અપમાન થવાનું, સહન કરી લેવાનું
મારિયો પૂઝોની અન્ડરવર્લ્ડની ક્લાસિક ફૅમિલિકથા ‘ધ ગૉડફાધર’માં જીવનને લગતી ફિલસૂફીઓ અને બિઝનેસમાં કે પ્રોફેશનમાં કામ લાગે એવા ઉપદેશો ઠેરઠેર વેરાયેલાં છે, જેના પર હજુ સુધી ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે. સિરીઝના આ અંતિમ લેખમાં આવાં વધુ કેટલાક સુવાક્યો વિશે વિચારીએ. એ પછી પણ ઘણી વાતો બાકી રહી જવાની છે જેના માટે તમારે મૂળ નવલકથા વાંચવી પડે.
ડૉન કૉર્લીઓનનો સૌથી મોટો દીકરો સની ભારે મિજાજી છે. ડૉનની દીકરીના લગ્ન પ્રસંગે કોણ-કોણ આવ્યું છે તેની નોંધ લેવા બહાર એફ.બી.આઈ.ના એજન્ટો મહેમાનોની ગાડીઓના નંબર નોંધી રહ્યા છે, ત્યારે સની એ લોકો પર ગુસ્સે થઈ જાય છે. પણ ડૉન કૉર્લીઓન ગુસ્સે નથી થતા... અને હવે આ ક્લાસિક ક્વોટેબલ ક્વોટ વાંચો : ડૉને વર્ષોથી એક વાત ગાંઠે બાંધી લીધી હતી કે આ સમાજમાં ક્યારેક ને ક્યારેક તમારું અપમાન થવાનું. તમારે સહન કરી લેવાનું. કારણકે સામેવાળો માણસ ગમે એટલો સામાન્ય હોય, સાધારણ હોય, પણ જો એ આંખ ખુલ્લી રાખીને જીવતો હશે તો એની જિંદગી દરમિયાન એક તક એવી આવવાની જ્યારે એ સૌથી શક્તિશાળી માણસ સામે પણ બદલો લઈ શકવાનો. આ સમજને કારણે ડૉન ક્યારેય કોઈની સામે વિવેક ગુમાવતા નહીં. આ ઉમદા ગુણને કારણે ડૉનના મિત્રો એમને ઔર માન આપતા...
માન-અપમાન અને સ્વમાન. આ ત્રણેય બહુ ટ્રિકી કન્સેપ્ટસ છે. ‘મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી, હું કરગરી ગયો છું મને યાદ પણ નથી’ એવી યાદગાર પંક્તિઓ હરીન્દ્ર દવેએ લખી છે. નાની નાની વાતે ગુસ્સે થઈ જનારાઓને ક્ષુલ્લક મુદ્દાને ઈગો ઈશ્યૂ બનાવી દેવાની ટેવ હોય છે. ભરચક ટ્રાફિકમાં કોઈએ તમારી કારને જરા અમથી સ્ક્રેચ કરી અને તમે દંડૂકો લઈને નીકળી પડ્યા એને મારવા. વાંક ભલે પેલાનો હોય પણ તમે વાંકમાં આવી જવાના, એમાંય જો પેલો કોઈ પોલીસ અફસરનો કે એમએલએ-ફેમેલેનો નબીરો હોય તો પોલીસ કસ્ટડીમાં તમારા માટે એક રાત પાકી, ભલે તમે નિર્દોષ છો. મારી સાથે તેં આવી બદતમીજી કરી જ કેમ, મારી ગાડીને ઘસરકો શું કામ લગાવ્યો એવા તોરમાં તમે બીજું કશું નહીં પણ તમારો ઈગો પંપાળતા હો છો. જીવનમાં આવી પાંચસો સિચ્યુએશન્સ આવવાની જ્યારે તમને તમારું અપમાન થતું લાગશે. તમે એનો બદલો લેવા જશો, તમારા સ્વમાનનું રક્ષણ કરવા બદલો લેવો જરૂરી છે, એવું તમને લાગશે. પણ પરિસ્થિતિ એવી રીતે પલટાઈ જશે કે તમને આવા મુદ્દે ઝઘડો ઈનિશ્યેટ કરવાનું ભારે પડશે. તમારે એ જ માણસને બે હાથ જોડીને આ ઝમેલામાંથી એ તમને મુક્ત કરે એવી આજીજી કરવી પડશે.
ક્યારેક તમે કરેલા અપમાનનો ઘૂંટડો સામેવાળી વ્યક્તિ ગળી જશે. તમને લાગશે કે તમે કેટલા પાવરફુલ છો. પણ સામેવાળી વ્યક્તિ ગમે એટલી નાની હોય તોય ક્યારેક ને ક્યારેક એ તમારા પર વેર વાળશે, વાળશે ને વાળશે જ. હાથીને પરેશાન કરનારા મચ્છર વિશેની દંતકથા તમને ખબર છે. નાના માણસોને ક્યારેય ટેકન ફૉર ગ્રાન્ટેડ નહીં લેવાના. એમને જો તમે અપમાનિત કરશો તો તક આવ્યે એ પોતાનું સર્વસ્વ હોડમાં મૂકીને પણ તમને બરબાદ કરવાની કોશિશ કરશે. આવું કરવામાં એણે કંઈ ગુમાવવાનું નથી હોતું. એની પાસે છે શું કે એ ગુમાવે? પણ તે વખતે તમે તમારી બધી જ તાકાત ભેગી કરીને એની સામે લડી શકવાના નથી. કારણ કે તમારી તાકાત બીજી ઘણી બાબતોમાં વહેંચાયેલી હોવાની. પરિણામે ભૂતકાળમાં તમે કરેલા અપમાનનો બદલો વાળીને એ તમને પરાસ્ત કરવાનો.
આ જ વાત, તમે પોતે જો નાના હો તો પણ તમને લાગુ પડે. કોઈ મોટી હસ્તીએ તમારી સાથે બદતમીજી કરી હોય તો તરત એનો જવાબ વાળવાને બદલે રાહ જોવાની. ગૉડફાધર ડૉન કૉર્લીઓનને યાદ કરવાના : ‘આ સમાજમાં ક્યારેક ને ક્યારેક તમારું અપમાન થવાનું... પણ જો આંખો ખુલ્લી રાખીને જીવશો તો જિંદગીમાં એક તક એવી જરૂર આવવાની જ્યારે સૌથી શક્તિશાળી માણસ સામે પણ બદલો લઈ શકાશે.’
તમે જો મોટા હો, શક્તિશાળી હો તો સૌની સાથેનું વિવેકી વર્તન તમારા જ લાભમાં હોય છે. તમે જો નાના હો તો વારંવાર અકળાઈ નહીં જવાનું કે બધા કેમ તમારું અપમાન કરતા રહે છે, સહન કરી લેવાનું, અને ધીરજ રાખવાની. પછી તક મળ્યે વળતો ઘા કરવાનો.
મારિયો પૂઝો એક તબક્કે ડૉન કૉર્લીઓન માટે લખે છે : ‘ડૉન ક્યારેય કોઈને ધમકી આપતા નહીં. ધમકી આપવી મૂર્ખામી છે એવું એ માનતા. ભવિષ્યનો વિચાર કર્યા વિના ગુસ્સામાં બેકાબુ બની જવું કોઈને પાલવે નહીં, એવું કરવું એકદમ જોખમી છે, બેફામ ગુસ્સામાં ગમે તેવું બોલી નાખવાની લકઝરી પોતાને પરવડે નહીં એવું એ માનતા... કોઈએ એમને ખુલ્લેઆમ ધમકી આપતાં સાંભળ્યા નહોતા. કોઈએ એમને બેકાબુ બનીને ગુસ્સે થતાં જોયા નહોતા.’
પાવરફુલ માણસોની આ જ નિશાની છે. તેઓ ધમકી આપતા નથી, ગુસ્સે થતા નથી. એમણે જો કોઈની સામે બદલો લેવો હોય કે કોઈનું બગાડવું હોય તો ધમકી આપ્યા વિના જ એ કામ કરી શકે છે. એમણે ગુસ્સે થવાની કોઈ જરૂર હોતી નથી. શબ્દો અને એનર્જી વેડફ્યા વિના પોતાના પાવરથી એ બીજાનું ધારે તેટલું અને ધારે ત્યારે નુકસાન કરી શકતા હોય છે. ગુસ્સો નબળા લોકો કરે, જેમની પાસે બીજાની સામે લડવાની તાકાત ન હોય તેઓ ગુસ્સામાં બેફામ બનીને બોલબોલ કરે. શક્તિશાળી વ્યક્તિ હંમેશાં ચુપ રહીને પોતાનું ધાર્યું કરે. ડૉન કૉર્લીઓન ભલે અંડરવર્લ્ડનો માણસ છે પણ એની આ લાક્ષણિકતા સૌ કોઈએ જીવનમાં ઉતારવા જેવી.
ડૉનની બીજી એક ખાસિયત : ‘એ ક્યારેય ઠાલાં વચનો આપતા નહીં અને કોઈ દહાડો એવું બહાનું તો કાઢતા જ નહીં કે : શું કરું યાર, મારા હાથ બંધાયેલા છે.’
કપરી પરિસ્થિતિમાંથી છટકી જવા માટે આપણે કોઈ કંઈ વાતે માગણી કરે તો હાએ હા કહીને છટકી જતા હોઈએ છીએ. અને ક્યારેક કોઈનું કામ ન કરી શકીએ તો આમાં આપણી મજબૂરી છે એવું કહીને સામે ચાલીને બીજાની આંખોમાં નબળા પુરવાર થતા હોઈએ છીએ. ખોટે-ખોટું પ્રોમિસ ક્યારેય કોઈને આપવું નહીં અને એક વખત જો જીભ કચરાઈ જાય તો એમાંથી છટકી જવાને બદલે કોઈપણ ભોગે વચનપાલન કરવું. માણસના કેરેક્ટરની વિશ્વસનીયતા આવી નાની-નાની અનેક વાતોને લીધે ઓવર અ પીરિયડ ઑફ ટાઈમ ઘડાતી હોય છે.
મારિયો પૂઝોએ આ નવલકથામાં બીજી એક સરસ વાત લખી છે : ‘કેટલીક વાર આપણે એવાં કામ કરવાં પડે છે જેના વિશે તમારે ક્યારેય કોઈને કશું કહેવાનું ન હોય. આ એવાં કામ હોય છે જેને તમે વાજબી ઠેરવી શકવાના નથી. આમ છતાં તમારે કરવાં પડે છે. કરીને ભૂલી જવાનાં.’
બહુ પ્રેક્ટિકલ વાત કહી છે આમાં. આ ગહન વાતનું વિશ્લેષણ તમારે તમારી લાઈફના સંદર્ભમાં જે રીતે કરવું હોય તે રીતે કરી લેવું.
‘ઘ ગોડફાધર’ના આ વાક્યને કોઈ સ્પષ્ટતાની જરૂર છે એવું લાગે છે તમને! ‘એણે સાવધ રહેવું જોઈએ. પ્રામાણિક હોવું ખતરનાક છે.’
મારિયો પૂઝો લખે છે કે, ઈટાલિયન્સમાં એક જોક છે. આ દુનિયા એટલી જાલિમ થઈ ગઈ છે કે અહીં તમે તો જ ટકી શકો જો તમારે બે બાપ હોય! અર્થાત્ એક જન્મ આપનાર પિતા અને બીજા પાલક પિતા અથવા તો ગૉડફાધર. આનો અર્થ એ કે જિંદગીમાં કોઈ એવી વ્યક્તિ તમારી નજીક જરૂર હોવી જોઈએ જે તમારી ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હોય, જે ચડતી-પડતીમાં મક્કમપણે તમારી પડખે હોય, જે તમારા તમામ દોષ કે ગુના હોવા છતાં તમને ચાહે, જે તમારા માટે ગૉડફાધર હોય.
દોસ્તી માટે ડૉન કૉર્લીઓનની જે માન્યતા છે તે વિશે જાણીને પૂરું કરીએ. અમેરિકાના વિખ્યાત સ્ટાર-સિંગર ફ્રેન્ક સિનાત્રાને અંડરવર્લ્ડ સાથે રિલેશન્સ હતા એ વાત જગજાહેર છે. મારિયો પૂઝોએ ફ્રેન્ક સિનાત્રા પરથી જ્હૉની ફોન્ટેનનું પાત્ર સર્જેલું છે જે ડૉન કૉર્લીઓનને પોતાના ગૉડફાધર માનતો, જ્હૉનીના અત્યારે પડતીના દિવસો આવી ગયા છે. ગળું ખરાબ થઈ જવાથી કોઈ ફિલ્મોમાં કામ નથી આપતું. એનું રૂપાળું બૈરું પણ બદચલન થઈ ગયું છે. મિત્રોમાંથી કોઈ એની મદદે આવતું નથી. એ એકલો પડી ગયો છે. ડૉન કૉર્લીઓન એને સમજાવે છે કે તેં જ તારા મિત્રોને સાચવ્યા નથી. તું મોટો થતો ગયો ત્યારે મિત્રોને તારી સાથે લેવાને બદલે તેં એમને નાના સમજીને તરછોડી દીધા. તારો નાનપણનો મિત્ર જે સારો ગાયક પણ છે એને ફિલ્મોમાં કામ અપાવવાને બદલે તું એને ભૂલી ગયો જે આજે વીકએન્ડમાં ક્લબો-રેસ્ટોરાંમાં ગાય છે અને આખું અઠવાડિયું કન્સ્ટ્રકશનની સાઈટ્સ માટે ગ્રેવલની ટ્રક ચલાવે છે. છેવટે ડૉન આ માસ્ટર વાત કરે છે :
‘એક વાત તું બરાબર સમજી લે, જ્હૉની. આ દુનિયામાં જે કંઈ છે તે દોસ્તી જ છે. તમારી આ ટેલન્ટ-ફેલન્ટ કરતાં વધારે તાકાત છે દોસ્તીમાં. મોટા મોટા દેશોની સરકારો કરતાં પણ પાવરફૂલ ચીજ છે દોસ્તી. સમજને કે દોસ્તી પરિવાર જેટલી જ પાવરફૂલ ચીજ છે. આ વાત ક્યારેય ભૂલતો નહીં તું. તારા જૂના દોસ્તારોને તેં છોડી ન દીધા હોત તો આજે મારી પાસે આવીને મદદ માગવાની કોઈ જરૂર ઊભી ન થઈ હોત.’
સિરીઝના આરંભે મેં ‘ગૉડફાધર’ નવલકથાને અંડરવર્લ્ડના રામાયણ-મહાભારત સાથે સરખાવી હતી. લાગે છે કે એમાં અંડરવર્લ્ડની ભગવદ્દ-ગીતા પણ છે!
લાઈફ લાઈન
બેસુમાર સંપત્તિના ઢગલા નીચે ગુનાખોરી જ હોવાની.
- બાલ્ઝાક
(‘ધ ગૉડફાધર’ના આરંભે મારિયો પૂઝોએ ટાંકેલું વાક્ય)
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર