના શારીરિક વિઘ્નો ઉમેરાવાનાં જ છે. હું ગમે એટલી પ્રાર્થના કરું અને ઈચ્છા રાખું કે મારે તો જ્યાં સુધી જીવું ત્યાં સુધી સાજાસમા રહેવું છે - પણ એ કંઈ મારા હાથમાં થોડું છે? મારે તો ખૂબ લાંબું પણ જીવવું છે - બને તો પૂરાં સો વર્ષ. પણ મારી પાસે અંબાણી વત્તા બિલ ગેટ્સ જેટલા પૈસા હશે તો પણ મારી એ વિશ પૂરી થાય એવી કોઈ ગૅરન્ટી નથી. અને એ લોકોના પટાવાળા જેટલી બચત પણ મારી પાસે નહીં હોય તોય કદાચ હું એટલું જીવી જાઉં એવું બને, કોને ખબર?

જિંદગીમાં મેં ચઢાવ-ઉતરાવ જોયા છે. ઘણા જોયા છે. તીવ્ર પ્લસ-માઈનસ જોયા છે. મારી જ નહીં, બીજા ઘણાની જિંદગીમાં. શમ્મી કપૂરે આર.ડી.બર્મન વિશેની ડૉક્યુમેન્ટરીમાં કહ્યું હતું ‘હી (આર.ડી.) જસ્ટ સકમ્બ્ડ, આર.ડી. હિંમત હારી ગયા (બાકી) જો તમે તમારી પડતીના કાળમાં જાતને સંભાળી લો તો ચડતી એની મેળે જ આવતી જ હોય છે...’

અને બૅક ઓફ માય માઈન્ડ હું ભવિષ્યમાં મારા જીવનમાં ફરી એક વાર એવો પડતીનો ગાળો આવે એની તૈયારી કરી રહ્યો હોઈશ. કદાચ. કારણ કે ચડતી સમયે તો ઝાઝી કોઈ તૈયારી રાખવાની નથી હોતી. ભરતી સાથે તણાઈ જવાનું હોય છે. ભરતીનું મોજું આપમેળે તમને ઉપર ઉછાળશે. ઓટ વખતે ધ્યાન રાખવાનું હોય છે કે તમે ઘસડાઈ ન જાઓ.

અને એટલે જ સપનાં અને તરફડાટો તેમજ મહત્ત્વાકાંક્ષા અને લાલચો વચ્ચેની બારીક ભેદરેખા મેં સમજી લીધી છે. મને ખબર છે કે મારાં સપનાં કયાં છે. આમ જુઓ તો એક જ સપનું છે : મારે વધારે સારા લેખક બનવું છે. એ સપનું સાકાર કરવા હું તમામ પ્રયત્નો કરી રહ્યો છું - દિવસરાત મહેનત કરી રહ્યો છું. ભવિષયમાં અત્યારે જ્યાં છું ત્યાં જ હોઈશ તો પણ મને અફસોસ નહીં હોય. ઈવન અત્યારે જ્યાં છું ત્યાં પણ નહીં હોઉં, સાવ ફેંકાઈ ગયો હોઈશ તો પણ કોઈ ફરિયાદ નહીં હોય. કારણ કે એક વધારે સારા લેખક ‘બનવા’ માટે જે કંઈ કરવું જોઈએ તે હું કરું છું પણ એક વધારે સારા લેખક તરીકે લોકોની આંખોમાં ‘સ્થાપિત’ થવા માટે જે કંઈ કરવું પડે તે હું નથી કરતો. લેખન દ્વારા મને મારા મહેનતાણાના પૈસા ઉપરાંત અત્યારે બીજું ઘણું ઘણું મળી શકે એમ છે, પણ તે માટે હું પ્રયત્ન નથી કરતો. આ બધા પ્રયત્નો ન કરવાને કારણે મને લખવાની, જીવવાની વધારે સ્વતંત્રતા મળે છે. મારે કોઈની મોહતાજી નથી અનુભવવી પડતી. ‘કામના’ માણસોને મળતી વખતે મારી લાળ ક્યારેય ટપકતી નથી.

ભવિષ્યની સલામતીનો વિચાર જ નહીં બીજું ઘણું બધું છોડી શક્યો છું હું અને એને લીધે મારી જીવવાની સ્વતંત્રતામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો છે.

જરૂરી નથી કે તમારે તમારી જીવવાની સ્વતંત્રતા વધારવા માટે મેડિક્લેઈમ કે લાઈફ ઈન્શ્યોરન્સ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. આ મારો રસ્તો છે. તમારો રસ્તો કોઈ બીજો પણ હોઈ શકે છે. છેવટનો ગોલ તો જીવવાની સ્વતંત્રતા વધારવાનો છે - જે મળે છે એના વિના ચલાવી લેવાની વાત છે અને વધારે અગત્યની વાત તો એ છે કે જે મળી શકે એમ છે એના વિના પણ ચલાવી લેવું.

જિંદગી જીવવાનાં દસ સુવર્ણસૂત્રો સાથે મેં મારા જીવનની થોડી ઘણી વાતો સાંકળી છે. તમારા જીવનની ધારામાં ક્યાં ક્યાં આ સૂત્રો તમને થોડાઘણા પણ ઉપયોગી થઈ શકે એમ છે તે તમે વિચારી જો જો. મને ખાતરી છે કે આ સૂત્રોનું હાર્દ સમજીને હૃદયમાં ઊંડે સુધી કોતરી લેશો તો આજે નહીં તો કાલે એના સુંદર પરિણામો જોવા મળવાનાં. અત્યાર સુધીના છ લેખોમાં (અને આ સાતમાં) જે દસ સૂત્રોની વાત કરી તે તમામનું એક રી-કેપ કરી લઈએ અને આ લેખ શ્રેણીની પૂર્ણાહુતિ કરી આવતા સોમવારથી ફરી એકવાર થોડી હિંમત વધારીએ, થોડાંક સપનાં વિસ્તારીએ, થોડુંક પાગલપન બતાડીએ, થોડીક શાણપટ્ટી દેખાડીએ અને? અને લાઈફમાં જે કરવું છે એ જ કરીએ :

10. ‘જે મળે છે અથવા જે મળી શકે એમ છે એના વિના ચલાવી લેવાથી જીવવાની સ્વતંત્રતા વધે છે.’
- સૌરભ શાહ

9. દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’
   ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધારે દે 
- ‘મરીઝ’

8. જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ
    બની રહ્યો તે જ સમાધિયોગ
 - ઉમાશંકર જોશી

7. ‘પડે છે ત્યારે સઘળું પડે છે.’
-‘ધૂમકેતુ’

6. ન હોતા ગર જુદા તન સે,
   તો ઝાનૂ પર ધરા હોતા
- ‘ગાલિબ’

5. ‘દોસ્તી પૈસા જેવી છે, પૈસા બનાવવા આસાન છે, સાચવી રાખવા અઘરું કામ છે, મૈત્રીનું પણ એવું જ’                                           - સેમ્યુઅલ બટલર

4. લે દે કે અપને પાસ ફક્ત એક નઝર તો હૈ
    ક્યૂં દેખેં ઝિન્દગી કો કિસી કી નઝર સે હમ
- ‘સાહિર’ લુધિયાનવી

3. ‘અપને મન કા હો તો અચ્છા, ન હો તો ઔર ભી અચ્છા’
- હરિવંશરાય ‘બચ્ચન’

2. ‘જેના કરી રાખેલા વિચારને બીજા કોઈ (લોકો) જાણતા નથી પણ, જેના સિદ્ધ થયેલા કાર્યને જ બીજાઓ જાણે છે તે જ પંડિત કહેવાય છે.’
- વિદુરનીતિ

1. ‘સિંહ ભૂખ્યો થાય, પણ ઘાસ ન ખાય.’
- ચાણક્યનીતિ

લાઈફલાઈન

જિંદગીમાં આગળ વધવા માટે ચડતી-પડતી અનિવાર્ય છે. સીધી લીટીની ગતિ મૃત્યુ સમાન છે એવું ઈ.સી.જી. કહે છે!
- રતન ટાટા

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.