બધા જ અકસ્માતો કુદરતે સર્જેલા નથી હોતા
મારિયો પૂઝોની જગમશહૂર નવલકથા ‘ધ ગૉડફાધર’ અને એના પરથી એ જ નામે બનેલી ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા દિગ્દર્શિત ફિલ્મથી તમે પરિચિત છો. એ નવલકથા તથા ફિલ્મનાં કેટલાક યાદગાર વાક્યોમાં જીવનની કેટલી મોટી વાતો સમાયેલી છે એના વિશે કંઈક મૌલિક એવી ચર્ચા ગયા સોમવારે શરૂ કરી હતી. આગળ લંબાવીએ.
‘ગૉડફાધર’નું એક ખૂબ જાણીતું વાક્ય છે : આય વિલ મેઈક હિમ એન ઑફર હી કાન્ટ રિફ્યુઝ.
નવલકથા ગેન્ગસ્ટર્સની છે. ડૉન કૉર્લીઓન જે સંદર્ભમાં આ વાક્ય બોલે છે તે સંદર્ભમાં એને અમલમાં મૂકવાનું આપણા માટે શક્ય નથી! ડૉન કૉર્લીઓન જેની પાસે પોતાનું ધાર્યું કરાવવા માગે છે એને નગદની થપ્પી આપીને કહેવડાવે છે કે આ લઈ લે અને મને જે ડૉક્યુમેન્ટ પર તારી સહી જોઈએ છે તે સહી કરી આપ. અને સહી નહીં કરી તો? તો મારા માણસની પિસ્તોલ તારા લમણે છે. ડૉક્યુમેન્ટ પર તારી સહીને બદલે તારું ભેજું હશે.
હવે આવી ઑફર કોણ નકારી શકે!
રિયલ લાઈફમાં કોઈ તમારી ઑફર નકારે નહીં એ માટે શું કરવું. તમારું ધાર્યું કામ એ વ્યક્તિ કરી આપે એ માટે કેવી ઑફર એને આપવી? બિઝનેસમાં અને પર્સનલ લાઈફમાં પણ, જ્યારે કોઈની પાસે તમારે ધાર્યું કામ કરાવવું હોય ત્યારે આ પાંચમાંના કોઈ એક મુદ્દાથી કે એના કૉમ્બિનેશનથી કરાવી શકો.
- સૌથી પહેલાં તો તમારી એની સાથેની પાક્કી ઓળખાણ હોવી જોઈએ. તમારી બે આંખની શરમ એને નડવી જોઈએ. ભૂતકાળમાં તમે એનું એવું કામ કરી આપ્યું હોય જેના માટે એ અહેસાનમંદ હોય અથવા તો ભવિષ્યમાં તમે એને કામ લાગવાના છો એવી એને સો ટકા ખાતરી હોય. ધારો કે, તમે પોતે એના પર એવી વગ નથી ધરાવતા તો તમારે કોઈ એવી વ્યક્તિની ઓળખાણ વાપરવી પડે જેનું નામ પડતાં જ એ તમને ના ન પાડી શકે. ઓળખાણ તમારું પહેલું હથિયાર.
- લાંબી (કે ઈવન ટૂંકી) ઓળખાણ ન હોય તો તમને એના કામ, એની પ્રવૃત્તિ માટે ભરપૂર આદર છે એવું જેન્યુઈનલી વ્યક્ત થવું જોઈએ. બનાવટી પ્રશંસા દ્વારા નહીં પણ હૃદયના ઊંડાણ સાથે એ ભાવ પ્રગટ થવો જોઈએ. દરેકને પોતે જે કામ કરે છે, જે પ્રવૃત્તિ સાથે ગળાડૂબ છે તેનો આદર કરનારી વ્યક્તિ માટે વિશેષ ભાવ હોવાનો. આવો આદર તમારું સાધન નંબર બે બની શકે.
- તમે જે કામ કરાવવા માગો છો એ કામ જો સામેવાળી વ્યક્તિને રસપ્રદ લાગે, એમાં એને ઈન્ટરેસ્ટ પડી જાય તો જરૂર એ તમારું કામ કરી આપશે, આઉટ ઑફ વે જઈને પણ કરી આપશે. શરત એટલી કે એ કામ કરવામાં એને મઝા આવવી જોઈએ. ઈન્ટરેસ્ટ ત્રીજું ઓજાર.
- તમે એવા કોઈ સમયે એની પાસે એ કામ લઈને જાઓ જ્યારે એમને પોતાને એ પ્રકારના કામની જરૂર હોય, અથવા તો એ સમય એવો હોય જ્યારે તમને ના પાડવાથી એમને નુકસાન થાય અથવા હા પાડવાથી એમનું કશું બગડવાનું ન હોય અથવા પરિસ્થિતિ જ કંઈક એવી હોય જ્યારે એમને એમ લાગે કે આ કામ કરવાની ઑફર કરીને તમે એમના પર ઉપકાર કરી રહ્યા છો. ચોથી વાત આ થઈ - મોકો, સમયપરસ્તી અથવા તો સંજોગો - આને ધ્યાનમાં રાખીને મૂકાયેલી ઑફર.
- અને છેલ્લી વાત તો સ્વાભાવિક જ છે. તમારું કામ કરી આપવાથી એમને આર્થિક ફાયદો થતો હોવો જોઈએ. ક્યારેક આર્થિક ફાયદો કેન્દ્રમાં ન હોય તો પણ કોઈ પ્રકારે ટેન્જિબલ ફાયદો થતો હોય, દેખીતો ફાયદો થતો હોય એ જરૂરી છે.
આ પાંચમાંનું કોઈ એક કે એક કરતાં વધારે કે ક્યારેક પાંચેપાંચ હથિયાર તમે વાપરો છો ત્યારે તમારે ડૉન કૉર્લીઓનની જેમ કોઈના લમણે રિવોલ્વર મૂકાવવાની જરૂર રહેતી નથી - તમારી ઑફર, એને વાપર્યા વિના જ, સામેની વ્યક્તિ રિફ્યૂઝ નથી કરતી.
ડૉન કૉર્લીઓનના અર્લી ડેઝનો એક પ્રસંગ નૉવેલમાં (અને ફિલ્મના બીજા પાર્ટમાં) આવે છે. વિતો કૉર્લીઓન હજુ ડૉન બન્યો નથી. સીધા સાદા કામ કરીને ગુજરાન ચલાવે છે. એક દિવસ એનો પાડોશી એને ત્યાં પોટલું મૂકી જાય છે - સાચવજે આને, એવું કહીને. થોડા દિવસો પછી એ પાડોશી એને મળીને પૂછે છે, ‘મારો સામાન હજુ સાચવ્યો છે તેં?’ વિતો હા પાડે છે. ઘરે બોલાવીને એને વાઈન પિવડાવીને પોટલું પાછું આપે છે, પાડોશી પૂછે છે : ‘તેં જોયું, અંદર શું છે?’ અને વિતો ચહેરા પર કોઈ ભાવ દેખાડ્યા વિના માથું ધુણાવીને આ યાદગાર વાક્ય બોલે છે : ‘મારી સાથે નિસબત ન હોય એવી કોઈ બાબતમાં હું માથું મારતો નથી.’
પોટલામાં પિસ્તોલ હતી અને પાડોશી પીટર ક્લેમેન્ઝા ભવિષ્યમાં વિતો કૉર્લીઓન જ્યારે ડૉન બને છે ત્યારે એનો ખાસ માણસ બને છે.
આયમ નૉટ ઈન્ટરેસ્ટેડ ઈન થિન્ગસ ધેટ ડોન્ટ કન્સર્ન મી - આ વાક્યમાં મારે હિસાબે તો જગતની અને જિંદગીની અડધોઅડધ ફિલસૂફીઓ સમાયેલી છે. સિરીયાના શરણાર્થીઓ, ઈથોપિયાનો ભૂકંપ કે યુરો અને ડૉલરની સાંઠગાંઠ જેવા ડઝનબંધ સમાચારો જેની સાથે તમારે નહાવા-નિચોવવાનો ય સંબંધ નથી એ વાંચીને તમારી સવાર પડે છે. આવી કેટલીય અસંબદ્ધ વાતોમાં તમારા આખા દિવસનો કેટલો મોટો ભાગ વેડફાય છે એની ગણતરી કરી છે ક્યારે? તમારા જીવન સાથે જેને જરા સરખી નિસબત નથી એવી વાતોથી તમારું મગજ ફાટફાટ થતું રહે છે. અને એને કારણે જ જે વાતોને ખરેખર નિસબત છે એના પ્રત્યે તમે ધ્યાન નથી આપી શકતા, એના માટે પૂરતો સમય નથી આપી શકતા. એકાગ્રતા કેળવવાની ગુરુચાવી ડૉન વિશે કૉર્લીઓનના આ વાક્યમાં છે : ‘મારી સાથે નિસબત ન હોય એવી કોઈ બાબતમાં હું માથું નથી મારતો.’
ડૉન કૉર્લીઓનના મોઢે બોલાયેલું બીજું એક વાક્ય સ્વયંસ્પષ્ટ છે, કોઈ ટિપ્પણ વિના જ વાંચો : ‘મિત્રો તમારા સદ્દગુણોને હંમેશાં અંડર એસ્ટિમેટ કરે અને શત્રુઓ તમારા દુર્ગુણોને ઓવર એસ્ટિમેટ કરે એવું (તમારું વર્તન) હોવું જોઈએ.’
ન્યૂ યૉર્ક શહેરના બીજા ડૉન્સ સાથેની મીટિંગમાં ડૉન કૉર્લીઓન કહે છે સોલોત્ઝો અને પોલીસ ઈન્સ્પેક્ટરનું ખૂન કરીને ઈટલી ફરાર થઈ ગયેલો એમનો સૌથી નાનો દીકરો અમેરિકા પાછો આવી રહ્યો છે. મોટા દીકરા સનીનું મર્ડર થઈ ગયું છે એટલે બાપ હવે એકલો પડી ગયો છે.
વચેટ ફ્રેડો ગુડ ફૉર નથિંગ છે, માઈકલનું મર્ડર કરાવવાની તમારામાંથી કોઈએ હિંમત કરી છે તો ખેર નથી - એવી ગર્ભિત ધમકી આપતાં ડૉન કૉર્લીઓન કહે છે કે માઈકલને કોઈ ‘અકસ્માત’ થયો તો પણ હું તમને જવાબદાર ગણીશ અને એટલું જ નહીં એના પર આકાશમાંથી વીજળી પડી હોય તોય તમે સાલાઓ જવાબદાર છો એવું હું માનીશ અને વળતાં પગલાં લઈશ. પછી ડૉન કહે છે : ‘પોતાની સાથે થતા એક્સિડન્ટસને જે લોકો પોતાના પર્સનલ ઈન્સલ્ટ તરીકે લે છે એમની સાથે ક્યારે એક્સિડન્ટસ થતા નથી.’
ઘણી વખત જિંદગીમાં આપણી સાથે એવા ખેલ ખેલાય છે કે આપણને લાગવા માંડે કે આ નુકસાન થયું એની પાછળ સંજોગો જ એવા હતા. પરિસ્થિતિનો કે નસીબનો દોષ કાઢીને આપણે આ સંજોગો સર્જવામાં જે લોકોનો ફાળો હતો એમને બેનિફિટ ઑફ ડાઉટ આપીને છટકી જવા દઈએ છીએ. ક્યારેક એવું વિચારીને આશ્વાસન લઈએ છીએ કે ભૂલ મારી જ હતી, મેં આવું ન કર્યું હોત તો એવી કોઈ પરિસ્થિતિ ઊભી ન થઈ હોત જેનો બીજાઓ ફાયદો ઉઠાવી શકે.
આશ્વાસન માટે આવો વિચાર ઠીક છે. પણ આવું કરવાથી તમે ફરી એકવાર એ જ માણસો કે બીજાઓ તમારી જિંદગીમાં ‘અકસ્માત’ કરી શકે એવી શક્યતા ખોલી આપો છો. વિચાર કરો કે તમે ભૂલ કરી પણ જો એ ભૂલને પગલે પેલાએ સામે કોઈ પગલું ન ભર્યું હોત તો તમારી ભૂલને લીધે કદાચ કોઈ અકસ્માત ન થયો હોત. ઊંડી ખીણવાળા રસ્તે ચાલતાં તમારો પગ લપસી પડ્યો ને તમે એક ઝાડના ઠૂંઠાને પકડીને લટકતા હતા, ઉપર પાછા ચડવાની કોશિશ કરતા હતા ત્યારે કોઈ આવીને એના ખીલાવાળા બૂટ વડે તમારા હાથ છુંદી નાખે ને તમે ખાઈને તળિયે પટકાઈ જાઓ ત્યારે તમારે તમને પોતાને દોષ દઈને આ આખા કિસ્સાને એ ‘અકસ્માત’ હતો એવું કહીને આશ્વાસન નહીં લેવાનું. હું લપસ્યો જ ન હોત તો પેલાને મારા હાથ કચડી નાખવાની તક જ ન મળી હોત એ વાત સાચી પણ એના કરતાં વધારે સાચી વાત એ કે લપસ્યા પછી પણ તમે ફરી પાછા બેઠા થવાની કોશિશ કરતા હતા જે કોશિશ પેલાના ખીલાવાળા બૂટે નાકામિયાબ કરી નાખી અને તમને સાવ તળિયે ધકેલી દીધા.
જિંદગીમાં થતા ‘અકસ્માતો’ દરેક વખતે કુદરતી નથી હોતા. સહેજ ઊંડા ઉતરીને જોઈશું તો ખબર પડશે કે આમાંના કેટલાય તો માનવસર્જિત હોય છે, તમારી આસપાસના જ લોકોએ એ સર્જેલા હોય છે.
વધુ આવતા સોમવારે.
લાઈફ લાઈન :
હજારો ગુંડાઓ માસ્ક પહેરીને, હાથમાં ગન રાખીને જેટલાં નાણાં લૂંટી શકે એના કરતાં વધારે વકીલો પોતાની બ્રીફકેસ દ્વારા લૂંટતા હોય છે.
ડૉન વિતો કૉર્લીઓન (‘ગૉડફાધર‘માં)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર